Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સડકની મહારાણી

સડકની મહારાણી

29 August, 2020 07:53 PM IST | Mumbai
Raj Goswami

સડકની મહારાણી

સડકની મહારાણી

સડકની મહારાણી


હિન્દી ફિલ્મોમાં ચાર યાદગાર ખલનાયક
થઈ ગયા : ગબ્બર સિંહ (શોલે-૧૯૭૫),
લાયન (કાલીચરણ-૧૯૭૬), મોગૅમ્બો
(મિ. ઇન્ડિયા-૧૯૮૭) અને મહારાણી
(સડક-૧૯૯૧). આમાં ‘ગબ્બર’ અને ‘મોગૅમ્બો’નું સર્જન કરનાર લેખક-ગીતકાર જાવેદ અખ્તરે એક વાર કહ્યું હતું કે હિન્દી સિનેમાના ખલનાયકોમાં જે બદલાવ આવ્યા છે એનો અભ્યાસ કરો તો તમે ભારતનો સામાજિક-આર્થિક ઇતિહાસ લખી શકો. આ વાત સાચી છે. તમે ખાલી આ ચાર ખલનાયકને જ લો તો ખબર પડે કે ૧૯૭૫ના ભારતમાં જે સામાજિક પરિસ્થિતિ હતી એનું પ્રતિબિંબ ચંબલના બિહડના અભણ-ગંવાર ડાકુ ગબ્બરમાં હતું. ૧૯૯૧ આવતાં સુધીમાં દેશની સ્થિતિ એટલી બદલાઈ ગઈ કે સદીઓથી સમાજની મુખ્ય ધારામાંથી બાકાત રહેલા કિન્નર વર્ગની સભ્ય ‘મહારાણી’ એક મોટા શહેરમાં દેહવ્યાપારના વ્યવસાયમાંથી રોજીરોટી કમાતી હતી.
એક કિન્નરને ખલનાયક બનાવવો એ નિર્દેશક-નિર્માતા મહેશ ભટ્ટના પક્ષે સાચે જ સાહસ કહેવાય, કારણ કે હિન્દી સિનેમામાં દુર્જનની ધારણા જ ‘મહામર્દ’ની છે અને એમાં જો કિન્નરને જો ખલનાયક બનાવીએ તો દર્શકો હસે નહીં? એક કિન્નરને ખલનાયક તરીકે જોવાનું હિન્દી સિનેમાના દર્શકો માટે નવું અને આઘાતજનક હતું. (‘શોલે’ના શૂટિંગ દરમ્યાન તો નિર્દેશક રમેશ સિપ્પીને એવું થઈ ગયું હતું કે નવોદિત અમજદ ખાનનો અવાજ ખલનાયક માટે અવાજ ‘પાતળો’ પડશે!)
જોકે ‘સડક’માં મહેશ ભટ્ટે સિનેમાની બદલાયેલી વ્યાખ્યા પ્રમાણે સાબિત કર્યું કે ખલનાયકી શરીરમાં કે ઍક્શનમાં નથી, પણ વિચારોમાં છે. સદાશિવ અમરાપુરકરે પણ તેમની ઍક્ટિંગના જોરે સામાન્ય જીવનમાં ઉપહાસનું સાધન એવા એક કિન્નરને ચાર ચાંદ લગાડી દીધા. એટલા માટે પૂરી ફિલ્મમાં ‘મહારાણી’ના દુષ્ટ વિચારો અને લાગણીઓને બતાવવા માટે ક્લોઝ-અપ અને એક્સ્ટ્રીમ ક્લોઝ-અપ શૉટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહારાણી પૂજા (ભટ્ટ)ને પહેલી વાર જુએ છે ત્યારે કહે છે, ‘કમાલ હૈ કુદરત કા! ક્યા ચીઝ બનાયી હૈ ઉપરવાલેને! દેખ દેખ મેરે તો બાલ ખડે હો ગએ હાથ પે, જાન હી નિકલ ગઈ મેરી! ઓહ, ક્યા રંગ! હાય રે યે બદન, આયે હાયે!’ અને થિયેટરોમાં દર્શકોના અને પડદા પર પૂજાના વાળ ઊભા થઈ ગયેલા. એમાં બાકી હોય એમ મહારાણીએ ઉમેર્યું, “ડર મત મેરી જાન, ડર મત. મૈ કુછ નહીં કરુંગી, મૈં કુછ કર હી નહીં સકતી. જાનતી હો ક્યોં? ક્યૂં કિ મૈં આધા મર્દ ઔર આધી ઔરત હૂં. દેખ ના, ના રૂપ ના રંગ, દેખ યે કિસ્મત કા ખેલ તો દેખ. અગર કુછ હૈ ના મેરે પાસ તો વો દિમાગ. હાં, કમાલ કા દિમાગ હૈ મેરે પાસ. ઇસી લિએ મર્દોં કી સેવા કરતી હૂં ઔર ઔરતોં કા ધંદા. યહાં કા રાજા, ઇસ જિસ્મ કે બજાર કા મહારાજા ઔર નામ મહારાની.’
સદાશિવને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનયનો ૧૯૯૧નો ફિલ્મફેર અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
વીસ વર્ષ પછી ‘સડક 2’ આવી છે. મૂળ ‘સડક’ના તમામ કલાકારો હજી મોજૂદ છે, સિવાય સદાશિવ. નવી પેઢીની આલિયા ભટ્ટનો નવી ‘સડક’માં ઉમેરો છે. નવી ‘સડક’
બૉક્સ-ઑફિસ પર શું ઉકાળે છે એ તો ખબર નથી, પણ એટલું નક્કી છે કે મહારાણી જેવો ચમત્કાર ફરીથી શક્ય નથી. મહેશ ભટ્ટની ફિલ્મો માટે કહેવાય છે કે એમાં અસલી જીવનની લાગણીઓ ધબકતી હોય છે. મહારાણીનું પાત્ર પણ અપવાદ નહોતું. ‘સડક’ના હીરો સંજય દત્તે મહેશ ભટ્ટને મહારાણીનો રોલ ઊભો કરવા સૂચન કર્યું હતું.
સંજય જ્યારે નશેડી હતો ત્યારે તે તેના ડ્રગ્સનો ક્વોટા લેવા માટે મુંબઈની સડકો અને ગલીઓની ખાક મારતો હતો અને એમાં તેને જે ધંધાદારીઓ ભટકાયેલા એમાં કોલીવાડાનો ટીકુ નામનો એક કિન્નર હતો, જે ગૅન્ગ ચલાવતો હતો. તેનો ચહેરો કદરૂપો હતો અને લાંબા વાળ હતા. તે બંગડીઓ પહેરતો હતો અને મેકઅપ પણ કરતો હતો. તેનાં કપડાં પણ સ્ત્રી-પુરુષ બન્નેનાં હતાં. સંજયને તે બહુ યાદ રહી ગયેલો. પાછળથી મહેશ ભટ્ટની જ બીજી ફિલ્મ ‘તમન્ના’માં પરેશ રાવલે આ ટીકુની ભૂમિકા કરી હતી.
મહેશ ભટ્ટને સંજયે જેની વાત કરી હતી તે કિન્નરમાં રસ પડી ગયો અને ‘સડક’ માટે મહારાણીનું પાત્ર ઊભું કરવામાં આવ્યું. સવાલ એ હતો કે આ ભૂમિકા કરશે કોણ? સંજયના વર્ણન પરથી મહેશ ભટ્ટે કાળા, બેઠી દડીના ક્રૂર કિન્નરની કલ્પના કરી હતી. સૌથી પહેલાં આ ભૂમિકામાં શરદ સકસેનાને રસ પડ્યો હતો, પણ મહેશ ભટ્ટને ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય’ (૧૯૮૧)માં સ્થાનિક ગુંડા રામા શેટ્ટીની ભૂમિકા કરનાર સદાશિવ અમરાપુરકરમાં રસ પડ્યો હતો.
સદાશિવની એ પહેલી જ હિન્દી ફિલ્મ હતી અને સાઉથ ઇન્ડિયન બમ્બૈયા ગુંડા રામા શેટ્ટીની ભૂમિકામાં છાકો પાડી દીધો હતો. આ પાત્રનો આધાર મુંબઈનો ડૉન વરદરાજન મુદલિયાર હતો. સદાશિવ એ પહેલાં મરાઠી નાટકોમાં કામ કરતા હતા. હીરો તરીકે ઓમ પુરીની પણ આ પહેલી ફિલ્મ અને ‘આર્ટ’ ફિલ્મ હોવા છતાં એના તાકતવર વિષય અને અભિનયના કારણે ‘અર્ધ સત્ય’એ દર્શકોમાં એવી જ ધમાલ મચાવી હતી જે કોઈ મુખ્ય ધારાની વ્યવસાયિક ફિલ્મ
મચાવે. ઓમ પુરીની ભૂમિકા પહેલાં અમિતાભ બચ્ચનને ઑફર થઈ હતી પણ તેની પાસે સમય ન હોવાથી ‘આર્ટ ફિલ્મવાળા’ ઓમ પુરીને લેવામાં આવ્યો હતો.
‘સડક’ હૉલીવુડની રૉબર્ટ દ નીરોની ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મ પરથી પ્રેરિત હતી જેમાં ન્યુ યૉર્કનો એકલવાયો ટૅક્સી-ડ્રાઇવર નીરો દેહવ્યાપારના દલાલ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યાની યોજના કરે છે, કારણ કે નીરો જેને પ્રેમ કરે છે તે સ્ત્રી ઉમેદવાર માટે કામ કરતી હોય છે. ‘સડક’માં સંજય દત્ત ટૅક્સી ચલાવે છે અને મહારાણીના અડ્ડા પર ફસાઈ ગયેલી પૂજાના પ્રેમમાં પડે છે અને અને તેને બચાવવા માટે થઈને મહારાણી અને તેની ગૅન્ગ સાથે પંગો લે છે.
મહેશ ભટ્ટ કહે છે, “અર્ધ સત્ય’માં મેં સદાશિવની સહજ પ્રતિભા જોઈ હતી અને મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે એક દિવસ મારી એક ફિલ્મમાં હું તેમને લઈશ. એટલે મેં ‘સડક’ની વાર્તા સંભળાવી તો તેમની આંખોમાં બાળસહજ ચમક આવી ગઈ. સ્ક્રીન-ટેસ્ટ માટે અમે તેમને સાડીમાં જોયા પછી વિશ્વાસ બેસી ગયો કે આ પાત્ર ધમાકો બોલાવી દેશે.’
સદાશિવે જે સહજતાથી કિન્નરની ભૂમિકા ભજવી હતી એનું બીજું એક કારણ એ હતું કે સદાશિવ તેમના કૉલેજના દિવસોમાં મરાઠી ગાયક અને નાટ્ય અભિનેતા નારાયણ શ્રીપદ રાજહંસ ઉર્ફે બાલ ગાંધર્વની ભૂમિકા કરતા હતા જે મરાઠી નાટકોમાં સ્ત્રીઓની ભૂમિકા કરવા માટે જાણીતા હતા. ત્યારે સ્ત્રીઓને નાટકમાં કામ કરવાની મનાઈ હતી. નાટકોમાં કામ કરવાની એ તાલીમ સદાશિવને ‘સડક’માં એક અસાધારણ ભૂમિકા કરવામાં કામ લાગી હતી.
એ પછી તો તેમણે અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. મહેશ ભટ્ટે ‘મર્ડર 2’ બનાવી ત્યારે એમાં મધ્ય પ્રદેશના એક રાજકારણી પર આધારિત કિન્નર રાજકારણી નિર્મલા પંડિતની ભૂમિકા સદાશિવને ઑફર કરી હતી, પણ તેમણે એવું કહીને એ ફિલ્મ ઠુકરાવી હતી કે તેમને મહારાણીના યાદગાર રોલ સાથે છેડછાડ નથી કરવી.
મહેશ ભટ્ટ કહે છે, ‘મને વિશ્વાસ હતો કે તેમણે મહારાણી કરતાં અલગ રીતે જ એ પાત્ર ભજવ્યું હોત, પણ એક ઍક્ટર તરીકે તેમને મહારાણી બનવાના ચમત્કારિક અનુભવને બરકરાર રાખવો હતો. એ સમયે મહારાણીના પાત્રને ઘણા લોકોએ ‘ઘટિયા’ અને ‘નિર્લજ્જ’ ગણાવ્યું હતું, પણ મને લાગે છે કે અસલી વિવેચક તો સમય જ છે જેણે હજી પણ સિનેમાપ્રેમીઓના દિલમાં મહારાણીને જીવતી રાખી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 07:53 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK