Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચોરી કરવાનું પણ વ્યસન હોઈ શકે છે

ચોરી કરવાનું પણ વ્યસન હોઈ શકે છે

09 November, 2014 07:14 AM IST |

ચોરી કરવાનું પણ વ્યસન હોઈ શકે છે

ચોરી કરવાનું પણ વ્યસન હોઈ શકે છે





મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તાજેતરમાં રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘હૅપી ન્યુ યર’ તમે કદાચ જોઈ હશે. આ ફિલ્મનો પ્લૉટ દુબઈની પ્રખ્યાત હોટેલમાં ન્યુ યરની રાતે હીરાની ચોરીની આસપાસ ફરે છે. આ આખી કથાના મૂળમાં શાહરુખ ખાનનો તેના પિતાના મૃત્યુનો બદલો છે, જેને અંજામ આપવા તે ચોરી કરવાની યોજના બનાવે છે. મોટા ભાગના લોકો જ્યારે ચોરી કરે છે ત્યારે ક્યાં તો એની પાછળ કોઈ મજબૂરી જવાબદાર હોય છે અથવા તો પૈસા મેળવવાનો હેતુ; પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે માનસિક શાંતિ મેળવવા ચોરી કરવી પડે છે, કારણ કે જ્યાં સુધી ચોરી ન કરે ત્યાં સુધી તેમનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરે છે અને ખરેખર જેમ ખૂબ ભૂખ લાગ્યા બાદ ભરપેટ ભોજન મળતાં આપણને પારાવાર શાંતિનો અનુભવ થાય છે એવી જ શાંતિનો અનુભવ આવા લોકોને ચોરી કર્યા બાદ થાય છે. ચોરીની આ માનસિક બીમારી વૈજ્ઞાનિક ભાષામાં ક્લેપ્ટોમેનિયા તરીકે ઓળખાય છે.

ચોરી કરવાનું વ્યસન

જી હા, ક્લેપ્ટોમેનિયા એક એવા રોગનું નામ છે જેમાં દરદીથી ચોરી કર્યા વિના રહેવાતું નથી એટલે તે અવારનવાર ચોરી કર્યા જ કરે છે. મનોવિજ્ઞાન ક્લેપ્ટોમેનિયાને ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઑર્ડર તરીકે પણ ઓળખે છે, કારણ કે આ ડિસઑર્ડરમાં વ્યક્તિ પોતાના ઇમ્પલ્સિવ વિચારો પર કાબૂ રાખી શકતી નથી. જે કરે છે એ સામાજિક અને કાયદાકીય રીતે ખોટું હોવાનું જાણતી હોવા છતાં એ કરવા પર મજબૂર થઈ જાય છે. જેમ દારૂના કોઈ વ્યસનીને અવારનવાર દારૂની કે પછી સિગારેટના કોઈ વ્યસનીને સિગારેટની તલપ લાગ્યા કરે છે એવી જ તલપ આવા લોકોને ચોરી કરવાની થયા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા લોકોને ચોરી કરવાનું વ્યસન હોય છે.

તાણમાંથી છુટકારો મેળવવા ચોરી

ક્લેપ્ટોમેનિયાનાં લક્ષણોની વાત કરતાં મલાડ, બોરીવલી અને દહિસર ખાતે પ્રૅક્ટિસ કરતા જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘આ રોગનું સૌથી મોટું લક્ષણ જ એ છે કે એના દરદીને ચોરી કરવાની કોઈ જ જરૂર ન હોવા છતાં તે ચોરી કરે છે. બલકે મોટા ભાગના કેસમાં દરદી જે વસ્તુની ચોરી કરે છે એ વસ્તુની તેને આવશ્યકતા પણ હોતી નથી. ઘણી વાર એવું પણ બને છે કે દરદી જે વસ્તુની ચોરી કરે છે એ તેના આર્થિક કે સામાજિક સ્ટેટસ સામે ખૂબ જ નાની હોય છે અને તે ઇચ્છે તો પોતાની કાબેલિયતથી આસાનીથી એને મેળવી શકે છે. તેથી કોઈને એમ લાગે કે કંઈ નહીં ને તેણે આ વસ્તુની ચોરી કરી! જોકે હકીકત એ છે કે મોટા ભાગના ચોરો જ્યારે ચોરી કરે છે ત્યારે એમાંથી તેમને કોઈ પ્રકારનો લાભ થવાની આશા હોય છે; જ્યારે આ રોગના દરદીઓ ચોરી કરે છે ત્યારે આવો કોઈ લાભ મેળવવા નહીં પણ મનમાં ઊભી થયેલી જબરદસ્ત માનસિક તાણમાંથી છુટકારો મેળવવા કરે છે. તેથી જ ચોરી કર્યા બાદ તેમને જાણે માથા પરથી કોઈ બહુ મોટો ભાર ઉતાર્યો હોય એવી રાહત થાય છે. આ ડિસઑર્ડરના મોટા ભાગના કિસ્સામાં દરદી શરમનો માયોર્‍ ડૉક્ટર પાસે જવાની હિંમત કરી શકતો નથી, જેને કારણે ક્લેપ્ટોમેનિયાના મોટા ભાગના કિસ્સા પ્રકાશમાં આવતા જ નથી. આખરે ક્યારેક ચોરી કરતાં પકડાઈ જાય ત્યારે તેણે જેલમાં જવાનો વારો આવે છે. વળી પોતે જે કરે છે એ ખોટું છે

એની પૂરેપૂરી સમજ હોવાથી આ રોગના દરદીઓ હંમેશાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી તથા ડિપ્રેશનથી પણ પીડાયા કરે છે.’

રસાયણોની ઊંચનીચથી ગરબડ

માનસિક બીમારી ક્લેપ્ટોમેનિયાનાં કોઈ ચોક્કસ કારણો હજી સુધી શોધી શકાયાં નથી, પરંતુ લાંબાં સંશોધનો બાદ વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે મગજમાં કેટલાંક કેમિકલ્સની અછત એની પાછળ જવાબદાર છે. ડૉ. પવન સોનાર કહે છે, ‘મગજમાં રહેલું સેરોટોનિન નામનું રસાયણ વ્યક્તિના મૂડ અને લાગણીઓના સંતુલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રસાયણની અછત ક્લેપ્ટોમેનિયા સહિત અનેક માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી છે. ક્લેપ્ટોમેનિયાના દરદીને આ રસાયણની અછત પારાવાર માનસિક તાણનો અહેસાસ કરાવી ચોરી કરવા પ્રેરે છે. જોકે ચોરી કર્યા બાદ આ ડિસઑર્ડરના દરદીના મગજમાં ડોપામિન નામના કેમિકલનો સ્રાવ વધે છે. ડોપામિનને વિજ્ઞાન પ્લેઝર-કેમિકલ તરીકે ઓળખાવે છે, જેનો સ્રાવ વ્યક્તિને આનંદનો અનુભવ કરાવે છે. તેથી ડોપામિન રિલીઝ થવાથી વ્યક્તિને આનંદ અને સંતોષની લાગણી થાય છે. આ સિવાય રિસર્ચ પ્રમાણે માથા પર કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થતાં પણ ક્લેપ્ટોમેનિઍક બની જવાની સંભાવના રહે છે. ઉપરાંત જેમને ડિપ્રેશન, ઈટિંગ ડિસઑર્ડર્સ, દારૂ કે ડ્રગ્સ જેવું વ્યસન જેવી અન્ય માનસિક બીમારી હોય તેમને પણ આ રોગ થવાની સંભાવના વધુ રહે છે. વધુમાં જો તમારી સાથે લોહીનો સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિ, ખાસ કરીને માતા-પિતા કે ભાઈ-બહેનને આ ડિસઑર્ડર હોય તો તમને પણ એ થવાની સંભાવના ચોક્કસ રહે છે. અજાણ્યાં કારણોસર આ ડિસઑર્ડરના દરદીઓમાં મોટા ભાગની મહિલા હોવાનું નોંધવામાં આવ્યું છે.’

સીમાચિહ્નરૂપ પરિસ્થિતિઓ

ક્લેપ્ટોમેનિયાની શોધ આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં થઈ હોવા છતાં એની સારવાર માટે વિજ્ઞાન પાસે આજેય સીમિત સાધનો જ છે. બલકે હજી સુધી એને પકડવા માટે કોઈ લૅબોરેટરી-ટેસ્ટ પણ શોધી શકાઈ નથી. ડૉક્ટર અને દરદી વચ્ચે થતા સંવાદથી જ આ રોગને સમજવો અને પકડવો પડે છે. તેથી જ દુનિયાભરમાં ક્લેપ્ટોમેનિયાના દરદીઓ માટે નીચેની ચાર પરિસ્થિતિઓને સીમાચિહ્ન તરીકે સ્વીકારવામાં આવી છે:

(૧) દરદીને ચોરી કરવાની તીવ્ર ઇચ્છા થાય છે.

(૨) ચોરી અગાઉ દરદીને ભારે તાણનો અનુભવ થાય છે.

(૩) ચોરી થઈ ગયા બાદ દરદીને અપાર શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે.

(૪) આ ચોરીમાં બદલાની કે ફાયદાની કોઈ ભાવના હોતી નથી અને જ્યારે દરદી ચોરી કરે ત્યારે તે અન્ય કોઈ બાયપોલાર ડિસઑર્ડરનો શિકાર હોતો નથી.

મનને બીજે વાળો એ જ સારવાર

આ રોગ મગજમાં સેરોટોનિનની અછતને પગલે થતો હોવાથી એની સારવાર માટે સૌથી પહેલાં તો એવી દવાઓનો ઉપયોગ થાય છે જેનાથી મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધે. આ ઉપરાંત કેટલીક મૂડ-સ્ટૅબિલાઇઝિંગ દવાઓ પણ આ રોગમાં કામ આવે છે. ડૉ. પવન સોનાર કહે છે, ‘દવાઓની સાથે-સાથે સાઇકોલૉજીમાં મહત્વની ગણાતી કોગ્નિટિવ બિહેવિયરલ થેરપીનો ઉપયોગ આ રોગની સારવારમાં સૌથી કારગત નીવડે છે. આમાં ડૉક્ટર દરદીને ચોરી કરવાની ઇચ્છા થાય ત્યારે કેવું વર્તન કરવું અને પોતાની જાત પર કેવી રીતે કાબૂ રાખવો એની તાલીમ આપે છે. જેમ કે ચોરી કરવાની ઇચ્છા થાય ત્યારે શ્વાસ રોકી પોતાની જાતને તકલીફ આપવી કે પછી યોગ જેવી કોઈ રિલૅક્સેશન ટેãક્નકનો આશરો લઈને મગજને શાંત કરવું અથવા બીજે વાળવું વગેરે. પહેલાં જણાવ્યું એમ આ રોગના દરદીઓને બરાબર ખબર હોય છે કે પોતે જે કરે છે એ સદંતર ખોટું છે એટલે તેઓ પોતાની જાત પ્રત્યે પારાવાર શરમ અને ગુનાની લાગણીથી પણ પીડાતા હોય છે. આ માનસિકતા તેમના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. તેથી ડૉક્ટરે ખૂબ જ પ્રેમ, સમજ અને સહાનુભૂતિપૂવર્‍ક તેમનો તૂટેલો આત્મવિશ્વાસ પાછો સ્થાપવાનું કામ પણ કરવાનું રહે છે.’

પરિવારજનોને પણ કાઉન્સેલિંગ

આ એક લાંબી પ્રક્રિયા છે જેને પૂરી થતાં છ મહિનાથી માંડીને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે એમ જણાવીને ડૉ. પવન સોનાર કહે છે, ‘આ સમયગાળા દરમ્યાન ડૉક્ટર અને દરદી ઉપરાંત દરદીના પરિવારજનોએ પણ ધીરજ રાખવી આવશ્યક છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પોતાના કોઈ સ્વજનને ચોરી કરવાનું વ્યસન છે એ જાણતાં જ લોકો તેને ધિક્કારવા માંડે છે, પરંતુ તેમણે એ સમજવાની જરૂર છે કે ક્લેપ્ટોમેનિયા એક માનસિક બીમારી છે જે વ્યક્તિની સામાજિક છબિ કાયમી ધોરણે બગાડી નાખવા ઉપરાંત તેને જેલની સજા પણ કરાવી શકે છે. તેથી સારવાર ઉપરાંત દરદીને ચોરી કરવાની ઇચ્છા જ ફરી ન થાય એવું વાતાવરણ પણ આપવું આવશ્યક છે. આ માટે કેટલીક વાર અમારે દરદીની સાથે-સાથે તેના પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કરવું પડે છે. આમ તો દવાઓ અને થેરપીના માધ્યમથી આ બીમારી પર આસાનીથી વિજય મેળવી શકાય છે, પરંતુ ડિસઑર્ડર દૂર થઈ ગયો છે એમ જાણીને જો દરદી ડૉક્ટર દ્વારા સૂચવેલી રિલૅક્સેશન એક્સરસાઇઝ કરવાનું બંધ કરી દે અથવા કોઈ પારાવાર તાણ ઊભી કરતી પરિસ્થિતિ તેના જીવનમાં આકાર લે તો આ રોગ પાછો ઊથલો મારવાની સંભાવના હંમેશાં રહ્યા કરે છે.

વિચિત્ર ડિસઑર્ડરના જાણીતા કિસ્સા

અન્ય રોગોની જેમ આ ડિસઓર્ડરની યાદી પણ એવા લોકોનાં નામોથી ભરેલી છે જેઓ ખૂબ પૈસાદાર અને પ્રસિદ્ધ હોવા છતાં ચોરી કરવાની આ બીમારીનો શિકાર છે.

તાજેતરમાં દિવાકર બૅનરજીની આગામી ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’માં સુશાંત સિંહ સાથે બૉલીવુડના સૌથી લાંબા ચુંબનનો રેકૉર્ડ બનાવનાર બંગાળી અભિનેત્રી સ્વસ્તિકા મુખરજી સિંગાપોરના એક જ્વેલરી સ્ટોરમાં ચોરી કરતાં પકડાઈ હોવાના સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સ્વસ્તિકા બંગાળી ફિલ્મ-ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપોર ગઈ હતી. એ દરમ્યાન તે એક મૉલના જ્વેલરી-સ્ટોરમાં ઘરેણાં ખરીદવા ગઈ હતી. આ દરમ્યાન તે સોનાનાં ઈયર-રિંગ્સ ચોરતાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આટલી સુંદર અને ટૅલન્ટેડ અભિનેત્રીના આવા શરમનાક કૃત્યે આખા ફિલ્મજગતમાં હલચલ મચાવી દીધી છે.

આ પહેલાં અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી લિન્ડસે લોહાન પણ વેનિસની એક જ્વેલરી-શૉપમાંથી ૨૫૦૦ ડૉલરની જ્વેલરીની ચોરી કરતાં CCTV કૅમેરામાં પકડાઈ હતી. તો એક વાર પ્રસિદ્ધ હોટેલમાં ૫૦ હજાર ડૉલરનું બિલ ન ભરવા બદલ તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ સિવાય તેના પર પાંચ હજાર ડૉલરના નેકલેસની ચોરીનો પણ આરોપ હતો, જેના માટે તેના વકીલે એવી દલીલ કરી હતી કે તેનું ધ્યાન ન હોવાથી તેણે ભૂલમાં આ નેકલેસ પહેરી લીધો હતો.

એવી જ રીતે જાણીતી અમેરિકન મૉડલ મેગન ફૉક્સ પણ એક વાર વૉલમાર્ટમાં ચોરી કરતાં પકડાઈ ગઈ હતી. ત્યાર બાદ તેના પર આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પગ મૂકવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ફેમસ સિંગર બ્રિટ્ની સ્પિયર્સ પર પોતાના લાઇવ શો દરમ્યાન માથાની વિગ્સ, કૉસ્ચ્યુમ્સ તથા લાઇટર જેવી વસ્તુ ચોરવાનો આરોપ છે.

આ બધામાં સૌથી ચોંકાવનારો કિસ્સો તો કૅનેડાના રાજકારણી ક્લોડ શેરોનનો હતો. તેઓ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ૧૨૦ ડૉલરનાં બે જૅકેટની ચોરી કરતાં પકડાઈ ગયા હતા. બચવા માટે તેમણે ત્યાંથી ભાગવાની કોશિશ પણ કરી હતી, પરંતુ અસફળ રહેતાં તેમણે પોતાનો ગુનો સ્વીકારી લેવો પડ્યો હતો. આખરે આ ઘટનાના એકાદ મહિના બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તેમની કારકર્દિી લગભગ ખતમ થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ શું તમને ખબર છે કે એ ચોરી કરી ત્યારે તેમનો પગાર શું હતો? લગભગ ૭૫ હજાર ડૉલર અને તેમણે જેની ચોરી કરી એ જૅકેટ્સ કેટલાનાં હતાં? માત્ર ૧૨૦ ડૉલરનાં.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2014 07:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK