ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૮૯

Published: 12th October, 2014 06:42 IST

‘મને લાગે છે કે તમે મારી વાત સમજી શકશો... મારો હેતુ સ્વચ્છ છે અને મારો ઇરાદો નેક છે.’નવલકથા - રશ્મિન શાહમાઇકલ ડગ્લસે શ્રદ્ધાથી રાંભીના ઘૂંટણ પર હાથ મૂક્યો અને પોતાની વાત આગળ વધારી, ‘આપ મારો સંદેશો ભૂપતસિંહ સુધી પહોંચાડો, જો મારી વાતમાં તમને સચ્ચાઈ લાગે અને જો મારી વાત તમારા ગળે ઊતરી હોય તો...’

ડગ્લસે વધુ એક વખત પોતાના જ શબ્દોનો પુન: પ્રયોગ કર્યો.

‘મારો હેતુ સ્વચ્છ છે, મારો ઇરાદો નેક છે...’

રાંભીએ ઊંડો શ્વાસ લીધો અને પહેલી વખત મન ખોલીને જવાબ આપ્યો.

‘જો ભાઈ, તમારા જેવું ચોખ્ખું બોલતાં તો નઈ આવડે; પણ હા, એટલું કઈશ કે તું માણા સારો છો... બોલી પરથી નથી કહેતી. વડવા કહેતા કે મીઠાબોલાથી છેટા રહેવું, પણ માનું હૃદય કહે છે કે મીઠાબોલો જો સ્વાર્થી ન હોય તો તેની પાસે રહેવામાં કંઈ ખોટું નથી... ઇરાદો નેક છે એય મને તો દેખાય છે. બાકી શું કામ તું આ ઘર સુધી સફર કરીને આવે... અમે રહીએ વાઘણિયા ને તારે રહેવાનું રાજકોટ... ને મળવાનું આપણે જૂનાગઢમાં... હું ભૂપતને કહું છું ને મારાથી જે કંઈ થાય એ બધું કરું છું, પણ મારી એક વિનંતી છે...’

રાંભી અટકી. ઇચ્છા હતી કે ડગ્લસ હવે તેની વિનંતી સાંભળવાની તાલાવેલી દેખાડે, પણ ડગ્લાસે એવી કોઈ તાલાવેલી દેખાડ્યા વિના જ જવાબ વાળ્યો.

‘વિનંતી નહીં, હુકમ કરો. મને હુકમ પણ તમારો મંજૂર છે... જો ભૂપતસિંહ જેવો મરદ માણસ સમાજમાં પાછો આવતો હોય તો હું બધું કરવા તૈયાર છું...’ ડગ્લસે પાણીનો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, ‘કહો, મારે શું કરવાનું છે...’

‘મા ક્યારેય હુકમ ન કરે દીકરા અને એમાંય જેની માએ દીકરાને આંગળીના વેઢે ગણી શકાય એટલી વાર મન ભરીને જોયો હોય તે વળી શું હુકમ કરી શકવાની...’ રાંભીએ ગળામાં અટવાયેલો ડૂમો ફરીથી પેટમાં ભર્યો અને વિનંતી કરી, ‘જો તમારી વચ્ચે મુલાકાત થાય અને એ મુલાકાત પછી વાત બને નહીં તો બેમાંથી એકેય મનમાં રાગદ્વેષ રાખતા નહીં... એવું ન થવું જોઈએ કે ભાઈબંધી માટે આગળ વધો અને આગળ વધવાનો રસ્તો ન મળે એટલે દુશ્મનીનો મારગ ખોલી નાખો.’

ડગ્લસે પૂર્ણપણે કાઠિયાવાડી બનીને રાંભીના માથા પર હાથ મૂક્યો.

‘તમારા માથા પર હાથ મૂકીને કહું છું કે અમારી વચ્ચે ભાઈબંધી નહીં થાય તો કંઈ નહીં, દુશ્મની તો ક્યારેય નહીં થાય...’ ડગ્લસના અવાજમાં શ્રદ્ધા હતી, ‘માત્ર મારી એકની વાત નથી કરતો, મારી સાથોસાથ હું ભૂપત માટે પણ આ જ કહું છું. જો વાત આગળ નહીં વધે તો તે પણ પૂરી ખાનદાની સાથે અમારી વાતને ત્યાં જ દબાવીને નવેસરથી આગળ વધશે...’

રાંભીની આંખમાં આંસુની એક બૂંદ ઝળકી ગઈ.

‘ભાઈ, તારા જેવું તેને ઓળખનારું પહેલાં જો કોઈ મળી ગયું હોત તો આજે અમારે આ દિવસો જોવા ન પડ્યા હોત...’

‘ન મળ્યાનો અફસોસ એવા સમયે ખાસ ન કરવો જ્યારે કોઈ મળી ગયું હોય.’

ડગ્લસના આ શબ્દોએ હુમાતાઈ સહિત જે કોઈ હાજર હતું એ સૌની આંખમાં પણ ઝળહળિયાં લઈ આવવાનું કામ કર્યું. બીજી પાંચ-સાત મિનિટ પછી ડગ્લસે સૌની રજા માગી. બધાનો આગ્રહ હતો કે ડગ્લસ ઘરમાં જમીને જાય, પણ તેને સમયસર રાજકોટ પહોંચવું હતું એટલે તે માત્ર દૂધનો એક ગ્લાસ પીને રવાના થઈ ગયો.

ડગ્લસની આ મુલાકાત દુનિયાની નજરથી ઢાંકવાની હતી એટલે જ તેણે મોડી રાતે રાજકોટથી નીકળીને વહેલી સવારની મુલાકાત ગોઠવી હતી. મુલાકાત કરવાનો હેતુ તો બહુ સ્પષ્ટ હતો કે તે કોઈ પણ ભોગે ભૂપતસિંહને મળવા માગતો હતો. અમદાવાદમાં ગ્લાડ સાથે થયેલી વાતચીતનું તારણ એક જ હતું કે તે ભૂપતસિંહને તાબે થવાનો કોઈ સંદેશ આપવા માટે તૈયાર નહોતા. ફોજદારની રમત પણ ગ્લાડને સમજાઈ નહોતી અને તે પોતે ફોજદારની રમતના પ્યાદા બની ગયા હતા. ફોજદારના કહેવા મુજબ તેમણે ભૂપતસિંહનાં પોસ્ટરો બનાવી આપ્યાં અને એ પોસ્ટરો જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવાં રાજ્યોમાં ચોંટાડવામાં આવ્યાં હતાં. પોસ્ટરો દીવાલો પર લાગ્યાં એ પહેલાં ડગ્લસે ભૂપતનાં બા-બાપુજી સાથે મુલાકાત કરી લીધી.

આ મુલાકાત ગોઠવવાનું કામ ડગ્લસના માણસોએ કર્યું હતું.

€ € €

અમદાવાદથી રાજકોટના આખા રસ્તે ડગ્લસના મગજમાં ગજબનાક મથામણ ચાલી રહી હતી. અત્યાર સુધી તેણે જ્યાં પણ કામ કર્યું હતું એ દરેક જગ્યાએ કામમાં એક પારદર્શકતા હતી અને એટલે જ કામને ધાર્યું પરિણામ આપી શકાયું હતું. જોકે આ વખતે કામમાં મુશ્કેલી માત્ર બહારથી જ નહોતી આવવાની, ઘરમાં પણ ઘાતકીઓ પડ્યા છે એનો અનુભવ તેને થઈ રહ્યો હતો. ગ્લાડની કચેરીમાં જે પ્રકારની વાત થઈ હતી એ વાતના આધારે માઇકલ ડગ્લસને એટલી ખાતરી થઈ ગઈ હતી કે ગ્લાડ જીભ પોતાની વાપરે છે, પણ એના પર જે શબ્દો છે એ કોઈએ મૂકેલા છે. મનમાં જન્મેલી આ શંકાના આધારે જ ડગ્લસ કચેરીનું મેદાન છોડીને જવાને બદલે થોડી વાર માટે ત્યાં રોકાયો હતો. આ રોકાણ દરમ્યાન ડગ્લસને ફોજદાર દેખાયો અને તેને આખી રમત ખબર પડી ગઈ. તેને સમજાઈ ગયું હતું કે ડાકુ ભૂપતસિંહ ચૌહાણ શરણાગતિ સ્વીકારે એ વાત સાથે ફોજદાર સહમત નથી અને એ જ કારણે તે અધિકારીઓના કાનમાં ઝેર ભરી રહ્યો છે. સંકટની પરિસ્થિતિમાં ઉતાવળો નિર્ણય લેવાથી સંકટ વધતું હોય છે. ગ્લાડ પોતાનો ઉપરી અધિકારી છે એ ભૂલી શકાય નહીં એ હકીકતને ધ્યાનમાં રાખીને ડગ્લસે મનોમન નક્કી કર્યું કે એક વખત ભૂપતસિંહને સાવ એકાંતમાં મળવું જોઈએ અને એ પછી ફોજદારની જે ખરાબ વિચારધારા છે એ પણ તેની સામે રજૂ કરવી જોઈએ. જો એવું થાય તો બની શકે કે ભૂપતને પણ તેના પર વિશ્વાસ વધે અને એ વિશ્વાસના આધારે જ તેના અને ભૂપતના સંબંધો સુધરે, જેનો સીધો ફાયદો ભૂપતને શરણે આવવાની વાતમાં મળે.

ભૂપતને મળવાનું કામ આમ તો સહેજ પણ આસાન નહોતું એ ડગ્લસને ખબર હતી એટલે તેણે ભૂપતને મળવાનો સંદેશ આપવા માટે ભૂપતના ઘરનાઓ પર પસંદગી ઉતારી. ભૂપત વિશે પૂરી માહિતી એકત્રિત કરી ચૂકેલા ડગ્લસને ખબર હતી કે ભૂપતની જિંદગીમાં પણ હિન્દુ દેવતા કૃષ્ણ જેવો ઘાટ સર્જાયો છે. ભૂપતનો જન્મ રાંભીની કૂખથી થયો, પણ આઠ વર્ષની ઉંમરે તે અનાયાસ જ હુમાતાઈ પાસે પહોંચી ગયો અને એ પછી તે હુમાતાઈને ત્યાં મોટો થયો.

‘જો વાઘણિયામાં મુલાકાત થાય તો એ સહેજ પણ બહાર આવ્યા વિના રહે નહીં... સૌથી ઉમદા વાત એ જ છે કે આ મુલાકાત જૂનાગઢમાં કરવામાં આવે અને બન્ને મધરની હાજરીમાં જ કરવામાં આવે.’

સંદેશો લઈને જનારા માણસને ડગ્લસે તાકીદ કરી હતી અને એ તાકીદનો સંદેશ લઈને જ માણસ વાઘણિયા પહોંચ્યો હતો. વાઘણિયામાં પ્રવેશેલા એ અજાણ્યા માણસને પણ રાંભીના ભાઈના સગાનું રૂપ આપવામાં આવ્યું હતું.

‘વાત તો તમારી બરાબર છે...’ ઘરમાં આવેલા અજાણ્યા શખ્સને જોઈને રાંભીને આશ્ચર્ય થયું હતું, ‘પણ મને નહોતી ખબર કે ભાભીને એક નાનો ભાઈ પણ છે...’

‘બહેન, તમે છેલ્લે ક્યારે રાજકોટ આવ્યા કે તમને એ બધું યાદ પણ હોય...’

મહેમાને જાતે જ ઘરનો દરવાજો બંધ કર્યો જે વાત રાંભીએ પણ નોંધી હતી અને તેને અજુગતું પણ લાગ્યું હતું, પરંતુ જેવો દરવાજો બંધ થયો કે બીજી જ ક્ષણે ડગ્લસના માણસે રાંભીને પોતાનું આવવાનું અસલી કારણ પણ કહી દીધું.

‘જુઓ બહેન, ડરતાં નહીં; પણ દરવાજો બંધ કરવાનું કારણ એક જ છે કે તમે સંબંધો વિશે વધુ ઊલટતપાસ કરો નહીં અને આડોશીપાડોશી મારી હાજરી નોંધે નહીં...’ રાંભીના ચહેરાની રેખાઓ તંગ થઈ કે તરત જ ડગ્લસના માણસે તેને હાથ જોડ્યા, ‘આપ કોઈ વાતનું માઠું લગાડતાં નહીં. મને અંગ્રેજસાહેબે મોકલ્યો છે અને તમારા હિતની વાત છે. માતાજીના સમ...’

‘શું વાત છે, જલદી બોલો મોઢામાંથી...’

રાંભીમાં રહેલી ક્ષત્રિયાણી જાગી ગઈ હતી. તેના ચહેરાની અવસ્થા હજી પણ તંગ હતી અને તેણે નજરથી પોતાના અને ફળિયામાં પડેલા દાતરડા વચ્ચે કેટલું અંતર છે એ પણ માપી લીધું હતું.

‘રાજકોટમાં નવા સાહેબ આવ્યા છે, ડગ્લસસાહેબ. સાહેબ એક વાર તમને મળવા માગે છે... તેમની ઇચ્છા એવી છે કે ભૂપતસિંહને જે કોઈ અન્યાય થયો છે એનો બધો બદલો તે ચૂકવે, પણ એવું પગલું લેતાં પહેલાં તે તમને એક વાર મળવા માગે છે...’ આગંતુકે વધુ એક વાર સ્પષ્ટતા કરી, ‘તમને એટલે તમને અને ભૂપતસિંહના બાપુજી બન્નેને... જુઓ, તમને બહેન કહ્યાં છે અને બહેન, સાચું કહું તો ભૂપતસિંહના અનેક ઉપકારો અમારી જ્ઞાતિ પર છે. ખોટું બોલું તો ખેતરનું અનાજ અભડાય, પણ સાહેબનો ઇરાદો સારો છે એ ચકાસણી કર્યા પછી તેમના વતી આ સંદેશો લઈને આવ્યો છું... બાકી, સિંહ માટે જીવ આપવો પડે તો એ આપનારા પણ અમારી કોમમાં પડ્યા છે.’

‘મળીનું શું કરવું છે તમારા સાહેબને?’

‘સાચું કહું તો બહેન લાંબી તો કંઈ ખબર નથી, પણ મળવામાં સહેજ પણ ખોટું નથી. માણા બિલકુલ ભગવાનના ઘરનો છે અને ભૂપતસિંહ વિશે બહુબધું જાણીને બેઠા છે. વાતું તો બહુ કરી છે એટલે એવું લાગે છે કે તમને મળીને કદાચ સિંહને કોઈ સંદેશો મોકલવા માગતા હોય...’

‘તો લઈ આવો અહીં...’ રાંભીને હવે સહેજ ધરપત થઈ હતી, ‘ઘરના દરવાજા ખુલ્લા જ છે ને દીકરાનું નામ લઈને જે કોઈ આવશે તેની મહેમાતગતિ પણ મન મૂકીને કરીશું...’

‘સાહેબ અહીં આવી શકે છે, પણ તે આવવા નથી માગતા...’

‘કેમ, તમારા સાહેબના પગમાં મેંદી મૂકી છે?!’

રાંભીના જવાબથી આગંતુક છોભીલો પડી ગયો, પણ તેણે કળવા દીધું નહીં.

‘ના, પણ સાહેબના પગમાં બેડી છે બેન...’

‘દાક્તર પાસે જઈએ ત્યારે ભાઈ મન ખોલીને અને પેટ છોડીને વાત કરવી પડે...’ રાંભી હવે સ્વભાવગત નરમાશ સાથે વાત કરી રહી હતી, ‘જો રોગને ભરી રાખો તો એમાંથી કોઈ ખુલાસો થાય નહીં...’

‘તમારી વાત સો આના સોનાની છે; પણ બેન એ વાત દરદીને લાગુ પડે, દરદીના રોગનું વર્ણન લઈને કોઈ આવ્યું હોય તેને નહીં...’

‘તો જેટલું વર્ણન ખબર છે એટલું કરી દે એટલે વાત પૂરી થાય.’

‘સાહેબ, સિંહ સાથે જે કંઈ કરવા માગે છે એ સુલેહની વાત છે, પણ એ પરવાનગી મળે એ પહેલાં સાહેબ સાવ ખાનગીમાં તમને મળવા માગે છે... સાહેબ નથી ઇચ્છતા કે આ વાતની ખબર કાળિયા ચોરને પણ પડે... એટલે જ સાહેબે મને મોકલ્યો.’

‘તમને મળવાથી વાત થોડી પૂરી થઈ જવાની છે?!’

‘ના, પણ પહેલું પગલું તો આગળ મંડાયુંને...’ ડગ્લસના શખ્સે રાંભીને સમજાવ્યું, ‘સાહેબની ઇચ્છા છે કે તમે અને સાહેબ મળો એ વાત બહાર ખબર ન પડે અને એટલે સાહેબ એવું કરવા માગે છે કે અહીં તમારા ગામમાં મળવાને બદલે તમારી મુલાકાત જૂનાગઢમાં કરવામાં આવે. ઘર તો જૂનાગઢમાં છે જ... આપ દિવસ કહો એ દિવસે સાહેબ જૂનાગઢ આવીને તમને મળીને નીકળી જશે.’

જૂનાગઢનું નામ પડતાંની સાથે જ રાંભીની આંખ સામે હુમાતાઈ, રાબિયા, અઝાન અને મીરા આવી ગયાં. જીવને થોડી શાતા વળી અને મનમાં વિચાર પણ આવી ગયો કે દીકરાને નહીં તો દીકરાની સાથે લાંબો સમય રહેનારાઓને તો મળવાની તક આ બહાને ઝડપી શકાશે. મનની આ ઇચ્છાને દબાવી રાખીને રાંભીએ એ સમયે તો જવાબ આપી દીધો કે ભૂપતના બાપુ સાથે વાત કરીને કહેણ મોકલાવી દેશું, પણ મનોમન નક્કી તો કરી જ લીધું હતું કે જૂનાગઢ જઈને એકાદ દિવસ હુમાતાઈને ત્યાં રોકાવું.

રાતે ભૂપતના બાપુ સાથે વાત થઈ. પહેલાં તો તેમને આ કોઈ વાતમાં રસ નહોતો પડ્યો, પણ જે સમયે શરણાગતિ અને સમાધાનની વાત આવી એ સમયે તેમને અધિકારીના કહેણમાં ચોક્કસ રસ પડ્યો. ખાટલા પર આડા પડખે સૂતેલા અજિતસિંહે સહમતી આપી હતી અને કહ્યું હતું કે શનિવારે સવારે નીકળવું હોય તો નીકળી જઈએ.

શનિવારે સવારે રાંભી અને અજિતસિંહ જૂનાગઢ પહોંચ્યાં તો એ જ દિવસની સંધ્યા પછી માઇકલ ડગ્લસ પણ જૂનાગઢ જવા માટે રાજકોટથી રવાના થઈ ગયા. જૂનાગઢ પહોંચ્યા પછી ડગ્લસે પોતાની મોટર છોડી અને ઘોડાગાડી કરી લીધી. સ્થાપત્યના શોખીન માઇકલ ડગ્લસને જૂનાગઢ જોવામાં તલ્લીન થવું જોઈતું હતું, પણ મનમાં ચાલી રહેલા વિચારો વચ્ચે તેને જૂનાગઢમાં કોઈ રસ પડી નહોતો રહ્યો.

હુમાતાઈને ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલાં ડગ્લસે રાંભીને બે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. આ નમસ્કારે ધારી અસર ઊભી કરી અને વાતાવરણમાં હકારાત્મકતા પ્રસરી ગઈ હતી. પોતાની વાત શરૂ કરતાં પહેલાં ડગ્લસે માફી પણ માગી લીધી હતી અને કહ્યું હતું, ‘વાત સાંભળતી વખતે જો કોઈ શબ્દ ખરાબ લાગે તો મને માફ કરજો, પણ એ શબ્દો કહેવા પાછળનો ઇરાદો સમજવાની કોશિશ કરજો. મન સાફ છે અને ઇચ્છા એક જ છે કે બે-ચાર વર્ષ પછી ફરી મળીએ ત્યારે આ ઘરમાં ભૂપત પણ બેઠો હોય અને તેની સાથે જમવા બેસવાનું હોય...’

રાંભીની આંખમાં આંસુનાં તોરણ બંધાઈ ગયાં અને હુમાતાઈનું હૈયું ભરાઈ આવ્યું. દીકરો પણ ઘરમાં બેસીને ઇજ્જતનો રોટલો જમતો હશે એવી વાતમાત્રથી અજિતસિંહના રૂંવાડાંમાં પણ રોમાંચ ભરાઈ ગયો હતો તો રાબિયા અને અઝાનને ભાઈ સાથે થયેલી ધીંગામસ્તીની જૂની વાતો આંખ સામે આવી ગઈ.

વાતોનો દોર શરૂ થયો. માઇકલ ડગ્લસની પ્રામાણિકતા તેના શબ્દોમાં સાફપણે ઊભરી રહી હતી. ડગ્લસે સહજ રીતે જ બધી વાત કહી અને ચોખવટ કરતાં કહ્યું પણ ખરું, ‘જૂની દુશ્મનીએ એક યુવાનને ખોટી દિશામાં જવા માટે મજબૂર કરી દીધો, પણ સમય આવ્યો છે તો હવે સૌ સાથે મળીને તેને સાચી દિશામાં લઈ આવીએ...’

હુમાતાઈએ તો આગળ-પાછળનો વિચાર કર્યા વિના જ કહી દીધું હતું, ‘હું તો તમારી વાત સાથે સહમત છું, મને તો છોકરો ઘરમાં પાછો જોઈએ છે...’

તાઈના શબ્દોએ રાંભીના પેટમાં આછીસરખી બળતરા જન્માવી દીધી, પણ એ સમયે તેણે કોઈ અણસાર આવવા નહોતો દીધો. ઇચ્છા થઈ હતી કે ખુલાસો કરીને કહે કે છોકરો મારો છે અને તમને ઘરમાં એ પાછો જોઈએ છે એવું બોલતાં પહેલાં મારી હાજરીનો તો વિચાર કરવો હતો...

દીકરો ઘરમાં હજી પાછો નહોતો આવ્યો ત્યાં તો દીકરા માટે બે માના હૈયે વહાલની આગ શરૂ થઈ ગઈ હતી.

માની આ આગથી બેખબર એવો ભૂપત ગીરના જંગલમાં બેઠો અંગ્રેજોને બેઆબરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

€ € €

એક સમયે જે યોજના સાવ અસ્પષ્ટ લાગી રહી હતી એ જ યોજનાને ભૂપતે વિચારોની એરણ પર સ્પષ્ટ કરવાની કોશિશ કરી હતી.

ટ્રેનમાં એવો કોઈ માલ આવવાનો છે જેને સુરક્ષા હેઠળ પોરબંદર સુધી પહોંચાડવાનો છે. માલ એટલો કીમતી છે કે એને સાચવવા માટે ખાસ બ્રિટિશ પોલીસ પણ આવે છે જે માલની સાથે અંદર રહેશે, જ્યારે બહારની બાજુથી હિન્દુસ્તાની પોલીસ એનું રક્ષણ કરશે. બસ, આટલી અમસ્તી વાત પરથી બધું શોધવાનું હતું અને એ શોધવા માટે દિમાગ કસવાનું હતું. શરીર કસવા કરતાં દિમાગ કસવાનું કામ વધુ મહેનત માગી લેતું હોય છે.

ટ્રેન, માલ, પોલીસ અને બ્રિટિશ પોલીસ.

આ ચાર શબ્દો ડાકુ ભૂપત માટે કોયડો બની ગયા હતા. આ ચાર શબ્દો ભૂપતની આંખ સામે તાંડવ કરી રહ્યા હતા અને આ ચાર શબ્દોનો ભેદ ઉકેલવાનું કામ ભૂપતે કરવાનું હતું. કાળુના આવ્યા પછી ભૂપત મોટા ભાગે એકલો રહેતો, બધા સાથે મળીને વાતો કરવાનું ટાળતો. રાતે ભજનમંડળી જામતી એમાં ભૂપત લહેરાઈને ભાગ લેતો, પણ કાળુના આવ્યા પછી ભૂપતે એ મંડળીમાં બેસવાનું પણ બંધ કરી દીધું હતું. રાતનું વાળુ પૂÊરું કર્યા પછી તે બીજલ સાથે નીકળી જતો અને પરોઢના સમયે પાછો આવતો. ચારેક દિવસ આ ક્રમ ચાલ્યો અને પાંચમા દિવસની વહેલી સવારે ભૂપતે પાછા આવીને કાળુને જગાડ્યો.

‘જલદી નિત્યક્રમ પતાવી લે, બહાર જવાનું છે...’

થોડી ક્ષણોમાં કાળુ તૈયાર થઈ ગયો. ભૂપત પહેલેથી જીપમાં તેની રાહ જોતો બેઠો હતો. કાળુ આવીને ચૂપચાપ તેની બાજુમાં ગોઠવાઈ ગયો. ભૂપતે પણ કંઈ કહ્યા વિના જીપને મારી મૂકી.

‘મુખ્ય સડક આવી ગઈ... હવે તો મોઢામાંથી કંઈક ફાટ.’ પંદર મિનિટ સુધી જીપ દોડતી રહી પણ ભૂપત કંઈ બોલ્યો નહીં એટલે કાળુને અકળામણ થઈ. સવારના ચા ન પીએ ત્યાં સુધી તેનો સ્વભાવ આમ પણ ચીડિયો રહેતો. આજે તો હજી તે નાહ્યો પણ નહોતો, ‘ક્યાં રાજકોટ જઈને વાત કરવી છે?’

‘ના, તુલસીશ્યામ જઈને...’

ભૂપતે ટૂંકો જવાબ આપ્યો એટલે કાળુએ દલીલ કરી.

‘લાંબી વાત હોય તો અહીંથી ચાલુ કરી દે... તુલસીશ્યામ પહોંચીશું ત્યાં સુધીમાં વાત પૂરી થઈ જશે.’

‘વાત ટૂંકી કે લાંબી નથી... વાત વજનવાળી છે.’

‘તું ને તારો આ કોયડો...’ કાળુ ચાલુ જીપે જ પાછળની બેઠક તરફ ગયો, ‘વાત કરવાનું મન થાય ત્યારે જગાડી દેજે... હું તો લંબાવું છું અહીં.’

ભૂપતે જીપના અરીસામાંથી પાછળની બેઠક પર સૂવાની તૈયારી કરતા કાળુની સામે સ્મિત કર્યું એટલે કાળુએ તેની સામે મોઢું વાંકું કર્યું. ભૂપતને ખબર હતી કે અત્યારે જે કાળુ અકળાઈને મોઢું બગાડે છે એ જ કાળુનું મોઢું તુલસીશ્યામ પહોંચ્યા પછી અધખુલ્લું રહી જવાનું છે.

€ € €

‘વાત તો તમારી સો આના સાચી, પણ ભૂપતને આ મુલાકાત માટે તૈયાર કરવાની જવાબદારી કોણ લેશે?’

ડગ્લસના રવાના થયા પછી રાંભી અને હુમાતાઈથી લઈને સૌ કોઈના મનમાં આ એક જ વાત ઘૂમરાઈ રહી હતી. ભૂપતને સંદેશો કેમ પહોંચાડવો એના માટે ખાસ કોઈ ફિકર નહોતી. ભૂપતની બન્ને માને ખબર હતી કે ભૂપત સુધી સમાચાર પહોંચાડવાનું કામ કરનારા ખબરીઓ ખાનગીમાં આવીને તેમની તબિયતના સમાચાર પણ લઈ જતા અને ભૂપતને એ પહોંચાડી દેતા. હા, એ વાત જુદી હતી કે ભૂપતના બાપુ ઘરમાં હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી એ લોકો ઘરમાં આવવાનું ટાળતા, પણ તેમની ગેરહાજરીમાં રાંભી પાસેથી બધી માહિતી લેવામાં આવતી. સામાન્ય રીતે તો ખુશીખબર હોય. એક વખત રાંભીએ ભૂપતના આ માણસોના હાથે તેને ચૂરમાના લાડુ મોકલ્યા હતા. ભૂપતે લાડુનો અનાદર નહોતો કર્યો, પણ બીજા દિવસે તેણે માને કહેણ મોકલ્યું હતું.

‘બાપુની ગેરહાજરીમાં દર્શાવવામાં આવેલો આ પ્રેમ હવેથી તારી પાસે જ સાચવી રાખજે. જે ઘડીએ બાપુની લાગણી સંતોષી શકાતી હશે એ સમયે ઘરમાં આવીને લાડુ નહીં, પ્રેમથી ગરમાગરમ ચૂરમું જમીશ...’

દીકરાને સંદેશો પહોંચાડવાનું કામ સહેજ પણ અઘરું નહોતું એ તો સૌ જાણતા હતા, પણ આ સંદેશો એવો નહોતો જે તેના માણસો સાથે કહેણના રૂપમાં મોકલી શકાય. આ વાત કરવા માટે ભૂપતનું પોતાનું સામે હોવું બહુ જરૂરી હતું અને એ પણ એવી વ્યક્તિની સામે હોવું બહુ જરૂરી હતું જેના શબ્દો ઉથાપવાનું કામ ભૂપત માટે અશક્ય હોય. મનની મૂંઝવણ જીભ પર ત્યારે જ આવતી હોય છે જ્યારે મૂંઝવણનો રસ્તો મળતો નથી હોતો. જૂનાગઢમાં કંઈક એવી જ હાલત હતી. બે મા અને બે દીકરી સહિત બાપુની પણ મનોદશા એવી જ હતી કે ભૂપતને કઈ રીતે ડગ્લસને મળવા સુધી લઈ આવવો અને મળ્યા પછી માઇકલ ડગ્લસે કહ્યું હતું એ રીતે શરણાગતિનો રસ્તો અપનાવવા માટે પણ તેને સમજાવવો.

 ‘વાત તો તમારી સો આના સાચી પણ... ભૂપતને આ મુલાકાત માટે તૈયાર કરવાની જવાબદારી કોણ લેશે?’

મૂંઝવણ ફરી-ફરીને આ એક જ સવાલ પર આવીને ઊભી રહી જતી હતી અને આ મૂંઝવણનું કોઈ સમાધાન જડી નહોતું રહ્યું.

‘મને તો લાગે છે મા કે તમે જ ભાઈ સાથે વાત કરો એ બહેતર છે.’ રાબિયાએ રાંભીને કહ્યું, ‘ભાઈ તમારી વાત માનશે પણ ખરા અને નહીં માને તો તમે જીદ કરીને પણ તેને મનાવી શકશો...’

‘જીદથી જો વાત પૂરી થતી હોત તો આજે આ દિવસ જોવાનો સમય ન આવ્યો હોત...’ રાંભીએ ત્રાંસી આંખે પતિ સામે જોઈ લીધું, ‘એક નહીં અનેક વખત અને અનેક બાબતમાં જીદ કરી હતી, પણ એ જીદને આંખે ધરનારું કોઈ હતું નહીં...’

અજિતસિંહ રાંભીનો કહેવાનો ભાવાર્થ સમજી ગયા હતા. તેમણે પણ પોતાનું મન હળવું કરી લીધું, ‘જીદ જો સચ્ચાઈની હોય તો એને પકડવી નથી પડતી અને જો એમાં અસત્યનો સાથ હોય તો એને રોકવાનો કોઈ અર્થ નથી સરતો...’

હુમાતાઈએ વાતને આડે પાટે ચડતાં અટકાવી બન્નેને મૂળ વાત પર લાવવાની કોશિશ કરી.

‘અત્યારે આપણી વાત એ છે કે ભૂપતને કઈ રીતે આ બાજુએ વાળવો...’ હુમાતાઈએ વાતાવરણમાં લાગણીનું સત્વ પણ ઉમેર્યું, ‘મને તો લાગે છે કે રાંભીબેન તમે અને બેય દીકરીઓ જઈને તેને સમજાવો. દીકરો વાત નહીં સાંભળે તો ભાઈ વાત માનશે ને ભાઈનું મન કોચવાશે તો દીકરાની લાગણી કામ લાગશે...’

‘એવું કરવાની જરૂર નથી...’ અજિતસિંહે વચ્ચે ટકોર કરી. તેમની ટકોરમાં પ્રેમનું પ્રમાણ હતું, ‘આટલા લોકોએ જવામાં જોખમ છે... તમારા સૌ પર પણ અને... તેના પર પણ...’

પતિએ દીકરાનું નામ બોલવાનું ટાળ્યું એ રાંભીએ નોંધ્યું, પણ નામ લીધા વિના પણ તેમણે લાગણીનો ઓચ્છવ દર્શાવ્યો એ વાત પણ તેની નજરમાં હતી.

‘બેઠા-બેઠા ટકોર કરો છો એના કરતાં કંઈક સુઝાવ આપો તો રસ્તો મળે...’

‘હં...’

અજિતસિંહના ઊંહકારા સામે પણ રાંભીએ પ્રેમભર્યો છણકો કર્યો, ‘જવાબ આપો જવાબ... દીકરાને ઘરે લઈ આવવો છેને, દીકરાની વહુના હાથના રોટલા ખાવા છે કે નઈ?!’

ભૂપત ખેતરથી આવે અને હાથ-મોં ધોઈને થાળી પર બેસે એવું આછુંસરખું દૃશ્ય બાપુ સામે આવી ગયું અને આંખ સામે આવી ગયેલું દૃશ્ય આંખમાં ઊમટી પડેલાં આંસુઓ વચ્ચે ભીનું પણ થઈ ગયું. આંખની એ ભીનાશને ક્યાં ખબર હતી કે જે દીકરાને અંગ્રેજ સરકારને સુપરત કરીને શાંતિનો રોટલો ખાવાનું સપનું જોવામાં આવે છે એ જ દીકરો અત્યારે અંગ્રેજ સરકારને સાણસામાં લેવાના કામની એ દિશામાં આગળ વધી રહ્યો છે જે રસ્તા પર માત્ર મોત તેની રાહ જોઈ શકે.

€ € €

‘અલ્યા, આમ જીપ ઊભી રાખવાની હોય...’

પાછળની બેઠક પર સૂઈ રહેલા કાળુને જોરથી ધક્કો લાગ્યો અને તે બેઠક પરથી સરકી ગયો. અચાનક આંખ ખૂલી જવાથી તે ભડકી ગયો હતો અને તેણે પોતાની ભડાસ ભૂપત પર કાઢી હતી.

‘દાનત નહોતી ચલાવવાની તો કહેવું હતુંને મોઢામાંથી... હું જીપ ચલાવી લેત...’

ભૂપત કશું જ બોલ્યા વિના જીપમાંથી નીચે ઊતર્યો એટલે મનમાં જ ભૂપતને ગાળો ભાંડતો કાળુ પણ તેની પાછળ નીચે ઊતર્યો. ભૂપતના પગમાં ઝડપ હતી. કાળુના મનમાં હતું કે તે તુલસીશ્યામના મંદિર તરફ જશે, પણ એવું બન્યું નહીં અને ભૂપત મંદિરની વિપરીત દિશામાં આગળ વધ્યો. કાળુએ પણ તેના પગની ઝડપ વધારી. મંદિરથી વિપરીત દિશામાં સો ડગલાં ચાલ્યા પછી એક ખેતર આવતું હતું. ખેતરમાં ઘાસ ઉગાડવામાં આવ્યું હતું. ઘાસનું કદ એક માથોડા ઊચું થઈ ગયું હતું. જો સામાન્ય ઊંચાઈ ધરાવતો કોઈ માણસ એમાંથી પસાર થતો હોય તો પારખી ન શકાય કે તે આ ઘાસ વચ્ચે ક્યાં ગુમ થઈ ગયો. જોકે ભૂપતની ઊંચાઈને કારણે તે નરી આંખે જોઈ શકાતો હતો; પણ હા, કાળુ આ ઘાસ વચ્ચે નજરે ચડતો નહોતો.

બે હાથથી ઘાસને દૂર હટાવતો ભૂપત આગળ વધી રહ્યો હતો, જ્યારે કાળુ રીતસર હવે તેની પાછળ દોડતો હતો. ઘાસની ઊંચાઈ અને વાતાવરણમાં રહેલો સ્મશાનવત્ સન્નાટો કાળુને સાવચેત રહેવા માટે પ્રેરી રહ્યો હતો. કાળુએ પગમાં ગતિ રાખીને જ પોતાના પાટલૂનના ખિસ્સાના પાછળના ગજવામાંથી રિવૉલ્વર બહાર કાઢી લીધી અને એ મુઠ્ઠીની પકડ એ રિવૉલ્વરમાં ઉમેરી દીધી.

‘હજી કેટલું જવાનું છે?’

‘કેમ, સવારમાં પગ થાકી ગયા?’

ભૂપતે ટકોર કરી એટલે કાળુની કમાન ફરી એક વાર છટકી.

‘એય સાલા, તું આટલું બધું વાતમાં મોણ નહીં નાખ... મોઢામાંથી ફાટ ક્યાં જઈએ છીએ...’

‘જ્યાં જઈએ છીએ ત્યાં તારા ચહેરાની રોનક સાચવી રાખી છે.’

‘શું વાત કરે છે?!’ કાળુ દોડીને ભૂપતની પાસે પહોંચી ગયો, ‘મંજુ પાસે મને લઈ જાય છે?!’

‘હેં!?’ ભૂપતની આંખો ઝીણી થઈ ગઈ, ‘શું બકવાસ કરે છે તું?’

‘કેમ, તેં તો કહ્યું... તેં મારા ચહેરાની રોનક સાચવી રાખી છે...’ ભૂપતના ઉદ્ગારની સામે કાળુએ તરત જ ચોખવટ કરી, ‘મંજુને જોઉં ત્યારે મારા ચહેરાની રોનક આવી જતી... મને એમ કે મંજુ પાસે જતા હશું.’

‘આજકાલ બહુ ફાલતુ વાતમાં તને હસવાનું સૂઝે છે.’ ભૂપતે ફરી પગ ઉપાડ્યા, ‘કોઈક દિવસ તારા આ હસાવવાના ચક્કરમાં જ તું રડવાનો છે.’

‘વિચાર જો સારો હોય તો એ રસ્તે આવનારું મોત પણ મંજૂર છે સરદાર...’

ભૂપતે ચાલતાં-ચાલતાં જ કાળુના માથા પર ટપલી મારી લીધી, ‘ભાથીજી મહારાજનો આત્મા ક્યારથી તારામાં આવ્યો?’

‘જ્યારથી આ શરીર ભાડે આપવાનું શરૂ કર્યું ત્યારથી...’

એ જ સમયે કાળુની નજર સામે આવી ગયેલી એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીની બહાર બે માણસો બેઠા હતા. ભૂપતને જોઈએ એ બન્ને માણસો અદબ સાથે ઊભા થયા અને ઝૂકીને ભૂપતને સત્કાર આપ્યો. ભૂપત કંઈ બોલ્યા વિના ઝૂંપડીના દરવાજા પાસે આવ્યો એટલે એક માણસે ઝૂંપડીનો દરવાજો ખોલી આપ્યો. ભૂપત અંદર દાખલ થયો. ભૂપતની પાછળ કાળુ પણ અંદર પ્રવેશ્યો અને અંદરનું દૃશ્ય જોઈને તેના ચહેરાનું નૂર ઊડી ગયું...

‘ભૂપત... આ...’

ભૂપતના ચહેરા પર વિજયી સ્મિત હતું.

 (વધુ આવતા રવિવારે)

€€€€€€


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK