મીરા રોડ-ઈસ્ટમાં પૂનમસાગર કૉમ્પ્લેક્સમાં આવેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ભારતરત્ન ઇન્દિરા ગાંધી હૉસ્પિટલનું ઉદ્ઘાટન થયું એને એક વર્ષ થઈ ગયું હોવા છતાં એ હજી પૂરેપૂરી શરૂ નથી થઈ. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવી મહાન વ્યક્તિઓનાં નામથી શરૂ કરવામાં આવેલી આ હૉસ્પિટલમાં ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) અને બ્લડ-બૅન્ક ફક્ત નામ પૂરતા શરૂ કરવામાં આવ્યાં છે. પ્રશાસન છેલ્લા કેટલાય સમયથી ટૂંક સમયમાં હૉસ્પિટલ શરૂ થશે એમ કહી રહ્યું છે, પણ હજી સુધી હૉસ્પિટલ શરૂ થઈ ન હોવાથી હવે અહીંના રહેવાસીઓ પણ કંટાળી ગયા છે. એને કારણે અણ્ણાની ટીમ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શને (આઇએસી) પ્રશાસન પાસે આ હૉસ્પિટલ ક્યારે પૂરી રીતે શરૂ થશે એનો જવાબ માગ્યો હતો. ફરી પ્રશાસને ૧ જાન્યુઆરી સુધીમાં હૉસ્પિટલ શરૂ કરવાનું આશ્વાસન આઇએસીને આપ્યું છે. જોકે આમ છતાં પ્રશાસનનું વલણ જોઈને લાગતું નથી કે આ હૉસ્પિટલ આપેલા સમયે શરૂ થશે, પણ જો હવે આપેલા સમયમાં હૉસ્પિટલ પૂરી રીતે શરૂ ન થઈ તો આઇએસીએ જોરદાર આંદોલન કરવાની ચીમકી આપી છે. હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટર છે એનું રેટ-કાર્ડ પણ હૉસ્પિટલમાં લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત એક્સ-રે મશીન છે, બેડ છે, મહાત્મા ગાંધી લાઇબ્રેરી છે, મૌલાના અબ્દુલ કલામ આઝાદ વૉર્ડ કાર્યાલય છે, એસી શબઘર છે. આટલીબધી સુવિધા હોવા છતાં લોકો એનો લાભ લેવાથી વંચિત છે. હૉસ્પિટલની પ્રયોગશાળામાં જુદા-જુદા રોગોની તપાસ માટે મીરા-ભાઈંદર પાલિકાની ડિસેમ્બર ૨૦૧૦માં યોજાયેલી મહાસભામાં દર પણ મંજૂર કરવામાં આવ્યા હતા. લેપ્ટો અને ડેન્ગી માટે પ્રાઇવેટ લેબમાં પ્રત્યેકનો ખર્ચ ૭૦૦ રૂપિયાની આસપાસ થાય છે, જ્યારે આ રોગની તપાસણી કરવા માટે પ્રત્યેક ટેસ્ટના ફક્ત ૫૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
હૉસ્પિટલ શરૂ ન થવાનાં કારણો
‘ડ’ વર્ગની મહાનગરપાલિકાનાં પગારધોરણ બહુ નીચાં હોવાથી અહીં કોઈ અનુભવી ડૉક્ટર આવવા તૈયાર નથી એટલે ડૉક્ટર ન હોવાથી હૉસ્પિટલ શરૂ ન થઈ હોવાનું પ્રશાસનનું કહેવું છે. અનેક પ્રયત્નો બાદ પણ ડૉક્ટરો આવતા ન હોવાથી પ્રાઇવેટ ડૉક્ટરની સહાયથી હૉસ્પિટલ શરૂ કરવામાં આવશે એમ પ્રશાસને કહ્યા કરે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK