Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સૅટેલાઇટ સબ દેખ રહા હૈ ઉપરવાલા

સૅટેલાઇટ સબ દેખ રહા હૈ ઉપરવાલા

02 July, 2017 10:05 AM IST |

સૅટેલાઇટ સબ દેખ રહા હૈ ઉપરવાલા

સૅટેલાઇટ સબ દેખ રહા હૈ ઉપરવાલા



settelite


જયેશ અધ્યારુ

સવારે નીકળતી વખતે આપણે જોઈએ કે પાકીટમાં પૂરતા પૈસા નથી. એટલે ATMમાં પૈસા ઉપાડવા જઈએ. કમનસીબે ATM ખાલી છે. હવે? તરત જ આપણે આપણો સ્માર્ટફોન કાઢીએ છીએ અને ગૂગલ મૅપ્સ ખોલીને આસપાસ બીજાં ATM ક્યાં આવેલાં છે એનાં લોકેશન ખોળી કાઢીએ છીએ. સલામત રહેવા માટે આપણા ફોનમાં PAYtm, ભીમ જેવી મોબાઇલ વૉલેટ ઍપ્સમાં થોડા પૈસા પણ ઉમેરી દઈએ છીએ; જેથી ગમે ત્યારે કામ લાગે. હજી તમે ATMમાંથી પૈસા ઉપાડવાની ફિરાકમાં છો ત્યાં તમારી ઑફિસથી ફોન આવે છે અને તમે એકાદ ઈ-મેઇલનો જવાબ આપી દો છો. ત્યાર પછી આગળ ઉપરના દિવસમાં આપણે એવા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ખાસ કશું વિચારવાનો સમય પણ રહેતો નથી.

€ € €

અહીં વર્ણવ્યો છે એ પ્રસંગ ભલે કાલ્પનિક હોય છતાં આવી સ્થિતિ આપણા જીવનમાં દર થોડા સમયાંતરે આવતી જ રહે છે. એમાંથી પસાર થતી વખતે આપણને એક સેકન્ડ માટે પણ વિચાર આવતો નથી કે આકાશમાં સેંકડો-હજારો કિલોમીટર ઊંચે ફરી રહેલા કૃત્રિમ સૅટેલાઇટ આપણી ડેઇલી લાઇફમાં એ હદે વણાઈ ગયા છે કે એક દિવસ માટે જો એ કામ કરતાં અટકી જાય તો આપણું જીવન પણ લિટરલી અટકી જાય.

અચાનક સૅટેલાઇટ ક્રાન્તિને અંજલિ આપવાનું કારણ છે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ છેલ્લા એક અઠવાડિયામાં મેળવેલી બીજી સિદ્ધિ. ૨૩ જૂને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સફળતાપૂર્વક છોડેલો સૅટેલાઇટ કાર્ટોસેટ-2E કાર્ટોસેટ સિરીઝનો આપણો આ સાતમો ઉપગ્રહ છે. ૧૬૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ૭૧૨ કિલોગ્રામ વજનનો આ સૅટેલાઇટ અત્યારે પૃથ્વીથી ૫૦૫ કિલોમીટરના અંતરે રહીને પરકમ્મા કરી રહ્યો છે. નકશાનો અભ્યાસ કરવાની વિદ્યાને કાર્ટોગ્રાફી કહે છે. આ નકશાના અભ્યાસને જ વરેલો સૅટેલાઇટ એટલે કે કાર્ટોસેટ એના નામ પ્રમાણે અવકાશમાં રહીને અર્બન પ્લાનિંગ, ઇન્ફ્રાન્સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, યુટિલિટીઝ પ્લાનિંગ અને ટ્રાફિક મૅનેજમેન્ટમાં પોતાનું યોગદાન આપશે. પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા અળવીતરા પાડોશી દેશો ધરાવતા આપણા દેશ માટે આ સૅટેલાઇટનું સૌથી મહત્વનું કામ છે બૉર્ડર પર અને એની પેલે પાર થતી હિલચાલ પર નજર રાખવાનું. આ સૅટેલાઇટમાં શક્તિશાળી પેનક્રોમેટિક કૅમેરા બેસાડેલો છે, જે દૃશ્યપ્રકાશ અને ઇન્ફ્રારેડ સુધીનાં કિરણોની રેન્જમાં બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ સ્વરૂપે તસવીરો લે છે. મતલબ કે દિવસના પ્રકાશથી લઈને રાત્રિના અંધકારમાં પણ તસવીરો લે છે. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આપણા સૈન્યે લાઇન ઑફ કન્ટ્રોલ ઓળંગીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરેલી એમાં પાકિસ્તાની ત્રાસવાદીઓનાં બંકરોનાં લોકેશન મેળવવા માટે આપણા લશ્કરે અગાઉના કાર્ટોસેટ ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરોનો ઉપયોગ કરેલો. કોઈ ચોક્કસ લોકેશન પર સતત નજર રાખવી હોય તો આ કાર્ટોસેટ ઉપગ્રહ એ સ્થળનો વિડિયો પણ શૂટ કરી શકે છે. એક વખત આ કાર્ટોસેટ-2E કાર્યરત થઈ જશે એટલે એને ડિફેન્સને સોંપી દેવાશે. કાર્ટોસેટ-૨ચ્ના સફળતાપૂર્વક લૉન્ચિંગ સાથે મિલિટરી અને સર્વેલન્સ માટે વપરાતા ભારતીય સૅટેલાઇટોની સંખ્યા ૧૩ પર પહોંચી છે.




€ € €

૨૯ જૂને આપણે ફ્રેન્ચ ગિયાના ખાતે આવેલા ગિયાના સ્પેસ સેન્ટરથી અન્ય એક ઉપગ્રહ GSAT-17 પણ લૉન્ચ કર્યો. ૩૪૭૭ કિલોગ્રામનું હાથીછાપ વજન ધરાવતો આ સૅટેલાઇટ ભારતનો ૧૮મો કમ્યુનિકેશન સૅટેલાઇટ છે અને એ આગામી દોઢ દાયકા સુધી કાર્યરત રહેશે. આ સૅટેલાઇટ વિશે નોંધવા જેવી અન્ય વાત એ છે કે એ જિયોસ્ટેશનરી ઑર્બિટ યાને કે ભૂસ્થિર કક્ષામાં રહીને ભ્રમણ કરશે. આપણી પાસે અત્યારે ૨૦૦૦ કિલોગ્રામથી વધારેના પેલોડ યાને કે સૅટેલાઇટ જેવાં સંપેતરાં અંતરિક્ષમાં મોકલવાની ક્ષમતા નથી. એટલે આપણે એ કામ આઉટસોર્સ કરવું પડે છે. આગામી સમયમાં આપણે આ જ ફ્રેન્ચ ગિયાના ખાતેથી GSAT-11 સૅટેલાઇટ પણ લૉન્ચ કરવાના છીએ, જેનું તોતિંગ વજન ૫૦૦૦ કિલોગ્રામ કરતાં પણ વધારે હશે.

€ € €

અહીં ઉલ્લેખ કરેલા ભારેખમ ટેક્નિકલ શબ્દો વાંચીને જરા તમ્મર જેવું આવી ગયું હોય તો સૉરી, પરંતુ સ્પેસ સાયન્સ અને આર્ટિફિશ્યલ સૅટેલાઇટની વાત કરતી વખતે આવા શબ્દો વાપર્યા વિના કામ ચાલે નહીં. જોકે આ શબ્દોને જાણી લઈએ તો જાતભાતના સૅટેલાઇટ્સનું એક આખું વિશ્વ આપણી સામે ખૂલી જાય છે.

કોઈ એક અવકાશીય પદાર્થને કેન્દ્રમાં રાખીને એક ચોક્કસ ભ્રમણકક્ષામાં પરિક્રમા કર્યા કરે એવા પદાર્થને સૅટેલાઇટ અથવા તો ઉપગ્રહ કહે છે, જે મોટે ભાગે કોઈ ગ્રહને કેન્દ્રમાં રાખીને ગગનની ગોખમાં ગરબે રમે છે. આ ઉપગ્રહોના બે મુખ્ય પ્રકાર પડે છે, કુદરતી અને કૃત્રિમ. જેના પર સૈકાઓથી કવિઓ અને પ્રેમીઓ ઓળઘોળ છે એ ચંદ્ર આપણી પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. આપણા જેવું જોકે સૌરમંડળના બાકીના ગ્રહોના કિસ્સામાં જરાય નથી. મંગળને બે ઉપગ્રહ છે, ગુરુને ચાર, શનિને તો નવ, યુરેનસને ૬ અને નેપ્ચ્યુનને ૩ ઉપગ્રહો યાને કે ચંદ્રો છે. જ્યારે બીજો મુખ્ય પ્રકાર છે કૃત્રિમ યાને કે માનવસર્જિત ઉપગ્રહોનો.



સ્પેસ-રેસ

જુલે વર્નથી લઈને આર્થર સી. ક્લાર્ક સુધીના વિજ્ઞાનકથા લેખકોએ કૃત્રિમ સૅટેલાઇટની શોધ થયા પહેલાં જ એક સમયે માનવજાત આવા સૅટેલાઇટ્સ શોધશે અને એને કારણે કેવાં-કેવાં પરિવર્તનો આવશે એની કલ્પનાઓ કરતી વાર્તાઓ લખેલી. એમાંની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જેમ કે ૧૯૪૫માં જ આર્થર સી. ક્લાર્કે વાયરલેસ વર્લ્ડ નામના મૅગેઝિનમાં આર્ટિકલ લખેલો, જેમાં તેમણે આગાહી કરેલી કે પૃથ્વીની ફરતે આવેલી ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં જો ત્રણ સૅટેલાઇટ તરતા મૂકવામાં આવે તો એનાથી આખી પૃથ્વીનું કવરેજ મેળવી શકાય અને એનાથી માસ કમ્યુનિકેશનને જબ્બર બૂસ્ટ આપી શકાય. અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે જ્યારે શીત યુદ્ધ પૂરબહારમાં છેડાયેલું ત્યારે વિશ્વનો પહેલો સૅટેલાઇટ છોડવાનું બહુમાન રશિયા ખાટી ગયું. તેણે સ્પુતનિક ૧ નામે વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ૧૯૫૭ની ૪ ઑક્ટોબરે છોડ્યો હતો. એ સૅટેલાઇટ કદમાં માંડ એક ફુટબૉલ જેવડા કદનો હતો એટલું જ નહીં, એના પછીના જ મહિને એણે સ્પુતનિક ૨ નામે બીજું સ્પેસક્રાફ્ટ પણ તરતું મૂક્યું; જેમાં સવાર તરીકે લાઇકા નામની કૂતરી હતી. મતલબ કે અંતરિક્ષમાં સૌથી પહેલો સજીવ મોકલવાનું શ્રેય પણ સોવિયેત રશિયા ખાટી ગયેલું. આ ઉપરાછાપરી લૉન્ચિંગથી અમેરિકાના પેટમાં તેલ રેડાયેલું કે આ રીતે સોવિયેત રશિયા ક્યાંક એમના પર પરમાણુ હુમલો ન કરી દે. નસીબજોગે એવું થયું નહીં, પરંતુ એનાથી બન્ને દેશો વચ્ચે સ્પેસ-રેસનાં મંડાણ જરૂર થયાં. બાય ધ વે, સ્પુતનિક ૨માં રહેલી લાઇકા કૂતરી માંડ ગણતરીના કલાકો સુધી જીવી હતી. પાર વિનાની ગરમીને કારણે એ સ્પેસક્રાફ્ટની અંદર જ બફાઈ મરી હતી. હા, ઇતિહાસમાં જોકે એનું નામ અમર થઈ ગયું ખરું. સોવિયેત રશિયાએ અમેરિકાને વધુ જલન એ વાતે કરાવી કે ૧૯૬૧માં એણે યુરી ગાગારિનને અંતરિક્ષમાં મોકલ્યો અને આ રીતે પૃથ્વીની બહાર પહેલી સમાનવ અંતરિક્ષયાત્રા કરવાની સિદ્ધિ પણ મેળવી લીધી. એનાં આઠ વર્ષ પછી અમેરિકાએ પોતાના અપોલો ૧૧ મિશનમાં ૧૯૬૯ની ૨૦ જુલાઈએ નીલ આર્મસ્ટ્રૉન્ગ આણિ મંડળીને ચંદ્ર પર સફળ ઉતરાણ કરાવીને રશિયાને ચેકમેટ કરી નાખ્યું. રશિયાએ એ પછી ચંદ્ર પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ એમાં એમને સફળતા ન મળી તે ન જ મળી. એ પછી તો રશિયાએ ચંદ્ર સર કરવાનું સપનું જ માંડી વાળ્યું અને પૃથ્વીની ફરતે પરકમ્મા કરતા સૅટેલાઇટ્સ પર ધ્યાન કેãન્દ્રત કર્યું.

આંકડા કહે છે કે અત્યાર સુધીમાં દુનિયાના ચાલીસથી વધુ દેશોએ ૬૬૦૦ જેટલા સૅટેલાઇટ્સ અંતરિક્ષમાં તરતા મૂક્યા છે. કૃત્રિમ સૅટેલાઇટ્સનું અમુક ચોક્કસ આયુષ્ય હોય છે. એ પૂરું થયા પછી એ નિષ્ક્રિય થઈ જાય છે. આથી કાં તો એને ઉતારી લેવા પડે છે અથવા તો એ સ્પેસ ડેબ્રી યાને કે અંતરિક્ષના ભંગાર તરીકે તર્યા કરે છે. ૨૦૧૩ના આંકડા કહે છે કે પૃથ્વીની આસપાસ વિવિધ ભ્રમણકક્ષામાં ૩૬૦૦ જેટલા સૅટેલાઇટ્સ તરી રહ્યા છે, જેમાંથી ૧૪૦૦ જેટલા સક્રિય છે. એમાંથી પાંચસોથી વધુ લો અર્થ ઑર્બિટમાં છે, પચાસ મીડિયમ અર્થ ઑર્બિટમાં છે અને બાકીના જિઓસ્ટેશનરી ઑર્બિટમાં છે. કોઈ ચોક્કસ સૅટેલાઇટ પૃથ્વીની ફરતે કેટલા અંતરે રહીને પરિક્રમા કરશે એનું ચોક્કસ ગણિત હોય છે અને એના રૂટને ઑર્બિટ યાને કે ભ્રમણકક્ષા કહે છે.



વિવિધ ભ્રમણકક્ષાના ટ્રૅક પર ચાલતા સૅટેલાઇટ

લો અર્થ ઑર્બિટ પૃથ્વીની સપાટીથી બે હજાર કિલોમીટર ઊંચે સુધી આવેલી હોય છે. એમાં સેટેલાઇટ તરતા મૂકવાનો ખર્ચ પ્રમાણમાં સૌથી ઓછો આવે છે. આ કક્ષામાં ફરતા સૅટેલાઇટ મુખ્યત્વે અર્થ ઑબ્ઝર્વેશન અને સ્પાય પ્રકારના હોય છે, કેમ કે પૃથ્વીથી નિકટ હોવાને કારણે એમાં રહેલા કૅમેરા ઘણા વિસ્તાર સુધી ચાંપતી નજર રાખી શકે છે. એટલે જ માણસે બનાવેલા સૌથી વધુ સૅટેલાઇટ આ કક્ષામાં જ છે. લો અર્થ ઑર્બિટમાં રહેલા સૅટેલાઇટ દર ૯૦ મિનિટે એટલે કે દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર કાપે છે. અંતરિક્ષ માટે માનવજાતે બનાવેલું અત્યાર સુધીનું સૌથી જટિલ અને વિરાટતમ યંત્ર એટલે કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પણ આ જ લો અર્થ ઑર્બિટમાં પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ રહીને ફરે છે. આ કક્ષામાં ભલે ઓછું, પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે જ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને વર્ષમાં અમુક વખત ફરી પાછું કક્ષામાં ગોઠવવા માટે પૃથ્વીથી દૂરની તરફ ધક્કો મારવો પડે છે. બ્રહ્માંડની અફલાતૂન તસવીરો લેનારું અને અનેક અવકાશીય પદાર્થો તથા નવા ગ્રહો શોધી કાઢનારું હબલ સ્પેસ ટેલિસ્કોપ પણ આ જ ભ્રમણકક્ષામાં રહીને ઘૂમે છે. પૃથ્વીથી વીસ હજાર કિલોમીટરની ઊંચાઈની કક્ષાને મીડિયમ અર્થ ઑર્બિટ કહે છે. આપણને પૃથ્વી પર રસ્તો બતાવતી GPS એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનું કામ કરતા સૅટેલાઇટ્સ આ કક્ષામાં જ હોય છે. આ સૅટેલાઇટ્સ ૧૨ કલાકમાં એક વાર યાને કે એક દિવસમાં બે વખત પૃથ્વી ફરતાં ચક્કર મારે છે. ત્યાર પછી વારો આવે જિઓસ્ટેશનરી ઓર્બિટનો. પૃથ્વીથી ૩૫,૭૮૬ કિલોમીટરની ઊંચાઈએ રહીને ફરતા સૅટેલાઇટ આ કેટેગરીમાં આવે છે. આ કક્ષામાં રહેલા સૅટેલાઇટ પૃથ્વી જેટલી જ ગતિએ ફરીને પ્રદક્ષિણા કરે છે. એટલે પૃથ્વી પરથી જોતાં આ સૅટેલાઇટ આકાશમાં સ્થિર લાગે છે એટલું જ નહીં, એ પૃથ્વીના કોઈ ચોક્કસ વિસ્તારને જ આવરીને ફરતા રહે છે. એટલે પૃથ્વી પર સ્થિર સેટેલાઇટ ડિશ ઍન્ટેના ગોઠવીને આ સૅટેલાઇટ્સમાંથી આવતાં સિગ્નલ રિસીવ કરી શકાય છે. મોટા ભાગનાં કમ્યુનિકેશન અને વેધર સૅટેલાઇટ્સને આ જ ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવે છે. આપણાં ઘરોની અગાસી કે બાલ્કનીમાં રહેલી DTH કેબલ ટેલિવિઝન માટેની ડિશો આ ભ્રમણકક્ષાએ રહેલા સૅટેલાઇટમાંથી જ સિગ્નલો મેળવે છે. આગળ કહ્યું એમ આર્થર સી. ક્લાર્કે આ ઑર્બિટ પર રહેલા સૅટેલાઇટ અને એની ઉપયોગિતા વિશે આગાહી કરી હતી એટલે જ આ કક્ષાને ક્યારેક ક્લાર્ક ઑર્બિટ પણ કહેવામાં આવે છે. આ કક્ષામાં રહેલા સૅટેલાઇટ વિષુવવૃત્તને સીધા જ સમાંતરે રહીને ફરે છે. એટલે જ એમાં તરતા મૂકવામાં આવતા સૅટેલાઇટની સંખ્યા મર્યાદિત થઈ જાય છે. આથી વિવિધ દેશોને એમાં પોતાના સૅટેલાઇટ મૂકવા માટે ચોક્કસ સ્લૉટ ફાળવવામાં આવે છે. પૃથ્વી પરની સરહદોની જેમ આ ભ્રમણકક્ષામાં પણ પોતાના સૅટેલાઇટ મૂકવાના મુદ્દે દેશો વચ્ચે તકરાર થતી રહે છે. એને સૉલ્વ કરવા માટે ઇન્ટરનૅશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયનએ ખાસ એલોકેશન મેકૅનિઝમ વિકસાવ્યું છે.

અમુક સૅટેલાઇટ્સને પૃથ્વીની મોહમાયા મૂકીને ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ, અમુક ધૂમકેતુ, ઈવન સૂર્ય કે પછી અફાટ બ્રહ્માંડમાં પણ વહેતા કરવામાં આવ્યા છે. ફૉર એક્ઝામ્પલ, ચંદ્ર અને મંગળની યાત્રાએ ગયેલાં આપણાં અનુક્રમે ચંદ્રયાન અને મંગલયાન. જ્યારે વોયેજર ૨ અફાટ બ્રહ્માંડમાં નિરંતર ગતિ કરી રહ્યું છે, જે માણસ દ્વારા પૃથ્વીની બહાર સૌથી દૂર મોકલાયેલો સૅટેલાઇટ કે પદાર્થ છે. રખેને કોઈ એલિયનના હાથમાં આ સૅટેલાઇટ આવે તો એ આપણી સાથે કમ્યુનિકેટ કરી શકે એ માટે પૃથ્વી પરની તસવીરો, અવાજો, દૃશ્યોને પણ એમાં અંકિત કરવામાં આવ્યાં છે. બાય ધ વે, કોઈ પણ સૅટેલાઇટને પૃથ્વીના વાતાવરણ અને ગ્રેવિટીની બહાર ધકેલવા માટે ૧૧.૧૮૬ કિલોમીટર પ્રતિ સેકન્ડના પ્રચંડ વેગે ધક્કો મારવો પડે છે. આ વેગને એસ્કેપ વેલોસિટી કહે છે.

સબ બંદર કે વેપારી જેવા સૅટેલાઇટ્સ

આ તો થયા ભ્રમણકક્ષા પ્રમાણે સૅટેલાઇટના પ્રકાર. પરંતુ સવાલ એ થાય કે કરોડો-અબજો રૂપિયા ખર્ચીને કોઈ દેશ સૅટેલાઇટ ચડાવતા હોય ત્યારે એના ઍક્ચ્યુઅલ ઉપયોગો કેવાક હોય છે? એના ઉપયોગો પણ એટલાબધા પાર વિનાના છે કે એનીયે નિરાંતે વાત માંડવી પડે. આપણે ફટાફટ બધાનો પરિચય મેળવી લઈએ.

-    ઍસ્ટ્રોનૉમિકલ સૅટેલાઇટ : ભલે ખાસ ખબર ન હોય, પરંતુ મોટા ભાગના લોકોએ હબલ સ્પેસ ટેલિસ્કોપનું નામ જરૂર સાંભળ્યું હોય છે. પૃથ્વીની ફરતે લો અર્થ ઑર્બિટમાં રહીને પરિક્રમા કરતું આ ટેલિસ્કોપ ઍસ્ટ્રોનૉમિકલ સૅટેલાઇટનું પર્ફેક્ટ ઉદાહરણ છે. અત્યારે વિવિધ દેશોના વીસ જેટલા સ્પેસ ટેલિસ્કોપ પૃથ્વી અને અફાટ બ્રહ્માંડમાં પોતાની નજર માંડીને એનો ડેટા મોકલતા રહે છે. પૃથ્વીની સપાટી પરથી ઘટ્ટ વાતાવરણ, ધૂળ, પ્રદૂષણ વગેરેને કારણે બ્રહ્માંડના સંશોધનની મર્યાદા આવી જાય છે; જે આ સ્પેસ ટેલિસ્કોપ પૂરી કરે છે.



-    બાયોસૅટેલાઇટ : આગળ કહ્યું એ સોવિયેત રશિયાનો સ્પુતનિક ૨ સૅટેલાઇટ લાઇકા નામની કૂતરીને લઈ ગયેલો અને એ રીતે એ વિશ્વનો સૌપ્રથમ બાયોસૅટેલાઇટ બનેલો. બાયોસૅટેલાઇટ તરીકે અત્યાર સુધીમાં માખી, દેડકાંનાં ઈંડાં, બૅક્ટેરિયા, ઘઉંના જવારા, કૂતરા, વાંદરા અને અફકોર્સ માણસો પણ અંતરિક્ષયાત્રા કરી આવ્યા છે. પરિક્રમા કર્યા બાદ તેમનામાં કેવાં-કેવાં પરિવર્તનો આવે છે એનો અભ્યાસ બહુમૂલ્ય બની રહે છે.

-    કમ્યુનિકેશન્સ સૅટેલાઇટ : આપણાં જીવનને ધરમૂળથી બદલી નાખવામાં આ સૅટેલાઇટ્સનો સૌથી મોટો ફાળો છે. વીજચુંબકીય કિરણોથી આ સૅટેલાઇટ ડેટાની આપલે કરે છે. એની મદદથી ટેલિફોન, મોબાઇલ ફોન, સૅટેલાઇટ ટેલિવિઝન અને ડાયરેક્ટ ટુ હોમ ટેલિવિઝન, રેડિયો, ઍરલાઇન કમ્યુનિકેશન્સ, ઇન્ટરનેટ, મિલિટરી કમ્યુનિકેશન્સ વગેરે પાર વિનાનાં ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

-    અર્થ ઑબ્ઝર્વેશન, વેધર અને સ્પાય સૅટેલાઇટ : લો અર્થ ઑર્બિટમાં રહીને જે-તે વિસ્તાર પર ચાંપતી નજર રાખતા આ સૅટેલાઇટ દેશમાં ચોમાસું કેવી કરવટ લઈ રહ્યું છે, ક્યાં કેટલી ગરમી-ઠંડી પડી રહી છે, ક્યાં વાવાઝોડું આવવાની શક્યતા છે, પ્રદૂષણનું લેવલ કેવુંક છે, ક્યાં તાપમાન હદ બહાર વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જની કેવીક અસરો દેખાઈ રહી છે, ખેતીનો પાક, દરિયામાં રહેલાં માછલાં વગેરે કાર્યો અર્થ ઑબ્ઝર્વેશન સૅટેલાઇટના ફાળે આવે છે. પરંતુ આ સાથે મિલિટરી ઇન્ટેલિજન્સ અને સ્પાઇંગનાં કામ પણ બખૂબી કરે છે. કોઈ દેશ ચોરીછૂપે પરમાણું રીઍક્ટર બાંધતો હોય, મિસાઇલ કે પરમાણુ પરીક્ષણ કરતો હોય, હથિયારોનો જમાવડો કરતો હોય, ક્યાંક ઘૂસણખોરી કરતો હોય કે પછી સમુદ્રમાં ગુપચૂપ પગપેસારો કરતો હોય તો આ સ્પાય સૅટેલાઇટે મોકલેલી માહિતીમાં તરત જ પકડાઈ જાય છે. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના ઍબટાબાદમાં ક્યાં છુપાયો છે એનું એક્ઝૅક્ટ લોકેશન આવા સ્પાય સૅટેલાઇટ થકી જ ખબર પડ્યું હતું.

-    સૅટેલાઇટ નેવિગેશન : અત્યારે આપણે કોઈ પણ સ્થળનું લોકેશન કે ઈવન ક્યાં કેટલો ટ્રાફિક છે એ પણ ગૂગલ મૅપ્સની મદદથી જાણી લઈએ છીએ. આવી સૅટેલાઇટ નેવિગેશન ફૅસિલિટી રેડિયો સિગ્નલોની મદદથી સંદેશાની આપલે આ સૅટેલાઇટને જ આભારી છે. પૃથ્વીથી વીસેક હજાર કિલોમીટર દૂર હોવા છતાં આ સૅટેલાઇટ આપણને અમુક મીટરોની ચોકસાઈથી લગભગ રિયલ ટાઇમમાં રિઝલ્ટ આપે છે.

-    રિકવરી સૅટેલાઇટ : જ્યારે માણસ જેવા સજીવ સ્પેસક્રાફ્ટમાં સવાર હોય ત્યારે તેમને સહીસલામત પૃથ્વી પર પરત લાવવા પણ અગત્યના હોય છે. એ માટે રિકવરી સૅટેલાઇટની જરૂર પડે છે. વોસ્તોક, સોયુઝ, જેમિની, શેન્ઝુ વગેરે આવા રિકવરી સૅટેલાઇટ છે. વાસ્તવમાં એ માણસ માટે જરૂરી હવા, પાણી, ખોરાકની સુવિધાઓ ધરાવતી શંકુ આકારની સ્પેસ કૅપ્સ્યુલ છે; જે વાતાવરણમાં પરત ફરતી વખતે પ્રચંડ ગરમીને પણ સહન કરી લે છે. છેવટે એ પૅરૅશૂટની મદદથી સેફ લૅન્ડિંગ કરાવે છે.

-    સ્પેસ સ્ટેશન : આપણી ગુજરાતી સુનીતા વિલિયમ્સ જ્યાં સૌથી લાંબા સમય સુધી રહી આવી છે એ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પણ એક સૅટેલાઇટ જ છે. એમાં રહેલી સુવિધાઓ, એમાં થતા પ્રયોગો અને એની અંદરની લાઇફ વિશે અલગ લેખ કરવો પડે. હૉલીવુડની અનેક ફિલ્મોમાં પણ આ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ચમકતું આવ્યું છે.

-    ટીથર સૅટેલાઇટ : કોઈ સૅટેલાઇટને અંતરિક્ષમાં મોકલ્યા પછી એની દિશા બદલવા, એની હાઇટમાં પરિવર્તન કરવા માટે ખાસ પ્રકારના ધક્કાની જરૂર પડે છે. ત્યારે રૉકેટ એન્જિન કરતાં સસ્તો અને વધુ ઉપયોગી વિકલ્પ છે ટીથર સૅટેલાઇટનો. આ સૅટેલાઇટ લાંબો સળિયો કે લાંબા કેબલ્સ ધરાવતો હોય છે.

-    ટિંગુ સૅટેલાઇટ : સૅટેલાઇટ હડિમદસ્તા જેવા કદના હોય એ જરાય જરૂરી નથી. જરૂરિયાત કે કામ પ્રમાણે ૫૦-૧૦૦ કિલોગ્રામના મિનીસૅટેલાઇટ કે માઇક્રોસૅટેલાઇટ કે પછી દસ કિલોગ્રામથી પણ ઓછા વજનના નૅનોસૅટેલાઇટ પણ છોડવામાં આવે છે. 

-    કિલર સૅટેલાઇટ : કોઈ દેશને રાતોરાત પંગુ બનાવી દેવો હોય તો એના મુખ્ય સૅટેલાઇટને તોડી પાડો એટલે એની કમર ભાંગી જાય. આવા ઍન્ટિસૅટેલાઇટ વેપનને કિલર સૅટેલાઇટ પણ કહે છે. અમેરિકા, રશિયા, ચીન, ઇઝરાયલ જેવા દેશો આવા કિલર સૅટેલાઇટ વિકસાવી ચૂક્યા છે. ભારતે પણ ઍન્ટિસૅટેલાઇટ સિસ્ટમ વિકસાવી રહ્યા હોવાની વાત કરી હતી. ૨૦૦૭માં ચીને પોતાના એક નિષ્ક્રિય વેધર સૅટેલાઇટને આવા કિલર સૅટેલાઇટથી તોડી પાડ્યો હતો, જેને કારણે એ સૅટેલાઇટના પચાસેક ટુકડા થયા અને સરવાળે સ્પેસ ડેબ્રીમાં વધારો થયેલો. ત્યાર પછીના વર્ષે અમેરિકાએ પણ પોતાના એક સ્પાય સૅટેલાઇટને અંતરિક્ષમાં જ તોડી પાડ્યો હતો. હવે તો લો અર્થ ઑર્બિટમાં રહેલા સૅટેલાઇટને જમીન પર રહ્યે-રહ્યે જ જૅમ કરી દેવાની ટેક્નિક પણ શોધાઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2017 10:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK