ઝિંદગી જૈસે જલાની થી વૈસે જલાદી હમને ગાલિબ, અબ ધુએં પર બહસ કૈસી ઔર રાખ પર ઐતરાઝ કૈસા?

Updated: 15th February, 2021 12:30 IST

ધારો કે કોઈ કહે કે મેં મુંબઈનો રાજાબાઈ ટાવર વેચી નાખ્યો છે, મ્યુઝિયમ ગીરવી મૂકીને લોન લીધી છે કે હૅન્ગિંગ ગાર્ડન લીઝ પર ભાડે આપ્યું છે તો તમને કેવો આંચકો લાગે? સાલું આંખમાંથી કોઈ કાજળ ચોરી જાય એ શક્ય બને ખરું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ધારો કે કોઈ કહે કે મેં મુંબઈનો રાજાબાઈ ટાવર વેચી નાખ્યો છે, મ્યુઝિયમ ગીરવી મૂકીને લોન લીધી છે કે હૅન્ગિંગ ગાર્ડન લીઝ પર ભાડે આપ્યું છે તો તમને કેવો આંચકો લાગે? સાલું  આંખમાંથી કોઈ કાજળ ચોરી જાય એ શક્ય બને ખરું? પણ સાહ્યબાનો, આ વાત કરતાં પણ  અનેકગણી અચરજ પમાડતી વાતો બની છે; હકીકતમાં બની છે, આપણા દેશમાં જ બની છે. એક ચાલાક, ચબરાક, ચતુર ઠગે, ગુનેગારીની આલમના બાદશાહ ગણાતા માણસે ત્રણ વાર  તાજમહેલ, બે વાર લાલ કિલ્લો અને એક વાર રાષ્ટ્રપતિભવન ‘બાપનો માલ’ હોય એમ વેચી  કાઢ્યાં હતાં. આ કપોળકલ્પિત વાત નથી, દસ્તાવેજી પુરાવા સાથેની વાત છે. ‘મેરા ભારત  મહાન!’

 દુનિયામાં એવા કેટલાક માણસો છે જેઓ પોતાની શરતે, પોતાની મરજી મુજબ જીવવાનું પસંદ કરતા હોય છે, પરિણામની ચિંતા કર્યા વગર. આવા માણસો કાં તો આત્મઘાતી હોય છે, કાં તો વધુપડતા આત્મવિશ્વાસુ! સફળતા-નિષ્ફળતા તેમને માટે ગૌણ હોય છે, પ્રવૃત્તિ ચાલુ રાખવાનું ઝનૂન જ તેમનું ધ્યેય હોય છે. કોઈ પણ નશા કરતાં ગુનાખોરીનો નશો અત્યંત માદક હોય છે. એક વાર આદત પડી કે પછી એમાંથી છૂટવું બહુ મુશ્કેલ હોય છે.

 તમને ખબર છે? ૧૯૫૦-’૬૦ના દાયકામાં જેમનું નામ ‘નટવરલાલ’ હતું તે પોતાનું નામ બોલતાં શરમાતો હતો, કારણ કે ગુનાખોરીના ઇતિહાસમાં વિદેશી નામ ‘ચાર્લ્સ શોભરાજ’  અને દેશી નામ ‘નટવરલાલ’ બન્ને ખૂબ બદનામ હતાં. આપણી વાતનો હીરો નટવરલાલ તો એટલોબધો નામચીન હતો કે એ નામની અતિસફળ ‘મિસ્ટર નટવરલાલ’ ફિલ્મ પણ બની. તો  નટવરલાલનાં કેટલાંક કારનામાં ‘બન્ટી અને બબલી’માં પણ સામેલ થયાં હતાં.

 કોણ હતો આ નટવરલાલ? તેનું મૂળ નામ ‘મિથિલેશ શ્રીવાસ્તવ’ હતું. બિહારના શિવાન જિલ્લામાં જીરાદેવી ગામમાં તેનો જન્મ થયો હતો. દેશભરમાં મહાઠગ, જબરદસ્ત ઉઠાવગીર  તરીકે ઓળખાતો આ શખસ પોતાના ઇલાકામાં ‘રૉબિનહૂડ’ તરીકે જાણીતો હતો, જે અમીરોને લૂંટતો અને ગરીબો પર લૂંટાવતો. પોતાના ગામમાં તેની લોકપ્રિયતા અને માન એટલાંબધાં હતાં કે લોકો ‘નટવરલાલ’ની આગળ ‘મિસ્ટર’ અવશ્ય લગાડે. કોઈ માત્ર નટવરલાલ બોલે તો ટપારવામાં આવતા અને આગળ મિસ્ટર લગાવવાનો આગ્રહ રાખતા.

નટવરલાલ સામાન્ય માણસ હતો, પણ વિચક્ષણ બુદ્ધિ ધરાવતો હતો. ભણવામાં આળસુ હતો પણ ગણવામાં ઉસ્તાદ હતો. તેના ફાધર રેલવેમાં નોકરી કરતા હતા. ઘરમાં કોઈની સાથે જામ્યું નહીં એટલે કલકત્તા ભાગી આવ્યો. નાનાં-મોટાં કામ અને નોકરી કરીને તે એલએલબી થયો. કાયદો એટલા માટે ભણ્યો કે એ કેમ તોડી શકાય એનું જ્ઞાન મળે. કાયદાની છટકબારીઓ શોધવામાં સુગમતા પડે. વિચિત્ર પ્રકૃતિ હતી તેની. તે કહેતો કે હું કાંઈ કરતો નથી, બધું ઈશ્વર કરાવે છે મારી પાસે. હું તો ઉપરવાળાના હુકમને અનુસરું છું. દેશ-વિદેશની અનેક ભાષાઓનું જ્ઞાન હતું. છટાદાર અંગ્રેજી બોલતો. જુદા-જુદા વેશ અને નામ ધારણ કરવામાં પાવરધો હતો. જેવો ગુનો એવો વેશ અને એવું નામ. એવાં લગભગ ૫૦ જેટલાં જુદાં-જુદાં નામ અને વેશ તેણે ધારણ કર્યાં હતાં.

નટવરલાલનાં કારનામાંઓની વાત કરીએ એ પહેલાં તેની કાર્યપદ્ધતિ જાણવા જેવી છે. ૧૯૧૨માં તેનો જન્મ. ૧૯૯૬માં છેલ્લે કાનપુરની જેલમાં હતો. ૮૪ વર્ષની વય. લગભગ ૬૫ વર્ષ તેણે ઠગાઈ અને છેતરપિંડીનો ધંધો ધમધોકાર ચલાવ્યો. આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે ગુનો આચરતી વખતે તેણે ક્યાંય અને ક્યારેય હથિયારનો ઉપયોગ નથી કર્યો. ન પિસ્તોલ, ન છરી, ન તમંચો; ન કોઈને ક્યારેય ધાકધમકી આપી કે ન કોઈની સાથે બળજબરી કરી. તે માનતો કે છેતરવું એ એક કળા છે, ઠગવું એ એક કસબ છે. તમારામાં એ કળા અને કસબ હોય તો લોકો તમારી પાસે સામેથી છેતરાવા આવે. જીભ અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઈ હથિયારની જરૂર પડતી નથી.

દેશનાં જુદાં-જુદાં લગભગ ૧૦ રાજ્યોમાં તેણે પોતાની માયાજાળ પાથરી હતી. ૧૦ રાજ્યોની પોલીસ તેની પાછળ પડી હતી. કેટલીય વખત પકડાયો અને કેટલીય વખત જેલમાંથી ફરાર થવામાં પણ સફળ રહ્યો. જુદા-જુદા ગુના માટે તેને કુલ ૧૧૭ વર્ષની સજા થઈ હતી એમાં તે માત્ર ૨૦ જ વર્ષ જેલમાં રહ્યો હતો.

 કોઈની પણ સહીની નકલ કરવામાં તે માસ્ટર હતો. આ કસબથી જ તે સફળ કારનામાં કરી શક્યો. સરકારી ઑફિસરોથી લઈને રાજ્યના મુખ્ય પ્રધાનો તો ઠીક, ખુદ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુની બનાવટી સહી કરીને દેશની મશહૂર ઇમારતો વેચી મારવામાં સફળ થયો. આ ઉપરાંત તેનાં છેતરવા માટેનાં મુખ્ય લક્ષ્યો હતાં રેલવે, ઝવેરાતની દુકાનો અને ઘડિયાળના મોટા-મોટા વેપારીઓ (એ સમયે સોના-ચાંદી સાથે ઘડિયાળની દાણચોરી પણ બહુ મોટા પ્રમાણમાં થતી). તેની જબાનમાં એવું જાદુઈ વશીકરણ હતું કે ભલભલા લોકો થાપ ખાઈ જતા. તે બનાવટી દસ્તાવેજો બનાવવામાં એટલો માહેર હતો કે અસલ દસ્તાવેજ બનાવટી લાગે. તેણે પોતે જાહેરમાં અનેક વાર કહ્યું હતું કે સરકાર જો મને તક આપે તો હું થોડાં વર્ષોમાં દેશનું વિદેશી દેવું ઉતારી આપું.

  કોઈ પણ ગુનો આચરતાં પહેલાં ગુનાની આસપાસની તમામ શક્યતાઓનો બારીકાઈથી  અભ્યાસ કરતો. એ પ્રમાણે તેનો વેશ, ડ્રેસ, ઘર, દસ્તાવેજો તૈયાર કરતો. તાજમહેલ વેચવાનો વિચાર આવતાં તેણે સરકારી ઇમારતોની જાળવણી અને દેખભાળ રાખતા ખાતાનો અભ્યાસ  કર્યો. એને લગતા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા. પોતે ગૃહ મંત્રાલયમાં મહત્ત્વનો હોદ્દો ધરાવે છે એને લગતા પુરાવા ઊભા કર્યા! એના થકી તેણે અવારનવાર તાજમહેલની મુલાકાત લેવા માંડી. ત્યાંના કર્મચારીઓનો વિશ્વાસ સંપાદન કર્યો. એ પછી તાજ જોવા આવતા ધનાઢ્ય વિદેશી સહેલાણીઓને ફસાવવાનું આયોજન કર્યું. તે વિદેશી સહેલાણીઓને પોતે જાતે તાજમહેલનો ખૂણેખૂણો બતાવતો, એનો ઇતિહાસ કહેતો, કેટલા રૂપિયા ખર્ચાયા, કેટલા કારીગરો કામે લાગ્યા હતા, કોણે તાજમહેલની ડિઝાઇન કરી હતી વગેરે વગેરે. તે દસ્તાવેજી પુરાવા સાથે રસપ્રદ વાતો કરતો. પોતાના (ભાડાના) ઘરે લઈ જતો, દીવાલ પર પોતાને મળેલા સન્માનપત્રો (બનાવટી) બતાવતો. બસ, સહેલાણીઓ સહેલાઈથી આંટામાં આવી જતા. માનશો? આવી-આવી તરકીબો કરીને તેણે એક નહીં, જુદી-જુદી ત્રણ વ્યક્તિને, જુદા-જુદા સમયે તાજમહેલ વેચી નાખ્યો હતો!! કરાર કરી, બાનાની ખૂબ મોટી રકમ લઈને ફરાર થઈ ગયો.

  આ જ સ્ટ્રૅટેજી-કાર્યપદ્ધતિથી તેણે લાલ કિલ્લો અને રાષ્ટ્રપતિભવન પણ વેચી નાખ્યું હતું. રાષ્ટ્રપતિભવન વેચતી વખતે તેણે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની બનાવટી, આબેહૂબ સહી પણ કરી હતી. મનમાં થાય કે આવા કિસ્સામાં વેચનારની ચતુરાઈને વખાણવી કે લેનારની મૂર્ખાઈને વખોડવી?

પણ ભાઈ કહેવાય છેને કે ‘દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે.’ એક બીજી ખાસ જાણકારી. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બિહારના હતા તો ભારતનો પ્રથમ નંબરનો ઠગ  નટવરલાલ પણ બિહારનો હતો. એટલું જ નહીં, બન્ને જીરાદેવી ગામના જ. નટવરલાલનું ઘર  જીરાદેવીથી માત્ર બે કિલોમીટરના અંતરે. રાવણની લંકા સોનાની હતી અને કૃષ્ણની દ્વારકા  પણ સોનાની હતી, પરંતુ વ્યક્તિ-વ્યક્તિમાં ફેર કેટલો હતો?

હવે નટવરલાલની કેટલીક અજાયબભરી લીલા જોઈએ. વર્ષ હતું ૧૯૮૬નું. નટવરલાલ  દિલ્હીના મશહૂર જ્વેલર્સ રાજા ઝવેરીના શોરૂમમાં સરકારી ગાડીમાંથી ઊતરીને પ્રવેશે છે. સીધો  માલિકની કૅબિનમાં જાય છે અને પોતાની ઓળખાણ એ સમયના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહના પીએ તરીકે આપે છે. પોતાની વાક્‍છટા અને વશીકરણની કળાથી માલિકને  આંજી દે છે. માલિક પૂછે છે, ‘બોલો સર, આપની હું શું સેવા કરી શકું? જવાબમાં કહે છે કે વિશ્વનાથ પ્રતાપ સિંહના ઘરમાં લગ્નપ્રસંગ છે. એને માટે ઘરેણાં ખરીદવાની જવાબદારી મારા પર નાખી છે. દિલ્હીમાં તમારા શોરૂમની ખ્યાતિથી અભિભૂત થઈને હું આવ્યો છું. મને લેટેસ્ટ ડિઝાઇનનાં  ઘરેણાં પસંદ કરવાની તક આપો. અડધા કલાકમાં ઘરેણાંની પસંદગી થઈ ગયા પછી  નટવરલાલે કહ્યું, ‘આ બધાં ઘરેણાં સરસ રીતે પૅક કરીને તમે તમારા માણસને મારી સાથે  મારી કારમાં પીએમને ત્યાં મોકલો. પેમેન્ટનો ડ્રાફ્ટ હું તેમને ત્યાંથી જ અપાવી દઈશ. માલિકને  શું વાંધો હોઈ શકે? તેણે તો ચા-પાણીનો આગ્રહ કર્યો, પણ નટવરલાલને તો માલ-પાણીમાં જ રસ હતો.

  સરકારી ગાડીમાં નટવરલાલ ઝવેરીના માણસ સાથે નૉર્થ બ્લૉકના વડા પ્રધાનના નિવાસસ્થાને  આવે છે. પરસાળ જેવી એક જગ્યાએ તેને બેસાડે છે અને પોતે ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. ઝવેરાતનું પૅકેટ માણસના હાથમાં જ છે એટલે તેને કોઈ ઝાઝી ચિંતા નથી. થોડી વાર પછી તે ડ્રાફ્ટ લઈને આવે છે, ઝવેરીના માણસને આપે છે અને ઝવેરાત લઈ લે છે. ડ્રાઇવરને બોલાવે છે અને માણસને દુકાન સુધી મૂકી આવવાનું કહે છે. માણસ નટવરલાલનો આભાર માનીને નીકળી જાય છે. કહેવાની જરૂર જ નથી કે ડ્રાફ્ટ બનાવટી હતો.

કોઈ વેપારી આવી રીતે છેતરાઈ શકે? જી, હા, કેટલીક વાર વ્યક્તિની મતિ લાલચ, લોભ, સત્તાનો ભય કે લાગણીના આવેશમાં બહેર મારી જાય છે. બીજી બાજુ ઠગનું કામ સરળતાથી પાર પડી જવાથી તેનો આત્મવિશ્વાસ વધી જાય છે અને ફરીથી આ જ કાર્યપદ્ધતિ અપનાવવા  લલચાય છે અને થયું પણ એવું જ.

 આ વખતે વારો હતો ઘડિયાળના એક વેપારીનો. એ સમયે કીમતી જણસમાં ઘડિયાળની પણ ગણના થતી એટલે ઘડિયાળનો મોટો શોરૂમ ધરાવતા એક જાણીતા‍ વેપારીને કેવી રીતે  શીશામાં ઉતાર્યો એ વાત અને બાકીનાં કારનામાં આવતા સપ્તાહે, પરંતુ છેલ્લે એક વાતનો  મનમાં ખટકો રહી જાય છે એ આપણા સરકારી તંત્રનો.

નટવરલાલની ઠગાઈના દસ્તાવેજોની શોધખોળ કરતા બીજા બે ઠગોના આશ્ચર્યજનક કિસ્સાઓ  જાણવા મળ્યા. એક ખેડૂતે ખેતરમાં કૂવો ખોદાવવા માટે લાગતા-વળગતા દસ્તાવેજો બૅન્કને  આપીને બૅન્ક પાસે લોન લીધી. બે વર્ષ બાદ બૅન્કનું સર્વેક્ષણ શરૂ થયું. બૅન્કનો એક અધિકારી  ખેતરમાં આવ્યો અને જોયું તો કૂવો હતો જ નહીં. ખેડૂતને પૂછવામાં આવ્યું તો તેણે બેધડક કહી દીધું કે કૂવો ચોરાઈ ગયો છે!!! આથી વધારે રસપ્રદ કિસ્સો એ જાણવા મળ્યો કે એક ચતુર  સુજાણે રેલવે-સ્ટેશન ગીરવી મૂકીને બૅન્ક પાસેથી લોન મેળવી હતી (એ સમયે રજવાડાંઓના નામે નાનાં-નાનાં રેલવે-સ્ટેશનો હતાં). સરકાર છે આપણી ને બુદ્ધિ કોના બાપની?

સમાપન

‘કહીં છે લહેર લીલા,

ક્યાંક કાળો કેર છે સાકી,

કહું શું કે ચમનમાં કેટલું

અંધેર છે સાકી,

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું?

અચાનક ઊઠતા તોફાનની

એ લહેર છે સાકી!!

- ઘાયલ

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

First Published: 15th February, 2021 11:12 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK