કયાં-કયાં છે જગતનાં ટૉપ ટેન ટૉલેસ્ટ સ્ટૅચ્યુ?

Published: Nov 09, 2014, 07:00 IST

ઊંચાઈને કારણે છેલ્લા એક વર્ષથી દુનિયાભરમાં ચર્ચિત રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે જાણીએ કે..., સાધુદ્વીપ પર સ્થાપિત થનારી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ટોટલ ઊંચાઈ અત્યારના સૌથી ઊંચા પૂતળાથી ૧૦૦ ફૂટ વધુ છે તો અતિપ્રખ્યાત સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીથી ઑલમોસ્ટ ડબલ
સ્પેશ્યલ સ્ટોરી - અલ્પા નિર્મલ

શુક્રવારે ૩૧ ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર બંધ પાસે બનનારા સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ થનારા શ્રેષ્ઠ ભારત ભવનનો શિલાન્યાસ કયોર્. એ સાથે એ દિવસે જ લોહપુરુષની પ્રતિમા બનાવવાનું કાર્ય પણ શરૂ થયું. આમ તો ગુજરાતનાં મુખ્ય પ્રધાને આ પ્રોજેક્ટ માટે લાર્સન ઍન્ડ ટુબ્રોને પસંદ કરી સમસ્ત યોજનાને પહેલાં જ લીલી ઝંડી આપી દીધી હતી અને આમ ચાર વર્ષ પહેલાં ૨૦૧૦ના ઑક્ટોબરમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી અંતર્ગત ૨૯૭૯ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું ૪૮ મહિનાના ગાળામાં ભારતમાં પ્રસ્થાપિત થશે.

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાથી સાડાત્રણ કિલોમીટરના અંતરે સરદાર સરોવરમાં ઊભું થનારું ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટૅચ્યુ ૧૮૨ મીટર ઊંચું થશે. સાથે એ ૫૮ મીટર ઊંચા બેઝ લેવલ પર રખાતાં ટોટલ સ્ટ્રક્ચર ૨૦૦ મીટર ઊંચું થશે. એ અમેરિકાના વર્લ્ડનું ફેમસ-સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીની ડબલ ઊંચાઈનું તો હશે જ, સાથે વિશ્વની અનેક ઊંચી પ્રતિમાઓથી પણ વધુ ઊંચાઈ ધરાવી વર્લ્ડનું મોસ્ટ ટૉલેસ્ટ સ્ટૅચ્યુ બની રહેશે. વેલ તો આ અવસરે જાણીએ દુનિયાનાં અત્યારનાં ટૉપ-ટેન ટૉલેસ્ટ સ્ટૅચ્યુ વિશે...

સ્પ્રિંગ ટેમ્પલના બુદ્ધ - ચીન

ચીનના હેનાન પ્રાંતના લુશાન કાઉન્ટીની ઝાઉકુન ટાઉનશિપમાં આવેલા સ્પ્રિંગ ટેમ્પલમાં ઊભી બુદ્ધની મૂર્તિ ૧૫૩ મીટરની છે જે સ્ટૅચ્યુ ઑફ યુનિટીથી ઑલમોસ્ટ ૧૦૦ ફૂટ નીચી છે. ઈ. સ. ૨૦૦૨માં બનેલી આ મૂર્તિમાં કમળની ૧૧૦૦ પાંખડી પર વિશિષ્ટ મુદ્રામાં બુદ્ધ ભગવાન ઊભા છે. ૨૫ મીટરના પેડસ્ટલ પર રખાયેલી આ પ્રતિમા અત્યારે દુનિયાની ટૉલેસ્ટ મૂર્તિ છે.

લે ક્યુન સેત્ક્યાર બુદ્ધ - બર્મા

પહેલાં બ્રહ્મદેશ તરીકે જાણીતા બર્માના મોનીવા સેગિંગ વિસ્તારમાં ૧૩.૫ મીટરના સિંહાસન પર ધ્યાનમુદ્રામાં ૧૩૦ મીટરના બુદ્ધ સ્થાપિત કરાયા છે. ૨૦૦૮માં બનેલી આ મૂર્તિમાં લિફ્ટ દ્વારા ૮૯ મીટર ઊંચે જઈ શકાય એવી વ્યવસ્થા છે. આ જ કૅમ્પસમાં ૮૯ મીટરના લાઇંગ બુદ્ધની મૂર્તિ પણ છે.

અમિતાભ બુદ્ધ - જપાન

જપાનના ઇબારકી પ્રાંતના ઉશિકુ શહેરમાં ઊભા ૧૨૦ મીટર ઊંચા આર્શીવાદ આપતા અમિતાભ બુદ્ધ છે. ના ના, બચ્ચન-ફૅમિલી સાથે તેમને કોઈ કનેક્શન નથી. અમિતાભ બુદ્ધ તો બુદ્ધ ભગવાનના વિવિધ અવતારનું એક સ્વરૂપ છે.

જોકે સ્થાનિકો એને ઉશિકુ દાઇબુત્સુ તરીકે વધુ ઓળખે છે. ૧૯૯૩માં સ્થાપિત થયેલા આ સ્ટૅચ્યુમાં ટોટલ ૪ લેવલ સુધી એલિવેટર્સ દ્વારા જઈ શકાય છે જેમાં પહેલા લેવલ પર ધાર્મિક મ્યુઝિક, બીજા લેવલે સ્ટડીઝનું ડિવિઝન અને ત્રીજા લેવલ પર બુદ્ધની નાની-મોટી ૩૦,૦૦૦ પ્રતિમાઓ છે. ચોથું લેવલ ઑબ્ઝર્વેશન ડેક છે.

ગુઆન યીન ઑફ ધ સાઉથ સી ઑફ સાન્યા - ચીન

૩ દિશામાં ૩ ફેસ ધરાવતી ગુઆન યીન દેવીની પ્રતિમા ચીનના હેનાન પ્રાંતમાં સાન્યા પાસે ચાઇના સીના સાઉથ કોસ્ટ પર સ્થિત છે. દરિયાઈ પાણીમાં ઊભેલા આ સ્ટૅચ્યુને બનતાં ૬ વર્ષ લાગ્યાં હતાં અને એ ૨૦૦૫માં તૈયાર થઈ હતી. પ્રતિમાનો એક ચહેરો જમીન તરફ અને અન્ય બે ચહેરા સમુદ્ર તરફ રાખવાનો હેતુ એ છે કે સર્વે દિશાએ દેવીના આર્શીવાદ પ્રસરે. અહીં નજીકમાં નાન્શન ટેમ્પલ પણ છે જે બુદ્ધધર્મીઓનું શ્રદ્ધેય સ્થાન છે.

એમ્પરર્સ ઑફ યાન ઍન્ડ હુંગ - ચીન

દુનિયાના ટૉલેસ્ટ સ્ટૅચ્યુના ટૉપ-ટેનના લિસ્ટમાં ચાર ચીનમાં આવેલાં છે જેમાં યાન અને હુંગ નામના ચાઇનીઝ એમ્પરરનું સ્ટૅચ્યુ અત્યાર સુધી પાંચમા ક્રમાંકે છે. અતિલોકપ્રિય એવા દેશના આ બે રાજાઓનાં આખાં સ્ટૅચ્યુ નથી, પણ ફક્ત ધડ સુધીનો જ ભાગ છે. જોકે એને એ રીતે કંડારાયો છે કે એક ડુંગરની ટોચનો એ ભાગ લાગે. હેનાન પ્રાંતના હેંગ્ઝોઉમાં આવેલાં આ બે પૂતળાં બનાવવાનું કામ ૨૦ વર્ષ સુધી ચાલ્યું અને ૨૦૦૭માં પૂરું થયું. રાષ્ટ્રના રાજકારણ અને ઇકૉનૉમીનું પ્રતિનિધિત્વ કરતાં આ પૂતળાં એવાં વિરાટ છે કે એની આંખો ૩ મીટર પહોળી અને નાક ૬ મીટર લાંબું છે.

સેન્દાઈ દાઈકૅનન - જપાન

૧૯૯૧માં જપાનના મિયાગી પ્રાંતમાં સેન્દાઈમાં આવેલી દેવીની પ્રતિમા ૧૦૦ મીટર ઊંચી છે. બોદ્ધિસત્વનું નિરૂપણ કરતી આ મૂર્તિના જમણા હાથમાં ઝવેરાત અને ડાબા હાથમાં પાણીનું પાત્ર છે. આ સ્થળ જૅપનીઝ બુદ્ધિસ્ટોમાં અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે.

ગ્વિશાન ગ્વાનયીન ઑફ ધ થાઉઝન્ડ હૅન્ડ્સ ઍન્ડ આઇઝ - ચીન

૧૦૦૦ હાથ અને આંખો ધરાવતી અવલોકિતેશ્વરાના સ્વરૂપે સ્થિત આ દેવીની મૂર્તિ ચીનના હુનાન પ્રાંતમાં ચાંગશા ખાતે છે. ૯૯ મીટરની આ મૂર્તિ બ્રૉન્ઝની છે અને એને ૨૦૦૯માં સ્થાપિત કરાઈ છે.

પીટર ધ ગ્રેટ સ્ટૅચ્યુ - રશિયા

રશિયન નેવીનાં ૩૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૯૯૭માં બનાવવામાં આવેલું પીટર ધ ગ્રેટનું સ્ટૅચ્યુ રશિયાના પાટનગર મૉસ્કોમાં મૉસ્કાવા નદી અને વુદુત્વોની કનૅલના સંગમ પર છે. ૪૩ વર્ષ સુધી દેશમાં રાજ્ય કરનાર શાસક પીટરનું સ્ટૅચ્યુ ૧૦૦૦ ટનનું છે જેમાં ૬૦૦ ટન જેટલી સ્ટીલ, બ્રૉન્ઝ અને કૉપર જેવી ધાતુ વપરાઈ છે.

ગ્રેટ બુદ્ધ ઑફ થાઇલૅન્ડ

બૌદ્ધ ધર્મમાં બુદ્ધની વિવિધ મુદ્રાઓની વિશાળકાય મૂર્તિઓ બનાવવાનું ચલણ વધુ હશે એ ન્યાયે બહુધા બૌદ્ધ ધર્મ પાળતા થાઇલૅન્ડનિવાસીઓએ પણ ૨૦૦૮માં ઍન્ગ થૉન્ગ પ્રાંતમાં ગૌતમ બુદ્ધની બેસેલી મુદ્રામાં પ્રતિમા સ્થાપિત કરી. સિમેન્ટની બનેલી અને એના ઉપર ગોલ્ડ પેઇન્ટ કરેલી આ મૂર્તિ ૯૨ મીટર લાંબી અને ૬૩ મીટર પહોળી છે.

સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી છેક ચાલીસમા ક્રમાંકે

ન્યુ યૉર્કના બારામાં લિબર્ટી આઇલૅન્ડ પર ઊભેલી સ્વાતંત્ર્યદેવીની મૂર્તિ ૪૬ મીટરની છે જે અમેરિકાનું સૌથી ટૉલેસ્ટ સ્ટૅચ્યુ છે, પણ વર્લ્ડ-લેવલ પર છેક ૪૦મા ક્રમાંકે છે.

ઇન્ડિયા કી હાઇટ ક્યા હૈ?

આપણા દેશની વાત કરીએ તો હૈદરાબાદ પાસે ક્રિષ્ના જિલ્લામાં ૧૩૫ ફૂટના હનુમાન અત્યારે પ્રથમ ક્રમાંકે છે જે દુનિયાભરમાં સૌથી ઊંચા હનુમાન છે. બીજા નંબરે હિમાચલ પ્રદેશમાં રેવલસર લેક પર આવેલા બુદ્ધના અવતાર પદ્મસંભવની ૧૨૩ ફૂટની મૂર્તિ છે જે સમુદ્રતળથી ૪૦૦૦ ફૂટ ઊંચે છે. ભારતના સૈથી ઊંચા શંકર ભગવાન કર્ણાટકના મુરુડેશ્વરમાં અરબી સમુદ્રના કાંઠે છે જેમની ઊંચાઈ ૧૨૨ ફૂટ છે, તો ૨૦૦૪માં સિક્કિમના નામચીમાં સ્થાપિત થયેલા પદ્મસંભવ (બુદ્ધ)ની પ્રતિમા ૧૧૮ ફૂટ છે.

લોકવાયકા પ્રમાણે મૂચ્છિર્‍ત થયેલા લક્ષ્મણ માટે ઔષધિ લેવા હનુમાન જ્યાં ગયેલા એ સ્થળે એટલે પ્રવાસન-સ્થળ શિમલામાં ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનની મૂર્તિ છે. તો ઉત્તરાંચલના પાટનગર દેહરાદૂનના ક્લેમેન્ટ ટાઉનમાં કાગયુ મૉનેસ્ટ્રી ખાતે સ્ટૅન્ડિંગ બુદ્ધની ૧૦૭ ફૂટ ઊંચી પ્રતિમા ભારતના લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. મહારાષ્ટ્રના નંદુરા નામના નાનકડા ગામમાં હનુમાનની ૧૦૪ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ છે. તો અતિપ્રખ્યાત હરિદ્વારના હરકી પૌડી પર બિરાજમાન શંકર ભગવાન ૧૦૦ ફૂટ ઊંચા છે. આપણે ત્યાં ભગવાનની મહામૂર્તિઓ ઘણી જોવા મળે છે ત્યારે તામિલનાડુ સરકારે કન્યાકુમારીમાં ત્રણ સાગરના ત્રિભેટે જાણીતા કવિ અને ફિલોસૉફર થિરુવલ્લુવરની પ્રતિમા મૂકી સાહિત્યનું સન્માન કર્યું છે.

કોલ્હાપુરના ૮૫ ફૂટના પાંચ નાગની ફણા ધરાવતા ચિન્મય ગણાધીશ હાલમાં ઊંચાઈના મામલે ભારતમાં દસમા ક્રમાંકે બિરાજે છે.

ચમકારા

૧૯૮૩માં કર્ણાટકના શ્રવણબેલગોડા ખાતે પ્રતિષ્ઠિત બાહુબલિની મૂર્તિ દુનિયાની એકમાત્ર એક જ પથ્થરમાંથી ઘડેલી અને ફ્રી સ્ટૅન્ડિંગ પ્રતિમા છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ૫૦૦ ફૂટ ઊંચા બુદ્ધનું સ્ટૅચ્યુ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જે વિશ્વના સૌથી ટૉલેસ્ટ બુદ્ધ હશે.ુ

દાઈ કેનન ઑફ કિતા - જપાન અને ગ્રૅન્ડ બુદ્ધ ઍટ લિન્ગ શાન - ચીન

દસમા ક્રમાંકે આવતી આ બેઉ મૂર્તિઓની હાઇટ ૮૮ મીટરની છે. જપાનના હોકૅઇડોના મિયાકો પાર્કમાં કિતાદેવીની મૂર્તિ ૧૯૮૯માં બની છે તો ચીનના વુક્સીમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા ૧૯૯૬માં બની હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK