હવે ફડણવીસ મળશે ઉદ્ધવને

Published: 30th November, 2014 05:04 IST

શિવસેના ને BJPની ચર્ચા બીજા દિવસેય અનિર્ણીત રહી : સુબ્રહ્મણ્યમ સ્વામી મળવા આવ્યા માતોશ્રીમાં
મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવા બાબતે શિવસેના અને BJP વચ્ચેની ચર્ચાના તાજા દોરમાં સતત બીજે દિવસે પણ કોઈ નક્કર નિકાલ નહીં આવતાં હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલોમાં જઈને ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરશે. એ વખતે કેન્દ્રના રાજ્યકક્ષાના મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પણ તેમની સાથે રહેશે.

શિવસેનાએ સત્તામાં સહભાગી થવા બાબતે શુક્રવારે શરૂ થયેલી ચર્ચામાં શનિવારે બપોર પછી વેગ આવ્યો હતો. દોઢ કલાક સુધી ચર્ચાઓ સહિત કેટલીક મહત્વની હિલચાલો થઈ હતી. BJP તરફથી વાટાઘાટો પૂરી થઈ હોવાથી હવે શિવસેનાએ નિર્ણય લેવાનો છે. BJPના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી. સ્વામીની મુલાકાતને કારણે મંત્રણાઓને વધારે મહત્વ પ્રાપ્ત થયું છે. જોકે BJPએ આ મુલાકાતને સ્વામીની વ્યક્તિગત સ્તરની મુલાકાત ગણાવી હતી. સ્વામીએ માતોશ્રીમાં ચર્ચા કર્યા પછી બહાર પત્રકારોને સંબોધન કર્યું હતું.

સ્વામીએ હિન્દુત્વના મુદ્દે શિવસેનાએ સરકારમાં BJPની સાથે આવવું જોઈએ એવી વાત કરી હતી, પરંતુ શિવસેના રાજ્યમાં કૅબિનેટ સ્તરનાં છ અને રાજ્યકક્ષાનાં ચાર મળીને દસ પ્રધાનપદની માગણી પર મક્કમ છે. એમાં શિવસેનાના અનિલ દેસાઈને કેન્દ્રમાં સ્વતંત્ર કાર્યભાર ધરાવતા પ્રધાનનો હોદ્દો આપવામાં આવે એવી શક્યતા છે.

સુબ્રહ્મણ્યમ સ્વામીએ શું કહ્યું?

હું દિલ્હી પાછો ગયો બાદ BJPના પ્રેસિડન્ટ અમિત શાહને મળવાનો પ્રયાસ કરીશ અને નરેન્દ્ર મોદી તથા નીતિન ગડકરી સાથે પણ વાતચીત કરીશ. હું તેમને સમજાવીશ કે શિવસેનાને સાથે લેવામાં આવશે તો મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બની શકશે અને એ બાબત હિન્દુત્વના હિતમાં પણ રહેશે. ઉદ્ધવ મારા જૂના મિત્ર છે. તેઓ સાવ નાના હતા ત્યારથી હું તેમને જાણું છું. BJPએ શિવસેનાને સાથે રાખવાની રહેશે. જો એવી નિકટતા ન હોત તો કેન્દ્રમાં શિવસેનાના પ્રધાન શા માટે હોત?

અનિલ દેસાઈએ શું કહ્યું?

શિવસેનાને BJP તરફથી કોઈ પ્રપોઝલ નથી મળી. BJPના નેતાઓ સાથે ગઈ કાલે ચર્ચાઓ થઈ, પરંતુ એમાં કોઈ પ્રપોઝલ નથી મળી. કોઈ નક્કર પ્રપોઝલ અમને BJP તરફથી મળે એટલે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.

ફડણવીસે શું કહ્યું?

મને આશા છે કે આ ચર્ચાઓમાંથી ૮ ડિસેમ્બર પહેલાં એટલે કે નાગપુરમાં રાજ્ય વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલાં કોઈ પૉઝિટિવ પરિણામ ચોક્કસ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK