Expense Manager : પૈસાની આવક-જાવકનો સ્માર્ટ ચોકીદાર

Jun 01, 2014, 07:28 IST

આપણા એક ખિસ્સામાં પ્રવેશતા અને બીજા ખિસ્સામાંથી ગાયબ થઈ જતા રૂપિયાની દરેક હિલચાલ પર નજર રાખતી સ્માર્ટ ઍપ

Expense Manager : પૈસાની આવક-જાવકનો સ્માર્ટ ચોકીદાર

વેબ-વર્લ્ડ - આર્યન મહેતા


આપણે કશું જ કર્યા વિના શાંતિથી બેઠા હોઈએ ત્યારે સમય ઉપરાંત બીજી પણ એક વસ્તુ ખર્ચાતી હોય છે. એ છે પૈસા. વડીલો બેફામ ખર્ચા કરતા જુવાનિયાઓને કહેતા હોય છે કે તમારા પૈસાનો હિસાબ રાખો, ડાયરી બનાવો. જોકે આખો દિવસ સ્માર્ટફોનના ઘૂઘરે રમતી આ યંગ જનરેશનને કંઈ ડાયરીમાં આવક-જાવકની ગણતરીઓ કરવામાં મજા પડે નહીં. પરંતુ ઉનાળામાં બરફ ઓગળે એમ ઓગળતા પૈસાનો હિસાબ રાખવો પણ જરૂરી છે ત્યારે સ્માર્ટફોનમાં પ્રાથમિકતાના ધોરણે ડાઉનલોડ કરી રાખવા જેવી એક ઍપ્લિકેશન છે Expense Manager.

જાણે મોબાઇલ ફોનમાં આખેઆખો ક્વૉલિફાઇડ અકાઉન્ટન્ટ બેસાડ્યો હોય એટલીબધી કૅટેગરીઓ અને સુવિધાઓ આ ઍપ્લિકેશનમાં છે. એને ડાઉનલોડ કર્યા પછી આપણી આવક અને ખર્ચની વિગતો એમાં ઉમેરતા જવાનું છે. આ ઍપ ઓપન કર્યા પછી એમાં દૈનિક, અઠવાડિક અને ઈવન વાર્ષિક ખર્ચ તથા ઇન્કમ પ્રમાણે એની ડીટેલ્સ ઉમેરતા જઈએ એટલે આપણી ગાડી શરૂ થઈ જાય. ખર્ચની વિગતોને અલગ-અલગ કૅટેગરીઓમાં વહેંચવા માટે આ ઍપમાં પહેલેથી જ ઑટોમોબાઇલ્સ, એન્ટરટેઇનમેન્ટ, ફૅમિલી, ફૂડ, હેલ્થકૅર, હાઉસહોલ્ડ, લોન્સ, પર્સનલ, ટ્રાવેલ જેવી કૅટેગરીઓ આપેલી છે જેમાંથી લાગુ પડતી કૅટેગરીમાં ખર્ચ મૂકી દેવાનો. એ જ રીતે ઇન્કમમાં પણ સૅલરી, ઇક્વિટી, પર્સનલ સેવિંગ્સ, રેન્ટ, પેન્શન, પાર્ટટાઇમ વર્ક વગેરે કૅટેગરીઓ આપેલી છે. આ બન્નેમાં આપણી જરૂરિયાત પ્રમાણેની નવી કૅટેગરી બનાવી પણ શકીએ. વળી જે-તે પેમેન્ટ (કે ઇન્કમ) ચેકમાં છે કે કૅશમાં, ચેક હોય તો એનો નંબર, એ કઈ બૅન્કનો છે, કોણે આપ્યો છે વગેરે માહિતી પણ આ ઍપ નોંધે છે.

કોઈ પણ તબક્કે આપણે ખર્ચ કે ઇન્કમને ચાર્ટ સ્વરૂપે પણ જોઈ શકીએ. મતલબ કે અમુક મહિનામાં કેટલો ખર્ચ થયો એ અથવા તો મહિનેદહાડે કઈ-કઈ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ થાય છે એ આ રંગબેરંગી ચાટ્ર્સ એક જ સેકન્ડમાં કહી આપે છે. જેમને પોતાની નાણાકીય આવક-જાવકનો હિસાબ બૅલૅન્સ-શીટ સ્વરૂપે જોવાની આદત હોય તેમના માટે કોઈ પણ તબક્કે પોતાના પર્સનલ હિસાબની બૅલૅન્સ-શીટ પણ આ ઍપ આપે છે. મજાની વાત એ છે કે આ તમામ ખર્ચને આપણે વિશ્વની કોઈ પણ કરન્સીમાં નોંધી શકીએ છીએ.

કોઈ પેમેન્ટ કે ઉઘરાણી કે ઈવન રિન્યુઅલ વગેરેનાં રિમાઇન્ડર મૂકવાં હોય તો એની સુવિધા પણ આ ઍપમાં છે. કોઈ બિલ વગેરેની ફોટોકૉપી સાચવવાની જરૂર પડે તો એનો ફોટો પાડીને પણ અહીં સેવ કરી શકાય છે. ફાઇનૅન્શિયલ બાબતોની નોટ્સ લેવાની ફૅસિલિટી પણ આ ઍપ આપણને આપે છે. આ ઉપરાંત નાણાકીય બાબતોમાં ઉસ્તાદ એવા આ Expense Managerની અંદર કૅલ્ક્યુલેટર, કરન્સી કન્વર્ટર, ડિસ્કાઉન્ટ અને ટૅક્સ-કૅલ્ક્યુલેટર, ઇન્ટરેસ્ટ અને લોન-કૅલ્ક્યુલેટર વગેરે ટૂલ્સ પણ હાજરાહજૂર છે. મહિને આપણી આવકનો સારોએવો ભાગ વાહનના પેટ્રોલ-ડીઝલ પાછળ ખર્ચાય છે ત્યારે આપણું વાહન કેટલી ઍવરેજ આપે છે એ પણ આ ઍપ ગણી આપે છે!

નાણાંની આવન-જાવનની કોઈ પણ વિગતને આપણે એ જ વ્યવસ્થિત સ્વરૂપ ફૉર્મેટમાં એ જ ઍપમાં રહીને કોઈનેય ઈ-મેઈલથી, ગૂગલ ડ્રાઇવમાં કે ડ્રૉપ-બૉક્સમાં નાખીને મોકલી શકાય છે (આ ગૂગલ ડ્રાઇવ પણ કામની વસ્તુ છે. એની વાત ફરી ક્યારેક). ધારો કે ક્યારેક ફોનને ફૉર્મેટ મારવાની જરૂર પડે તો એ પહેલાં આપણા આ તમામ ફાઇનૅન્શિયલ ડેટાનો બૅક-અપ એક જ ટચથી આવી જાય છે અને ફરીથી એ જ સરળતાથી એને રીસ્ટોર પણ કરી શકાય છે. એટલું જ નહીં, આ ઍપ્લિકેશનમાં રહેલી વિગતોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એને એક પાસવર્ડ આપીને તમે સુરક્ષિત પણ કરી શકો છો.

ઇન શૉર્ટ, આ ઍપ્લિકેશનનો વપરાશ શરૂ કર્યા પછી તમારો એકેએક રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તમારાથી છૂપું રહેશે નહીં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK