સુલેમાની ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાના ષડ્યંત્રમાં સામેલ હતો : અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો

Published: Jan 05, 2020, 09:33 IST | Mumbai Desk

અમે ઈરાન સાથે યુદ્ધ કરવા નથી ઇચ્છતા : ડોનલ્ડ ટ્રમ્પ

સુલેમાનીના પરિવાર સાથે હસન રુહાની : બગદાદના ઍરપોર્ટ પાસે અમેરિકન ડ્રોન-હુમલામાં માર્યા ગયેલા ઈરાનના મિલિટરી કમાન્ડર કાસીમ સુલેમાનીના પરિવાર સાથે તહેરાનમાં વાતચીત કરતા ઈરાનના પ્રમુખ હસન રુહાની. (તસવીર પી.ટી.આઇ.)
સુલેમાનીના પરિવાર સાથે હસન રુહાની : બગદાદના ઍરપોર્ટ પાસે અમેરિકન ડ્રોન-હુમલામાં માર્યા ગયેલા ઈરાનના મિલિટરી કમાન્ડર કાસીમ સુલેમાનીના પરિવાર સાથે તહેરાનમાં વાતચીત કરતા ઈરાનના પ્રમુખ હસન રુહાની. (તસવીર પી.ટી.આઇ.)

અમેરિકા દ્વારા ઇરાકમાં સતત બીજા દિવસે હવાઈહુમલો કરાયો છે. આ હુમલામાં ઇરાકના છ નાગરિકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે બગદાદ ઍરપોર્ટ નજીક કરાયેલા હવાઈહુમલામાં અમેરિકાએ ઇરાકના ટોચના આર્મી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ફૂંકી માર્યો હતો. આ હુમલામાં તેમની સાથે કુલ ૧૦ લોકો મોતને ભેટ્યા હતા. બગદાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની બહાર થયેલા ડ્રોન હુમલામાં ઇરાકના શક્તિશાળી મનાતા હાશદ-અલ-શાબી પેરામિલિટરી ફોર્સના નાયબ વડા પણ માર્યા ગયા છે. શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા આર્મી ચીફની અંતિમ વિધિ અગાઉ જ અમેરિકાએ બીજો હવાઈહુમલો કર્યો છે. 

ગઈ કાલે યુએસ દ્વારા બગદાદના ઉત્તરી વિસ્તારમાં તાજી રોડ પાસે ડ્રોન હુમલો કરાયો હતો. આ રસ્તો એ તરફ જાય છે કે જે તરફ અમેરિકાની ગેરકાયદે સેનાઓનો બેઝ આવેલો છે. સુલેમાનીના મોત બાદ પહેલી વખત મીડિયા સમક્ષ આવેલા ટ્રમ્પે કહ્યું કે ‘હું ઇરાક સાથે યુદ્ધ થાય એવું નથી ઇચ્છતો. ટ્રમ્પે દાવો કર્યો છે કે સુલેમાની ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સામેલ હતો સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે સુલેમાનીનો ખાતમો યુદ્ધ શરૂ કરવા માટે નહીં, પણ યુદ્ધ ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે.
ઇરાકના સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ હવાઈહુમલામાં બે કારને નિશાન બનાવવામાં આવી છે જેમાં ઈરાન સમર્થિત લડવૈયાઓ સવાર હતા. ઇરાકના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનામાં હશદ-અલ-સાબીના છ લડવૈયાઓનાં મોત નીપજ્યાં છે. હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. ૨૦૨૦ના પ્રારંભમાં જ અમેરિકાએ કરેલા આ હુમલાથી ઈરાન અત્યંત રોષે ભરાયું છે અને વળતા હુમલાની ધમકી આપતાં સમગ્ર વિશ્વમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
અમેરિકાએ ઇરાકમાંથી તેના નાગરિકોએ પાછા બોલાવી લીધા છે. યુએસ અને ઈરાન વચ્ચેની ખેંચતાણથી ભારતીય અર્થવ્યવસ્થાને પણ ફટકો પડી શકે છે.

અમેરિકાએ ૩૦૦૦ સૈનિકો અખાતી દેશ તરફ મોકલ્યા
વૉશિંગ્ટ‍ન : (જી.એન.એસ.) ઈરાન અને અમેરિકાના તણાવ વચ્ચે વિશ્વમાં યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ઈરાને પણ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેશે તેવી ચીમકી આપી છે ત્યારે આ ખતરાને જોતાં અમેરિકાએ વધુ ૩૦૦૦ સૈનિકો ખાડી દેશ તરફ મોકલ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું કે જે ૩૦૦૦ સૈનિકોને ગલ્ફ મોકલવામાં આવી રહ્યા છે તેઓ ૮૨ ઍરબોર્ન ડિવિઝનના છે અને નૉર્થ કેરોલિનાસ્થિત ફોર્ટ બ્રેગ સાથે સંબંધ રાખે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK