આ બિઝનેસમૅને પાળ્યો છે રિસ્કી શોખ!

Published: 5th October, 2014 06:51 IST

બોરીવલીનો પાર્થિવ સંઘવી રજા મળતાં જ જંગલો ખૂંદવા નીકળી જાય છે - સાપ, ગરોળી, દેડકા વગેરેની અફાટ વરાઇટી જોવાગુજરાતીની પૅશનપંતી - પલ્લવી આચાર્ય

સાપ, ગરોળી અને દેડકામાં વળી શું જોવાનું એવું લોકો ભલે માને; પણ તમે જુઓ તો ખબર પડે કે એ કેટલાં સુંદર હોય છે. આવું કોઈ પર્યાવરણવિદ્ નહીં પણ બોરીવલી (વેસ્ટ)માં રહેતા યુવાન બિઝનેસમૅન પાર્થિવ સંઘવીનું કહેવું છે. આ ગુજરાતી કપોળે એવો શોખ પાળ્યો છે જેના માટે તેણે રાતોની રાતો ટૉર્ચ લઈને જંગલોમાં રખડવું પડે, સાપ-વીંછી સહિતનાં ઝેરી જનાવરો કરડવાનો ડર રહે, કોઈના ઘરમાં સાપ ઘૂસી ગયો હોય તેનો ફોન આવે તો અડધી રાતે ભાગવું પણ પડે.

ગયા પખવાડિયે મહારાષ્ટ્ર-ગોવા બૉર્ડર પર આવેલા તિલારી ગામ અને એની આજુબાજુના જંગલમાં સરીસૃપની ચોક્કસ પ્રજાતિઓને ફંફોસવા ગયેલો પાર્થિવ સંઘવી ‘સન્ડે-સરતાજ’ને કહે છે, ‘આ કામ જબરદસ્ત એફર્ટ માગી લે એવું છે. એક વિઝિટમાં અઢીસોથી ત્રણસો પથરા ખસેડીએ ત્યારે એની નીચે છુપાયેલાં સાપ, ગરોળી, દેડકા વગેરે જોવા મળે. આ વિસ્તારમાં પ્રાણીઓની કેટલીક એવી પ્રજાતિઓ છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. આ બધું જોવા શારીરિક મહેનત બહુ કરવી પડે. એમનું બ્રીડિંગ ચોમાસામાં જ થાય એથી વરસતા વરસાદમાં ફરવું પડે.’

પાર્થિવ રાત-દિવસ. તાપ-તડકો કે ટાઢ જોયા વિના આ જીવોને શોધવા નીકળી પડે છે.

સાપ, ગરોળીને દેડકામાં શું જોવાનું?

જોતાંય ચીતરી ચડે, ઘરમાં ગરોળી દેખાય તો ચીસ પડી જાય, ઘરમાંથી બહાર ન કાઢીએ ત્યાં સુધી ચેન ન પડે એવું આપણે ભલે કરીએ; પણ પાર્થિવ જાતજાતની ગરોળીઓને જોવા માટે રજા લઈને સ્પેશ્યલ જાય છે. તે કહે છે, ‘ગરોળીઓમાં કેટલી બધી વરાઇટી હોય છે! કેટલીક તો બહુ સંદર હોય છે. કોઈના શરીર પર પટ્ટા હોય, જુદા કલરની ડિઝાઇન કે ડૉટ્સ હોય, કેટલીક બચ્ચું હોય ત્યારે જુદી અને ઍડલ્ટ થાય ત્યારે જુદી બની જાય. પ્રસાદી નામની ગરોળી બચ્ચું હોય ત્યારે કાળી હોય, ઉપર પીળા રંગનાં ટપકાં હોય; પણ ઍડલ્ટ થતાં એ બ્રાઉન બને અને ટપકાં સફેદ થઈ જાય. એથી લોકોને એમ જ લાગે કે એ અલગ પ્રાણી છે. સામાન્ય રીતે આપણને બચપણથી શીખવવામાં આવ્યું હોય છે કે ગરોળી ઝેરી હોય છે એથી આપણે એનાથી ડરીએ છીએ, પણ વાસ્તવમાં ભારતમાં નવ ટાઇપની ફૅમિલીની ગરોળીઓ છે અને કોઈ જ ઝેરી નથી હોતી. એ ગંદી જગ્યા પર રહેતી હોવાથી શરીર પરના બૅક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન લાગે છે.’

સાપ ઝેરી જ હોય અને એ કરડે તો મરી જવાય એવું લોકો માને, પણ ભારતમાં જે ૨૮૦ જાતના સાપ છે એમાંથી માત્ર પંચાવન જ ઝેરી છે. એમાંય ૩૦ જેટલા દરિયાઈ છે જે કદી જમીન પર નથી આવતા. આમ જમીન પરના માત્ર ૨૫ જાતના સાપ જ ઝેરી હોય છે અને માત્ર ૪ ટાઇપના સાપ કરડવાથી જ માણસ મરી જાય. આવીબધી માહિતી આપતાં પાર્થિવ કહે છે, ‘૨૮૦માંથી પાંચ ટકા સાપ પણ એવા ઝેરી નથી જે કરડવાથી માણસ મરી જાય. સાપના કલર અને દેખાવમાં બહુ વરાઇટી છે. સફેદ, કાળો, પીળો, બ્લુ, ગ્રીન વગેરે કલરના જ નહીં; પાઇડ બેલી શીલ્ડ ટેલ નામના સાપના પેટ પર સફેદ અને કાળા રંગના પટ્ટા હોય છે. ગોવાની બૉર્ડર પર સાવંતવાડી નજીકના આંબોલી ગામમાં આંબોલી ટોડ નામના જે દેડકા છે એવા દુનિયામાં બીજે ક્યાંય નથી. એથી એ જોવા હોય તો ત્યાં જવું પડે

જે મહારાષ્ટ્રનો બહુ અંતરિયાળ વિસ્તાર છે.’

રિસ્કી શોખ અને સેવા

છ વરસ પહેલાં ગોરેગામમાં પાણીની એક ખાલી ટાંકીમાં એક સિવેટ (નોળિયા જેવું) હતી એ જોઈને લોકોએ પાર્થિવને બોલાવ્યો. ઘણા પ્રયત્નો કરવા છતાં એ હલી નહીં. એથી પાર્થિવ આઠ ફૂટ ઊંડી એ ટાંકીમાં ઊતર્યો તો સિવેટે તેના પર હુમલો કર્યો. એના દાંત બ્લેડ જેવા ધારદાર હોવાથી પાર્થિવને પગ અને આંગળીઓમાં બહુ બ્લીડિંગ થયું, રૅબીઝનાં ઇન્જેક્શન્સ પણ લેવાં પડ્યાં. આજે પણ એ નિશાની પગ પર છે.

એવી જ રીતે એક વાર એક જગ્યા પરથી કોબ્રાને પકડ્યો અને ગૂણીમાં નાખીને તે લઈ જતો હતો ત્યાં કોથળામાંથી સાપે મોઢું બહાર કાઢ્યું, કારણ કે કોથળામાં નાનું કાણું હતું. એ તો કોઈની નજર પડી ગઈ એટલે તરત સાચવી લીધું, નહીં તો એ પાર્થિવને કરડ્યો પણ હોત.

અડધી રાતે જંગલમાં ટૉર્ચ લઈને તે આ પ્રાણીઓને શોધવા નીકળે છે એમાં કેટલીયે વાર તેને જળો કરડી છે. પશુઓમાં માંકડ હોય એ કરડ્યા છે જેને લઈને ઘણી વાર ભારે ઇન્ફેક્શન થઈ આવે છે, તાવ ચડી જાય વગેરે પણ થાય. આ કામ એવું છે કે જો જરાપણ ગાફેલ રહીએ તો ગયા કામથી એમ જણાવતાં પાર્થિવ કહે છે, ‘સેવા કરું, પણ પોતાની લાઇફની પરવા રાખવી પડે, સાપથી ડરવું પડે; કારણ કે ક્યારેક જો એને ઓળખવામાં ભૂલ કરી તો જીવનું જોખમ થઈ જાય. ગ્રુપમાં જ કામ કરવું પડે.’

રાત્રે ક્યાંક સાપ નીકળ્યો હોય તો એને રાત્રે જ જંગલમાં છોડી દેવો પડે. ગયા મહિને સાપને પકડીને જંગલમાં છોડીને તે ઘરે આવ્યો ત્યારે સવારના ચાર વાગ્યા હતા.

કાનૂની ગુનો પણ બને

વાઇલ્ડ-લાઇફ ઍક્ટ મુજબ આ પ્રાણીઓ શેડ્યુલ ૧ની કૅટેગરીમાં આવે. એથી સાપ કે સિવેટ વગેરે લઈને જતા હોઈએ ને કોઈ ફરિયાદ કરે તો પોલીસ-કસ્ટડી થાય, કેદની સજા પણ થાય. આ કાનૂનને ધ્યાનમાં રાખીને જ તે હવે જે સોસાયટી કે બિલ્ડિંગમાં સાપ પકડ્યો હોય એ લોકો પાસેથી લેટર લઈ લે છે.

ક્યારે લાગ્યો શોખ?

જવાબમાં પાર્થિવ કહે છે, ‘બાર વરસ પહેલાં આ શોખ તો નહોતો, હું તો આ વિશે કાંઈ જાણતો પણ નહોતો. વાત એમ છે કે મહાશિવરાત્રિ પર નૅશનલ પાર્કમાં લાખો લોકો આવે છે. એ ક્રાઉડને મૅનેજ કરવા તેમને વૉલન્ટિયર જોઈતા હતા એ જાહેરાત વાંચીને હું ગયો. ત્યાં બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીના લોકો મળ્યા. દર રવિવારે તેઓ પર્યાવરણ વિશે માહિતી આપે છે. એથી હું અટેન્ડ કરવા જતો. એવામાં એક વરસનો ર્કોસ આ સંસ્થાએ શરૂ કર્યો હતો એ મેં કર્યો અને ત્યારથી મને આ જીવજંતુમાં રસ પડવા લાગ્યો, બાકી એ પહેલાં તો મને પણ ગરોળી વગેરેની ચીતરી ચડતી હતી.’

કામ અને પરિવાર પર અસર?

આ શોખમાં આગળ વધતાં પાર્થિવે પેરન્ટ્સને બહુ સમજાવવા પડ્યા હતા, કારણ કે દીકરો આવું કામ કરે એ માટે તેઓ તૈયાર નહોતા. તેનો શોખ લગ્ન પહેલાંથી છે. એથી વાઇફ મનાલીને લગ્ન પહેલાં જ તેણે વાત કરી રાખી હતી. રજાઓમાં જંગલમાં ફરવા જતો રહે તો વાઇફ કોઈક વાર નારાજ થઈ જાય. જોકે તેને પણ તે પ્રૉપર ટાઇમ આપે છે.

હા, એ ખરું કે તે વાઇલ્ડ-લાઇફ જોવા જાય ત્યારે ત્યાં નેટવર્ક ન હોવાને કારણે બિઝનેસના કૉલ પણ ન લઈ શકે તો બિઝનેસ સફર થાય.

સેવા

રેપ્ટાઇલ રેસ્ક્યુ ઍન્ડ સ્ટડી સેન્ટર નામનું એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગે‍નાઇઝેશન તે ઘણાં વરસથી ચલાવતો હતો, પણ ૨૦૧૨માં એને રજિસ્ટર કર્યું. આ સંસ્થા મારફત તે સ્કૂલ- કૉલેજમાં અવેરનેસ લેક્ચર્સ આપે છે ત્યારે એમાં ખાસ શીખવે છે કે સાપ કરડે ત્યારે એમાં ફર્સ્ટહૅન્ડ સારવાર કઈ લેવી? લોકોમાં સાપનો ડર અકબંધ રહે એ માટે તે સાપ સાથે ફોટો નથી પડાવતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK