Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ઓ. પી. નૈયરના ચાહકો તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર હતા

ઓ. પી. નૈયરના ચાહકો તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર હતા

09 November, 2014 07:10 AM IST |

ઓ. પી. નૈયરના ચાહકો તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર હતા

ઓ. પી. નૈયરના ચાહકો તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર હતા



વો જબ યાદ આએ - રજની મહેતા



અમારો પરિવાર શિમલામાં રહેતો. સુંદર જગ્યા હતી. ત્યાં એક રેસ્ટોરાં હતી સેવૉય. થોડી મોંઘી, પણ એનાં સમોસાં અને કૉફી અફલાતૂન. વર્ષમાં બે-ત્રણ વખત મારા પિતા અમને ત્યાં લઈ જતા.



એ દિવસે હું સ્કૂલમાંથી મારું રિઝલ્ટ લઈને નિરાશ થતો અને થોડો ડરતો-ડરતો ઘેર આવતો હતો, કારણ કે હું ફેલ થયો હતો. મનમાં હતું કે પિતાજીને જ્યારે પરિણામની ખબર પડશે ત્યારે કદાચ એકાદ લાફો પડી જશે. ઘરે પહોંચતાં જ મારું મોઢું જોઈને તેઓ સમજી ગયા કે શું થયું છે. મનમાં હતું હમણાં ગુસ્સો કરશે, કંઈક કહેશે, પણ એવું કાંઈ થયું નહીં.


હું ચૂપચાપ બેઠો હતો. થોડી વારમાં મારી પાસે આવીને કહે, ચાલ સેવૉયમાં સમોસાં ખાવા અને કૉફી પીવા જઈએ. મને નવાઈ લાગી. મેં તેમની સામે જોયું તો મને કહે, ચાલ-ચાલ જલદી કર, બીજું કાંઈ વિચારતો નહીં. હજી હું માનતો નહોતો કે આ શું થઈ રહ્યું છે. પાસ થયો હોત તો સમજી શક્યો હોત કે હોટેલમાં જઈએ, પણ નાપાસ થયો એમ છતાં પાર્ટી?

રસ્તામાં હું ચૂપચાપ ચાલતો રહ્યો અને તે આડીઅવળી વાતો કરીને મારું ધ્યાન મારી નિષ્ફળતાથી અલગ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા.

હોટેલમાં ટેબલ પર બેઠા અને તે બોલ્યા, ‘તને મનમાં થતું હશેને કે હું તને અહીં શું કામ લઈ આવ્યો? સાંભળ, આપણે આપણી સફળતાની ઉજવણીએ તો કરીએ જ છીએ, પણ જીવનમાં નિષ્ફળતાઓને પણ ઊજવવી જોઈએ. આપણી હાર આપણને ઘણું શીખવાડે છે. આપણે એને નકારવી ન જોઈએ, પણ એમાંથી સબક લઈને આવનારા દિવસોને બહેતર બનાવવા જોઈએ. એટલે તારા જીવનની આ પહેલી નિષ્ફળતાને આજે દિલથી સેલિબ્રેટ કરીએ.’

€€€

નિષ્ફળતા અને સફળતા જીવનના સિક્કાની બે બાજુઓ છે. ઓ. પી. નૈયર પણ તેમની લોકપ્રિયતામાં આવેલી ઓટને, તેમના સંગીતની નિષ્ફળતાને સહજપણે સ્વીકારી લઈને જીવનમાં આગળ વધતા હતા. ફાજલ સમયમાં હોમિયોપથી, ઍસ્ટ્રોલૉજીની પ્રૅક્ટિસ કરતા. ખાવા-પીવાના શોખીન, અંગ્રેજી ફિલ્મો જોવાનો શોખ. આવી પ્રવૃત્તિઓ તેમને વ્યસ્ત રાખતી.

તેમના સંગીતની મોહિની એવી હતી કે તેમના ચાહકો તેમના માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતા. એવા થોડા કિસ્સાઓની આજે વાત કરવી છે.

મુંબઈની તાજમહલ હોટેલમાં તેઓ અવારનવાર જતા. ત્યાંના હેડ શેફ (હું નામ ભૂલી ગયો છું) તેમના મોટા પ્રશંસક. ખબર પડે કે તેઓ આવ્યા છે એટલે કિચનમાંથી બહાર આવીને લગભગ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે. થોડી વારમાં તેમના ટેબલ પર શેફ સ્પેશ્યલ આઇટમ હાજર થઈ જાય જે મેનુમાં ન હોય. ભૂલચૂકે કોઈ વ્યક્તિ એ ડિશની માગણી કરે તો ધીમેથી એનો અસ્વીકાર કરવામાં આવે.

જુહુમાં આવેલી હોટેલ પ્રિન્સના માલિક તેમના મોટા પ્રશંસક અને મિત્ર હતા. પાછલી જિંદગીમાં પરિવારથી દૂર રહેતા ઓ. પી. નૈયર લાંબો સમય ભાઈઓ સાથે હૈદરાબાદ અને નૈનીતાલમાં રહેતા, પણ જ્યારે મુંબઈ આવતા ત્યારે મિત્રના આગ્રહથી તેમનો ઉતારો પ્રિન્સ હોટેલમાં જ રહેતો જ્યાં તેમના માટે આલીશાન રૂમની વ્યવસ્થા કરવામાં આવતી.

લંડનમાં રહેતા ડૉ. બાજપાઈ પ્રશંસક તો હતા જ, તેમના મોટા હિતચિંતક પણ હતા. જન્મદિવસ નિમિત્તે એક દિવસ માટે પણ ઓ. પી. નૈયરને શુભેચ્છા આપવા મુંબઈ આવતા. લંડનની મુલાકાત દરમ્યાન તેમને ત્યાં જ ઓ. પી. નૈયરનો ઉતારો રહેતો.

મુંબઈની મુલાકાત દરમ્યાન એક દિવસ ઓ. પી. નૈયરે તેમને કહ્યું, ‘મારું હાર્મોનિયમ નકામું પડ્યું છે. હું વાપરતો નથી. કોઈને જોઈએ તો મારે વેચી નાખવું છે.’

બીજે દિવસ ડૉ. બાજપાઈએ તેમને કહ્યું, ‘મારા મિત્રને જોઈએ છે, મેં તેને એક લાખ રૂપિયા કિંમત કહી અને તેણે રાજીખુશીથી મને આપ્યા છે. લો, લઈ લો.’

ઓ. પી. નૈયર કહે, ‘આટલા રૂપિયા આપનાર કોઈ પાગલ હશે.’

ડૉક્ટરે જવાબ આપ્યો, ‘તમારા હાર્મોનિયમની કિંમત તો એનાથી પણ વધુ હોવી જોઈએ.’

જતી વખતે તેમણે ડૉક્ટરને હાર્મોનિયમ લઈ જવા કહ્યું ત્યારે ડૉક્ટરે જવાબ આપ્યો, ‘આ કોઈ વેચવાની ચીજ નથી. તે તમારી પાસે જ રહેશે.’

તેમના િવશે નૈયરસાહેબ કહેતા, ‘હું ડૉક્ટરનો આજીવન ઋણી રહ્યો છું. કોઈ પણ જાતના સ્વાર્થ વગર, એક દીકરી પોતાના પિતાને સાચવે એમ તેમણે મારું ધ્યાન રાખ્યું છે. મને હંમેશાં કહે, હું જીવું છું ત્યાં સુધી તમારી કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે તમારે મારા સિવાય કોઈને કહેવી નહીં. આટલું કર્યા પછી પણ મને એમ જ કહે કે હું તમારા પર ઉપકાર નથી કરતો, આ મારું કર્મ છે.’

યશવંત તપાસેએ મને કહ્યું છે કે જાહેર સમારંભોમાં ઓ. પી. નૈયરની ઉપસ્થિતિ જ્વલ્લે જ રહેતી. એટલે જ્યારે પણ તેમના પ્રશંસકો તેમને રૂબરૂ મળતા ત્યારે કેવળ અહોભાવથી જ તેમને જોતા. એક સમારંભમાં તો એક યુવાન સ્ત્રીએ તેમને ચરણસ્પર્શ કરવાનો આગ્રહ કર્યો. પોતાના હાથે તેમનાં બૂટ કાઢીને મોજાં પણ કાઢ્યાં અને ચરણોને ચૂમી લીધાં. આ હતી તેમના ચાહકોની તેમના પ્રત્યેની દીવાનગી.

મને પણ આનો અનુભવ થયો જ્યારે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમમાં એક સન્નારીએ મને નમીને વંદન કરતાં કહ્યું, ‘ઓ. પી. નૈયર મારા મનપસંદ સંગીતકાર. જીવનભર તેમને મળવાની ઇચ્છા હતી એ પૂરી ન થઈ, પણ તમારી કૉલમ દ્વારા તમે તેમને જીવતા કર્યા એટલે જાણે એવું લાગ્યું કે એ ઇચ્છા પૂરી થઈ. તમને ખૂબ-ખૂબ ધન્યવાદ અને આભાર.’

તેમણે મને તેમનું નામ ન આપ્યું. એટલું જ કહ્યું કે તેમના માટેનો મારો પ્રેમ એ મારી અંગત વાત છે.

નૈયરસાહેબ, તમે તમારા લાખો ચાહકોમાં આજે પણ સંગીત બનીને ગુંજો છો.

ajnimehta45@gmail.com આવતા રવિવારે લતા મંગેશકર અને ઓ. પી. નૈયરની આજ સુધી ન વાંચેલી વાતો.
Whatsapp-channel Whatsapp-channel

09 November, 2014 07:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK