ઇતના ગુસ્સા ક્યૂં આયા?

Published: Jul 02, 2017, 09:49 IST

ગુસ્સો એક અત્યંત માનવસહજ પ્રતિક્રિયા છે. કશુંક ન ગમતું થાય એટલે ગુસ્સો આવે, પરંતુ એમાં પણ પ્રકાર અને પ્રમાણભાન જળવાઈ રહેવું આવશ્યક છે. હદ બહારનો ગુસ્સો, જેમાં પોતાને અથવા અન્યોને નુકસાન થવાની સંભાવના રહે એ ક્યારેય ચલાવી લેવાય નહીં. એમાંય જો તમને આવો ગુસ્સો વારંવાર આવતો હોય તો એને તમારો સ્વભાવ સમજવાની ભૂલ તો ક્યારેય કરવી ન જોઈએ. બની શકે કે એ ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઑર્ડર નામના માનસિક રોગનું લક્ષણ હોય, જેની સારવાર તમારા તથા તમારા સ્વજનોના સ્વાસ્થ્ય માટે આવશ્યક છેમેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ


તમે ઘણી ફિલ્મોમાં ધર્મેન્દ્રને વિલનને એવું કહેતા સાંભળ્યોહશે કે કુત્તે મૈં તેરા ખૂન પી જાઉંગા. આ ડાયલૉગ પર સિનેમા હૉલમાં બહુ તાળીઓ પણ પડતી સાંભળી હશે. જો આ સારી ઍક્ટિંગ હોય તો આનંદની વાત છે, પરંતુ શું તમે જાણો છો વાસ્તવિક જીવનમાં પણ ઘણી વાર લોકો આવા ભારે ક્રોધનો ભોગ બની જતા હોય છે? આપણે અખબારો અને ટીવી-ચૅનલ્સમાં કેટલીય વાર એવા સમાચારો જોઈએ છીએ કે જેમાં ક્રોધમાં આવીને કોઈએ ટોલ બૂથ પર કામ કરતા છોકરાને મારી નાખ્યો કે પછી ૧૦-૨૦ રૂપિયાની આનાકાનીમાં રિક્ષાવાળાને મોતને ઘાટ ઉતારી દીધો. શું આ બધાં સમાજમાં રહેલી તાણનાં લક્ષણો છે? જરૂરી નથી. કેટલીક વાર આ કોઈ માનસિક રોગનાં લક્ષણો પણ હોઈ શકે, જે કદાચ દરદીને કે તેના પરિવારજનોને સમજાય પણ નહીં.

ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઑર્ડર એટલે શું?

આ મુદ્દા પર વિગતે વાત કરતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘બેઝિકલી આવા વર્તનને વિજ્ઞાનની ભાષામાં ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઑર્ડર કહે છે. આ રોગમાં વ્યક્તિ જરૂર કરતાં ઘણી વધારે ગુસ્સામાં આવી જાય છે અને સામેવાળાને લિટરલી શબ્દોથી અથવા ક્યારેક સાચેસાચી ધોઈ નાખે છે. હવે તમે જો આ રીતે વિચારીને જોશો તો તમને અખબારોમાં વાંચેલા રોડરેજ, ડોમેસ્ટિક અબ્યુઝ, માતાપિતા પર હુમલાના સમાચાર યાદ આવ્યા વિના નહીં રહે. આ રીતના વર્તનથી દરદીએ  ઘણી વખત સામાજિક રીતે ઘણું ભોગવવું પડે છે, કારણ કે મોટા ભાગના લોકોને ક્યારેય સમજાતું જ નથી કે આ વ્યક્તિ વાસ્તવમાં કોઈ માનસિક રોગનો ભોગ બનેલી છે. પરંતુ હકીકત તો એ છે કે આ રોગ પર ધ્યાન આપવામાં ન આવે તો વર્ષો સુધી દરદી મુશ્કેલી ભોગવી શકે છે. જોકે ઉંમર વધતાં તેના ગુસ્સાની તીવ્રતા ઘટી શકે છે, પરંતુ એની સારવાર માટે દવાની સાથે-સાથે મનોચિકિત્સકની સારવાર પણ જરૂરી હોય છે.’

આવા લોકોનું વર્તન કેવું હોય છે?

એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનો હુમલો અચાનક થઈ શકે છે અને ૩૦ મિનિટથી ઓછા સમયમાં દરદી પાછો સામાન્ય પણ થઈ જાય છે. જોકે વ્યક્તિ જ્યારે ગંભીર એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનો શિકાર હોય ત્યારે તેને ગુસ્સાના આવા હુમલા અવારનવાર આવ્યા કરે છે અને વચ્ચેના સમયગાળામાં તે કાયમ અકળાયેલી, ગુસ્સે ભરાયેલી કે કંટાળેલી દેખાય છે. અગાઉ કહ્યું એમ ગંભીર કિસ્સામાં દરદી પોતાને અથવા બીજાને શારીરિક નુકસાન પહોંચાડવાની હદ સુધી પણ પહોંચી જાય છે.

અહીં ડૉ. શેઠ કહે છે, ‘દરદીને જ્યારે એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનો હુમલો આવવાનો હોય ત્યારે આ ઉપરાંત પણ બીજાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળે છે; જેમ કે ભારે ક્રોધ, ઇરિટેશન, પડતી ઊર્જા‍નો અનુભવ થવો, વિચારોની ગતિ એકાએક વધી જવી, શરીરમાં ધ્રુજારી આવવી, છાતીમાં ભારનો અનુભવ થવો. આ બધાના પરિણામે એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનો હુમલો થાય ત્યારે દરદી હદ બહારની પ્રતિક્રિયા આપે છે; જેમ કે ખૂબ દલીલો કરવી, બૂમાબૂમ કરીને વાત કરવી, કોઈને ધક્કો મારી દેવો, થપ્પડ મારવી, મારામારી કરવી, આસપાસની વસ્તુઓ તોડી નાખવી, લોકોને અથવા પોતાના પાળતુ જાનવરને ધમકી આપવી વગેરે. નવાઈની વાત તો એ છે કે આ રીતની પ્રતિક્રિયા આપ્યા બાદ દરદીને શાંતિનો અનુભવ થાય છે. જોકે કેટલાકને પોતાના વર્તન બદલ બહુ અફસોસ અથવા દુ:ખનો પણ અનુભવ થાય છે.’

આ લક્ષણો એવાં છે કે કેટલીક વ્યક્તિને એ સામાન્ય પણ લાગે. ઘણા લોકો પોતાની જાતને શૉર્ટ ટેમ્પર્ડ એટલે કે જલદી ગુસ્સે ભરાઈ જનારા કહી એની વાત કરવાનું ટાળી દેતા હોય છે, પરંતુ જો તમને પોતાને આવા ક્રોધનો અનુભવ થતો હોય તો તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

આટલો ગુસ્સો આવવાનું કારણ શું?

એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનું કારણ આજ સુધી વિજ્ઞાનને પણ ખબર પડ્યું નથી, પરંતુ એટલું જરૂર છે કે આ રોગની શરૂઆત અથવા લક્ષણોની શરૂઆત ૬ વર્ષની ઉંમર પછી થાય છે અને ૪૦ વર્ષથી ઉપરની ઉંમરમાં એના કિસ્સા ઓછા જોવા મળે છે. અલબત્ત એક વાત નિãત છે કે આ રીતના વર્તનવાળા દરદીઓમાં એક વાત સામાન્ય હોય છે અને તે એ કે તેઓ બાળપણમાં એવા વાતાવરણમાં મોટા થયા હોય છે જ્યાં આ રીતનું વર્તન રોજિંદા જીવનનો ભાગ હોય છે. પરિણામે આ પ્રકારનો ગુસ્સો તેમના સ્વભાવનો એક ભાગ બની ગયો હોય છે. કેટલાક દરદીઓને આ રોગનાં લક્ષણો વારસામાં મળે છે અર્થાત્ જેમના પરિવારજનોમાં કોઈને આ રોગ હોય એવા લોકોને તેમના જીન્સ વારસામાં મળે છે. આ સિવાય આ રોગના ઘણા દરદીઓની તપાસ કરતાં ઘણી વાર મગજમાં સંદેશવ્યવહાર માટે જરૂરી એવું સેરોટોનિન નામનું દ્રવ્ય ઓછું હોવાનું પણ જાણવા મળ્યું છે. મનોવિજ્ઞાન આ રસાયણને હૅપીનેસ કેમિકલ તરીકે ઓળખે છે, તેથી એની ઊણપ વ્યક્તિને ચીડચીડી અને આક્રમક બનાવી શકે છે. આ સિવાય જે બાળકોને બાળપણમાં બહુ ગેરવર્તન અથવા શારીરિક કે માનસિક શોષણનો સામનો કરવો પડ્યો હોય કે પછી ઘણા દુ:ખદાયી પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હોય તેમને એક્સપ્લોઝિવ ડિસઑર્ડર થવાનો ભય વધી જાય છે. મનોવિજ્ઞાન એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનાં આ બધાં કારણોને પ્રાઇમરી રીઝન્સ તરીકે જુએ છે, જેમાં રોગનું મુખ્ય કારણ કોઈ બીજી બીમારી નહીં; રોગ પોતે જ હોય છે.

અલબત્ત, એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનાં કેટલાંક સેકન્ડરી રીઝન્સ પણ હોય છે, જેમાં મન કે મગજને લગતી કોઈ અન્ય સમસ્યાને પગલે દરદીને આ પ્રકારનો ગુસ્સો આવે છે. આ કારણોમાં અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર (ADHD), બૉર્ડરલાઇન પર્સનાલિટી ડિસઑર્ડર, નાર્સિસિસ્ટ પર્સનાલિટી ડિસઑર્ડર, ઍન્ટિસોશ્યિલ પર્સનાલિટી ડિસઑર્ડર વગેરેનો સમાવેશ થાય છે. પૅરેનૉઇડ પર્સનાલિટી ડિસઑર્ડર ધરાવતી વ્યક્તિને પણ છંછેડવામાં આવે તો તેઓ એક્સપ્લોઝિવ ડિસઑર્ડરના દરદીઓ જેવું વર્તન કરી શકે છે. અહીં ડૉ. શેઠ કહે છે, ‘સ્કિઝોફ્રેનિયાના કેટલાક દરદીઓમાં પણ એક્સપ્લોઝિવ ડિસઑર્ડરનાં લક્ષણો જોવા મળે છે. એ સિવાય કેટલીક વાર વધુપડતું દારૂ કે ડ્રગ્સનું વ્યસન પણ માણસને વારંવાર ગુસ્સો અપાવે છે. તો ક્યારેક અમુક દવાઓની આડઅસરરૂપે પણ દરદી ચીડચીડી બની અવારનવાર ગુસ્સે થઈ જતી જોવા મળે છે. ક્યારેક બાળપણમાં માથાના ભાગમાં થયેલી ગંભીર ઈજા પણ આ રોગનું કારણ બની શકે છે તો ક્યારેક ફિટની બીમારી ધરાવનારાઓ પણ પ્રકારનું વર્તન કરી શકે છે.’

આ ડિસઑર્ડરની બીજી કેટલીક આડઅસર

આ રોગથી પીડાતા લોકો માટે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે, જેમાં નીચેની સમસ્યાઓ ખાસ કરીને જોવા મળે છે.

પારિવારિક સમસ્યાઓ : આ રોગના દરદીઓને લોકો કાયમ ગુસ્સામાં જ જુએ છે, જેના પગલે તેમણે પરિવારમાં કે લગ્નજીવનમાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની સાથે વાત કરતાં લોકોને ડર લાગતો હોવાથી સ્વજનો પણ તેમનાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

પરિણામે તેમનું અંગત જીવન કાયમ વેરવિખેર રહે છે અને તેમનામાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

વ્યાવસાયિક સમસ્યાઓ : આ રોગના કારણે દરદીએ અભ્યાસ તથા કામના સ્થળે પણ ઘણું ભોગવવાનું આવે છે. તેમના સ્કૂલમાંથી કાઢી મૂક્યાના, રસ્તે થતા અકસ્માતોના તથા આર્થિક તંગીના કિસ્સા પણ ઘણા સાંભળવા મળે છે.

માનસિક સમસ્યાઓ : આ ડિસઑર્ડરને કારણે દરદીના મિજાજમાં કાયમ ઉતારચડાવ આવ્યા કરે છે. કઈ વાતનું તેમને ખોટું લાગી જાય, કઈ વાત પર તેમને ગુસ્સો આવી જાય એ કહેવાય નહીં.

ખરાબ આદતો : પોતાની માનસિક, આર્થિક તથા સામાજિક પરિસ્થિતિઓને પગલે તેઓ દારૂ, સિગારેટ કે ડ્રગ્સના રવાડે ચડી જવાની શક્યતા પણ હંમેશાં વધારે રહે છે; જેને પગલે આગળ જતાં તેમણે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હૃદયના વિકારો, સ્ટ્રોક, અલ્સર જેવી બીમારીઓ પણ લાગુ પડી શકે છે. સાથે જ તેમનામાં બીજાને અથવા ખુદ પોતાની જાતને જ નુકસાન પહોંચાડવાની પ્રકૃતિ પણ જોવા મળે છે. આ નુકસાન શારીરિક અથવા આર્થિક કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, તેથી તેઓ ગુસ્સાના આવેગમાં પોતાની જાતને અથવા અન્યો તરફ આક્રમક બની શકે છે તો ક્યારેક વસ્તુઓ આમતેમ ફેંકવા જેવી હરકતો પણ કરી શકે છે.

આ જ કારણ છે કે આ પ્રકારનાં લક્ષણો લાંબો સમય ચાલ્યા કરે એના કરતાં ડૉક્ટર પાસે જવું હિતાવહ છે.

તપાસ કેવી રીતે થાય છે?

ડૉક્ટરને મળતાં પહેલાં પોતાના ફૅમિલી ડૉક્ટરને મળીને એક આખું લિસ્ટ બનાવી લેવું જોઈએ, જેમાં પોતાની મુશ્કેલીઓની સાથે રોજિંદા ધોરણે તમે જે દવાઓ લેતા હો તથા અન્ય મહત્વની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ.

આ રોગની ચકાસણી કરવા માટે ડૉક્ટર તમારી શારીરિક તપાસની સાથે લૅબ ટેસ્ટ પણ કરવાની સલાહ આપી શકે છે. વળી કોઈ વ્યસનને કારણે તો આ રોગ થયો નથીને એની ખાતરી કરવા કેટલીક અન્ય ટેસ્ટ પણ કરવાનું કહી શકે.

જો તમે મનોચિકિત્સકની સહાયતા લો તો એ તમને તમારા વર્તનને લગતા પ્રશ્નો પૂછશે. ઘણા ડૉક્ટર્સ અમેરિકાની ધ સ્ટૅટિસ્ટિકલ ઍન્ડ ડાયગ્નૉસ્ટિક મૅન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઑર્ડર્સ તરીકે ઓળખાતી માનસિક રોગોની યાદીનાં ધારાધોરણો અનુસાર પણ દરદીની ચકાસણી કરતા હોય છે.

સારવાર અને દવા

આ રોગ માટે કોઈ એક દવા ઉપલબ્ધ નથી. તેથી દરદી સાથે વાત કરી ડૉક્ટર્સ રોગની તીવ્રતા પ્રમાણે સારવાર નક્કી કરે છે, જેમાં મહદ્ અંશે શરૂઆત સાઇકોથેરપીથી કરવામાં આવે છે. સાઇકોથેરપીમાં ડૉક્ટર દરદીને ગુસ્સાના આવા હુમલા સામે કેવી રીતના ઉપાય કરવા એની ટ્રેઇનિંગ આપે છે. કૉગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ અને ડિફરન્ટ થિન્કિંગ પૅટર્ન નામની સારવારની પદ્ધતિ વડે ડૉક્ટર દરદીને ગુસ્સાના આવા હુમલાથી બચવાની ટ્રેઇનિંગ પણ આપે  છે. જેમને સિગારેટ, દારૂ કે ડ્રગ્સના વ્યસનને પગલે અવારનવાર આવો ગુસ્સો આવતો હોય તેમને એ આદતોમાંથી છુટકારો અપાવવાની સારવાર આપવી અનિવાર્ય બની જાય છે. એવી જ રીતે અન્ય માનસિક રોગો આ ડિસઑર્ડરનું કારણ બનતા હોય તો સૌથી પહેલાં એ રોગોની ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવું પડે છે. આ સિવાય દવાઓમાં મગજમાં સેરોટોનિનનો પ્રવાહ વધારવા સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ (SSRI) નામની દવાઓ અથવા ઍન્ટિએપિલેપ્સી અને ટ્રાન્ક્વિલાઇઝર્સનું સંયોજન પણ ક્યારેક આપવું જરૂરી બની જાય છે.

આ ઉપરાંત આ રોગમાં ઍન્ટિડિપ્રેસન્ટ દવાનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. મૂળ સ્ટેબિલાઇઝર દવા પણ આ રોગમાં વાપરવામાં આવે છે.

પરંતુ આ રોગમાં ટ્રીટમેન્ટની સાથે-સાથે પ્રિવેન્શન પણ એટલું જ આવશ્યક છે અને એ માટે કેટલીક જરૂરી સૂચના પણ છે, જે સામાન્ય રીતે દરદીને આપવામાં આવે છે.

જરૂરી સૂચના 

આ રોગના દરદી માટે કેટલીક વાતો અતિ આવશ્યક હોય છે. જેમ કે સારવાર : આ દરદી ક્યારેય પોતાની સારવાર વચ્ચેથી છોડી ન દે એ આવશ્યક છે. ડૉક્ટર જે પણ દવા આપે એ કોર્સ પૂરો કરવો આવશ્યક છે.

ધ્યાન : આ રોગમાં દરદી જો યોગ કે ધ્યાનની કવાયત કરે તો એનાથી ઘણો ફાયદો થાય છે.

થિન્કિંગ : દરદીએ આ રોગમાં સૌથી આવશ્યક છે પોતાની વિચારસરણી બદલવાની. કોઈ પણ એવી સ્થિતિ, જે તમને ગુસ્સો અપાવે એને કઈ અન્ય રીતે સુલઝાવી શકાય એ તમારો પ્રયત્ન હોવો જોઈએ.

પ્રૉબ્લેમ સૉલ્વિંગ : દરેક સ્થિતમાં તમારે વિકટ સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કે ગુસ્સે થવાનો કે એ સ્થિતને ટાળવાનો.

કમ્યુનિકેશન : ઘણી વખત દરદી સામેવાળાની વાત સાંભળીને ગુસ્સે થવા માંડે છે. એના સ્થાને તેણે પ્રયત્ન કરવો જોઈએ કે તે પહેલાં આખી સ્થિતિ સમજી પછી પ્રતિક્રિયા આપે.

વાતાવરણ : ડૉક્ટર્સ ખાસ સૂચના આપે છે કે આ રોગના દરદીએ એવા વાતાવરણમાં જવું નહીં જોઈએ જેમાં તેને તાણનો અનુભવ થાય. અને સાથે જ દારૂ કે ડ્રગ્સ લેવાથી બચવું જોઈએ, જેથી મૂડ સ્વિંગ ન થાય.

આ તો થઈ એક્સપ્લોઝિવ ડિસઑર્ડરની બેઝિક વાતો, પરંતુ તમારે પણ યાદ રાખવું જોઈએ કે આવી વ્યક્તિ જાણી જોઈને આવું વર્તન કરતી નથી અને તેથી નેક્સ્ટ ટાઇમ જો તમને અચાનક રિક્ષા કે ટૅક્સીવાળા પર ભડકતી વ્યક્તિ જોવા મળે તો તેને પાગલ ગણવા પહેલાં વિચારી લેજો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK