Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > દેશના દરેક બાળકને સત્વશીલ ને હેલ્ધી બનાવવા માગે છે આ મહિલા

દેશના દરેક બાળકને સત્વશીલ ને હેલ્ધી બનાવવા માગે છે આ મહિલા

09 November, 2014 07:14 AM IST |

દેશના દરેક બાળકને સત્વશીલ ને હેલ્ધી બનાવવા માગે છે આ મહિલા

દેશના દરેક બાળકને સત્વશીલ ને હેલ્ધી બનાવવા માગે છે આ મહિલા





આ ગુજરાતીને સલામ કરો - રુચિતા શાહ

ડિઝાઇનર ડ્રેસ વિશે સાંભળ્યું હશે, ડિઝાઇનર ઘર વિશે સાંભળ્યું હશે; પરંતુ બાળક પણ ક્યારેય ડિઝાઇનર હોઈ શકે? જવાબ છે હા. હોઈ જ શકે. તમે તમારા બાળકને જે બનાવવા માગતા હો, જે પ્રકારના સંસ્કાર તમે તમારા બાળકમાં ઇચ્છતા હો એ બાબતોને ધ્યાનમાં રાખીને બાળકનું પ્લાનિંગ કરવામાં આવે તો એ શક્ય છે. એ કરવાનું માધ્યમ છે ગર્ભસંસ્કાર. આ પદ્ધતિ આજની શોધ નથી, સદીઓ પહેલાં આપણા •ષિમુનિઓએ આપેલા ગ્રંથમાં આ પદ્ધતિનો ઉલ્લેખ છે. બાળકના જન્મ માટે થનારા ગર્ભાધાનનો સમય, નક્ષત્ર, ચોઘડિયું અને એવી સેંકડો બાબતોનું ધ્યાન રાખીને જો આગળ વધવામાં આવે અને એ સાથે ગર્ભમાં જ બાળક સાથે તમે તેને જેવું બનાવવા ઇચ્છો છો એના આદશોર્નો સંવાદ સાધવામાં આવે તો તમારું બાળક જન્મ થયા પછી તમે ધાર્યું હતું એવું જ થશે. એનો સાક્ષાત્કાર છેલ્લાં ૩૩ વર્ષથી ગર્ભસંસ્કાર વિશે જાગૃતિ લાવીને દેશના પ્રત્યેક બાળકને તંદુરસ્ત અને બૌદ્ધિક બનાવવાના પ્રયત્નો કરી રહેલાં પ્રીતિ ઝવેરીને થયો છે. પ્રીતિ ઝવેરીનું ગર્ભસંસ્કાર નામની પદ્ધતિ સાથે જોડાણ કેવી રીતે થયું, તેમની કાર્યપ્રણાલી શું છે અને દરઅસલ આ પદ્ધતિ છે શું એ વિશે વિસ્તારથી જાણીએ.

પ્રેરણા ક્યાંથી મળી?

સાંતાક્રુઝમાં જ જાણે પોતાનું નાનકડું વિશ્વ મેળવી લેનારાં પ્રીતિબહેનનો જન્મ, ઉછેર, ભણતર અને લગ્ન પણ પોતે જે વિસ્તારમાં રહેતાં હતાં એની આજુબાજુમાં જ થયાં છે. તેઓ કહે છે, ‘નાનપણથી હું ખૂબ જ ડિફરન્ટ રહી છું. રહેવાનું ટૉમબૉય જેવું હતું, પરંતુ મને નજીકથી ઓળખનારા લોકોને ખબર હતી કે મને આધ્યાત્મિકતા ખૂબ ગમે છે. મારા બહુ વહેલાં મારાં લગ્ન થઈ ગયા. લગ્નના બીજા જ વર્ષે પહેલા બાળકનો જન્મ થયો. મને વાંચનનો શોખ હતો. મારી મેમરી શાર્પ હતી. એટલે ગૃહસ્થીમાં લાગ્યા પછી પણ વાંચન તો ચાલુ જ હતું. છ વર્ષ પછી બીજા બાળકનો જન્મ થયો. મારો નાનો દીકરો જન્મ્યો ત્યારથી જ ખૂબ નબળો હતો. તેની તબિયત નાજુક રહેતી હતી. એક માતા તરીકે સ્વાભાવિક જ મને તેની બહુ ચિંતા રહ્યા કરતી હતી. ધીમે-ધીમે મેં એની પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું. બાળઉછેરને લગતાં, બાળકના જન્મને લગતાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એમાં ક્યાંક મને ગર્ભસંસ્કાર વિશે વાંચવામાં આવ્યું. એવું કંઈક આગળ પણ સાંભળ્યું કે વાંચ્યું હતું. કોને ખબર કેમ પણ કોઈક રીતે મારી ગાડી ત્યાં જ આવીને અટકી ગઈ. એ શબ્દ તરફ મને આકર્ષણ થયું. મેં ધીમે-ધીમે ગર્ભસંસ્કાર વિશે જાણવાના પ્રયત્નો કર્યા. શિવપુરાણ, ઉપનિષદ, ગીતા જેવાં ધાર્મિક; આયુર્વેદિક અને મેડિકલને લગતાં લગભગ ૫૦થી વધુ ચાર-ચાર વૉલ્યુમનાં પુસ્તકો હું વાંચી ચૂકી હતી. ધીમે-ધીમે ગર્ભસંસ્કાર અને સાયન્સ, ગર્ભસંસ્કાર અને ધર્મ, ગર્ભસંસ્કાર અને આયુર્વેદ, ગર્ભસંસ્કાર અને નાડીશાસ્ત્ર જેવાં અનેક શાસ્ત્રો સાથે હું એને જોડી શકી. વિષયનું ઊંડાણ આવતાં કેટલાક એક્સપર્ટ્સને મળીને મારી સમજ અને વાંચેલા જ્ઞાનને ટૅલી કરવાનું શરૂ કર્યું. આખી પ્રોસેસમાં ખરેખર જીવ રેડીને મચી પડી હતી. હું જે કંઈ વાંચતી હતી એની અસર મેં મારા બાળક પર જોઈ હતી. મારી પૉઝિટિવિટી અને અમુક પ્રયોગોને કારણે મારું બાળક તંદુરસ્ત થઈ રહ્યું હતું. એમાં મારાં દાદીએ કેટલાક ઘરેલુ નુસખાઓ આપ્યા હતા એ પણ ઉમેરી દીધા હતા, જેને કારણે મારું બાળક હેલ્ધી થયું. બીજી બાજુ ઇમોશનલ લેવલ પર મારી પાસે કેટલીક મહિલાઓ કાઉન્સેલિંગ માટે આવતી હતી. એમાં અનેકના મોઢે તેમને બાળક ન થતું હોય એની પીડા મેં સાંભળી હતી. એટલે મને વિચાર આવ્યો કે પ્રૉપર પ્લાનિંગ અને ગણિત સાથે જો ગર્ભાધાન થાય તો? અને એ પ્રયોગ પણ સફળ રહ્યા. બાળક નહોતાં થતાં એવી સ્ત્રીઓને મારી પદ્ધતિ પ્રમાણે બાળક રહ્યાં, જેને કારણે મને કૉન્ફિડન્સ આવ્યો.’

ઘરમાં પ્રયોગ

પ્રીતિબહેને ક્યારેય પોતે જે કંઈ શીખ્યાં હતાં કે શીખી રહ્યાં હતાં એની જાહેરાત નહોતી કરી, પરંતુ માઉથ પબ્લિસિટી અને લોકોને મળી રહેલા પરિણામને કારણે લોકો તેમની પાસે ગર્ભસંસ્કાર માટે આવવા લાગ્યા. જોકે ગર્ભસંસ્કારનો એક પ્રયોગ તેમણે પોતાના ઘરમાં પણ કયોર્. તેઓ કહે છે, ‘મારી પુત્રવધૂને ગર્ભસંસ્કાર પદ્ધતિ સાથે બાળકનું પ્લાનિંગ કરવાનું કહ્યું, જેણે મારું આખું ઘર સંભાળી લીધું અને મને લોકસેવા માટે આગળ વધવાનો અવકાશ પૂરો પાડ્યો. હું તેને ડૉટર ઇન લૉ નહીં પણ ડૉટર ઇન લવ કહીને સંબોધું છું. લોકોને ઍડ્વાઇઝ આપી હોય, પરંતુ બની શકે કે એની રજેરજ તેઓ ફૉલો ન પણ કરે અથવા કરવા ઇચ્છે તો પણ ઘરના સંજોગોને કારણે ન થઈ શકે. ઘરમાં જ વ્યક્તિ હોય તો હું તેનું પૂરેપૂરું ધ્યાન રાખી શકું. બધી જ પ્રૉપર દેખરેખ હેઠળ તેને બાળક થયું. બાળક ખૂબ જ હેલ્ધી અને સ્વરૂપવાન હતું, પરંતુ બે વર્ષ સુધી તે એક શબ્દ પણ બોલ્યું નહોતું. મારા કેટલાક સો-કૉલ્ડ ફ્રેન્ડ્સ પણ મને આવીને મહેણું મારવાના આશયથી કહેતા હતા કે ઘરમાં જ તારા ગર્ભસંસ્કારનું પરિણામ ન આવ્યું. જોકે હું બિલકુલ આશ્વસ્ત હતી. મને પૂરો વિશ્વાસ હતો. બે વર્ષ મારા પૌત્રનાં પૂરાં થયાં. તેનો બર્થ-ડે હતો એના બીજા જ દિવસે તેણે બોલવાનું શરૂ કર્યું અને કડકડાટ. એક પણ પ્રકારની ઉચ્ચારની ભૂલ વગર તે આખેઆખી હનુમાન ચાલીસા બોલી ગયો. જન્મ્યા પછીનું પહેલી વાર બોલવાનું હતું જેમાં તે હનુમાન ચાલીસા બોલ્યો હતો. મારા બધા રિલેટિવ્સ જોતા રહી ગયા આ ચમત્કાર. બે વર્ષનું બાળક સંસ્કૃતના આટલા હાર્ડ શબ્દો કઈ રીતે કડકડાટ અને સ્પષ્ટ બોલી શકે. એનું કારણ હતું કે મારી વહુ પ્રેગ્નન્ટ હતી એ દરમ્યાન તેણે હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ર, શિવપુરાણ જેવા અનેક fલોકો અને ગ્રંથોનું શ્રવણ અને વાંચન કર્યું હતું. બાળક ગર્ભમાં હોય ત્યારે પણ માતા જે કંઈ કરે છે એની અસર તેને થાય છે. ગર્ભમાં પણ બાળકની મેમરી તો હોય જ છે એ મેં મારા ઘરના અનુભવથી સાબિત કરી બતાવ્યું. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, પરંતુ વ્યાવહારિક રીતે જે પરિણામ આવ્યું એ જગજાહેર છે.’

આ પ્રક્રિયામાં હોય શું?

બાળકનું પ્લાનિંગ કરવાના ત્રણ મહિના પહેલાં જ ગર્ભસંસ્કારની પ્રોસેસ શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં બેબી પ્લાન કરવાના ત્રણ મહિના પહેલાંથી બૉડી, માઇન્ડ અને ઇમોશન્સને ડિટૉક્સિફાય કરવામાં આવે છે. શરીરનો કચરો બહાર નીકળે, મનનો કચરો બહાર નીકળે, ઇમોશનલી પણ સ્ત્રી સ્ટ્રૉન્ગ બને, મનથી જો સ્ત્રી પૉઝિટિવ હોય તો સ્વાભાવિક એની ચમત્કારિક અસર હોય જ. એ પછી વારો આવે ખોરાકનો. સાત્વિક અને પોષક ખોરાક શરૂ કરી દેવામાં આવે. ગર્ભાધાન થાય એ પહેલાં માતાનું શરીર બાળક માટે તૈયાર કરવું ખૂબ જરૂરી છે. એ દરમ્યાન કૉન્સ્ટન્ટ ઑબ્ઝર્વેશન દ્વારા સ્ત્રીનો ઓવ્યુલેશન એટલે કે અંડબીજ ઉત્પન્ન થવાનો સંભવિત કાળ કયો છે એ પણ નક્કી કરવામાં આવે છે. એ પછી યોગ્ય ચોઘડિયા અને નક્ષત્ર પ્રમાણે બ્રાહ્મમુરતમાં બાળક કન્સીવ કરવા માટેનો સંબંધ બંધાય છે. બ્રાહ્મમુરત એ શ્રેષ્ઠ સમય ગણાય છે. એ કાળે સાત્વિક આત્માઓ ધ્યાન અને યોગ ક્રિયાઓ કરતા હોય છે. સ્વરયોગ, પછી બ્રહ્માંડના લય સાથે તાલમેલ જાળવીને અને શરીરની બાયોરિધમ પર પણ ફોકસ કરીને દરેક વચ્ચે લય હોય ત્યારે જો ગર્ભાધાન થાય તો બાળક સત્વશાળી જ જન્મે. બાળક કન્સીવ થયા પછી સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટરોન જેવાં તત્વોનું પ્રમાણ જળવાઈ રહે એવી ડાયટ પણ તેમને આપવામાં આવે છે. સાથે ડૉક્ટરી તપાસ તો ચાલુ જ હોય છે. ટૂંકમાં પ્રીતિ ઝવેરીએ ગર્ભાધાનની જે પદ્ધતિ વિકસાવી છે એમાં સાયન્સ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, નૅચરોપથી, આહારવિજ્ઞાન જેવી અનેક બાબતોનો સમન્વય કરવામાં આવ્યો છે. ગર્ભાધાનમાં ધર્મનો ભેદ નથી. દરેક ધર્મના લોકો પોતાના ઇષ્ટદેવને યાદ કરીને પોતાના મંત્રો અને સૂત્રોનું મનન અને પઠન કરીને એને ફૉલો કરી શકે છે.

અહીં એક ઉલ્લેખનીય બાબત જણાવતાં પ્રીતિબહેન કહે છે, ‘દરેક માતાએ પ્રેગ્નન્સી દરમ્યાન એક એવું સૌમ્ય હાલરડા જેવું ગીત સાંભળવું જોઈએ. એ ગીત બાળક ગર્ભમાં છે તો નથી સાંભળવાનું એ માનવાની જરૂર નથી. બાળક સુધી એ ગીત પહોંચે જ છે. એનો ફાયદો એ થશે કે જન્મ્યા પછી બાળક જ્યારે રડતું હોય ત્યારે જો એ જ ગીત વગાડશો કે ગાશો તો બાળકને સિક્યૉર ફીલ થશે અને તે શાંત થઈ જશે.’

અંતમાં પ્રીતિ ઝવેરી ઉમેરે છે, ‘હું સંસ્કૃતિની ધરોહર લઈને બેઠી છું. સમાજે એને ખરીદવાની છે પૈસા આપીને નહીં પણ સમય અને કમિટમેન્ટ આપીને.’

જીવનનું લક્ષ્ય

ઉપદેશ નથી આપવો પણ ઉદાહરણ બનવું છે એવું માનતા પ્રીતિ ઝવેરીની ઇચ્છા છે કે દેશભરનું દરેકેદરેક બાળક સત્વશાળી અને તંદુરસ્ત બને. દેશનું ભવિષ્ય આવનારાં બાળકો છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રને વિકાસની દિશામાં આગળ વધારવું હોય તો દેશનું ભવિષ્ય એટલે કે આવનારાં બાળકો તંદુરસ્ત હોવાં જોઈશે. એના માટે ગર્ભસંસ્કાર શ્રેષ્ઠ પદ્ધતિ પુરવાર થઈ રહી છે. આ જ ધ્યેયને વળગેલાં પ્રીતિબહેન ગર્ભસંસ્કાર વિશે જાગૃતિકાર્યમાં જોડાઈ ગયાં છે. દેશભરમાંથી લોકો તેમને આ વિષય પર પ્રકાશ પાડવા માટે લેક્ચર્સ આપવા માટે પણ બોલાવે છે. કોઈ પણ જાતની ફી લીધા વિના છેલ્લાં અનેક વષોર્થી તેઓ આ કાર્ય કરે છે. વ્યક્તિગત ધોરણે ગર્ભસંસ્કાર વિશે માર્ગદર્શન મેળવવા માગનારા લોકોને દર શુક્રવારે ચારથી છ વાગ્યા દરમ્યાન તેઓ મળે છે.

આગામી ૧૯ નવેમ્બરે બરોડા અને ૨૧, ૨૨, ૨૩ નવેમ્બરે મધ્ય પ્રદેશમાં તેમનાં લેક્ચર છે. ગુજરાતમાં આવેલી વિશ્વની એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતમાં આવેલા તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં મહિને બે વાર તેઓ લેક્ચર આપવા જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2014 07:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK