Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ત્રી, નારી, મહિલા અને મૅડમ

સ્ત્રી, નારી, મહિલા અને મૅડમ

08 March, 2020 07:40 PM IST | Mumbai Desk
Dinkar Joshi

સ્ત્રી, નારી, મહિલા અને મૅડમ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે મનાવી રહ્યા છીએ. છેલ્લા ત્રણ કે ચાર દશકોથી આપણે જાતજાતના અને ભાતભાતના ખાસ દિવસો ઊજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય મધર્સ ડે, ફાધર્સ ડે (અને એ ઓછું હોય એમ પાછો પેરન્ટ્સ ડે પણ ખરો!) ફ્રેન્ડશિપ ડે, રોઝ ડે, પુસ્તક દિવસ, માતૃભાષા દિવસ અને ક્યારેક તો સરકારી ઑફિસોમાં વિનય સપ્તાહ પણ મનાવવામાં આવે છે. (કેમ જાણે વિનયી વર્તન આ એક અઠવાડિયા પૂરતું જ મર્યાદિત હોય!) 

સંસ્કૃત વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. સંસ્કૃતમાં સ્ત્રી માટે મહિલા અને નારી આ બન્ને શબ્દો વપરાયા છે. સ્ત્રી શબ્દ સ્તૃ ધાતુ ઉપરથી બનેલો છે. સ્તૃ એટલે પ્રેમ કરવો, સ્નેહ કરવો. જે પ્રેમ કરી શકે એમ છે, સ્નેહ કરી શકે એમ છે એ સ્ત્રી. (સ્ત્રીના હોવા વિશે, તેના અસ્તિત્વ વિશે આ એક શબ્દથી કેવો સરસ અર્થ આપવામાં આવ્યો છે!) એ જ રીતે ‘નારી’ શબ્દ પણ સમજવા જેવો છે. માનવ વસ્તી એના આદિ કાળે ટોળામાં રહેતી હોય એ શક્ય છે. જ્યારે એક ટોળું અવરજવર કરતું હોય ત્યારે એના અગ્રસ્થાને ટોળાની એવી વ્યક્તિઓએ ચાલવું જોઈએ જેઓ બાકીના ટોળાને સુરક્ષા આપી શકે–માર્ગ દોરી શકે. આવી વ્યક્તિઓ સ્ત્રી કરતાં શારીરિક દૃષ્ટિએ પુરુષ હોય એ સ્વાભાવિક છે. સંસ્કૃતમાં નૃ ધાતુ છે. નૃ એટલે દોરવું. ટોળાને જે દોરે છે એ નર કહેવાયા. આમ નર પુરુષવાચક શબ્દ બન્યો. આ નરનું મુખ્ય કામ ટોળાને દોરવાનું હતું અને આ દોરવણી નર પોતાની ચોક્કસ શક્તિથી કરતો હતો. આ શક્તિ અથવા આવડત માટે નારી શબ્દ પ્રયોજાયો છે. આમ નારી એટલે સ્ત્રી નહીં પણ નર જે શક્તિથી સફળ થાય છે એ શક્તિ.
વ્યવહારમાં આપણે એક અંગ્રેજી ઉક્તિ વાપરીએ છીએ. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી છે. આ સ્ત્રી એટલે તેની પત્ની કે પ્રિયતમા જ હોય એવું માનવાની આપણે ભૂલ કરી બેસીએ છીએ. એ સફળતાનો યશ તેની માતા, બહેન, સખી કે પુત્રીને પણ હોઈ શકે છે. આમ સંસ્કૃતમાં વપરાયેલો નારી શબ્દ શક્તિસૂચક છે. અસલમાં એ સ્ત્રી એટલે કે જાતિસૂચક નથી. નરની શક્તિ એટલે નારી.
આજે આપણે જે દિવસ ઊજવી રહ્યા છીએ એને મહિલા દિવસ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ મહિલા શબ્દ પણ સંસ્કૃત ભાષામાં સ્ત્રીના પર્યાયવાચી શબ્દ તરીકે ઉપયોગમાં લેવાયો છે. મહિલા એટલે કોઈ પણ સ્ત્રી આટલો અર્થ તો સંસ્કૃત ભાષાએ સ્વીકાર્યો છે, પણ આ ઉપરાંત મહિલાના વિશેષ અર્થો પણ સંસ્કૃતમાં જોવા મળે છે. મહિલા એટલે માત્ર સ્ત્રી જ નહીં; પણ ગાંડી સ્ત્રી, મદોન્મત્ત સ્ત્રી એવો અર્થ પણ આપવામાં આવ્યો છે. ગાંડી અથવા મદોન્મત્ત આ વિશેષ લક્ષણ છે. આવું લક્ષણ બધી સ્ત્રીઓમાં બધો વખત હોઈ શકે નહીં એટલે આપણે આજે જેને મહિલા દિવસ કહીએ છીએ એના વિશે થોડી પુનર્વિચારણા પણ થવી જોઈએ. જાહેર સ્થળોએ સ્ત્રીઓ માટે અલાયદી જગ્યાઓ ફાળવતી વખતે જે પાટિયાં મારવામાં આવે છે ત્યાં હવે ‘મહિલાઓ માટે’ એમ લખાય કે નહીં એ વિચારવું જોઈએ.
અંગ્રેજી ભાષાનો મૅડમ શબ્દ પણ અહીં તપાસવા જેવો છે. મૅડમ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. ફ્રાન્સમાં વેશ્યાલયોને બ્રોથેલ હાઉસ કહેવામાં આવતાં. આ બ્રોથેલ હાઉસનો વહીવટ સંભાળતી મુખ્ય સ્ત્રી મૅડમ તરીકે ઓળખાતી. ગ્રાહકો તેની પાસેથી પોતાની પસંદગીની સ્ત્રીને સમયસર મેળવવા માટે તેની ખાસ આળપંપાળ કરતા. આ આળપંપાળનું એક રૂપ એટલે સંબોધન. ગ્રાહકો આ વહીવટી મહિલાને મૅડમ કહીને રાજી રાખતા. સમયાંતરે આ મૅડમ સંબોધન દરેક પુરુષ દ્વારા સ્ત્રીને માટે વપરાતું થયું. (અંગ્રેજી માધ્યમની આજની શાળાઓમાં પાંચ વરસનો ટેણિયો પંચાવન વરસની પ્રિન્સિપાલને મૅડમ કહીને સંબોધે છે.)
એક સ્ત્રી તેના જીવનકાળ દરમિયાન પુરુષો સાથે જે રીતે સંબંધમાં આવે છે એ સંબંધ પણ તપાસવા જેવો છે. તેને જન્મ તો માતાએ જ આપ્યો છે, પણ એ જન્મનું કારણ પિતા છે. આમ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લેતાં પૂર્વે જ એક પુરુષ તરીકે તે પિતાના સંપર્કમાં આવી ચૂકી હોય છે. પુત્રી તરીકે પિતા પછી તેનો સંબંધ બહેન તરીકે ભાઈ સાથેનો હોય છે. આ પછી પારિવારિક કહી શકાય એવો તેનો સંબંધ પતિ જોડે જોડાય છે. આ સંબંધ પારિવારિક ભલે કહેવાતો હોય, પણ એનું આગમન કોઈ પણ સ્ત્રીના જીવનમાં સાધારણ રીતે વીસ કે બાવીસ વરસ પછી જ થતું હોય છે. આ સંબંધનું આગમન થયા પછી પરિવાર તરીકે એનું સ્થાન બદલાય છે. આ અદલાબદલી સ્ત્રી જીવનની એક અદ્ભુત ક્ષણ છે. એક સ્ત્રી પોતાના આરંભિક જીવનનાં વીસ, બાવીસ કે પચીસ વરસ જ્યાં ગાળે છે, જ્યાં તેનું ઘડતર થયું છે, જ્યાં ફળિયામાં રહેલા તુલસીક્યારાથી માંડીને માતા, પિતા, ભાઈ, બહેન, સખીઓ, પડોશીઓ આ બધાંને પોતીકાં માન્યાં હોય છે તેમને ત્યજીને આવતી કાલથી સાવ અજાણ્યા પરિવારજનો અને વાતાવરણને પોતીકાં માનવાં ભારે દુષ્કર કામ છે. સ્ત્રી આ દુષ્કર કામ સહેલાઈથી કરે છે. પુરુષ આ કામ કરી શકે એવી આપણે કલ્પના સુધ્ધાં કરી શકતા નથી. એનું કારણ એ છે કે પુરુષ અને સ્ત્રી આ બન્ને રચનાઓમાં માત્ર આંગિક ફેરફાર એ જ મુખ્ય તફાવત નથી. આ બન્ને રચનાઓમાં વપરાયેલાં રસાયણો પણ આ પ્રાકૃતિક ફેરફાર માટે મહત્ત્વના છે.
પત્ની તરીકે તેની ભૂમિકા દરમિયાન જ સાસુ તરીકે પણ હવે પછી પુત્રવધૂ સાથે જે સંબંધ કેળવવાનો છે એ કદાચ પરિવાર સુખ અને સ્ત્રી તરીકેની તેની ભૂમિકામાં ટોચની કામગીરી બની રહે છે. જોકે આ ભૂમિકા પ્રદેશે-પ્રદેશે સંસ્કારગત જુદી-જુદી હોય છે. આપણા દેશમાં આ ભૂમિકાનું જે સ્થાન છે એ બીજા પ્રદેશોમાં ન પણ હોય.
જે રીતે સ્ત્રી તેના જીવનકાળમાં ઉપરની ચાર કે પાંચ ભૂમિકાઓ પુરુષ સાથે ભજવે છે એ જ રીતે એક પુરુષ પણ સ્ત્રી સાથે આવી ચારેક ભૂમિકાઓ ભજવે છે. જનેતાના ગર્ભમાં તેનું ઘડતર થયું હોય છે એટલે એક પુરુષ તરીકે સ્ત્રી સાથેના તેના સંબંધોનો આરંભ માતા અને પુત્ર તરીકે થાય છે. પુત્ર તરીકે તેની ભૂમિકા સાથે જ બહેન સાથે ભાઈ તરીકેનો સંબંધ પણ પરિવારમાં જ થાય છે. આ પછી તેના જીવનમાં પત્ની આવે છે અને સ્ત્રીપુરુષ સંબંધની પૂર્ણાહુતિ પરિવાર જીવનમાં પુત્રીના આગમન સાથે થાય છે. આમ એક પુરુષ પુત્ર, ભાઈ, પતિ અને પિતા એમ ચાર ભૂમિકાઓ ભજવે છે.
પરિવારમાં સ્ત્રીપુરુષ પરસ્પર એકસાથે વસતાં હોવાને કારણે તેમની વચ્ચે જે વ્યવહાર સ્થપાય છે એ વ્યવહારને માતા-પુત્ર, પિતા-પુત્રી, ભાઈ-બહેન અને પતિ-પત્ની તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં પતિ-પત્ની વ્યવહારમાં દૈહિક સંબંધ અભિપ્રેત છે. આ સિવાય આવા એકેય સંબંધમાં દૈહિક સંબંધ હોતો નથી. આ એકમાત્ર ભિન્નતાને કારણે અન્ય તમામ સ્ત્રી-પુરુષ સંબંધો એકસરખા જ છે. દૈહિક સંબંધોને આવું વિશેષ સ્થાન કોણે અને ક્યારથી આપ્યું હશે એ આપણે જાણતા નથી.
સામાજિક સ્થાનને લક્ષમાં રાખીને સ્ત્રી-પુરુષ સંબંધ વિશે વિચારણા કરીએ તો અનાદિકાળથી કોઈ પણ સમાજમાં પુરુષે આધિપત્ય ભોગવ્યું છે એનો ઇનકાર થઈ શકે એમ નથી. આમ છતાં વ્યવહારિક સંબંધને લક્ષમાં લઈએ તો પુરુષ સ્ત્રીની સરખામણીમાં પ્રમાણમાં નિર્બળ અસ્તિત્વ છે. સ્ત્રી તેના પ્રાકૃતિક અને રાસાયણિક સ્થાનને કારણે વ્યવહારમાં સબળ છે. પુરુષ સમોવડી બનવાના પ્રયાસો તાટસ્થ્ય ભાવે તપાસવા જેવા છે. અહીં કોઈ કોઈથી ચડિયાતું નથી કે કોઈ કોઈથી ઊતરતું નથી. અહીં જે છે તે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 07:40 PM IST | Mumbai Desk | Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK