હવે યોગપૅન્ટ બનશે તમારા યોગગુરુ

Published: Jul 02, 2017, 09:54 IST

વેઅરેબલ X નામના ઑસ્ટ્રેલિયન સ્ટાર્ટઅપે નાડી X નામે સ્માર્ટ યોગપૅન્ટ તૈયાર કર્યું છે. ખાસ પ્રકારનાં વાઇબ્રેશન મોકલીને આ પૅન્ટ કહી આપે છે કે તમે જે-તે યોગાસન બરાબર કરો છો કે નહીંઆર્યન મહેતા


ભારતે વિશ્વને યોગવિદ્યાની ભેટ આપી અને હવે તો યોગદિવસની પણ ભેટ આપી છે. નિયમિત યોગાસનો કરવાથી કોઈ પણ જાતના દવાદારૂ વિના જાતભાતના રોગો મટે છે અને તન-મન સ્વસ્થ રહે છે એ વાત દીવા જેવી સ્પક્ટ છે. સાથોસાથ એ વાત પણ સાચી છે કે સમજ્યા વિના એક્સપર્ટના માર્ગદર્શન વિના આડેધડ યોગાભ્યાસ કરવા માંડીએ તો ઓડનું ચોડ થાય અને ફાયદો થવાને બદલે ઊલટું નુકસાન થઈ શકે. હવે યોગવિદ્યાને દેખીતી રીતે કશી જ લાગતી-વળગતી ન લાગે એવી બીજી વાત કરીએ. અત્યારે વેઅરેબલ ટેક્નૉલૉજીનું ચલણ એટલુંબધું વધી ગયું છે કે આપણાં કાંડાં, ચશ્માં કે ઈવન શરીરની અંદર પણ માઇક્રોચિપ એનેબલ્ડ ડિવાઇસ ફિટ થઈ શકે છે. પાંચ હજાર વર્ષથી પણ વધુ પુરાણી યોગવિદ્યા અને એકવીસમી સદીની વેઅરેબલ ટેક્નૉલૉજીનું સાયન્સ, બન્ને વચ્ચે કોઈ કનેક્શન લાગે ખરું? પહેલી નજરે તો ન લાગે. જોકે ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં સ્થપાયેલા સ્ટાર્ટઅપ વેઅરેબલ હ્ની પ્રોડક્ટ નામે નાડી X વિશે જાણીએ તો આપણા આશ્ચર્યનો પાર ન રહે.

આ પ્રોડક્ટ વિશે વાત કરતાં પહેલાં એ સ્ટાર્ટઅપની પાછળનું મુખ્ય ભેજું એવી બિલી વાઇટહાઉસને ઓળખી લેવી પડે. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં જ ઊછરેલી બિલી વાઇટહાઉસ ૩૦ વર્ષની યુવા ઑન્ટ્રપ્રનર છે. ફૅશન-ડિઝાઇનર, સંશોધક અને ઑન્ટ્રપ્રનર એવી બિલીએ બેન મોઆર નામના ટેક્નૉલૉજી-એક્સપર્ટ સાથે મળીને ૨૦૧૪માં વેઅરેબલ એક્સપરિમેન્ટ્સ નામનું સ્ટાર્ટઅપ શરૂ કરેલું. જોકે આ સ્ટાર્ટઅપે કેટલીક તોફાની તો કેટલીક કાપડના રેસા સાથે ટેક્નૉલૉજીને વણી લઈને જાતભાતની પ્રોડક્ટ્સ બનાવેલી છે.

તેમની આ કંપનીએ સૌથી પહેલાં ખ્યાતનામ કૉન્ડોમ-બ્રૅન્ડ ડ્યુરેક્સ સાથે મળીને ફન્ડાવેઅર નામનાં અન્ડરવેઅર બનાવેલાં. સ્માર્ટફોન ઍપ સાથે જોડાયેલાં આ અન્ડરવેઅર ઍપ દ્વારા અમુક કમાન્ડ આપતાં વાઇબ્રેટ થતાં હતાં. દુનિયાના બે છેડે રહેતું પ્રેમી યુગલ આ અન્ડરવેઅરની મદદથી ભૌતિક રીતે નજીક આવવાનો અહેસાસ પણ માણી શકતું હતું. અલબત્ત, આ પ્રોડક્ટ માત્ર પ્રમોશનલ અને પ્રોટોટાઇપ સ્વરૂપે હતી, વેચવા માટે નહોતી. છતાં એનો વિડિયો યુટ્યુંબમાં ૮૦ લાખથી પણ વધુ લોકોએ જોયો અને આ પ્રોડક્ટ ખરીદવા માટે પંચાવન હજાર લોકોએ પૂછપરછ કરેલી.

ત્યાર બાદ આ સ્ટાર્ટઅપે બીજી પ્રોડક્ટ બનાવી અલર્ટ શર્ટ. પહેલી નજરે આ ટી-શર્ટ કોઈ પણ સ્પોર્ટ્સપર્સન દ્વારા પહેરવામાં આવતા રેગ્યુલર ટી-શર્ટ જેવું જ લાગે, પરંતુ આ ટી-શર્ટ જ્યારે ખેલાડી પહેરે અને ત્યાર બાદ તેના ચાહકો પહેરે તો ખેલાડીને રમતના મેદાન પર જે અનુભવાતું હોય તે તેના ફૅન્સને પણ અનુભવાય. જેમ કે ધારો કે ચાલુ રમતે બૅટ્સમૅન થોડો નર્વસ હોય તો એવું જ ટી-શર્ટ પહેરનારા તેના ફૅનનું ટી-શર્ટ ઘેરબેઠાં પણ થોડું ટાઇટ થાય અને તેને પણ ખેલાડીની નર્વસનેસનો અનુભવ થાય. રગ્બી જેવી ગેમમાં ખેલાડીના માથે હરીફ ટીમના ખેલાડીઓ તૂટી પડે તો તેના ટી-શર્ટમાં પણ એવો જ ખળભળાટ અનુભવાય. દરઅસલ, આ અલર્ટ શર્ટના ફૅબ્રિકમાં વણેલાં સ્માર્ટ માઇક્રોસેન્સર પોતાની આસપાસની પરિસ્થિતિનો તાગ મેળવીને એનો તમામ ડેટા રિયલ ટાઇમમાં પોતાના સવર્‍રને મોકલતાં રહે છે. આ સવર્‍ર એ ડેટા એ જ ઘડીએ પોતાની સ્માર્ટફોન ઍપ્લિકેશનમાં ટ્રાન્સફર કરે છે અને ત્યાંથી બ્લુટૂથ મારફત પહેરનારા ફૅનને એવો જ અનુભવ કરાવે છે. લોકોને ઘેરબેઠાં ખેલાડીની સાથે જ મેદાનમાં ઊતર્યા હોય એવી ફીલ કરાવતાં આ અલર્ટ શર્ટ કેવાં હિટ ગયાં એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે લૉન્ચ થયાના માત્ર ત્રણ જ મહિનામાં કંપનીએ આખી દુનિયામાં આવાં ૪૫ લાખથી પણ વધુ ટી-શર્ટ વેચ્યાં હતાં.

વેઅરેબલ X કંપનીએ ત્રીજી પ્રોડક્ટ વધુ એક સ્માર્ટ જૅકેટ તરીકે બનાવી. આ જૅકેટ પર્હેયા પછી ગૂગલ મૅપ્સ પર આપણે કોઈ સ્થળનો રસ્તો શોધતા હોઈએ તો સતત ફોન સામે તાકી રહેવાની જરૂર રહેતી નથી. એને બદલે જો ડાબી બાજુએ વળવાનું હોય તો આ જૅકેટમાં ડાબા ખભા પર વાઇબ્રેશન આવે છે અને જમણી બાજુ વળવાનું હોય તો જમણા ખભા પર વાઇબ્રેશન આવે. આપણું ગંતવ્યસ્થાન આવી જાય તો બન્ને ખભા પર એકસાથે બે વખત વાઇબ્રેશન આવે. આ પછી પણ આ કંપનીએ અન્ય કંપનીઓ માટે જાતભાતની પ્રોડક્ટ્સ બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ એની જાણકારી અત્યંત ટૉપ સીક્રેટ રાખી. ત્રણેક વર્ષમાં તો બિલી વાઇટહાઉસે જબરદસ્ત કાઠું કાઢ્યું છે.

હવે ન્યુ યૉર્કથી ઑપરેટ થતી વેઅરેબલ X કંપનીએ પહેલી જૂને પોતાની નવી પ્રોડક્ટ નાડી X બહાર પાડી છે. આગળ કહ્યું એમ આ પ્રોડક્ટ સ્માર્ટ વેઅરેબલ યોગ પૅન્ટ અથવા તો યોગ લેગિંગ છે. શરીર સાથે એકદમ આરામદાયક રીતે ચોંટી રહેતાં આ યોગ પૅન્ટ યોગાભ્યાસ કરનારી વ્યક્તિને વાઇબ્રેશન્સ આપીને તેનાં પૉસ્ચર સુધારવામાં અને પર્ફેક્ટ રીતે યોગાસનો કરવામાં મદદ કરે છે.

આ નાડી X પૅન્ટની અંદર કમરના ભાગે અત્યંત પાતળી ત્રણ મોટર ફિટ કરવાની રહે છે. બીજી બે મોટર ગોઠણની પાછળ અને એક મોટર ઘૂંટી પાસે હોય છે. પલ્સ તરીકે ઓળખાતી આ સ્લિમ ટ્રિમ ફ્લેક્સિબલ પલ્સ મોટર પાછળથી આ પૅન્ટની સાથે ચોંટાડી દેવાની રહે છે. સ્માર્ટફોન ઍપમાં આપણે જે આસન સિલેક્ટ કરીએ એટલે આ મોટરમાંથી હળવાં વાઇબ્રેશન્સ છૂટવાનું શરૂ થઈ જાય. જેમ-જેમ આપણે એ આસનનો પોઝ પર્ફેક્ટ્લી કરવા તરફ આગળ વધીએ એમ તેમ આ પૅન્ટમાંથી વછૂટતાં વાઇબ્રેશન્સ ધીમાં પડતાં જાય. જ્યારે આપણે એકદમ પર્ફેક્ટ રીતે એ આસનના પોઝ પર આવીએ એટલે પૅન્ટ એક છેલ્લું વાઇબ્રેશન મોકલે, જે અગાઉનાં વાઇબ્રેશન્સ કરતાં તદ્દન અલગ હોય. ત્યાર પછી વાઇબ્રેશન્સ બંધ થઈ જાય. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે એ યોગાસન બરાબર પૂર્ણ કર્યું છે. આપણે ઇચ્છીએ તો આ ફોનની ઍપમાં એ યોગાસન કેવી રીતે કરવું એ જોઈ પણ શકીએ, પરંતુ એ ફરજિયાત નથી. વળી આપણે કોઈ આસન માટે ગાઇડ કરવાનો આદેશ આપીએ પછી જ આ વાઇબ્રેશન્સનો સિલસિલો શરૂ થાય. નહીંતર એ શાંત રહે.


આ નાડી X પૅન્ટની સાથે લાગતી પલ્સ મોટર્સને આપણા સ્માર્ટફોનની જેમ ચાર્જ કરવાની રહે છે અને એમાં ઑન-ઑફ કરી શકાય એવી સ્વિચ પણ આપેલી હોય છે. એક વખત ફુલ ચાર્જ કરેલી બૅટરી દોઢ કલાક સુધી ચાલે. વળી એ બ્લુટૂથથી આપણા સ્માર્ટફોનમાં રહેલી એની ઍપની સાથે કનેક્ટેડ રહે છે અને આપણા યોગાભ્યાસનો ડેટા પણ મોકલતી રહે છે. ઍપની મદદથી આપણે સહેલાંથી અઘરાં આસનો પણ સિલેક્ટ કરી શકીએ છીએ. આ મોટરને છૂટી પાડ્યા બાદ પૅન્ટને વૉશિંગ મશીનમાં પણ આસાનીથી ધોઈ શકાય છે. આ નાડી X પૅન્ટ ડિઝાઇન કરતાં પહેલાં વેઅરેબલ X સ્ટાર્ટઅપે પચાસ જેટલા યોગગુરુઓ અને યોગ-એક્સપર્ટોને મળીને તેમની સલાહ લીધી હતી.

ઑગસ્ટ મહિનાથી વૈશ્વિક માર્કેટમાં ઉપલબ્ધ બનનારી આ પ્રોડક્ટની કિંમત જોકે આપણને ટાઢા પાડી દે એવી છે. આ પૅન્ટની કિંમત ૧૯,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને એ ઑનલાઇન જ વેચવામાં આવશે. સ્વાભાવિક છે કે આ પૅન્ટનું ટાર્ગેટ-ઑડિયન્સ અત્યારે અમેરિકામાં રહેલા સાડાત્રણ કરોડથી પણ વધુ યોગરસિકો છે જેઓ એક કલાકના યોગ-ક્લાસ ભરવા માટે દસેક હજાર રૂપિયા જેટલી તોતિંગ ફી ચૂકવે છે. તેમને નાડી X સ્વરૂપે આ અનોખા સ્માર્ટ યોગગુરુઓ જરૂર અપીલ કરશે.

આવતા મહિને બિલી વાઇટહાઉસ આવી એક સ્પોર્ટ્સ બ્રા પણ રજૂ કરવા જઈ રહી છે. આ બ્રામાં પીઠ અને છાતીના ભાગે સ્માર્ટ સેન્સર લગાવેલાં હશે જે પહેરનારી સ્ત્રીને વાઇબ્રેશન્સ આપીને ક્યારે શ્વાસ લેવો અને ક્યારે શ્વાસ છોડવો એનો નિર્દેશ કરે છે, જેથી વ્યક્તિ કોઈની મદદ વિના પણ અસરકારક રીતે મેડિટેશન કરી શકે છે. આવતા વર્ષે વેઅરેબલ X રનર્સ, પાવરલિફ્ટર્સ, ઍથ્લીટ્સ માટે પણ જાતભાતની સ્માર્ટ અને સ્માર્ટફોન કનેક્ટેડ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાનું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK