હવે કૉન્ગ્રેસની માન્યતા પણ રદ કરાવવા માગે છે સુબ્રમણ્યમ સ્વામી

Published: 3rd November, 2012 21:54 IST

આ માટે તેઓ ચૂંટણીપંચને કરશે અપીલ : રાહુલ ગાંધીની કંપનીને ૯૦ કરોડની લોન આપી હોવાનું કૉન્ગ્રેસે સ્વીકાર્યું



કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ ૧૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડી હોવાનો આરોપ મૂકનાર જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ ગઈ કાલે કહ્યું હતું કે કૉન્ગ્રેસની માન્યતા રદ કરાવવા માટે તેઓ ચૂંટણીપંચમાં જશે. અગાઉ શુક્રવારે કૉન્ગ્રેસના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીની કંપનીને ૯૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું. દ્વિવેદીએ આ લોન વ્યક્તિગત ફાયદા માટે નહીં પણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુના વિચારોનો પ્રસાર કરવા માટે આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ તરફ સ્વામીએ કાયદાની કલમોનો હવાલો આપતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ આ રીતે લોન આપી શકે નહીં, આ કાયદાનો છેડેચોક ભંગ છે.

જનતા પાર્ટીના પ્રમુખે ગઈ કાલે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને કાયદાની કશી ખબર નથી, પત્ર લખવાને બદલે તેમણે ર્કોટમાં જવું જોઈએ. આક્ષેપો બાદ રાહુલ ગાંધીએ એક લેટર લખીને સ્વામી સામે કેસ કરવાની ચેતવણી આપી હતી. શુક્રવારે બીજેપીએ પણ સ્વામીએ કરેલા આક્ષેપોના મુદ્દે કૉન્ગ્રેસ પાસે ખુલાસો માગ્યો હતો. બીજેપીના નેતા અરુણ જેટલીએ કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીની કંપનીને અપાયેલી લોન સામે સવાલો કર્યા હતા.

ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર એવો આરોપ મૂક્યો હતો કે આ બન્નેએ એક પ્રાઇવેટ કંપની બનાવીને અખબારોની માલિકીની ૧૬૦૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી પચાવી પાડી છે. સ્વામીએ કહ્યું હતું કે યંગ ઇન્ડિયા નામની આ કંપનીમાં સોનિયા અને રાહુલ ગાંધી ૩૮-૩૮ ટકા શૅર ધરાવે છે. આ કંપનીને કૉન્ગ્રેસ પાર્ટીએ ૯૦ કરોડ રૂપિયાની વિના વ્યાજની લોન પણ આપી હતી. શુક્રવારે કૉન્ગ્રેસે યંગ ઇન્ડિયાને અપાયેલી લોનને યોગ્ય ગણાવી હતી એટલું જ નહીં, આ બદલ પાર્ટીને ગર્વ હોવાનું પણ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK