આત્મહત્યા ક્યારેક આત્મવિરામ હોય છે

Published: Jul 05, 2020, 21:00 IST | Kana Bantwa | Mumbai

સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કર્યા પછી બહુ ચર્ચાયેલા આ મુદ્દાને સમજવો બહુ અઘરો છે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય

મોત, હત્યા, આત્મહત્યા અને સ્વવિરામ. જિંદગીના અંતના આ ચાર પ્રકાર છે. સૉક્રેટિસના મોતની સજા થઈ અને એ સ્વસ્થ ચિત્તે, ઝેરનો કટોરો ગટગટાવી ગયો. કૃષ્ણ વિષાદગ્રસ્ત બનીને વનમાં બેઠા હતા અને એક પારધિના તીરથી અજાણપણે તેમનો દેહાંત થયો. ક્લિયોપેટ્રાએ પોતાના સ્તનાગ્ર પર સર્પ કરડાવીને મોતને મીઠું કર્યું હતું. ઊંઘની ગોળીઓ ગળી જનારા ભાગેડુઓની આજે ભરમાર છે. પેસ્ટિસાઇડ પી જનારા, દોરડે લટકી જનારા હેડલાઇન્સમાં સ્થાન પામી રહ્યા છે. ‘જુલિયસ સીઝર’ નાટકમાં શેક્સપિયરે સીઝરના મોંમાં મૃત્યુની અમર ફિલસૂફી સમજાવતા શબ્દ મૂક્યા છે, ‘કાવસ ડે મેની ટાઇમ્સ બિફોર ડેથ, ધ વેલિયન્ટ નેવર ટેસ્ટ ઑફ ડેથ બટ વન્સ.’ કાયરો મોત પહેલાં જ કેટલીય વાર મરી જાય છે અને બહાદુરો એક જ વખત મૃત્યુનો સ્વાદ ચાખે છે. બહાદુરો આપઘાત કરતા નથી, દોરડે લટકતા નથી અને ભૂલથી ઘઉંમાં નાખવાની ટીકડીઓ ખાઈ જતા નથી. પ્રાઇમસ ઝાડે તેઓ દાઝી જતા નથી. જિંદગી જીવવી એ સૌથી મોટી બહાદુરીનું કામ છે. મરવું તો બહુ સહેલું છે. પલાયન થવું હંમેશાં સહેલું હોય છે. પીઠ દેખાડવી સરળ હોય છે. લડનારાનું સન્માન થાય છે, ભાગનારાનું નહીં. જીવતો નર ભદ્રા પામે, મરેલો નહીં.

આપઘાત, આત્મહત્યા, આત્મવિલોપન, સુસાઇડ... આ શબ્દો ભયાનક છે. એક સુંદર, હસતીરમતી જિંદગી પર પૂર્ણવિરામ મૂકી દેવાનું? જ્યાં સમૃદ્ધિ છે એવું બૅન્ગલોર દેશનું આત્મહત્યાનું કૅપિટલ છે અને જ્યાં દારુણ ગરીબી અને બેકારી છે એવું બિહાર આત્મહત્યામાં પાછળ છે. જ્યાં સમૃદ્ધિ છે, વિકાસ છે, તક છે, પ્રગતિ છે એ શહેરમાં લોકો સૌથી વધુ આપઘાત કરે છે. 

 ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે, ‘જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ’, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જે ઊગે છે એ આથમે છે. સૃષ્ટિનો આ નિયમ છે અને સૃષ્ટિનો એ પણ નિયમ છે કે સજીવમાં આત્મધ્વંસની વૃત્તિ નથી. પોતાની જાતને બચાવી લેવા માટે છેલ્લી ઘડી સુધી દરેક સજીવ લડી લે છે. મોત સામે લડતી ભૂખી મા બચ્ચાને ખાઈ જાય છે. પ્રાણીઓ આપઘાત નથી કરતાં, માણસ કરે છે, કારણ કે આદિમ વૃત્તિ મરવાની નહીં, જીવવાની છે. માણસ વિચારી શકે છે અને વિચાર સ્વધ્વંસ સુધી પહોંચાડી શકે છે. વિચાર માનવીને પશુથી અલગ પાડે છે. પોતાની જાતને હોમી દેનારા બધા કાયર હોય છે? પલાયનવૃત્તિથી પીડાતા હોય છે? ભાગેડુ હોય છે? પરિસ્થિતિનો સામનો કરવાની ત્રેવડ નથી હોતી તેમનામાં? હા કે ના? દેશ માટે શહીદ થઈ જનારાઓ શું હોય છે? કોઈને બચાવવા માટે નદીમાં કૂદી પડનારાને શું કહીશું? આત્મઘાતી બૉમ્બરને શું કહીશું? માથે કફન બાંધીને નીકળી પડેલા ક્રાન્તિકારીને શું કહીશું?

 અને પ્રેમમાં નિષ્ફળ જઈને, સાસરિયાંના ત્રાસથી કંટાળીને, લેણદારોની ધમકીથી ડરી જઈને, ડિપ્રેશનમાં આવી જઈને, પરીક્ષામાં નાપાસ થવાની ચિંતા કરીને જીવતરનો અંત આણી દેનારાને શું કહીશું? નૈતિક, ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ શહીદ થનારા અને આપઘાત કરનારાઓમાં ભેદ છે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ શું ફરક છે? જીવનનો અંત પોતાની મરજીથી લેવાનો અધિકાર માણસને હોવો જોઈએ કે નહીં? જીવન જીવવાનો અધિકાર જેટલો જ અધિકાર જીવનનો અંત આવવાનો, જિંદગીને વિરામ આપવાનો, ફુલસ્ટૉપ મોકલવાનો હોવો જોઈએ કે નહીં? આત્મહત્યા નહીં, આત્મવિરામ ન હોઈ શકે?

 આત્મહત્યા અને આત્મવિરામ, આત્મઅંત વચ્ચે ફરક છે. જિંદગીભર જે માણસ ખુમારી અને ખુદ્દારીથી જીવ્યો હોય તેને શરીર ન ચાલે ત્યારે બીમારીથી કે ક્ષણે-ક્ષણે કરીને જીવતા રહેવું જોઈએ? અસાધ્ય રોગથી પીડાતા અને અન્યને પીડતા માણસનું શું કરવું જોઈએ? આત્મહત્યા બેશક પલાયન વૃત્તિ છે. જીવનથી ભાગવામાં કોઈ હિંમત નથી. સિદ્ધાંત માટે જાન કુરબાન કરી દેવામાં અને જિંદગીની કઠિનાઈથી ડરીને, ત્રાસી-કંટાળીને જીવ દઈ દેવામાં બહુ મોટો ફરક છે. એક શહીદી છે, બીજી કાયરતા છે. જિંદગી સાવ સરળ રીતે જ વીતે એવી અપેક્ષા રાખવી એ મૂર્ખાઈ છે. અહીં તો ક્ષણે-ક્ષણે જંગ લડવાનો છે અને પડતાં-આખડતાં પણ આગળ વધ્યે રાખવાનું છે. ઝિંદગી ઝિંદાદિલી કા નામ હૈ.

 કાયરોનું આ કામ નથી. તમામ તકલીફો વેઠીને જે સામાન્ય માણસ જિંદગી જીવતો રહે છે તે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરનાર તવંગર કરતાં વધુ સુખી છે. વિદ્વાનો કહે છે કે પોતાને માટે નહીં, પણ બીજાને માટે જીવો. પત્રકારશિરોમણિ હસમુખ ગાંધીનું એક ટિપિકલ ગાંધિયન ક્વોટ છે : ‘પોતાની માતાના પેટે જન્મેલો કોઈ કાળા માથાનો માનવી ક્યારેય બીજા માટે કશું કરતો નથી, પોતાના માટે જ બધું કરે છે.’ પહેલી નજરે આ વાક્ય આત્યંતિક લાગશે. લાગે જ, એક્ઝાજરેશનના બાદશાહનું ક્વોટ છે એટલે આત્યંતિક લાગે. પણ સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો માણસ બીજા માટે જીવતો હોય છે ખરો? ના, પોતાને માટે જ જીવે છે અને મરે છે. પ્રેમિકાને કે પત્નીને પ્રેમ શા માટે કરે છે માણસ?

પ્રેમ પામવા માટે અને? સંતાનો, પાડોશીઓ, સહકર્મચારીઓ, મિત્રો બધા જ શા માટે લાગણી આપે છે? લાગણી પામવા માટે જસ્તો. જેના તરફથી રજભાર લાગણી ન મળતી હોય અને ગંભીર દ્વેષ મળતો હોય તેને પ્રેમ કરનારા કેટલા? ઈશુ કેટલા? બીજા માટે જીવવાની વાત બહુ આદર્શવાદી છે. ભ્રામક છે. વિતંડાવાદથી કોઈને મૂર્ખ બનાવી શકાય, પણ એનાથી રોટલા ન શેકાય કે પેટ ન ભરાય. એક ને એક બે જેવી સીધી વાત એ છે કે જીવવું જોઈએ અને પોતાના માટે જ જીવવું જોઈએ. નિજાનંદ માટે, આત્મસંતુષ્ટિ માટે, જીવન સાફલ્ય માટે.

હસમુખ ગાંધીને નહીં ઓળખનારા માટે મોહનદાસ કરમચંદ ગાંધી (એ વળી કોણ એવું ન પૂછશો, પ્લીઝ)નું એક સરસ ક્વોટ છે : માણસને પોતાના જીવનનો અંત આણવાનો અધિકાર હોવો જોઈએ. સૂક્ષ્મ રીતે આપણે આ વાતને સ્વીકારીએ છીએ અને એટલે જ શહીદીનું ગૌરવ કરીએ છીએ. સાધુ-સાધ્વીનો સંથારો સીઝી જાય ત્યારે ઊજવીએ છીએ. પ્રાચીન ધર્મમાં જીવનનો અંત આણવાનો અધિકાર અબાધિત હતો અને એનું ગૌરવ પણ હતું. નવો સમાજ આ સ્વીકારી શકતો નથી. ઇચ્છામૃત્યુને ઘણા દેશોએ સ્વીકાર્યાં છે, પણ માત્ર મેડિકલ કારણસર જ. તંદુરસ્ત અને હટ્ટોકટ્ટો માણસ પોતાની ઇચ્છાથી આ દુનિયા છોડીને જઈ શકે નહીં. પશ્ચિમમાં ઇચ્છામૃત્યુની હિમાયત કરનારા પણ છે અને વેબસાઇટ પર એને માટેની સલાહ આપનારા પણ અસંખ્ય છે. મૃત્યુ બહુ જાણીતી અને બહુ વિવાદાસ્પદ હકીકત છે. મૃત્યુ પોતે એક મિસ્ટરી છે છતાં જીવન કરતાં વધુ સરળ છે. સામાન્ય રીતે, સામાન્ય માણસો ક્યાં પોતાની મરજીથી જીવે છે કે મરે છે? એક અદ્ભુત શેર શેખ ઇબ્રાહિમ ઝૌકે લખ્યો છે :

 ‘લાખ હયાત આયે, કઝા (મોત) લે ચલી, ચલે.

અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે.’

 માનવજાતની આ વાસ્તવિકતા છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરાલને જીવન કહે છે. એ અંતરાલ જીવવા માટે છે. એ અંતરાલ કશુંક પામવા માટે છે. એ અંતરાલ માનવમાંથી દેવ બનવા તરફ આગળ વધવા માટેનો છે એને જીવી જાણો, માણી જુઓ. જિંદગી અમર્યાદ ખુશી આપી શકે છે, લેવાની ઇચ્છા અને ત્રેવડ જોઈએ.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK