કથા કારગિલની

Published: 26th July, 2020 09:19 IST | Hiten Aanandpara | Mumbai

૨૬ જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે

૨૬ જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૧૯૯૯માં આ યુદ્ધ બે મહિના ચાલ્યું હતું. કારગિલ ક્ષેત્રમાં અચાનક બધું કઈ રીતે ઊભું થયેલું? શ્યામ સાધુના શેરમાં ગર્ભિત નિરીક્ષણ દેખાય છે...

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં

હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં

પાકિસ્તાની પત્રકાર નસીમ ઝાહરાએ એક પુસ્તકમાં પાકિસ્તાનની કારગિલની યોજના વિશે ફોડ પાડતાં લખ્યું હતું કે જનરલ પરવેઝ મુશર્રફે આ યોજના બેનઝીર ભુટ્ટો સમક્ષ રજૂ કરી હતી. ત્યારે તેઓ મિલિટરી ઑપરેશન્સના ડીજી હતા. તેમણે આ વાત ઉડાવી દીધી. એ પહેલાં જનરલ ઝિયા ઉલ હકના સમયમાં પણ કારગિલ વિશે ચર્ચા હતી. ટૂંકમાં લશ્કરની મથરાવટી વર્ષોથી મેલી હતી. પરવેઝ મુશર્રફે કારગિલ આંચકવા પાકી તૈયારી કરી લીધેલી. વજેસિંહ પારગી કહે છે એમ હથિયાર સાથે પાકિસ્તાની સેના ઊંબાડિયું કરવા તત્પર હતી...

શ્વાસ છે ને શરીર આજે છે

જાત મારી અમીર આજે છે

આંખ સામે કો લક્ષ્ય મૂકી દે

હાથમાં મારાં તીર આજે છે

પાકિસ્તાનમાં જનતા ગરીબ છે ને સેના અમીર છે. અહીં મશીનગન સામે માનવતા હંમેશાં હારતી રહી છે. છળકપટ એના નકશામાં છે. ફેબ્રુઆરી ૧૯૯૯૯માં નવાઝ શરીફ અને અટલ બિહારી વાજપેયી વચ્ચે લાહોરમાં હકારાત્મક સમાધાન થયું હતું. પણ માત્ર ચાર મહિના પછી આ સમાધાન વ્યવધાનમાં પલટાઈ ગયું. પાકિસ્તાનમાં વડા પ્રધાન પાસે પદ છે, જ્યારે સૈન્ય પાસે પાવર છે. પાક સેનાએ કારગિલ ઘૂસણખોરીની યોજનાને અંજામ આપ્યો એની માહિતી નવાઝ શરીફને તો ઠીક તેમની વાયુસેનાના વડાને પણ બહુ પાછળથી આપવામાં આવેલી. રઈશ મનીઆરની ગઝલનો મત્લા છે...

ગોપિત રહે કદી, કદી સાક્ષાત હોય છે

મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે

પાકિસ્તાનની મેલી રજૂઆતની ખબર ત્યારે પડી જ્યારે ગોવાળ તાશી નામગ્યાલે કારગિલના પહાડોમાં છુપાયેલા પાકિસ્તાની સૈનિકોને જોયા. એ તો પોતાના ખોવાયેલા યાકને ગોતવા નીકળ્યો હતો ને તેની નજરમાં પાકિસ્તાની ચાલબાજી આવી. આ જાગ્રત નાગરિકે ૩ મેએ ભારતીય સૈનિકને જાણ કરી. ઘૂસણખોરીની તપાસ કરવા પાંચ જવાનો સાથે કૅપ્ટન સૌરભ કાલિયા પહોંચ્યા. પાકિસ્તાની સેનાએ તેમને ઘેરી લીધા ને ટૉર્ચર કરી મારી નાખ્યા. મૃતદેહોને ક્ષત-વિક્ષત કરવામાં આવ્યા. પાકિસ્તાની સૈનિકોનો આવો વ્યવહાર તેમની રાક્ષસી અને તામસી મનોવૃત્તિનું પરિણામ છે. ભરત ભટ્ટ તરલની પંક્તિઓમાં વેદના તાદૃશ્ય થાય છે...

સાવ અધવચ્ચેથી ચીરે છે મને

મારો પડછાયો જ પીડે છે મને

સોય ભોંકાતી રહી મારી ભીતર

વસ્ત્ર માફક કોઈ સીવે છે મને

સામે પક્ષે આપણો દાખલો જુઓ. ભારતના નિવૃત્ત બ્ર‌િગેડિયર એમપીએસ બાજવાએ કરેલી વાત ભારતીય સૈનિકનો પ્રોફેશનલ અને નૈતિક સ્તર દર્શાવે છે. ભારત સાથે પાકિસ્તાને પણ ખાસ્સી ખુવારી ભોગવવી પડી. પાકિસ્તાનના ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ કમાન્ડર લેફ્ટન્ટ કર્નલ મુસ્તફાએ વાયરલેસ પર બાજવાનો સંપર્ક કર્યો. મૃત પાકિસ્તાની સૈનિકો સોંપવા વિનંતી કરી. બટૅલ્યનની ઇજ્જત અને આબરૂ સાચવવા તેમની યોગ્ય દફનવિધિ થાય એવી વાત મુસ્તફાએ કરી. બદલામાં પોતાના સૈનિકો પાછા ખસેડી લેશે એની ખાતરી આપી. આપણા બ્રિગેડિયરે કહ્યું કે તમારી વાત પર ભરોસો કઈ રીતે મૂકવો? જવાબમાં મુસ્તફાએ કહ્યું કે હું એક પઠાણ છું. બાજવાએ કહ્યું, તો હું પણ સરદારજી છું. હું વચન આપી રહ્યો છું એ પૂરું કરીશ. સફેદ ઝંડા અને સ્ટ્રેચર સાથે તમારા સૈનિકોને મોકલો. બે સેના વચ્ચે આ ફરક છે. સુધીર પટેલ અસમંજસની ક્ષણને પકડે છે...

જલ, ભૂમિ, આકાશ, અગ્નિ ને હવા

એ બધાથી તંતુ કૈં જોડી ઊભા

શું તરી જાવું કે ડૂબવું નાખુદા

રણ વચાળે રાખીને હોડી ઊભા

વિષમ સંજોગો વચાળે પણ ભારતીય સૈનિકોએ બહાદુરી દાખવી. કૅપ્ટન વિક્રમ બત્રાએ અત્યંત વિકટ પરિસ્થિતિમાં પૉઇન્ટ 4875 હાંસલ કરવા બલિદાન આપ્યું. તેમણે સાથીઓને સ્પષ્ટ કરેલું કે કાં હું તિરંગો લહેરાવીને આવીશ કાં તિરંગામાં લપેટાઈને, પણ પાછો જરૂર આવીશ. દેશ માટે આહુતિ આપનાર આ વીર સૈનિકને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત થયો. એ પર્વત હવે બત્રા ટૉપ તરીકે ઓળખાય છે. માતૃભૂમિની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર આવા વીર સપૂતો પરમ વંદનીય છે. દીપલ ઉપાધ્યાય કહે છે એમ સૈનિકો પ્રત્યે ગમે એટલો આભાર વ્યક્ત કરીએ, બે વેંત ટૂંકો જ પડવાનો.

ભાર આપી દે હિમાલય જેવડો

પણ મને આ-ભારમાંથી મુક્ત કર

છીનવી લેવી જો ફોરમ હોય તો

ફૂલના અવતારમાંથી મુક્ત કર

કારિગલ યુદ્ધમાંથી ઝટ મુક્તિ મેળવવી ખૂબ અઘરી હતી. દુશ્મન સામે લડવા ઉપરાંત ત્યાંના વાતાવરણ સામે પણ લડવાનું હતું. કારગિલ સમુદ્રની સપાટીથી અંદાજે સોળથી અઢાર હજાર ફીટ ઉપર છે. પહેલેથી અડિંગો જમાવી બેસ્ટ પોઝિશન મેળવી લેનાર દુશ્મન ઉપરાંત માઇનસમાં જતા તાપમાનમાં ઉગ્ર લડત આદરવાનું કામ મુશ્કેલ હતું. લડવાના વ્યૂહ ઉપરાંત ટકવાની સમસ્યા પણ માગણ બનીને ઊભી હોય. ખાવાનું મેળવવાનું મુશ્કેલ બને. લીધેલી પોઝિશન છોડી ન શકાય એટલે સૈનિકો સક્કરપારા કે અન્ય નાસ્તો થોડા-થોડા અંતરે ખાઈ લેતા. પીવા માટે પાણી ન મળે તો બરફ મોઢામાં રાખીને તરસ છીપાવી લેતા. બહોત કઠિન હૈ ડગર પનઘટ કી. રાજ લખતરવીનો શેર આ સૈનિકોએ આકંઠ અનુભવ્યો હશે...

વિકટ, અતિવિકટ દોસ્ત આવ્યા વળાંકો

સરળ મોડ મારી ડગરમાં ન આવ્યા

ક્યા બાત હૈ

સત્-અસતના  યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

 

તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે

આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

 

હરવખત હા-નાથી આગળ મન વધી શકતું નથી

હરવખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

 

જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે

છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

 

જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’

સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

– કિરીટ ગોસ્વામી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK