ડાકુઃ વટ, વચન અને વેર - પ્રકરણ ૯7

Published: Dec 07, 2014, 07:36 IST

ધાંય... ધાંય... ધાંય... ધાંય... જમણી બાજુએ કરવામાં આવેલા ગોળીબારથી બે હવાલદાર ઘવાયા તો ડાબી બાજુએ થયેલા ગોળીબારથી એક હવાલદારનું મોત થયું. ભૂપતે આ ગોળીબારની સાથોસાથ પોતાની રણનીતિ પણ બનાવી લીધી હતી. તે પોતે જે ઝાડની પાછળ સંતાયો હતો એ વડના ઝાડ પર ઝડપભેર ચડી ગયો. ઝાડની એ અવસ્થા તેના માટે સલામત પણ હતી અને સલામતીની સાથોસાથ વ્યૂહરચનાની દૃષ્ટિએ પણ એકદમ ઉચિત હતી.

નવલકથા- રશ્મિન શાહ


‘આમ બેસી રહેવાથી કંઈ નહીં વળે...’
ખેતરથી પાછા આવીને અમરસિંહે રાંભીને મંદિરની સામે બેઠેલી જોઈ અને પહેલી ટકોર કરી. આ ટકોરમાં ક્યાંક ને ક્યાંક રાંભી પ્રત્યેનો પ્રેમ હતો તો બહારવટે ચડેલા દીકરા પ્રત્યેની ચીડ પણ એમાં નીતરતી હતી.
‘રાંભી, કર્મના હિસાબનો તાળો ધર્મ ક્યારેય આપી નથી શકતો, એનાં લેખાંજોખાં તો માણસે જ પૂરાં કરવાં પડતાં હોય છે.’
રાંભીએ જવાબ આપવાનું ટાળ્યું, પણ તેની ચુપકીદી સામે જાણે અમરસિંહને વાંધો હોય એમ તેમણે પોતાના મનની વાત કહેવાનું અટકાવ્યું નહીં, ‘અત્યારે તું ભલે હાથ જોડીને માડીને વિનવી રહી હો, પણ જો ચામુંડામાએ તને મદદ કરવી હોત તો તેણે ક્યારની કરી દીધી હોત... એય બિચારી તારા લાડકા ને જગતમાં નવા પાકેલા યમરાજથી થાકી ગઈ છે.’
રાંભી અકળાઈ ગઈ. તેનાથી ચૂપ ન રહેવાયું. જોકે ખુલ્લા શબ્દોમાં કહેવાને બદલે રાંભીએ વાતને મોભમ રાખીને કહ્યું, ‘હું મૂંગી છું એ સારું છે, જવાબ આપીશ તો તમને હાડોહાડ લાગી
આવશે હોં...’
‘ચૂપ રહીને તને ક્યાં શાંતિ રહેવાની છે...’ અમરસિંહના ચહેરા પર સહેજ સ્મિત હતું, ‘મનમાં જે હોય એ કહી દે એટલે તને શાંતિ ને મને પણ રાહત.’
‘પૂછવામાં આવે અને મળે એને સલાહ કહેવાય, પણ જો પૂછuા વિના આપી દેવામાં આવે તો એને દોઢડહાપણ કહેવાય.’
‘દીકરાનો પ્રેમ એવો તે કેવો આંધળો કે વરની વાત પણ ખરાબ લાગે છે!’
‘વર સાત ફેરા ફરીએ પછી મળે, પણ સાત જન્મનાં પુણ્ય કર્યા પછી દીકરો મળતો હોય છે.’
અમરસિંહને પત્નીના જવાબથી સંતોષ થયો હોય એમ તેમણે વાત બદલી. જોકે વાતનો વિષય અને વાતનું અનુસંધાન તો ભૂપત જ રહ્યો હતો.
‘વાત તો તારી ખોટી નથી... બસ, તેં કરેલાં પુણ્યના પરિણામને હવે ઘરમાં આવી જવાની સમજણશક્તિ મળે એવું કરો એટલે ઘડપણ સુધરે અને પેલા અંગ્રેજ સાહેબને જશ મળે.’
‘જશ તો ઉપરવાળો આપશે ને વાત રહી સમજણશક્તિની તો એ આપવા તો મીરા ગઈ છેને, બધું સુખરૂપ પૂરું થઈ જશે જોજોને તમે...’
મનમાં રાજીપો લઈને રસોડામાં જઈ રહેલી રાંભીને ક્યાં ખબર હતી કે સુખરૂપ પૂરું થવાના ખ્વાબની વચ્ચે અત્યારે એક નવો જ જંગ શરૂ થઈ ગયો છે અને એ જંગમાં સમજણશક્તિ આપવા જવાનું કામ કરનારી, આ ઘરની થનારી વહુ પોતાનો જીવ ગુમાવી ચૂકી છે. તે તો બિચારી અત્યારે પણ મનમાં એવા સપના સાથે બેઠી હતી કે મીરા બહુ જલદી સારા વાવડ લઈને આવશે. રાંભીથી બોલાઈ પણ ગયું, ‘અત્યારે જે બકબક કરવું હોય એ કરી લો. એક વાર દીકરો ને વહુ ઘરમાં આવી જશે ત્યારે મોઢું બંધ થઈ જશે...’
‘મોઢું બે વરહ બંધ રહેશે ખાલી...’ અમરસિંહનો ચહેરો ચમકી ઊઠયો હતો, ‘બે વર્ષમાં તો મૂડીનું વ્યાજ આવી જશે એટલે તેની માટે વાર્તા કહેવા માટે પછી તો મોઢું ખોલવું જ પડશે...’
‘રહેવા દ્યો, રહેવા દ્યો...’ રાંભીએ ફરીથી છાશિયું કર્યું, ‘તમારે કાંય વાર્તાબાર્તા કરવાની જરૂર નથી હોં... કારણ વિનાની કથા સંભળાવશો અને નાહકના છોકરાના ગુણ બગાડશો. વાર્તા તો હું જ કહીશ. એય ત્યારે માતાજીની વાર્તા કહીશ ને જ્યારે એ વાર્તા ખૂટી
જશે ત્યારે તેના બહાદુર પિતાજીની વાર્તા પણ કહીશ.’
‘બહુ સારું હોં...’
અમરસિંહે વાત પર પૂર્ણવિરામ મૂકવાની પેરવી કરી. મનમાં તો હતું કે લાંબા અરસા પછી મધ જેવી મીઠી વાતોનો કસુંબો પીવાઈ રહ્યો છે એ ચાલુ રાખે, પણ કડવી વાસ્તવિકતા વચ્ચે જીવનારાને ભય લાગતો હોય છે કે તેનાં મધૂરાં સપનાંઓને પણ કોઈ બૂરી નજરનો સામનો કરવો પડશે.
‘જલદી જમવાનું કાઢો એટલે પેટની આગ ઠરે...’
રાંભીએ માતાજીને માથું ટેકવ્યું અને મનોમન પ્રાર્થના પણ કરી લીધી.
‘માડી, અત્યારે જેમ કોઈની પેટની આગ ઠારવા જાઉં છું એમ જ કોઈ ઝડપથી આવીને મારા મનની આગને સારા સમાચારથી ટાઢક પહોંચાડે એવું કર... તારો ઉપકાર આવતાં પાંચ વર્ષ સુધી યાદ રાખીશ ને પાંચ વર્ષ સુધી પગમાં જોડાં નહીં પહેરું...’
મનમાં ઉચાટ અને થયેલી મીઠી વાતોનો હૈયે રાજીપો લઈને રાંભી ઊભી થઈ અને રસોડા તરફ તેણે પગ ઉપાડ્યા, પણ એ બિચારીને ક્યાં ખબર હતી કે સુખરૂપ બધું પૂરું થવાના ખ્વાબની સાથે દીકરાના દીકરાને રમાડવાનાં સપનાં ભલે તે જુએ, પણ હકીકત એ હતી કે દૂર માણાવદરમાં અત્યારે એક જંગ શરૂ થઈ ગયો છે અને દીકરાને નવી સમજણશક્તિ આપવા જવાનું કામ કરવા ગયેલી ચૌહાણપરિવારની થનારી વહુ મીરા પોતાનો જીવ ગુમાવી ચૂકી છે.
€ € €
અંતિમ શ્વાસની ગતિ ધીમી હોય, પણ એ સમયની મહેચ્છાઓ તીવþ હોય છે. પોતાની અંતિમ પળોમાં પણ મીરા નહોતી ઇચ્છતી કે ભૂપત તેનાથી અલગ થાય. મીરા પારખી ગઈ હતી કે જો આ સમયે ભૂપત બહાર નહીં આવે તો તે વધુ ને વધુ ઊંડા અંધકાર વચ્ચે ખૂંપી જશે અને તે નહોતી ઇચ્છતી કે ભૂપતના જીવનમાં પ્રકાશ લાવવાની તેણે કરેલી આછીસરખી શરૂઆત પણ વ્યર્થ જાય.
‘ભૂ... પ... ત...’
મીરાએ હાથ લંબાવીને ભૂપતનો હાથ પકડવાની કોશિશ કરી. તેના હાથમાં ભૂપતનો હાથ આવ્યો, પણ શરીરમાંથી નીતરી ગયેલા લોહીના કારણે હવે તેનામાં તાકાત રહી નહોતી. મહામહેનતે ઊંચકેલા હાથથી ભૂપતનો હાથ મીરાના હાથમાં તો આવ્યો, પણ એ હાથને પકડવાની સમર્થતા મીરામાં રહી નહોતી. હાથમાંથી હાથ સરકી ગયો અને મીરાની કોરી થઈ રહેલી અંધકાર ભરેલી આંખમાંથી વધુ એક વાર આંસુની એક બૂંદ બહાર આવી ગઈ.
‘ભૂ... પ... ત...’
‘આ ઘડીએ સાથે આવવાને બદલે એકબીજાને દૂરથી સાથ આપવો જરૂરી છે મીરા...’ ભૂપતે મીરા પરથી નજર હટાવીને આંસુ છુપાવ્યાં અને બિજલની ગરદન પર થાપ મારી એને રવાના થવા કહ્યું, ‘નીકળ બેટા, આજે તારે ખરાખરીની પરીક્ષા છે...’
માલિકના આદેશ પછી પણ ત્યાંથી રવાના થવાને બદલે બિજલે પોતાનો જમણો પગ હવામાં સહેજ ઊંચો કરી માલિકના પગ સાથે ટકરાવ્યો. મૂંગી ઘોડીની આ ઇશારતની બોલી ભૂપત સમજી ગયો હતો. ભૂપત બિજલની સહેજ વધારે નજીક જઈને એના ગાલ પર ચુંબન કર્યું.
‘ના, મારી જાન... જો તારી સાથે આવીશ તો આ કૂતરાઓ દાક્તર સુધી તને પહોંચવા નહીં દે...’
બિજલે બીજી વખતે જમણો પગ ભૂપતના પગ સાથે ટકરાવ્યો અને ડાબો પગ જમીન સાથે ઘસ્યો. આ ઇશારત પણ ભૂપત સમજી ગયો હતો. બિજલ કહેવા માગતી હતી કે નાહકની ચિંતા કર્યા વિના ભૂપત એની સાથે રવાના થઈ જાય, એ કોઈ પણ હિસાબે અહીંથી નીકળી જશે. બિજલના આ સ્પષ્ટ ઇશારા વચ્ચે પણ ભૂપતને બિજલ પર ગુસ્સો આવી રહ્યો હતો. ઇચ્છા નહોતી તો
પણ ભૂપતે સહેજ રોષ પણ દેખાડીને બિજલને ઠપકો આપ્યો, ‘ના પાડીને એક વાર તને...’
બિજલ હણહણાટી કરવા જતી હતી, પણ ભૂપતે એને એમાં પણ રોકી.
‘હવે એકેય સવાલ કર્યો છે તો દુનિયાની જેમ તારી સાથે પણ અબોલા લઈ લઈશ કાયમ માટે.’ ભુપતની આંખમાં આજીજી આવી ગઈ, ‘જા
બેટા, જા. જલદી... કોઈક દિવસ તો
માન મારું.’
બિજલે છેલ્લી વાર માલિકની સામે આંખ માંડી. ક્ષણભર બિજલ અને ભૂપતની આંખો એક થઈ અને એ પછી બીજલે નજર સીધી કરીને મંઝિલ તરફ માંડી પગ ઉપાડ્યો. બિજલે પહેલું
પગલું માંડ્યું કે તરત જ મીરાની તીણી ચીસ નીકળી.
‘ભૂ... પ... ત...’
ભૂપતે મીરાની સામે નજર માંડી. બન્નેની આંખોમાં અનેક એવા સવાલો હતા જેના જવાબો ખુદ કુદરત પણ આપી શકવાને અસમર્થ હતી અને જ્યારે કુદરત પણ અસમર્થ હોય ત્યારે સંબંધો પણ એક અકળ લાગણી વચ્ચે વિરામની દિશા પકડતા હોય છે. બિજલ મંદિરના બગીચામાંથી રવાના થઈ અને એની રવાનગીની સાથે જ ભૂપત તરફ જોઈ રહેલી મીરાની એ ખુલ્લી આંખો કાયમ માટે મીંચાઈ ગઈ.
બિજલ મીરાની આ હકીકતથી વાકેફ હતી. એના મનમાં એક જ ભાવ હતો કે કોઈ પણ હિસાબે દાક્તર પાસે પહોંચીને માલિક પાસે પરત આવવું. બિજલ માટે આ વિસ્તાર નવો નહોતો. અગાઉ એ આ રસ્તા પરથી અનેક વાર પસાર થઈ હતી અને એવું પણ અનેક વખત બન્યું હતું કે બિજલ એકલી પણ આ વિસ્તારમાં ફરી હોય. જે સમયે કામ કરનારાઓ અવળી દિશામાં હોય ત્યારે એની આજુબાજુમાં રહેનારાઓ પણ ચબરાક થઈ જતા હોય છે. બિજલની બાબતમાં પણ એવું જ હતું. ભૂપતની જવાબદારીના કારણે બિજલ હંમેશાં આંખ ખુલ્લી રાખીને પોતાની ચકોર નજર ફેરવતી રહેતી. માણાવદર-જૂનાગઢના રાજમાર્ગ પરથી પસાર થઈ રહેલો આ રસ્તો દક્ષિણે પોરબંદર તરફ આગળ વધતો હતો તો ઉત્તરે જૂનાગઢ આવ્યું હતું. ઉત્તર-પૂર્વની દિશામાં માણાવદર ગામ હતું અને એ ગામથી સહેજ પãમ તરફ આવેલા જંગલ માર્ગે જો વળી જવામાં આવે તો એ દિશામાં જૂનાગઢ રાજ્યનું લશ્કરી તાલીમ કેન્દ્ર આવ્યું હતું. અંતરની દૃષ્ટિએ પોરબંદર સૌથી દૂર હતું તો જૂનાગઢ પહોંચવામાં પણ સહેજે એકથી દોઢ કલાક નીકળી જાય એવી સંભાવના હતી, જ્યારે માણાવદર સૌથી નજીકનું મથક હતું. માણાવદરમાં જવાને બદલે જો માણાવદરમાં લશ્કરી તાલીમ કેન્દ્રમાં પહોંચી જવામાં આવે તો બે-ચાર-છ મિનિટનું અંતર લાંબું થતું હતું, પણ જો એમ કરવામાં આવે તો એ રાહત હતી કે એમાં મીરાને તાત્કાલિક સારવાર મળી જાય. બહુ જૂજ લોકો જાણતા હોય છે
કે કેટલાંક પાળતુ પ્રાણીઓમાં વિચારશક્તિ હોય છે અને એ વિચારશક્તિ માણસ કરતાં પણ વધુ તીવþ અને વેગવાન હોય છે.
ભૂપત પાસેથી રવાના થતાંની સાથે જ બિજલના મનમાં અનેક વિચારો શરૂ થઈ ગયા હતા. અગાઉ એ જ્યારે પણ આ રસ્તેથી પસાર થઈ હતી ત્યારે એણે ભૂપતની પાસેથી તાલીમ કેન્દ્રની વાતો સાંભળી હતી અને એ વાતો વચ્ચે બે વખત તો ભૂપત એને સામેથી તાલીમ કેન્દ્રના દરવાજા સુધી પણ લઈ ગયો હતો. એક રાતે તો ભૂપત એ કેન્દ્રના દરવાજા પાસે આરામથી બેઠો હતો અને બેસીને તેણે બિજલને પોતાના જૂના દિવસો પણ કહ્યા હતા. એ જૂના દિવસોની સાથોસાથ બિજલને ભૂપતે કહ્યું પણ હતું, ‘જો બેટા, કોઈક દિવસ આ બાજુએ કંઈ તકલીફ ઊભી થઈ જાય તો વિનાસંકોચે આ દરવાજે આવી જજે. અહીં પહેલાં સવાલ નહીં કરે, પહેલાં તો ભૂપતને સાચવવાનું કામ કરશે...’
ભૂપતના એ શબ્દો વાગોળતાં-વાગોળતાં જ બિજલ અત્યારે માણાવદરના લશ્કરી તાલીમ કેન્દ્રની દિશામાં વળી ગઈ હતી અને એ રસ્તે વળીને એણે મનોમન નક્કી કરી લીધું હતું કે મીરાને મૂકીને એ સીધી નીકળી જશે. માલિકનો આદેશ મળ્યો એ પછી જ બિજલ ત્યાંથી રવાના થઈ હતી, પણ રવાના થયા પછી પણ એનો જીવ તો માલિકમાં જ અટવાયેલો હતો અને જીવ અટવાય પણ કેમ નહીં; માલિક અત્યારે જીવસટોસટના જંગ પર આવી ગયો હતો.
€ € €
મીરા સાથે બિજલ રવાના થઈ ત્યારે ભૂપતને તેના શરીરમાંથી તાકાત નીતરતી દેખાઈ હતી. જિંદગી આખી એક જ ક્ષણમાં નેસ્તનાબૂદ થઈ ગઈ હોય એવો ભાસ તેને થઈ રહ્યો હતો અને એ ભાસ વચ્ચે તેના પગમાં ઊભા રહેવાની ક્ષમતા પણ ઓસરવા માંડી હતી. મીરાની સાથે જિંદગી જીવવાનું સપનું જોવાનું હજી તો માંડ તેણે શરૂ કર્યું હતું ત્યાં જ તેની આંખ સામે મોતનું તાંડવ શરૂ થયું હતું. એક એવું તાંડવ કે જેમાં તેનો આત્મા બની ગયેલી મીરાના શરીરમાંથી ખૂનની નદી ફૂટી હતી. ભૂપતનાં કપડાં લોહીથી ખરડાઈ ગયાં હતાં. ભૂપતના બન્ને હાથ પણ લોહીથી લથબથ હતા. આ અગાઉ વિકૃત રીતે હત્યા તેણે કરી હતી અને કપડાં-હાથ આ જ રીતે રક્તરંજિત થયાં હતાં, પણ આજે તેના શરીર પર જે લોહી હતું એ લોહી હતું તેને સંસારની દિશા આપવાનું કામ કરી રહ્યું હતું, જે લોહી તેના અંશને વંશનું રૂપ આપવાનું ખ્વાબ જોઈ રહ્યું હતું, જે લોહી તેને લોહિયાળ માર્ગથી પરત લાવવાનું કામ કરી રહ્યું હતું અને એ જ સમયે...
હાથનું લોહી ભૂપતની આંખમાં ઓસરી આવ્યું અને આંખમાં ઓસરી આવેલા લોહીએ ભૂપતનાં દિલ-દિમાગ પર કબજો લઈ લીધો. શાંતિની વાત કરવાની ક્ષણે જો કોઈ અશાંતિ સર્જવાનું કામ કરે તો એ પછી જે સર્જાતું હોય છે એ સર્વનાશ હોય છે. સર્વનાશની એ જ પળ અત્યારે, આ ઘડીએ ભૂપતના માનસપટ પર સવાર થઈ ગઈ હતી. ખુવાર થવા નીકળેલાઓને ખુવારીઓનો ભય નથી હોતો. ભૂપતને પણ અત્યારે પોતાની ખુવારીનો કોઈ ભય નહોતો. અત્યારે જ નહીં, ભૂપતને તો કોઈ પણ ક્ષણે ક્યારેય ખુવારીનો ભય નહોતો લાગ્યો અને એ ભય નહોતો એટલે જ તે કોઈ પણ ઘડીએ જોખમ લેવા માટે તૈયાર રહેતો. જોકે આજની વાત જુદી હતી. આજે ભૂપત પર ભૂત સવાર થવાનું હતું અને સવાર થયેલા એ ભૂતની પહેલી નિશાનીરૂપે ભૂપતે ઝાડની પાછળ સંતાયેલા એક હવાલદારનું નિશાન લઈને ગોળીબાર કર્યો.
ધાંય...
ગોળી સીધી હવાલદારના કપાળની વચ્ચે ચાંદલો કરીને મસ્તકમાં ઊતરી ગઈ અને વીજળીવેગે આવેલી કારતૂસના ધક્કાથી હવાલદાર પાંચ ફૂટ પાછળની બાજુએ ફંગોળાયો. ભૂપતે આ દૃશ્ય પોતાની નરી આંખે જોયું. તેના મોઢામાંથી મા સમાણી ગંદી ગાળ નીકળી ગઈ હતી. આ ગાળની સાથે તેણે દાંત પણ કચકચાવ્યા હતા.
‘એની માને, સાલ્લાઓ પીઠ પાછળ વાર...’
ભૂપતે પગની પિંડી પાસે સંતાડેલી બીજી રિવૉલ્વર પણ ખેંચી લીધી અને એ જ દિશામાં ફરી વખત ગોળીબાર કર્યો જ્યાં પેલા હવાલદારની લાશ પડી હતી.
ધાંય... ધાંય...
ભૂપતની એક ગોળી એક હવાલદારના ખભામાં ખૂંપી ગઈ તો બીજી રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળી એક હવાલદારના કાન પાસે છરકો કરતી પસાર થઈ ગઈ. ભૂપતે ફરી વખત રિવૉલ્વર તાકી, પણ ત્યાં સુધીમાં ફોજદાર સાવધ થઈ ગયો હતો. ફોજદારે ધાર્યું હતું કે સામેથી વાર નહીં થાય, પણ એ ધારણા તેની ખોટી પડી હતી. ભૂપતે સામો વાર કર્યો હતો. ફોજદારનું શાપિત દિમાગ યંત્રવત્ રીતે કામે લાગી ગયું હતું. તેણે બિજલને બગીચામાં દાખલ થતી જોઈ હતી. બિજલ ઝાડની પાછળના ભાગમાં જઈને ઊભી રહી અને પછી ફરી એક વાર બિલકુલ વિરુદ્ધ દિશામાં રવાના થઈ ગઈ એ પણ ફોજદારે જોયું હતું. જોકે એ જોયા પછી ફોજદાર કોઈ પગલું ભરી નહોતા શક્યા અને ફોજદાર કોઈ પગલું ભરી શકે એવો સમય પણ બિજલે આપ્યો નહોતો.
બિજલના રવાના થયા પછી અચાનક જ ઝાડની પાછળના ભાગમાંથી ગોળીબાર શરૂ થયો. શરૂ થયેલા એ ગોળીબારમાં સ્વરક્ષણની કોઈ ભાવના નહોતી, પણ એમાં આક્રમકતા દેખાઈ રહી હતી. ફોજદાર સમજી ગયો હતો કે ભૂપતે મીરાને રવાના કરી દીધી છે અને પોતે રોકાયો છે. પોતે શરૂ કરાવેલા ગોળીબાર પછી આસપાસમાંથી ક્યાંયથી કોઈ ચહલપહલ નહોતી થઈ એ વાતને ફોજદારે પોતાના પક્ષમાં ગણી હતી અને તેણે ધારી લીધું હતું કે મળેલી માહિતી મુજબ ભૂપત અત્યારે બિલકુલ એકલો જ હશે અને હવે તેણે ભૂપત એકને જ ઝબ્બે કરવાનો છે. ફોજદારે ચીવટપૂર્વક ફરી એક વખત ઝાડની ઓથ લઈ લીધી અને ભૂપત પર વાર કરવાનો આદેશ આપી દીધો. ફોજદારના આદેશની સાથે જ તમામ જગ્યાએથી ભૂપત પર ગોળીઓની વષાર્ શરૂ થઈ ગઈ. અલબત્ત, ભૂપતના સદ્નસીબે તેની પીઠ જે દિશામાં ખુલ્લી હતી એ દિશાએ ફોજદારે કોઈ માણસો ગોઠવ્યા નહોતા એટલે ભૂપત પર કોઈ વાર થયો નહીં.
એક મિનિટના એ ગોળીબાર દરમ્યાન ભૂપત સહેજ પણ ગભરાયો નહોતો બલકે તેણે તો એ ગોળીઓની દિશા અને આવી રહેલી ગોળીઓના આધારે કેટલા પોલીસકર્મીઓ આજુબાજુમાં છે એના વિશે અંદાજ લગાવવાનું આદરી દીધું હતું. આવી પરિસ્થિતિનું નિર્માણ અગાઉ ક્યારેય તેની સાથે થયું નહોતું, પણ એ માટેની માનસિકતા તો ભૂપતે હંમેશાં રાખી હતી. રાખવામાં આવેલી માનસિકતા વિપરીત સંજોગોની વિષમતાને ઘટાડવાનું કામ કરતી હોય છે.
ઝાડની પાછળ બેસીને ગોળીઓની દિશા અને માણસોની ગણતરી કરી રહેલા ભૂપતને સમજાઈ ગયું હતું કે અત્યારે એ ત્રણ બાજુએથી ઘેરાયેલો છે અને વીસથી ત્રીસ જેટલા પોલીસકર્મીઓ તેને અટકાવવાની ભૂમિકામાં છે.
‘સાલ્લા કૂતરાઓ, એકને મારવા આટઆટલા લોકો આવી જાય છે... આમાં દેશનો ઉદ્ધાર ક્યારે થવાનો...’
મનમાં ગાળ ભાંડીને ભૂપતે ચુપકીદી ધરી રાખી, પણ જેવો ગોળીબાર બંધ થયો કે બીજી જ ક્ષણે તે ફરી ઊભો થયો અને તેણે પોતાના હાથમાં રહેલી બન્ને રિવૉલ્વરથી ગોળીબાર શરૂ કર્યો.
ધાંય... ધાંય... ધાંય... ધાંય... ધાંય... ધાંય...
જમણી બાજુએ કરવામાં આવેલા ગોળીબારથી બે હવાલદાર ઘવાયા તો ડાબી બાજુએ થયેલા ગોળીબારથી એક હવાલદારનું મોત થયું. ભૂપતે આ ગોળીબારની સાથોસાથ પોતાની રણનીતિ પણ બનાવી લીધી હતી. તે પોતે જે ઝાડની પાછળ સંતાયો હતો એ વડના ઝાડ પર ઝડપભેર ચડી ગયો. ઝાડની એ અવસ્થા તેના માટે સલામત પણ હતી અને સલામતીની સાથોસાથ વ્યૂહરચનાની દૃષ્ટિએ પણ એકદમ ઉચિત હતી.
‘જ્યારે નજર લાંબે સુધી ન પહોંચે ત્યારે એ નજરને ઊંચે લઈ જવી જોઈએ.’ લશ્કરી તાલીમ કેન્દ્રમાં મુસ્તફા પટેલે એક વખત તાલીમ આપતી વખતે સૌને કહ્યું હતું, ‘નજરને ઊંચે લઈ જવાનું કામ તો આસાન નથી એટલે એવા સમયે જો ઊંચે જવાની કોશિશ કરવામાં આવે તો નજર આપોઆપ ઊંચી થઈ જતી હોય છે... ઊંચી પણ અને લાંબું અંતર જોઈ શકે એવી પણ.’
રબ્બરની ગોળીઓ ખાસ લંડનથી મગાવવામાં આવી હતી અને એ રબ્બરની ગોળી રિવૉલ્વરમાં ભરીને બધા જવાનને આપવામાં આવી હતી. કોઈ એક જવાને ખૂણામાં સંતાઈ જવાનું હતું અને એ જવાન પર બાકીના જવાનોએ દુશ્મન બનીને તૂટી પડવાનું હતું. રબ્બરની ગોળી ભલે આમ તો રબ્બરની બનેલી હોય, પણ એનો વેગ તો મૂળભૂત કારતૂસ જેવો જ અકબંધ રહેતો એટલે એ વાગ્યા પછી શરીરમાંથી લોહી ન નીકળતું; પણ જ્યાં લાગે ત્યાં ગોળી લોહીનાં ચકામાં ચોક્કસ ઊભાં કરી દેતી.
એક બનીને આખા જૂથનો માર સહન કરવા માટે કોઈ તૈયાર નહોતું થયું અને એ સમયે ભૂપતે એ તૈયારી દેખાડી હતી. કાળુ ભાઈબંધ હતો અને કાળુએ ભૂપતને રોક્યો પણ હતો, ‘ભલા માણસ, અહીં ફિશિયારી રહેવા દે. આખા શરીરે ચાંભા પડી જશે ને રાત આખી એ દુખશે.’
‘દુખશે ત્યારે, જ્યારે એ લાગશે...’
‘કાં, કંઈ દૈવી અવતાર લઈને આવ્યો છે કે તને કોઈની ગોળી લાગે નહીં?’ કાળુએ મોં મચકોડ્યું હતું. ‘ખબર છે તને કે છાવણીમાં કેટલાને તારાથી ઈષ્ર્યા છે. ઈષ્ર્યામાં પણ આજે બધા સાથે મળીને દાવ લઈ લેશે.’
‘તને ઈષ્ર્યા છે?’ કાળુએ ના પાડી એટલે ભૂપતે કહ્યું, ‘તો પછી તું બહાર બેસીને આખી રમત જોઈ લે. તને પણ ખબર પડશે કે સામે વીસ-ત્રીસ જણ આવી ગયા હોય ત્યારે તેની સામે બહાદુરીપૂર્વક કેવી રીતે ટકવું...’
‘તું ને તારી વગર કારણની હોશિયારી... એક દિવસ મરવાનો છે.’
‘કંઈ નવું બોલ, આ તો ખબર છે...’
ભૂપત હસ્યો એટલે કાળુ વધુ ગિન્નાયો હતો. તેણે ચિલ્લાઈને ચોખવટ કરી હતી.
‘નવરીના, કહેવાનો મતલબ એ છે કે એક દિવસ કમોતે મરવાનો છે.’
અત્યારે, આ ક્ષણે ઝાડ પર ચડ્યા પછી પણ ભૂપતની આંખ સામે એ દિવસ અને કાનમાં એ દિવસના શબ્દો ગુંજવા માંડ્યા હતા.
‘નવરીના, કહેવાનો મતલબ એ છે કે એક દિવસ કમોતે મરવાનો છે...’
- કમોતની ક્ષણ શું આ હશે?
ભૂપતના મનમાં ઝબકારો મારતો આ વિચાર ઝળકી ગયો. જો અત્યારે કાળુ હોત તો તેણે કાળુની સામે આ વિચાર મૂક્યો હોત અને એ વિચાર મૂક્યા પછી કાળુ એ વિચાર પર ફરીથી એક વાર ગિન્નાયો હોત. તેણે આવા સંકટના સમયે પણ વધુ એક વાર હકારાત્મક બનવાની જવાબદારી સંભાળી લીધી હોત, પણ હકીકત તો એ જ હતી કે આ ક્ષણે કમોતની હાજરી તો વર્તાતી હતી.
ઝાડ પર ચડ્યા પછી ભૂપતે એક સલામત ડાળી શોધવાનું શરૂ કર્યું. એવી સલામત ડાળી કે જે તેને સંતાડવાનું કામ પણ કરે અને નીચે છુપાયેલા પોલીસકર્મીઓ પર પણ નજર રાખવામાં મદદ કરે. ભૂપતનું શરીર અત્યારે ડાળી શોધવાનું કામ કરી રહ્યું હતું તો તેનું મન ફરી એક વખત મીરા પાસે પહોંચી ગયું હતું. મીરાને સમયસર સારવાર મળી જાય એ માટે તેણે વધુ એક વાર મનોમન પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાની સાથોસાથ તેણે મંદિરની દિશામાં નજર પણ ફેરવી. મીરા સાથે તે અહીં આવ્યો ત્યારે મીરાએ સૌથી પહેલું દર્શન કરવા જવાનું કહ્યું હતું અને તે મીરા પર ચિડાયો હતો. કહ્યું હતું, ‘આ બધાં ટીલાંટપકાં માટે મારી પાસે સમય નથી...’
‘સમય કોઈની પાસે હોતો નથી, સમય બધાએ ચોરવો પડે છે...’
‘તું તારું ભાષણ ક્યારે બંધ કરશે?’
‘સાચું કહું?’ ભૂપતે આંખો મોટી કરીને મીરાની સામે જોયું એટલે મીરાએ પોતાના હોઠ ત્રાંસા કરીને તેની સામે ચહેરો બગાડ્યો તો ખરો; પણ સાથોસાથ જવાબ પણ આપી દીધો, ‘ઈ તો ક્યારેય બંધ નહીં થાય... હા, એ વાત જુદી છે કે તને સાંભળવું ન ગમતું હોય તો તું બહેરો થઈ શકે છે. આપણને વાંધો નથી.’
‘ખરી છે તું!’ ભૂપતને ખરેખર એ સમયે મીરા પર ગુસ્સો આવ્યો હતો, ‘તને ભસવા મળે એટલે હું બહેરો થઉં એની સામે પણ તને વાંધો નથી!’
‘એ ભૂપતસિંહ ચૌહાણ... કહેવા શું માગો છો તમે?’ દર્શન કરવા મંદિરામાં જતી મીરાના પગ અટક્યા અને તે પાછી ફરી, ‘ભસવું એટલે શું હેં? તમે મને કૂતરી કહેવા માગો છો? ના, ના... જવાબ આપો. કૂતરી કહેવું છે મને એમ? જવાબ આપોને, હવે કેમ મૂંગા થઈને ઊભા છો... બોલો. ચાલો... બીક લાગે છે? બોલો.’
‘હા, કૂતરી કહ્યું લે. શું કરી લઈશ?’
‘બીજું તો શું કરી શકું?’ નિરાશ થઈને નીચી કરી લીધેલી નજર મીરાએ ઊંચી કરી અને પછી સીધી ભૂપત પર તરાપ મારી, ‘કૂતરી તો બસ બટકાં ભરી શકે...’
મંદિરમાં દાખલ થતાં પહેલાં શરૂ થયેલી આ પ્રેમભરી મજાકમસ્તી આમ જ ચાલુ રહી અને દર્શન કરવાનું છોડીને બન્ને મંદિરના પાછળના ભાગમાં આવેલા બગીચામાં આવી ગયાં. વાતો દરમ્યાન બન્નેએ નક્કી કર્યું હતું કે નીકળતી વખતે મહાદેવના આર્શીવાદ લઈ લઈશું, પણ નીકળવાનો સમય આવ્યો ત્યારે વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. સાથે નીકળવાની ભાવના જે મનમાં પ્રસરી રહી હતી એ ભાવના અને એ મન અત્યારે કડડડભૂસ થઈ ગયાં હતાં. દર્શન માટે મંદિરમાં જવાની જે મહેચ્છા મીરામાં પ્રગટી હતી એ મહેચ્છા પૂરી કરવા મીરા ખુદ મહાદેવના માર્ગે ચાલી ગઈ હતી અને જે ભૂપતને લઈને તે દર્શન કરવા માગતી હતી એ ભૂપત અત્યારે એકલા હાથે મોતને ખાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.    
€ € €
- સાલ્લું, આવું તો ક્યારેય થયું નથી. આજે શું કામ થાય છે? ક્યાંક કોઈ હેરાન તો નહીં થતું હોયને...
કાળુને ચેન નહોતું પડી રહ્યું. બહુ પ્રયાસ કર્યો તેણે વાતને બીજા પાટે ચડાવવામાં અને પોતાનું ધ્યાન બીજી દિશામાં વાળી રાખવામાં, પણ મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક કોઈ જગ્યાએ અપશુકન થઈ રહ્યાં છે અને એનો અણસાર છેક તેના સુધી પહોંચે છે. એક પળ માટે તો કાળુએ પોતે સંકટમાં મુકાશે એવો વિચાર પણ કરી લીધો અને એ કલ્પનાને પણ તેણે મનમાં રોપી જોઈ, પણ તેનું મન માનતું નહોતું કે એવું કંઈ બને અને હૈયું કંઈક જુદી જ દિશામાં અંગુલીનિર્દેશ કરી રહ્યું હતું.
‘બહાર તો કોઈ છે નહીં તો પછી કોના પર સંકટ આવે... ઘરના પર હશે કે પછી ફરીથી સામત અને રણજિતની જેમ ટોળીમાંથી કોઈ છૂટું પડવાની દિશામાં આગળ વધતું હશે?’
કાળુએ માથું ઝાટકીને મનમાં ચાલી રહેલા વિચારોને અટકાવવાની કોશિશ કરી, પણ એ વિચારો ગુંદર લઈને મસ્તક પર ચોંટી ગયા હતા.
‘મારું બેટું, આ સાલ્લું ખરાબ હોં...’ કાળુએ ખબરીને કહ્યું, ‘ખરાબ વાત તરત જ મનમાં ઘર કરી જાય...’
‘હા, ઈ ઘર કરી જાય; પણ ઘર કરી ગયેલી વાત સાવધાની પણ આપી જાયને.’
‘સાવધાની શાની ભાઈ... બધા પોતપોતાના મલકમાં જ છે ને રાજ કરે છે...’
‘સરદાર ક્યાં છે?’
‘સરદાર તો...’
કાળુનું મોં ખુલ્લું રહી ગયું. શબ્દો હવામાં ઓગળી ગયા અને જીભ તાળવે ચોંટી ગઈ.
ક્યાંક મીરા અને ભૂપત પર તો આફત નથી આવીને?
કાળુ સફાળો ઊભો થઈ ગયો.
€ € €
‘હે માતાજી, મીરાને હેમખેમ રાખજે...’ ભૂપતે ગળામાં રહેલું માદળિયું હોઠને અડાડ્યું અને પછી આંખથી જ મંદિરમાં બેઠેલા મહાદેવ તરફ જોળ મહાદેવને પણ વિનંતી કરી, ‘દેવાધિદેવ મહાદેવ, તારી પાસે માગ્યું ક્યારેય નથી... ક્યારેય હાથ ફેલાવ્યો નથી અને ક્યારેય તને શરમાવ્યો નથી. આજે પહેલી વાર કહું છું... મીરાને હેમખેમ રાખજે. તું માગશે એ આપીશ. કહીશ તો જાતે તારા શિવલિંગ સમક્ષ મૂકી લોહીથી કમળપૂજા કરીશ, પણ મીરાને સલામત રાખજે...’
ઝાડની ડાળી પર સલામત રીતે ગોઠવાઈને મહાદેવને પ્રાર્થના કરી ભૂપતે આંખ ખોલી અને તેની આંખમાં એક આછો ચમકારો થયો. મંદિરના ગર્ભદ્વારમાં મહિલાના સ્વાંગમાં તેને મૂછવાળા જવાનો દેખાયા.
‘એની જાતને... પલાન તો ઊંચા માયલો ઘડ્યો છેને કંઈ!’
ભૂપતે હવે આજુબાજુના સૌને પડતા મૂકીને પહેલું નિશાન મંદિરના ગર્ભદ્વારમાં રહેલા એક હવાલદારનું લીધું. પોતાને શોધવા માટે વાંરવાર આગળ-પાછળ થનારા એ હવાલદારના કપાળનું નિશાન લઈને જમણા હાથની પહેલી આંગળીનું વજન ટ્રિગર પર મૂકી દીધું.
‘ઓમ નમ: શિવાય.’
(વધુ આવતા રવિવારે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK