એક અભિશાપ નામે કોરોનાની ક્રૂરતાનો કાળઝાળ અહેસાસ

Published: 27th October, 2020 15:34 IST | Taru Kajaria | Mumbai

આપણી વ્યક્તિ અશક્ત છે, લાચાર છે, તેને આપણી હૂંફ અને આપણા સાથની તાતી જરૂર છે એ જાણવા-સમજવા છતાં આપણે તેને માત્ર શબ્દોથી પોતાપણાની પ્રતીતિ કરાવવાની હોય ત્યારે આપણી હાલત કેવી થાય?

 આ કાળમુખા કોરોનાએ જ્યારે મારા અત્યંત આત્મીય અને એક અનન્ય સુજન એવા મારા ભાઈ ભરત મેઘાણી ઉપર નજર બગાડી ત્યારે એ બીમારીની પિચાશી પ્રકૃતિનો, એની અસહ્ય અમાનવીયતાનો અને એની નરી નિર્દયતાનો અહેસાસ થયો.
આ કાળમુખા કોરોનાએ જ્યારે મારા અત્યંત આત્મીય અને એક અનન્ય સુજન એવા મારા ભાઈ ભરત મેઘાણી ઉપર નજર બગાડી ત્યારે એ બીમારીની પિચાશી પ્રકૃતિનો, એની અસહ્ય અમાનવીયતાનો અને એની નરી નિર્દયતાનો અહેસાસ થયો.

સો, હજાર, દસ હજાર, પચાસ હજાર, લાખ... આ આંકડાઓ છેલ્લા સાત-સાત મહિનાથી કાનમાં અફળાઈ રહ્યા છે. રોજેરોજ એમાં વૃદ્ધિ થતી રહે છે. શેના છે આ આંકડા? આ ૨૦૨૦ના વર્ષને તવારીખનું એક અત્યંત વિષૈલું અને વરવું વર્ષ બનાવવામાં જેની પ્રમુખ ભૂમિકા છે એ કાળમુખા કોરોનાએ ભરખેલા માનવીઓની સંખ્યાનો આ આંકડો છે. સાત મહિના પહેલાં એ આંકડો રોજ સમાચારોમાં આવવો શરૂ થયો ત્યારે મન આઘાત અને ગમગીનીથી ભરાઈ જતું હતું, પણ પછી તો એ સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ચાલી. સામે કોરોનાની રિકવરીનો આંકડો પણ મોટો થતો ચાલ્યો એટલે સમાચારશોધક નજર એ બન્ને આંકડાઓ પર અલિપ્ત ભાવે એક લટાર મારી આગળ નીકળી જવાનું શીખી ગઈ. વચમાં-વચમાં હૉસ્પિટલમાં કે કોરોના સારવાર કેન્દ્રોમાં કોરોનાથી પીડાતા દરદીઓની સ્થિતિના લાચાર અને દયનીય વિડિયોઝ નજરે ચડતા ત્યારે વિચલિત થઈ જવાતું હતું, પણ નજર ફરી દિવસના અન્ય સમાચારો પર દોડી જતી અને પેલા અજાણ દરદીઓની પીડા અને લાચારીની દાસ્તાનને ભુલાવી દેતી.
પણ... પણ... આ કાળમુખા કોરોનાએ જ્યારે મારા અત્યંત આત્મીય અને એક અનન્ય સુજન એવા મારા ભાઈ ભરત મેઘાણી ઉપર નજર બગાડી ત્યારે એ બીમારીની પિચાશી પ્રકૃતિનો, એની અસહ્ય અમાનવીયતાનો અને એની નરી નિર્દયતાનો અહેસાસ થયો. મને યાદ છે અમે નાના હતા ત્યારે અમને તાવ આવે કે માંદા પડીએ ત્યારે બા અમને વધારે લાડ લડાવતાં. ઘરની દરેક વ્યક્તિ જાણે આપણી સેવામાં ખડેપગે હાજર થઈ જતી. પરંતુ કોરોના નામની આ બીમારીની તો શરૂઆત થઈ કે થવાનાં એંધાણ મળે ત્યારથી જ દરદી તદ્દન એકલો અટુલો પડી જાય છે. તેને માથું દુખતું હોય, શરીરમાં ભયંકર કળતર થતું હોય, ઊલટી થતી હોય કે ગમે તેટલું અસુખ થતું હોય તો પણ સ્વજનો તેને કોઈ પ્રકારે મદદરૂપ ન થઈ શકે. જાણતા હોઈએ કે તેની પીઠમાં પ્રેમથી હાથ પસવારીશું તો તેને ખૂબ શાતા વળશે છતાં તેનાથી બે ગજની દૂરી રાખીને તેને જોયા કરવાનું? આપણી વ્યક્તિ અશક્ત છે, લાચાર છે, તેને આપણી હૂંફ અને આપણા સાથની તાતી જરૂર છે એ જાણવા-સમજવા છતાં આપણે તેને માત્ર શબ્દોથી પોતાપણાની પ્રતીતિ કરાવવાની હોય ત્યારે આપણી હાલત કેવી થાય?
પરિસ્થિતિ વધુ ગંભીર હોય અને આપણા સ્વજનને હૉસ્પિટલમાં દાખલ કરવાના હોય ત્યારે એક આમ આદમીની હેસિયતથી તો એ અશક્ય જ જણાય. તમારા તમામ સંપર્કોને સક્રિય કરો, કેટલાય લોકોને ફોન કરો અને તમારી પહોંચ હોય તો જ્યાં-ત્યાંથી લિન્ક શોધીને રાઇટ સોર્સ લગાવીને હૉસ્પિટલમાં ઍડ્મિશન કરાવો. અને પછી...? આપણું સ્વજન હૉસ્પિટલનો એક બેડ-નંબર કે પેશન્ટ-નંબર બની જાય. તેની પાસે તેનું કોઈ પણ સ્વજન કે સ્નેહી ન હોય. હોય માત્ર ફરજ પરના ડૉક્ટર્સ, સિસ્ટર્સ અને હૉસ્પિટલના કૅરટેકર્સ કે સ્ટાફ. વૉર્ડ કે રૂમમાં હોય તો તેની સાથે વિડિયો-કૉલિંગ કરી શકાય, પણ ઑક્સિજન માસ્ક લગાવેલો હોય તો તેને સાંભળવાનું કે સમજવાનું અઘરું બને છે. પણ પોતાના પરિવારજનો કે મિત્રોને જોયાનો, તેમનો અવાજ સાંભળ્યાનો સંતોષ તેના ચહેરા પર જોઈ શકાય.
પરંતુ દરદી આઇસીયુમાં હોય તો-તો સંપર્ક લગભગ નહીંવત્ થઈ જાય. જાનને જોખમે કોવિડ પેશન્ટ્સની સેવા કરી રહેલા ડૉક્ટરો સહિત તમામ સ્ટાફ સતત કલાકો સુધી પીપીઈ કિટ પહેરીને રહે છે. એટલે આપણા દરદીના ખબરઅંતર એ લોકો પાસેથી મેળવવાનું પણ હંમેશાં શક્ય ન હોય. આ સંજોગોમાં દરદી અને તેના પરિવારજનોની હાલત કેટલી ભયંકર હદે લાચાર બની જાય એનો ખ્યાલ આટલા મહિનામાં અગાઉ ક્યારેય નહોતો આવ્યો. ખરેખર અત્યાર સુધી કદી નહોતી અનુભવી એવી લાચારી અને પામરતાનો અહેસાસ બે અઠવાડિયાંના ભાઈના હૉસ્પિટલ નિવાસે કરાવ્યો છે.
કલકત્તાના બડાબઝાર જેવા ગીચ વિસ્તારમાં આવેલી એકસોત્રણ વર્ષ જૂની પોતાની ‘એલ. કે. મેઘાણી’ની દુકાનમાં ભરતે પૂર્વજોએ સ્થાપેલી પ્રામાણિકતા અને નેકીથી ધંધો કરવાની પરંપરાને પોષી હતી. દુકાનમાં આવતા તમામને માટે તેના હૃદયમાં લાગણી. તેના પ્રેમાળ વ્યક્તિત્વ અને હેલ્પિંગ સ્વભાવની એ સૌ પર એવી ચિરંજીવ અસર કે દરેક વ્યક્તિને તે પોતાનો લાગે. સૌના સુખમાં પ્રસન્નતા અનુભવે અને દુ:ખમાં હંમેશાં પડખે હોય. લાઇમલાઇટમાં કદી ન આવે. પિતા રમણિક મેઘાણીની પ્રાર્થના ‘સૌના ઉદયમાં રાચવું, ઉત્કર્ષ સૌનો સાધવો’ ભરત જીવતો. કલ્પના કરો, એવી વ્યક્તિ અચાનક કોરોનાથી પ્રભાવિત થઈને સત્તર દિવસ હૉસ્પિટલમાં કેદ થઈ જાય અને સત્તરમે દિવસે તેની વિદાયના સમાચાર મળે! શું થાય? અમે સ્વજનો જ નહીં, કલકત્તાના ગુજરાતીઓ ખળભળી ઊઠે છે. આ સુજનની વિદાયમાં સૌને પોતાનું આપ્તજન ગુમાવ્યાનો અહેસાસ થાય છે. દેશવિદેશમાં ફેલાયેલા તેના બહોળા મિત્રવર્તુળ અને સ્વજનોની સ્થિતિ પણ જુદી નથી. સૌના હોઠે એક જ વાત છે, ‘આ જમાનામાં આવો સ્નેહાળ અને જેન્યુઇન માણસ મળવો મુશ્કેલ’. છેલ્લાં થોડાં વરસોથી ભરતે પણ પિતા અને દાદાની જેમ કલમ પકડી હતી. ટચૂકડાં મર્મસ્પર્શી લખાણો તે લખતો. એમાં હૃદયનું ઊંડાણ અનુભવાતું. એકાદ મહિના પહેલાં જ તેણે આ પંક્તિઓ લખેલી :
હમ જ્ઞાની હૈ?
હમ પ્રભુકે કિતને કરીબ હૈ?
અપને આપ ચેક કરેં:
હમ સે મિલકર કિતનોં કો સુકૂન મિલતા હૈ?
હમ કિતનોં કા કામ બાંટ સકતે હૈં?
આધ્યાત્મિકતા તરફ તેનો સહજ ઝુકાવ હતો. કૃપાળુદેવ પ્રેરિત જ્ઞાન અને ભક્તિ માર્ગનો મુમુક્ષુ ભરત ગુરુદેવ શ્રી રાકેશભાઈના સત્સંગ હોય કે શિવાની દીદીનાં લેક્ચર્સ હોય, તેના દિલને સ્પર્શી જાય કે સૌને લહાણી કરે.
આવા સ્વજનને અંતિમ વિદાય આપવા કોઈ જઈ શકે નહીં એ કેવી વિડંબના? પણ હા, કોરોનાના શિકાર બનેલા દરદીના સ્નેહી-સ્વજનોની નિયતિમાં આ ચરમ પામરતાની ક્ષણ પણ લખાયેલી છે. કોરોનાનો કેર ક્યારેક સ્વજનોને તેનાં અંતિમ દર્શનથી વંચિત રાખે છે. કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનોને તેના મૃતદેહને ગરિમાપૂર્ણ અંતિમ સંસ્કાર કરવાની પણ તક નથી મળતી. આ સ્થિતિ કેટલી અસહ્ય હશે એની કલ્પના કરું છું ત્યારે એકલા-અટુલા સૈનિકના મૃતદેહ સંદર્ભે લખાયેલું ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય ‘કોઈનો લાડકવાયો’ યાદ આવે છે. તેની આ પંક્તિઓ જુઓ:


sheetal, 2:49 PM
એકલડો ને અણબુઝેલો અગન પિછોડી ઓઢે:
કોઈના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!
આ પંક્તિઓ કોરોનાનો શિકાર બનેલા દરદીઓના મૃતદેહોની નિયતિને પણ કેટલી બંધ બેસે છે એમ નથી લાગતું? ખેર, બીજી રીતે વિચારું છું તો થાય છે કે કદાચ આ પરિસ્થિતિ માનવીને ‘આપણો સંબંધ એ આત્મા સાથે હતો, નહીં કે શરીર સાથે’ એ પરમ સત્યને સ્વીકારવામાં સહાયરૂપ બનવા નિર્માઈ હશે? ખબર નથી.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK