૬૦૦૦ વર્ષ જૂની સ્કીના ઇતિહાસ, સદીઓ જૂની રમત અને એનાં સાધનોની માહિતી આપે છે સ્કીનું મ્યુઝિયમ

Published: 2nd November, 2014 06:46 IST

૧૯૭૯માં સુધીર સૌપ્રથમ વાર ઍડ્વોકેટ્સના ડેલિગેશન જોડે મૉસ્કો ગયો હતો. ત્યારે તેણે એ શહેરની મધ્યમાં આવેલા સ્કી ટાવર પરથી બાર-તેર વર્ષનાં બાળકોને છાતીનાં પાટિયાં બેસી જાય એટલા ઊંચા સ્થળેથી સડસડાટ લસરતાં અને પછી માન્યામાં ન આવે એટલા લાંબા હવાઈ કૂદકા મારતાં જોયાં હતાં.


નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ

ત્યાર બાદ અમે બન્ને જ્યાંના લોકો સ્કીની શિયાળુ રમત રમે છે એવા દુનિયાના કંઈકેટલાય દેશોમાં જઈ આવ્યાં છીએ; પણ મૉસ્કો સિવાય બીજા કોઈ પણ દેશમાં અમે શહેરની મધ્યમાં તો શું, સાવ નજીક પણ સ્કીઇંગ કરી શકાય એવી સગવડો જોઈ નથી. ઑસ્લો યુરોપનું એકમાત્ર એવું મોટું શહેર છે જ્યાં તમને શહેરના મધ્યભાગમાંથી થોડી મિનિટોમાં જ પબ્લિક ટ્રાન્સર્પોટ વડે એક જબરદસ્ત સ્કીઇંગના સ્થળે જવા મળે છે.

હોલ્મેન કૉલેનમાં સૌપ્રથમ સ્કી જમ્પિંગ કૉમ્પિટિશન ૧૮૯૨ની ૩૧ જાન્યુઆરીએ યોજાઈ હતી. બાર હજાર નૉર્વેજિયનો એને નિહાળવા ત્યાં ભેગા થયા હતા. હોલ્મેન કૉલેનનો ટાવર ૧૯ વાર તૂટી ગયો છે અને ફરી બંધાયો છે. આખરે ૧૯૫૨માં ત્યાં યોજાયેલી ઑલિમ્પિક ગેમ્સ વખતે એ કાયમી સ્વરૂપમાં બાંધવામાં આવ્યો જેમાં દર્શકો માટે કાયમી બેઠકો, જજો માટે ટાવર અને છેક ઉપર સુધી જવા માટે લિફ્ટ બાંધવામાં આવ્યાં. ૨૦૧૧ની ૨૩ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમ્યાન ઑસ્લોના આ સ્કી ટાવર પર વર્લ્ડ ચૅમ્પિયનશિપ સ્કીની સ્પર્ધા યોજાઈ. અગિયાર દિવસની આ કૉમ્પિટિશન માટે ૨,૭૦,૦૦૦ ટિકિટો વેચાઈ હતી અને એ ઉપરાંત લગભગ ૩,૦૦,૦૦૦ દર્શકો આ સ્કી ટાવરની આસપાસ સ્પર્ધાને જોવા એકઠા થયા હતા. નૉર્વેમાં મળેલી સ્કી ૫૨૦૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. ત્યાંના અસંખ્ય પથ્થર પરનાં કોતરકામો એ દેશના લોકોને સ્કી કરતા દર્શાવે છે.

રસ્તા પરથી સ્કી ટાવરની મધ્યમાં લઈ જતાં અઢીસો પગથિયાંની વચ્ચે આવીને સુધીર અટવાયો હતો. ઉત્સાહ અને ઉત્સાહમાં તે જેના પર સ્ટેનલેસ સ્ટીલની બેઠકો મૂકવામાં આવી હતી એ લગભગ સોએક જેટલાં પગથિયાંઓ ચડી ગયો. પછી તેને થાક લાગ્યો, શ્વાસ ચડ્યો અને તે હાંફવા પણ લાગ્યો. તેને ઉપર જોતાં એવું જણાયું કે હવે તે બાકીનાં પગથિયાંઓ ચડી નહીં શકે. પાછળ ફરીને નીચે જોતાં તેને જણાયું કે નીચે ઊતરવું ખૂબ જ જોખમી હતું. કોઈ પણ જાતના ટેકા વગર સુધીર એ પગથિયાંઓ ચડી તો ગયો હતો; પણ ટેકા વગર ઊતરવાનું કઠણ જ નહીં, જોખમી પણ હતું. શું કરવું એની ગડમથલમાં સુધીર થોડી વાર તો એમ ને એમ ઊભો રહ્યો. તેણે ચારે બાજુ દૃષ્ટિ કરી અને કશેકથી કંઈ મદદ મળે છે કેમ એ શોધવાનો પ્રયત્ન કર્યો. કંઈક એવો રસ્તો જડે જેથી તે સહીસલામત ઉપર અને ઉપર નહીં તો નીચે જઈ શકે. જોકે તેને એવું સલામતીભર્યું કંઈ જ દેખાયું નહીં. સંગીતાએ પણ સુધીરને જોઈને એ પગથિયાંઓ ચડવાનું શરૂ કર્યું હતું. તેણે પણ લગભગ સિત્તેરેક પગથિયાં તો ચડી જ નાખ્યાં હતાં. સુધીરે સંગીતાને બૂમ પાડી અને પૂછ્યું, ‘સંગી, હવે હું શું કરું?’ સંગીતાએ સુધીરને તે જ્યાં હતો ત્યાં જ બેસી જવાનું સૂચવ્યું અને તે એક પછી એક પગથિયાં ચડતી સુધીરની બાજુમાં પહોંચી ગઈ. અમે બન્ને લગભગ દસ મિનિટ અધવચ્ચે જ એ પગથિયાંઓ પર બેસી રહ્યાં. પછી અમે નિર્નય લીધો કે નીચે તો ન જ જવાય.

એકબીજાનો હાથ પકડીને અમે ધીરે-ધીરે ઉપર ચડવાનું શરૂ કર્યું. દર બીજા પગથિયે અમે અટકી જતાં અને શ્વાસ લેતાં. પગથિયાં પૂરાં થતાં એક યુગ જેટલો સમય લાગ્યો. એ પૂરાં થતાં જ અમે બન્નેએ એકબીજાનો હાથ છોડ્યો અને ઊંડો શ્વાસ લીધો. પછી ઊંધા ફરીને નીચેનાં પગથિયાં જોયાં. એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગને માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ જેટલો આનંદ થયો હશે એટલા જ આનંદની અનુભૂતિ અમે પણ એ વખતે કરી.

પછી તો બધું સહેલું હતું. માણસ અને કૂતરાના પૂતળા આગળથી દેખાતો ચડાણવાળો રસ્તો જ્યાં પહોંચતો હતો અને બસમાંથી ટૂરિસ્ટો જ્યાં ઊતર્યા હતા એ જગ્યાએ અમે પહોંચી ગયાં હતાં. જો પેલી છોકરીએ ચીંધેલા રસ્તે અમે આવ્યાં હોત તો આટલાં બધાં પગથિયાંઓ ચડવા ન પડત અન સ્વર્ગની સીડીઓ ચડતાં હોઈએ એવો અનુભવ થયો ન હોત. જોકે પછી અમને એમ પણ થયું કે સીધાં પગથિયાં નહીં તો ઊંચું ચડાણ તો ચડવું જ પડત. એટલે કઠિનાઈ તો બેઉ તરફ હતી, પણ અમે સ્કી ટાવરની તળેટીથી ઉપર ચડ્યા ત્યારે નીચેથી ઉપરનું જે દૃશ્ય જોવા મળ્યું એ પેલા રસ્તે જતાં જોવા ન મળત. હવે અમે અન્ય પ્રવાસીઓ કરતાં બમણા ફાયદામાં હતાં. અમને તળેટીમાંથી છેક ઉપર સુધીનું દૃશ્ય જોવા મળ્યું હતું અને સામાન્ય પ્રવાસીઓ જે જુએ છે એ સ્કી ટાવરની વચ્ચેથી સ્કી ટાવરની તળેટી અને એરિનાનું અતિ ભવ્ય અને વિશાળ દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

અન્ય પ્રવાસીઓની જેમ અમે પણ સ્કી ટાવરની મધ્યમાંથી નીચેનું દૃશ્ય જોયું અને પછી પ્રયાણ આદર્યું સ્કી ટાવરની ટોચ પર પહોંચવાનું. એ પહેલાં ત્યાં સ્કી મ્યુઝિયમ આવ્યું.

૧૯૨૩માં શરૂ થયેલું એ સ્કી મ્યુઝિયમ વિશ્વનું સૌથી જૂનું સ્કીનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમે એની જગ્યા વારંવાર બદલી છે. આજે એ સ્કીના સરકવાના ઢોળાવની બાજુમાં આવેલી ટેકરીમાં આવેલું છે. આ મ્યુઝિયમ તમને ૬૦૦૦ વર્ષ જૂની સ્કીનો ઇતિહાસ દેખાડશે અને સદીઓ જૂની આ રમત અને એક સ્થળેથી બીજા સ્થળે જવાનાં સાધનો વિશે માહિતી આપશે. મ્યુઝિયમની ટિકિટ લઈને અંદર દાખલ થાઓ એટલે પહેલા માળે જ નૉર્વેના ઉત્તર પ્રદેશમાં વસતું એક જબરદસ્ત મોટું રીંછ તમારું સ્વાગત કરે છે. અહીં તમને લાકડાથી માંડીને ફાઇબર ગ્લાસની, જુદા-જુદા અનેક આકારની સેંકડો વર્ષ જૂની તેમ જ અદ્યતન સ્કી જોવા મળશે. ઉત્તર ધ્રુવના પ્રદેશમાં જ્યાં બારે મહિના બરફ છવાયેલો રહે છે ત્યાં રહેતા લોકો એક સ્થળેથી બીજા સ્થળે સ્કી પર જ હજી આજે પણ પ્રવાસ કરે છે. તેમના માટે નાના-મોટા કદની જાતજાતની અને ભાતભાતની સ્કી પોતાના ઘરમાં રાખવી એ સામાન્ય વાત છે. આપણે જેમ બૂટ-ચંપલની પાંચ-દસ જોડીઓ રાખીએ છીએ એમ નૉર્વેના ઉત્તરના પ્રદેશોમાં રહેતા લોકો સ્કીની પણ એક કરતાં અનેકગણી જોડીઓ રાખે છે.

સવારના હોટેલમાંથી નીકળ્યા ત્યારે અમને એમ હતું કે બે-ચાર કલાકમાં સ્કી ટાવર જોઈને પાછા આવી જઈશું, પણ ખાસ્સા ચાર વાગી ગયા હતા અને તોય અમે હજી સ્કી ટાવરની ટોચ પર તો પહોંચ્યાં જ નહોતાં. થાક અને ભૂખથી અમારા પગ હવે એકી-બેકી રમતા હતા. સ્કી ટાવર પર જઈએ તો સહેજે બીજો એકાદ કલાક તો નીકળી જ જાય અને પહેલાં ત્યાં ન જતાં જો એ મ્યુઝિયમની બાજુમાં આવેલી રેસ્ટોરાંમાં જઈએ તો પછી સ્કી ટાવર બંધ થઈ જાય એવી વકી હતી. ફરી પાછા અમે વિમાસણમાં પડી ગયા કે ભૂખ્યા રહીને સ્કી ટાવર જોઈએ કે પેટ ભરીને સ્કી ટાવર જોવાનો લહાવો જતો કરીએ?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK