Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > પૂછ્યા વિના પંડિત બનાવે એવી સર્વિસ

પૂછ્યા વિના પંડિત બનાવે એવી સર્વિસ

02 November, 2014 06:57 AM IST |

પૂછ્યા વિના પંડિત બનાવે એવી સર્વિસ

પૂછ્યા વિના પંડિત બનાવે એવી સર્વિસ



web-world




વેબ-વર્લ્ડ - આર્યન મહેતા

ક્યાંક ફરવા નીકળતાં પહેલાં આ ઍપ્લિકેશન આપણા સ્માર્ટફોન કે ટૅબ્લેટમાં અવશ્ય ડાઉનલોડ કરી લેવી જોઈએ. હા ભઈ હા, તમારામાંના ઘણા લોકો કહેવાના કે અરે યાર, પહેલાં કહેવું હતુંને; અમે જસ્ટ હમણાં જ દિવાળીની રજાઓમાં ફરી આવ્યા. તો જનાબ, વર્લ્ડ અરાઉન્ડ મી લાઇટ નામની ફ્રી ઍપ્લિકેશન ફરવા નીકળતા કે જેમને બહુ ટ્રાવેલિંગ રહેતું હોય એવા લોકો ઉપરાંત ઘરકૂકડીની જેમ એક જ ગામમાં પડ્યાપાથર્યા રહેતા લોકોને પણ એટલી જ કામની છે. જરા માંડીને વાત કરીએ.

કોઈ નવા સ્થળે ગયા હોઈએ કે આપણા જ શહેરમાં કોઈ વસ્તુ કે સર્વિસની જરૂર પડી હોય ત્યારે મોટા ભાગે આપણો પહેલો પ્રયત્ન હોય આસપાસના જાણકાર લોકોને પૂછવાનો. જો આપણે ટેક્નોસૅવી હોઈએ તો ઇન્ટરનેટની માલીપા ખાંખાંખોળા કરીને એ લોકેશન શોધી કાઢવાનો પ્રયાસ કરીએ. હવે તો આ કામમાં ગૂગલ પણ ભારે સ્માર્ટ થઈ ગયું છે. આપણે કોઈ નામ એન્ટર કરીએ કે ઘડીના છઠ્ઠા ભાગમાં એની આખી કુંડળી હાજર કરી દે. જોકે સર્ચિંગની કોઈ કડાકૂટમાં પડ્યા વિના કોઈ સ્થળનો આખો બાયોડેટા કાઢવો હોય તો વર્લ્ડ અરાઉન્ડ મી લાઇટ (World Around Me Lite) નામની ઍપ્લિકેશન ટ્રાય કરવા જેવી છે.

આપણને ખ્યાલ છે કે સ્માર્ટફોન હોય કે ટૅબ્લેટ, આપણું આ ડિવાઇસ GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. મતલબ કે આપણે આ અણદીઠેલી ભોમકામાં ક્યાં ભમી રહ્યા છીએ એનું એક્ઝૅક્ટ લોકેશન સતત ટ્રૅક થતું રહે છે. એનો જ ઉપયોગ કરીને આ વર્લ્ડ અરાઉન્ડ મી (ટૂંકમાં કહીએ તો વૅમ-WAM) આપણી આસપાસ આવેલાં કામનાં લોકેશન્સ આપણને બતાવે છે. આ લોકેશન્સમાં રેસ્ટોરાં, બાર, કૅફે, બૅન્ક-ATM, દવાખાનાં-હૉસ્પિટલ, મૂવી થિયેટર, પેટ્રોલ-પમ્પ, બસ અને રેલવે-સ્ટેશન, ઍરર્પોટ, હોટેલ, જિમ્નેશ્યમ, શૉપિંગ મૉલ, દવાની દુકાનો, બાગ-બગીચા, ધાર્મિક સ્થળો વગેરે ઇત્યાદિ એટસેટરા. મજાની વાત એ છે કે આપણે આપણું લોકેશન બદલતા જઈએ એમ આ ઍપમાં પણ સ્થળો બદલાતાં જાય. આ રીતે નવ મુખ્ય કૅટેગરીઓમાં થઈને લગભગ ૩૧ જેટલી અલગ-અલગ સર્વિસની માહિતી આ ઍપ આપણને આપે છે.

બીજી રસપ્રદ વાત એ છે કે આ ઍપ્લિકેશન ઑગમેન્ટેડ રિયલિટી ટેક્નિકનો ઉપયોગ કરીને આપણને સર્ચ-રિઝલ્ટ્સ બતાવે છે. મતલબ કે બોરિંગ નકશામાં માત્ર જે-તે સ્થળોનું લિસ્ટ આપી દેવાને બદલે આપણી સમક્ષ એ વિસ્તારના સાચકલા ફોટોગ્રાફ્સ હાજર થાય છે અને એના પર આ સ્થળોનું લિસ્ટ હવામાં તરતું રહે છે. એટલે આપણી આસપાસનું એ સ્થળ કેવું દેખાય છે એ પણ ખ્યાલ આવી જાય. વળી એ સ્થળના નામ ઉપરાંત એ આપણા અત્યારના લોકેશનથી કેટલા કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચતાં કેટલો સમય લાગે એ પણ આપણને ખબર પડે છે.

આ ઍપનું વધુ એક ઉપયોગી પાસું એ પણ છે કે એ ગૂગલની વિવિધ સર્વિસિસને પણ પોતાનાં રિઝલ્ટ્સમાં વણી લે છે. એટલે આપણા મનપસંદ સ્થળે પહોંચવા માટે કયો રસ્તો લેવો, એ સ્થળ કેટલા સમય માટે ખુલ્લું રહે છે, રેસ્ટોરાં વગેરે હોય તો એ ક્રેડિટ કાર્ડ સ્વીકારે છે કે કેમ, ત્યાંનો ફોન-નંબર શો છે, અન્ય લોકો એના વિશે શું કહે છે વગેરે બધી જ માહિતી પણ ટેરવાના ટપાકે હાજર થઈ જાય છે. જો ટ્રાફિક વગેરેની ધમાલમાં ટાઇપ કરવાનું પૉસિબલ ન હોય તો તમે આ ઍપ્લિકેશનને વૉઇસ કમાન્ડ પણ આપી શકો છો. આ ઍપ અંગ્રેજી ઉપરાંત વિશ્વની ઘણી ભાષાઓ સમજે છે એટલે એમાં પણ તમે વૉઇસ કમાન્ડ આપી શકો. લેકિન અફસોસ; આ ઍપને હજી ગુજરાતી, હિન્દી, મરાઠી શીખવાની બાકી છે એટલે અંગ્રેજી ઝિંદાબાદ.

માત્ર ભારત જ નહીં, વિશ્વના બસો દેશનો ડેટા આ ઍપ્લિકેશન આપણને આપે છે. મતલબ કે તમે વર્લ્ડ ટૂર પર નીકળ્યા હો તો પણ નો પ્રૉબ્લેમ. સો વાતની એક વાત, આ ઍપ્લિકેશન ભારે કામની છે. સામાનના પૅકિંગની સાથોસાથ એને પણ ડાઉનલોડ કરી લેશો જી.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2014 06:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK