હું જ મારો ઈશ્વર

Published: 25th August, 2020 18:21 IST | Sanjay Goradia | Mumbai

‘ઑલ ધ બેસ્ટ’નું મુહૂર્ત કરીને શફી ઈનામદારે અમારા નાટકને અભરાઈએ ચડાવી દીધું અને મને થયું કે સમય આવી ગયો છે આપણા શફી ઈનામદાર અને શૈલેશ દવે આપણે જ ઊભા કરવાનો

મેમરી લેન: ‘હમ પાંચ’માં બે એપિસોડ માટે હું ગયો, જેમાં મારું કામ જોઈને હિમેશ રેશમિયાએ મને તેની સિરિયલ ‘આહા...’માટે બોલાવ્યો.
મેમરી લેન: ‘હમ પાંચ’માં બે એપિસોડ માટે હું ગયો, જેમાં મારું કામ જોઈને હિમેશ રેશમિયાએ મને તેની સિરિયલ ‘આહા...’માટે બોલાવ્યો.

‘આખેટ’નું રન-થ્રૂ ભાઈદાસમાં. હું ભક્તિ બર્વેને લઈને પહોંચ્યો ઑડિટોરિયમ. જરૂરી સૂચના આપીને શફી ઈનામદાર પોતે પણ નાટક જોવા માટે ઑડિયન્સમાં બેઠા. નાટકના પહેલા જ સીનમાં અરુણ રંજનકર દારૂ પીને સેટ પર આવે એવો સીન. નાટક શરૂ થયું, બધા રાહ જુએ પણ અરુણ સેટ પર આવે જ નહીં. પાત્ર આવે નહીં એટલે નાટક આગળ વધે નહીં. શફીભાઈનું ટેન્શન શરૂ થયું અને ટેન્શનને લીધે તેમણે રાડારાડ શરૂ કરી દીધી. બધા ભાગ્યા અરુણને શોધવા. થોડી વાર પછી ડ્રેસમૅન આવ્યો. પેલો દારૂડિયો જે ખાખી ચડ્ડી પહેરતો એ ખાખી ચડ્ડી તેના હાથમાં.

મને ધ્રાસકો પડ્યો કે અરુણ ભાગી ગયો કે શું. ‘આખેટ’ની ટીમ બહુ મોટી હતી. નાટકનું લીડ કૅરૅક્ટર હિતેનકુમાર કરતો. હા, ગુજરાતી ફિલ્મસ્ટાર હિતેનકુમાર, પણ એ સમયે તે હિતેનકુમાર નહોતો, એ સમયે એ હિતેન મહેતા હતો. હિતેન સામે મુખ્ય ભૂમિકામાં સચી જોષી અને તેની સાથે અલીરઝા નામદાર. આ ત્રણ મુખ્ય પાત્રો અને આ સિવાય પણ બીજા ઘણા કલાકારો હતા. બધા કલાકારોમાં હો-હા થઈ ગઈ. અરુણ રંજનકર જે રીતે પોતાનો ખાખી ચડ્ડો ડ્રેસિંગરૂમમાં છોડીને જતો રહ્યો એ પરથી વિદિત થતું હતું કે શફીભાઈએ શો પહેલાં કરેલી ગાળાગાળના પરિણામે તેણે નાટક શરૂ થાય એ પહેલાં જ છોડી દીધું.

આ બાજુ શફીભાઈ ખૂબ ગુસ્સામાં હતા, તેમની ગાળાગાળ ચાલુ જ હતી. નાટકના આ રન-થ્રૂમાં ઑડિટોરિયમની છેલ્લી રોમાં નાટકના બન્ને નિર્માતા બેઠા હતા, પણ તેઓ નીચે આવ્યા નહીં. શફીભાઈ ગુસ્સામાં હતા. આવી પરિસ્થિતિમાં તેમની સામે જવું હિતાવહ નથી એવું ધારીને તેઓ નીચે આવ્યા નહીં. હું અને ભક્તિબહેન ‘કે’ રોમાં બેઠાં હતાં એ મને હજી પણ યાદ છે. મારી બેઠક પરથી ઊભા થઈને મેં શફીભાઈને શાંત પાડ્યા. શાંત પાડતાં કહ્યું કે તમે ચિંતા નહીં કરો, કાલનો શો હું કરી નાખીશ. તમે અત્યારે રન-થ્રૂ ચાલુ કરો.

મેં તમને અગાઉ કહ્યું હતું એમ હું રિહર્સલ્સમાં નિયમિત જતો. શફીભાઈને પણ મેં એ જ યાદ દેવડાવ્યું અને કહ્યું કે રિહર્સલ્સમાં આવવાને લીધે મને બધું યાદ છે. હું અત્યારે એ રોલ કરું છું. જે થોડીઘણી ભૂલ થઈ હશે એને કાલના દિવસમાં રિહર્સલ્સ કરીને સુધારી લઈશ. શફીભાઈએ હા પાડી અને નાટક શરૂ થયું, પણ મિત્રો, આ આખી વાત કહેવાનો ભાવાર્થ એ જ કે આમ ન ઇચ્છતા પણ ફરી પાછું મારે ઍક્ટિંગ કરવાનું આવ્યું.

ન ઇચ્છતાં.

હા, એ સમયે તો સંજોગ જ એવા ઊભા થયા હતા કે મારે તાત્કાલિક રોલ કરવાનો વારો આવ્યો. રન-થ્રૂ પછી બીજા દિવસે મેં શો પણ કર્યો. દારૂડિયાના સ્વાંગમાં મારી એન્ટ્રી પડતાંની સાથે જ ઑડિટોરિયમમાં લાફ્ટરનું વાવાઝોડું આવી ગયું. મારા મોઢે જ મારે વખાણ કરવાં પડે છે, પણ હકીકત છે એટલે કહું છું કે સરસ રીતે મેં રોલ કર્યો. શો પૂરો થયો, પણ શફીભાઈએ મને શાબાશીનો એક શબ્દ પણ ન કહ્યો. મેં પાંચ શો કર્યા, જેના પૈસા પણ મને મળ્યા નહીં અને મિત્રો, પૈસાનું મહત્ત્વ નથી અને એમાં પણ શફીભાઈ હોય એટલે પૈસાની કોઈ વાત જ ન હોય. તેમનો હક છે મારા પર આટલો, પણ સાથોસાથ મને પણ શાબાસી કે થૅન્ક યુ સાંભળવાનો પૂરો હક છે, પણ મને બિરદાવે એવા કોઈ શબ્દો શફીભાઈ પાસેથી મને ક્યારેય સાંભળવા મળ્યા જ નહીં.

મેં પાંચ શો કર્યા, પાંચ શો પછી મારી જગ્યાએ બીજા ઍક્ટરને લઈ લેવામાં આવ્યો. પણ એકેય વાર શફીભાઈએ મારો આભાર માન્યો નહીં. હશે, જવા દ્યો, આવી જ રીતે જવા દેવાની નીતિ સાથે મેં જિંદગીને આગળ વધારી છે, કારણ કે સરવાળે આ ‘જવા દેવાની’ નીતિએ મારામાં વૃદ્ધિ કરી છે અને એનો મને આખી જિંદગી ફાયદો થયો છે. મિત્રો, એક બીજી વાત કહું તમને. શફીભાઈ માટેની આ ફરિયાદ કરતી વખતે પણ હું કહીશ કે શફીભાઈ માણસ તરીકે ખૂબ સારા હતા. આજદિન સુધી હું તેમને મિસ કરું છું.

આપણે ફરી પાછા આવીએ મારી ઍક્ટિંગ પર. એક દિવસ મને બાલાજી ટેલિફિલ્મ્સમાંથી ફોન આવ્યો, ‘હમ પાંચ’ સિરિયલમાં બે એપિસોડનું કામ છે. હું તો પહોંચી ગયો. મને એક ડાયલૉગ આપવામાં આવ્યો અને ૧૦ મિનિટ પછી મને કહેવામાં આવ્યું કે સેટ પર ચાલો, શૉટ રેડી છે અને પહેલા જ ટેકમાં આખો શૉટ ઓકે થઈ ગયો. એ જ એપિસોડમાં કે એની આજુબાજુના એપિસોડમાં ફેમસ કૉમેડિયન રાજેન્દ્ર નાથ (પોપટલાલ) પણ ત્યાં એક રોલ કરવા માટે આવ્યા હતા. તેમણે મને સામેથી આવીને કહ્યું, ‘બહોત અચ્છા ટેક દિયા. યુ આર અ ગુડ ઍક્ટર...’

મારા માટે આ બહુ મોટી વાત હતી. ‘હમ પાંચ’નું મારું કામ જોઈને એક દિવસ હિમેશ રેશમિયાનો ફોન આવ્યો. બહુ ઓછા લોકોને ખબર છે કે હિમેશ સફળ મ્યુઝિક-ડિરેક્ટર બનતાં પહેલાં એક સફળ ટીવી-સિરિયલ પ્રોડ્યુસર હતો. તેમની સિરિયલ આવી રહી હતી, ‘આહા...’ જેમાં શેખર સુમન, ફારુક શેખ, ફારાહ અને શશિકલા હતાં. મારું કામ હિમેશને એટલું પસંદ આવ્યું કે દરેક એપિસોડની સ્ક્રિપ્ટ આવે એટલે સૌથી પહેલાં મને વાંચવા આપે અને એમાંથી જે ફિક્સ ચાર ઍક્ટરો હતા એ ચાર સિવાયના જે રોલ હોય એમાંથી મને જે પસંદ પડે એ રોલ લઈ લેવાનું કહે અને પછી જ બાકીના ઍક્ટરોને રોલની વહેંચણી કરવામાં આવે.

‘આહા...’ સિરિયલના મેં ખૂબ એપિસોડ કર્યા. એ દરમ્યાન મને સિદ્ધાર્થ રાંદેરિયાના ‘ભાઈ’ નાટકની ઑફર આવી. નાટકના નિર્માતા હતા કિરણ સંપટ. કિરણ સંપટના નાટકની બહારગામની ટૂર બહુ થાય એટલે શફીભાઈના કામને કારણે મેં પહેલાં તો ના પાડી. કિરણભાઈએ મને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે બહારગામની ટૂરમાં હું તને ઍડ્જસ્ટ કરીશ અને આમ હું ‘ભાઈ’ નાટકમાં કચવાતા મને આવ્યો. નાટક સુપરહિટ થયું. મારું કામ બહુ વખણાયું.

થોડા સમય પછી એક દિવસ શફીભાઈ અચાનક મારી પાસે આવ્યા. કહે કે સંજય બહુ સરસ વિચાર આવ્યો છે, તારી સાથે શૅર કરવા માગું છું.

એક સ્ત્રી ૬૫ વર્ષની ઉંમરે ભણવાનું નક્કી કરે છે અને એ નિર્ણયને અમલમાં મૂકીને ભણવા બેસે છે. એ અભણ છે, સ્કૂલમાં ક્યારેય ગઈ જ નથી. ભણતર જરાય નહીં પણ ગણતર પૂરું છે, પોતાનું ઘર બહુ સરસ રીતે ચલાવે છે. સંજોગોવશાત્ તેણે ભણવાનું આવે છે. ભણે છે અને એ ગ્રૅજ્યુએટ પણ થાય છે.

‘કેમ લાગે છે આઇડિયા?’

‘એકદમ સરસ વિચાર છે.’

શફીભાઈએ કહ્યું, ‘પણ લખશે કોણ?’

‘વર્ષા અડાલજા.’

મેં જવાબ આપ્યો અને સાથોસાથ સ્પષ્ટતા પણ કરી કે સ્ત્રીપાત્ર મુખ્ય હોય એવી નૉવેલ લખવામાં વર્ષાબહેનની હથોટી છે. વર્ષાબહેને અગાઉ નાટકો લખ્યાં નથી, કદાચ એકાદ નાટક લખ્યું હોય તો ખબર નથી, પણ નવલકથાનાં બહુ સારાં લેખિકા છે.

શફીભાઈ તરત જ રાજી થઈ ગયા. શફીભાઈની આ ખાસિયત હતી. વ્યક્તિ પર એ ભરોસો પણ કરે અને નવી ટૅલન્ટને એક્સપ્લોર કરવાની તૈયારી પણ રાખે.

હું અને શફીભાઈ વર્ષાબહેનને મળ્યા અને તેમને વાર્તા સંભળાવી, વાર્તા તેમને ખૂબ પસંદ આવી. તેમણે નાટક લખવાની તૈયારી દર્શાવીને કહ્યું કે હું નાટક લખવાનું ચાલુ કરી દઉં છું.

વર્ષાબહેને નાટક લખવાનું શરૂ કર્યું તો આ બાજુ મેં શફીભાઈને લીડ કૅરૅક્ટરમાં કલ્પના દીવાનનું નામ સૂચવ્યું, શફીભાઈને સજેશન ખૂબ ગમ્યું. હું કલ્પનાબહેનને જઈને મળ્યો અને મેં વાર્તા કહી. વાર્તા સાંભળીને કલ્પનાબહેન નાટક કરવા માટે રેડી થઈ ગયાં, પૈસાની પણ વાત કરીને બધું ફાઇનલ કરી નાખ્યું. રાઇટિંગ પણ ફાસ્ટ આગળ વધતું હતું. પહેલો અંક વર્ષાબહેને તૈયાર કરી નાખ્યો, જે સરસ થયો હતો. હવે કામ શરૂ થયું બીજા અંકનું અને ત્યાં જ મને ખબર મળ્યા કે શફીભાઈએ ‘ઑલ ધ બેસ્ટ’ નાટકનું મુહૂર્ત કર્યું.

હું દોડીને શફીભાઈ પાસે ગયો. જઈને મેં તેમને કહ્યું કે આવતા અઠવાડિયે આપણે આપણું નવું નાટક શરૂ કરવાના હતા અને તમે આ બીજું નાટક શરૂ કરી દીધું.

‘હા...’

બસ, આટલો જવાબ હતો શફીભાઈનો.

શફીભાઈનું ‘ઑલ ધ બેસ્ટ’ ખૂબ ચાલ્યું. નાટકમાં શર્મન જોષી મુખ્ય ભૂમિકામાં હતો, શર્મન એ વખતે હજી ઇન્ડસ્ટ્રીમાં નવો-નવો હતો. શર્મને એમાં ખૂબ સરસ કામ કર્યું હતું. નાટકમાં આંધળા, બહેરા અને મૂંગા એવા ત્રણ ભાઈબંધની વાર્તા હતી. વાત કરું અમારા નાટકની, જે અમે ચાલુ કરવાના હતા.

શફીભાઈએ ‘ઑલ ધ બેસ્ટ’નું મૂહૂર્ત કર્યું એટલે મારું નાટક લટકી ગયું. મારા માટે એ નાસીપાસ કરે એવી ઘટના હતી, પણ મિત્રો, જીવનના અમુક તબક્કા એવા હોય છે જેમાં નાસીપાસ થવું પાલવતું નથી. મારા માટે પણ સર્વાઇવલનો પ્રશ્ન હતો. પડી ભાંગવું કે પછી તૂટી જવું એ લક્ઝરી હતી, આપણને પોસાય નહીં. મને એમ થયું કે આમ ને આમ તો ક્યાં સુધી ચાલશે? સમય આવી ગયો છે કે આપણે જ આપણા શફી ઈનામદાર અને શૈલેશ દવે ઊભા કરવા પડશે. આ મારું કામ છે અને મારે જ મારું કામ કરવું પડશે, નવા લેખક-દિગ્દર્શક લાવવા પડશે, તેમની સાથે કામ કરવું પડશે અને તેમને ઊભા કરવા પડશે.

જોકસમ્રાટ

હમણાં અમેરિકામાં ટ્રમ્પે ત્યાં રહેતા ગુજરાતીને આપણી રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ  વિશે પૂછ્યું.

તેણે સરસ સમજાવ્યું,

‘અમેરિકામાં દર શનિ-રવિવારે રાંધીને સોમથી શુક્ર ઠંડું ખાઈએ એ અમારા ગુજરાતમાં વર્ષે એક વાર થાય એનું નામ રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ.’

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK