Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ભૂખ પણ ભુલાવી નાખે છે સ્કી ટાવર પરથી દેખાતાં સુંદર દૃશ્યો

ભૂખ પણ ભુલાવી નાખે છે સ્કી ટાવર પરથી દેખાતાં સુંદર દૃશ્યો

09 November, 2014 07:12 AM IST |

ભૂખ પણ ભુલાવી નાખે છે સ્કી ટાવર પરથી દેખાતાં સુંદર દૃશ્યો

ભૂખ પણ ભુલાવી નાખે છે સ્કી ટાવર પરથી દેખાતાં સુંદર દૃશ્યો








નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ

‘મને પણ એ જ પ્રશ્ન સતાવે છે સંગીતા. આપણે વૈષ્ણવો તો ઉપવાસના દિવસે ફરાળ ઝાપટીએ છીએ અને રોજ કરતાં વધુ ખાઈએ છીએ.’

‘એટલે જ આપણને ભૂખ્યા રહેવાની બિલકુલ આદત નથી.’

અમારી વચ્ચે આવો વાર્તાલાપ ચાલી રહ્યો હતો એટલામાં જ સ્કી ટાવર પર જઈ આવેલા થોડાક જુવાનિયાઓ અમારી પાસેથી પસાર થયા. એમાંનો એક યુવક બોલ્યો, ‘હાઉ મૅગ્નિફિસન્ટ! આઇ વિલ ગિવ અ મિલ્યન ડૉલર ટુ સી સચ વ્યુ.’ (કેવું અદ્ભુત! હું આવું દૃશ્ય જોવા મિલ્યન ડૉલર આપી શકું). બસ, આ વાક્યે અમારી ભૂખને પાછળ રાખી દીધી અને સ્કી ટાવર જોવા જવાના વિચારને આગળ કરી દીધો.

સ્કી ટાવરની ટોચ પર જવા માટે બે લિફ્ટનો પ્રવાસ કરવાનો હતો. બન્ને લિફ્ટો ખાસ્સી મોટી હતી. પહેલી લિફ્ટમાં સડસડાટ સીધેસીધા ઉપર જવાનું હતું. ત્યાં પહોંચ્યા બાદ જે બીજી લિફ્ટમાં જવાનું હતું એ ઉપર ત્રાંસી ચડતી હતી અને ધીરે-ધીરે પ્રવાસીઓને સ્કી ટાવરની ટોચ પર લઈ જતી હતી. કાચની બનાવેલી એ લિફ્ટમાંથી બહારનાં દૃશ્યો જોઈ શકાતાં હતાં. અમે જેમ-જેમ ઊંચે જતા હતા એમ-એમ નીચેનો ડુંગર પાછળ સરકતો જતો હતો અને અમે ઊંચાઈ તરફ વધી રહ્યા છીએ એની પ્રતીતિ અમને થયા કરતી હતી.

લિફ્ટમાંથી બહાર નીકળ્યા કે પવનના સુસવાટાએ અમને થથરાવી મૂક્યા. અહીં-વાઈ-ફાઈની વ્યવસ્થા હતી એટલે પર્યટકો તેમના મિત્રો જોડે સ્કાઇપ પર ત્યાંનું દૃશ્ય તેમને દેખાડીને વાતો કરતા હતા. સંગીતાએ તરત જ તેની મમ્મી જોડે સ્કાઇપ પર વાત કરવાનો વિચાર કર્યો, પણ પછી ખ્યાલ આવ્યો કે મુંબઈમાં તો એ સમયે રાત પડી ગઈ હશે એટલે તેમને ડિસ્ટર્બ કરવાનું અમને ઉચિત ન જણાયું. સ્કી ટાવરના ઉપરના છેડેથી અમે છેક નીચે સુધી દૃષ્ટિ દોડાવી અને એને વધુ દૂર લઈ જઈને ઑસ્લો ફર્યોડનું પણ ભવ્ય દર્શન કર્યું. ઊંચાઈથી ઑસ્લો શહેરનાં મકાનો ઝીણાં દેખાતાં હતાં. વચ્ચે-વચ્ચેનાં ઝાડ આખા દૃશ્યમાં લીલો રંગ પૂરતાં હતાં અને પછવાડેના દરિયાનો ઘેરો બ્લુ રંગ ક્ષિતિજમાં આવેલા આકાશના આછા વાદળી રંગ જોડે ભળી જઈને એક અત્યંત નયનરમ્ય દૃશ્ય ખડું કરતો હતો. આકાશમાં એકાદ-બે પંખીઓ ઊડતાં હતાં અને પવનના કારણે વૃક્ષો આમથી તેમ ડોલતાં હતાં. સંગીતાએ ત્યાંથી કંઈકેટલાય ફોટો પાડ્યા. અમે બેઉએ ત્યાં ઊભા-ઊભા ત્યાંથી રમતવીરો જ્યારે સ્કી જમ્પ કરવા લસરતા હશે ત્યારે તેમના મનમાં કેવી લાગણી થતી હશે એના કંઈકેટલાય વિચારો કર્યા. નીચે તેમને નિહાળતા પ્રેક્ષકો તેઓ જ્યારે લસરવાની શરૂઆત કરતા હશે ત્યારે જે ચિચિયારીઓ પાડતા હશે એની તેમના પર કેવી અસર થતી હશે?

‘લસરીને જ્યારે તેઓ હવામાં કૂદકો મારતા હશે ત્યારે તેમના પેટમાં ધ્રાસકો પડતો હશે કે નહી?’, ‘એ વખતે તેઓ આજુબાજુનાં દૃશ્યો જોતા હશે કે નીચેની ઉતરાણ કરવાની ભૂમિ પર જ દૃષ્ટિ કેન્દ્રિત કરતા હશે?’ આવા-આવા તો કંઈકેટલાય પ્રશ્નો અમારા મનમાં ઝબકી ગયા. એ સમયે ત્યાંથી એક યુવતી લોખંડના તાર પરથી નીચે સરકવાની તૈયારી કરતી હતી. અમે તેને પૂછ્યું, ‘તને બીક નથી લાગતી?’ વીસ-બાવીસ વર્ષની સુંદર અને સોનેરી વાળ ધરાવતી તે યુવતીએ અમારા સવાલ પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કર્યું. એક મોહક સ્મિત આપીને તેણે અમને જણાવ્યું, ‘બીક શેની? આમ સરકતાં ખૂબ જ મજા પડે છે.’

દિલ ભરાય ત્યાં સુધી અમે નીચે જોયા કર્યું અને પછી, ‘બસ, હવે ક્યાં સુધી એકનું એક દૃશ્ય જોયા કરીશું, વધુ વાર ઊભા રહેવાથી દૃશ્ય કંઈ બદલાવાનું નથી’ એમ વિચારીને નીચે ઊતરવાનો વિચાર કર્યો અને અમારી નજર ગઈ હજી ઉપર જતા દાદરા તરફ. લોખંડનાં આઠ-દસ પગથિયાં ચડીને ઉપર જવાનું હતું. ત્યાંથી સ્કી ટાવરની પાછળની ટેકરી દેખાતી હતી. એ જે લૅgન્ડગ હતું ત્યાં જેમ સ્પર્ધાના મેદાનમાં જોવા મળે છે એવું વિજેતાઓ ઊભા રહી શકે એવું ૧, ૨, ૩ આંકડા લખેલું એક સ્ટૅન્ડ હતું. પર્યટકો ત્યાં ઊભા રહીને ફોટો પડાવતા હતા. અમે શું કામ રહી જઈએ! અમે પણ એ સ્ટૅન્ડ પર ઊભા રહીને એકમેકના ફોટો પાડ્યા અને અન્યો આગળ અમારા બેઉના ફોટો પડાવ્યા. છેવટે કમને એ સુંદર સ્થળને ત્યજીને અમે લિફ્ટ વાટે નીચે આવ્યા અને અમારી ટેમ્પરરિલી દબાયેલી ભૂખ ફરી પાછી ઊઘડી ગઈ. મ્યુઝિયમની બાજુમાં આવેલી કૅફેટેરિયામાં અમે ગયા અને વેજિટેબલ સૅન્ડવિચ અને હૉટ ચૉકલેટ લઈને ત્યાં બેઠા. શરીરને ખોરાક મળ્યોએટલે એનામાં ફરી પાછું જોમ આવી ગયું.

કૅફેટેરિયામાંથી બહાર નીકળ્યા અને એક નાનકડી ટ્રક જેવો ડબ્બો જોયો. એ હતું સ્ટિમ્યુલેટર. તમે એમાં બેસો એટલે જાણે કે તમે સ્કી ટાવરની ઊંચાઈએથી નીચે સરકો અને કૂદકો મારો એવો તમને અનુભવ થાય. ‘ચાલ, આપણે આ અનુભવ લઈએ’ એવું સુધીરે સંગીતાને કહ્યું, પણ અમારા કમનસીબે સ્ટિમ્યુલેટર સાંજના પાંચ વાગ્યે બંધ થઈ જતું હતું. અમે સવારના દસ વાગ્યાની આસપાસ હોટેલમાંથી નીકળ્યા હતા અને એ વખતે સાંજના સાડાપાંચ વાગી ગયા હતા. સાત-સાડાસાત કલાક ક્યાં વીતી ગયા એ ખબર જ ન પડી.

પાછા ફરતાં પણ અમારી દશા આવતાં થઈ હતી એવી જ થઈ. સ્ટેશન જરાક જ દૂર છે એવું અમને વારંવાર કહેવામાં આવ્યું. આખરે અડધો કલાક ચાલ્યા બાદ અમે હોલ્મેનકોલેન સ્ટેશન પર પહોંચ્યા. નૅશનલ થિયેટર સ્ટેશન પર અમારે ઊતરવાનું હતું, પણ ટ્રેનમાં બેઠા બાદ અમે વિચાર કર્યો કે આવતી કાલે બર્ગન જવા માટે સેન્ટ્રલ સ્ટેશન પરથી ટ્રેન પકડવાની છે તો આપણે એ જ સ્ટેશન પર ઊતરીએ જેથી બર્ગન જવાની ટ્રેન ક્યાંથી પકડવી એ જાણી શકાય અને સવારના એ માટે શોધાશોધ કરવી ન પડે.

નૅશનલ થિયેટર સ્ટેશન તો ગયું, પણ સેન્ટ્રલ સ્ટેશન ન આવ્યું. અમે જે ટ્રેનમાં હતા એ ટ્રેન સેન્ટ્રલ સ્ટેશનના જે સ્ટેશન પર ઊભી રહી હતી એનું નામ કંઈક જુદું હતું. બે-ત્રણ સ્ટેશનો ગયાં, પણ સેન્ટ્રલ સ્ટેશન ન આવ્યું એટલે અમે અકળાયા. હવે શું? ક્યાં ઊતરવું? એવી ગડમથલમાં પડ્યા. અંતે નક્કી કર્યું કે વચ્ચેના કોઈ પણ સ્ટેશન પર ન ઊતરતાં આ ટ્રેન જ્યાં જતી હોય એ છેક છેલ્લા સ્ટેશન સુધી જવું અને ફરી પાછા નૅશનલ થિયેટર સ્ટેશન આવે એટલે ત્યાં ઊતરવું. ટ્રેન તો સડસડાટ આગળ ધપ્યે જ રાખતી હતી. એક પછી એક સ્ટેશન પસાર થતું હતું. અમે ઊચકમને એમાં બેસી રહ્યા. આખરે છેલ્લું સ્ટેશન આવ્યું અને ત્યાંથી ટ્રેન પાછી ફરી ત્યારે અમને હાશ થઈ. વળતાં અમે ટ્રેનમાં મૂકવામાં આવેલો નકશો જોઈ લીધો અને નૅશનલ થિયેટર સ્ટેશનની પહેલાં કયું સ્ટેશન આવે છે એ જાણી લીધું. એ સ્ટેશન આવતાં ટ્રેનમાંથી ઊતરી ગયા. અમે જે ટ્રેનમાં મુસાફરી કરી હતી એ ઑસ્લોની લોકલ ટ્રેન હતી, જ્યારે બર્ગન જવાની ટ્રેન નૉર્વેની રેલવે હતી. જેમ આપણે ત્યાં બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશનથી વેસ્ટર્ન રેલવેની મુંબઈ બહારની ટ્રેનો જાય છે અને એ જ નામના બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશનથી મુંબઈની લોકલ ટ્રેનો પણ જાય છે એમ.

સ્ટેશન પર ઊતર્યા એટલે અમને આ બધી વાતોની જાણ થઈ. અમે એટલા થાકી ગયા હતા કે એ સાંજના બર્ગન જતી ટ્રેન ક્યાંથી ઊપડે છે એ જાણવાનો પ્રયાસ છોડી દીધો. જેવા અમે સ્ટેશનની બહાર નીકળ્યા કે સામે જ અમને એક મોટું ર્બોડ જોવા મળ્યું. ‘જયપુર-ઇન્ડિયન રેસ્ટોરાં.’ એ વાંચતાં અમને જાણે દેવ મળ્યા હોય એવો આનંદ થયો.

(ક્રમશ)


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2014 07:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK