Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુનભાઈ સાધો કહત કબીરા

સુનભાઈ સાધો કહત કબીરા

09 February, 2020 02:52 PM IST | Mumbai
Hiten Anandpara

સુનભાઈ સાધો કહત કબીરા

સુનભાઈ સાધો કહત કબીરા


કવિતામાં અધ્યાત્મનો રંગ છલકાતો જોવા મળે છે. પદ-ભજન-ગીતમાં તો એ સહજ છે, પણ ગઝલમાંયે આ રંગ વિવિધ રીતે વ્યક્ત થતો રહ્યો છે. એમાં વ્યક્તિત્વોના સંદર્ભો પણ આવે ને અવલોકનનો નિચોડ પણ આવે. સ્ટિકરની જેમ ચોંટાડેલું નહીં, પણ અનુભૂતિમાંથી આવતું અધ્યાત્મ ગહન હોય છે. એના સૂચિતાર્થો જીવનનો માર્ગ દર્શાવે. મન શાંત-પ્રશાંત થઈને સાગરના તળિયે ડૂબકી મારે પછી જ અધ્યાત્મનાં મોતી હાથમાં આવે. એક ચિકિત્સકની ચોકસાઈ અને ભીતરની સમૃદ્ધિને સથવારે ડૉ. અશરફ ડબાવાલા આવું પ્રિસ્ક્રિપ્શન આપે છે... 

અહીંથી નીકળીને ક્યાંય પણ ના જઈ શકશો



બધા વિકલ્પનો મનમાં હવન કર્યે છૂટકો


બધુંયે પાર કર્યા બાદ મોક્ષ આવે છે

તમારે જાળને જળથી અલગ કર્યે છૂટકો


આપણે હવન કરીએ એમાં વિધિવિધાન મહત્ત્વનાં બની જાય. સારતત્ત્વ તો ક્યાંક નાના બાળકની જેમ ભરકોલાહલમાં ઊંઘી ગયું હોય. સાંસારિક ધાંધલધમાલમાં અનેક સત્ય ચૂકી જવાય છે. પોતાના મનન-વિશ્વમાંથી પ્રાપ્ત થયું હોય એવું એક સત્ય સુરેન ઠાકર ‘મેહુલ’ નીરૂપે છે... 

તમે સલૂણી દીધા રાગ રંગ કલશોરી

ગમી ગમીને ગમ્યો રાખનો જ રંગ મને

જગતની રીત ને મારો કશોય મેળ નથી

રખે જીવું, તો જિવાડી જશે તરંગ મને

જગત સાથે તાલમેલ સાધવો અઘરો છે છતાં જરૂરી પણ છે. જે સમાજમાં જીવવાનું હોય એના નીતિનિયમો પાળવા પડે. એમાં સઘર્ષ થાય. આપણો મિજાજ કાશી તરફ જવાનો હોય અને આપણે ધકેલાતા હોઈએ કલકત્તા તરફ. આવા સમયે એક કશમકશ મનને ઝીણું-ઝીણું વહેરતી રહે. સમાધાન કરીને જીવવું પડે એ હકીકત છે. વ્યથા એ છે કે ઘણી વાર સમાધાનનો ભાર ડુંગરથીયે વધારે લાગે. પચીસ કિલો વજન ઊંચકી લેતો ખભો સંબંધના નાના તણાવને જીરવી શકતો નથી. દ્વિધાની આવી કોઈ પરિસ્થિતિમાં રાજેન્દ્ર શુક્લ એક નિરાકરણ આપે છે...

કૈં ન બનવું એય તે બંધન બને

તો બધું બન, એય વારંવાર બન

આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં

એના જેવું તુંય અપરંપાર બન

આદિ અને અંતની રમણામાં બધા જીવ એક પ્રવાસી તરીકે આવે છે અને જાય છે. તેમનું કલેવર બદલાયા કરે. દરેક જન્મે કૌતુક પાછું ને પાછું ને પાછું જન્મતું જાય. ભમરડો ગોળ-ગોળ ફરતો રહે. સાંઈ કવિ મકરંદ દવેનું આતમપંખી એક જુદી જ ઉડાન તાગે છે...

પંખી શીખી ગયું જો ઈંડામાં ઉડ્ડયન

આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતતઃ ચેત મછંદર

રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત

અંદરનો અવાજ તમને સતત ચેતવતો હોય છે. ક્યારેક આપણે સદંતર એની અવગણના કરીએ છીએ તો ક્યારેક સાંભળીને પણ એને ગંભીરતાથી નથી લેતા. વ્યક્તિગત નાનકડો અનુભવ શૅર કરું.

જાન્યુઆરીમાં કામના સંદર્ભે અમદાવાદ બે દિવસ રહેવાનું થયું. શિવરંજની નજીક ભાયાણીસાહેબના ઘરે ઉતારો રાખેલો. સવારે ચાનો રસિયો જીવ ચા-ચા કરતો ફૂલગુલાબી ઠંડીમાં જાકીટમાં હાથ પરોવી ચા પીવા નીકળ્યો. રસ્તો વટાવતી વખતે પાક્કું અવલોકન કર્યું કે અમદાવાદમાં રૉન્ગ-સાઇડ રાજુઓની ભરમાર છે એટલે ચેતવું સારું. કોઈ પણ ઉડાડી શકે.

અંતરનો આ અવાજ સમજાયો, પણ સાચવેતી ઓછી પડી. સામેના રસ્તે ચા પીને પરત આવતો હતો ત્યારે સ્કૂટર પર આવી રહેલા એક રૉન્ગ-સાઇડ રાજુએ પાછળથી ટક્કર મારી પાડી નાખ્યો. સ્પીડ ઓછી હોવાથી ફ્રૅક્ચર ન થયું, પણ મૂઢ મારનો માર્મિક પ્રસાદ મળ્યો. સવારે ૯ વાગ્યે આખા રસ્તા પર ક્રૉસ કરનાર એકમાત્ર હું હતો અને એકમાત્ર વાહન એ ભાઈનું હતું છતાં ટક્કર લાગી.

રંજની વાત એ હતી કે સ્કૂટરચાલકના ચહેરા પર અડધો મિલીમીટરનો પણ ગુનાહિત ભાવ નહોતો અને સૉરી શબ્દ તો તેના હોઠથી કમસે કમ મુંબઈ જેટલો છેટો હતો. અહીં તો બધું આમ જ હોય બકા - આ ભાવ અમદાવાદની માટીમાં વર્તાયો. હવે તો મોટા ભાગનાં શહેરોમાં રૉન્ગ-સાઇડ રાજુઓના દબદબા પ્રવર્તે છે. રસ્તાને અકસ્માતો કોઠે પડી ગયા છે. એના પર વહેતું લાલ લોહી થોડા કલાકમાં કાળું થઈ જાય છે. ભગવતીકુમાર શર્માનો શેર અંતિમ વિદાયનો રંગ દર્શાવે છે... 

કજરી નહીં રહી અને ઠૂમરી નહીં રહી

જલસો ઊઠી ગયો અને નથણી નહીં રહી

છેલ્લી ક્ષણે હતું ન હતું એક થઈ ગયું

માટી તો એની એ જ છે, મુઠ્ઠી નહીં રહી

શ્વાસનું આથમવું સત્ય છે છતાં એ જ્યાં સુધી ચાલતા હોય ત્યાં સુધી જિંદગી પણ ચાલવી જોઈએ. જે ક્ષેત્રમાં આપણે હોઈએ એમાં આપણું ઉત્તમ આપીએ તો એ પણ એક પૂજા જ ગણાય. લલિત ત્રિવેદી સર્જકીય સંવેદના છતી કરે છે...

કહી શકો હવે મંદિર બની ગઈ છે ગઝલ

ને મારી બોબડી શાહીમાં રામ આવ્યા છે!

મળ્યા’તા મીરને... ગાલિબને... દાસી જીવણને

લલિત! આપને શું એ પયામ આવ્યા છે!

ક્યા બાત હૈ

બિન સાધો કા જગત કબીરા

સુનભાઈ સાધો કહત કબીરા

 

કોને કરવી વાત કબીરા

ક્યાં સાધોનો સાથ કબીરા?

 

આંખોમાં અજવાળું લઈને

જાગ્યા આખી રાત કબીરા

 

રળવી રોટી ક્યાં અઘરી છે

ખાવાનો સંતાપ કબીરા

 

ભીંત નથી પણ છત શોધે છે

સ્વપ્નોની મહેલાત કબીરા

 

મારા શબ્દ કવન બને તો

માનું તુજ ઉપકાર કબીરા

 

- યજ્ઞેશ વ્યાસ

(કાવ્યસંગ્રહઃ અક્ષર છે આકાર)

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2020 02:52 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK