Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રેગિસ્તાનનો રોમૅન્સ ગુલામી

રેગિસ્તાનનો રોમૅન્સ ગુલામી

26 December, 2020 05:22 PM IST | Mumbai
Raj Goswami

રેગિસ્તાનનો રોમૅન્સ ગુલામી

રેગિસ્તાનનો રોમૅન્સ ગુલામી


‘હું જ્યારે ૬ વર્ષનો હતો અને આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા તાઉજી (કાકા)ને ત્યાં લગ્નમાં પહેલી વાર રાજસ્થાન ગયો હતો. હું શહેરનો માણસ છું અને મુંબઈમાં જ પેદા થયો છું, મોટો થયો છું, એટલે હું જ્યારે ત્યાં ગયો ત્યારે રેગિસ્તાન જોઈને અભિભૂત થઈ ગયો હતો. તાઉજીના ઘરે જતી વખતે રસ્તામાં આવતા રેતીના ટીલામાં હું આળોટવા લાગ્યો હતો. રેગિસ્તાન સાથેના સિનેમૅટિક રોમૅન્સની શરૂઆત અહીંથી થઈ હતી.’

‘બ્લૉકબસ્ટર’ કૉલમ માટે જ્યોતિ પ્રકાશ દત્તા ઉર્ફે જે. પી. દત્તાની ૧૯૮૫માં આવેલી ‘ગુલામી’ ફિલ્મની પસંદગી કરી ત્યારે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, રીના રૉય, સ્મિતા પાટીલ, અનીતા રાજ, કુલભૂષણ ખરબંદા, રઝા મુરાદ અને સૂત્રધારમાં અમિતાભ બચ્ચન જેવા કલાકારોની તોતિંગ ટોળકી વચ્ચે પણ ‘ગુલામી’નું રેગિસ્તાન કેમ સૌથી મોટા ‘હીરો’ જેવું લાગતું હતું. સામંતવાદી રાજસ્થાનમાં ક્રૂર જાતિવ્યવસ્થા પર આકરો પ્રહાર કરતી ‘ગુલામી’માં રેગિસ્તાન ખાલી બૅકગ્રાઉન્ડ નહોતું. એ એક ચારિત્ર્ય બનીને ઊભર્યું હતું. તેમને આ સવાલ ઘણી વાર પૂછવામાં આવ્યો હતો.



રેગિસ્તાન પ્રત્યેના તેમના આગવા પ્રેમની વાત એક ઇન્ટરવ્યુમાં ચાલુ રાખતાં દત્તા કહે છે, ‘ત્યાં રેગિસ્તાનમાં કશુંક હતું, જેનો એક દબદબો હતો. મને એ શૂનકાર, એ વિશાળતા અને રેગિસ્તાનના એ ઉજ્જડ રંગો ગમી ગયા હતા. એનું કારણ કદાચ એ પણ હશે કે હું વેસ્ટર્ન ફિલ્મો જોઈને મોટો થયો હતો. તમે બાળપણમાં બહુબધી વેસ્ટર્ન અને યુદ્ધવાળી ફિલ્મો જોઈ હોય અને તમે મોટા થઈને ફિલ્મમેકર બનો તો તમને એ ફિલ્મોને ફરીથી જીવવાનું મન થાય અને એટલે હું જે રીતે મોટો થયો એની ઘણી ચીજો મારી ફિલ્મોમાં છે, પણ તમે એ વાતનો ઇનકાર ન કરી શકો કે એ જગ્યા છે પણ ખૂબસૂરત.’


એ જગ્યા એટલે શેખાવટી. જયપુર અને બિકાનેર વચ્ચે થાર રેગિસ્તાનમાં શેખાવટી નામનો પ્રદેશ છે. ત્યાં સીકર જિલ્લાના ફતેપુર ટાઉનમાં ‘ગુલામી’નું શૂટિંગ થયું હતું. રાજસ્થાનમાં હવેલીઓની સંસ્કૃતિ શેખાવટીમાંથી આવી હતી. ૧૭થી ૧૯મી સદીમાં મારવાડી વેપારીઓએ શેખાવટીમાં ભવ્ય હવેલીઓ બાંધી હતી. રાજસ્થાનની બહાર વેપાર કરીને સમૃદ્ધ થયેલા આ વેપારીઓએ તેમનાં ઘર, મંદિરો, વાવડીઓ અને કૂવાઓને અંદર-બહાર ભીંતચિત્રોથી શણગાર્યાં હતાં. રાવ શેખા નામના શાસકે શેખાવટી રજવાડાની સ્થાપના કરી હતી.

‘ગુલામી’માં જવર પ્રતાપ (મિથુન) ‘કોઈ શક?’ કે હવાલદાર ગોપીદાદા (કુલભૂષણ) ‘થૅન્ક્યુ યુ’ બોલે છે એ હકીકતમાં સ્થાનિક બોલીનો ભાગ છે. ત્યાં એવાં ઘણાં વાક્યો છે; જેમ કે કે હોયો? (શું થયું?), થે કેંઈ કર રિયા હો? (શું કરે છે?), થે સિદ્ધ જા રિયા હો? (ક્યાં જાય છે?) વગેરે. ફિલ્મમાં આ સ્થાનિક બોલીનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.


વાસ્તવમાં જે. પી. દત્તાની પહેલી ફિલ્મ ‘ગુલામી’ નહોતી, પણ  વિનોદ ખન્ના સાથેની ‘સરહદ’ હતી, જે ઍરફોર્સમાં કામ કરતા દીપક દત્તાના એક અનુભવ પર આધારિત હતી. આ ફિલ્મ ૬૦ ટકા જેટલી તૈયાર થઈ અને પછી કોઈક કારણસર ડબ્બામાં પુરાઈ ગઈ. દત્તાએ દીપક પાસેથી ‘કોઈ શક?’ તકિયાકલામ સાંભળ્યો હતો, જે ઍરફોર્સમાં જવાનો બોલતા હોય છે. ‘ગુલામી’માં મિથુન ચક્રવર્તીનું પાત્ર આ એક સંવાદને કારણે અત્યંત લોકપ્રિય થયું હતું.

ફિલ્મ-નિર્દેશક ઇમ્તિયાઝ અલીને એક વાર તેમની ગમતી ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું હતું. એમાં તેમણે એક નામ ‘ગુલામી’નું આપ્યું હતું. ‘ગુલામી’ મેં અનેક વાર જોઈ હતી. ઇમ્તિયાઝે કહ્યું હતું, ‘મને લાગે છે જે. પી. દત્તા વિચારોથી ડાબેરી હતા. હું નાનો હતો ત્યારે મને તેમની ફિલ્મ બનાવવાની શૈલી ગમી હતી. તેમણે એવી જગ્યાઓએ એને શૂટ કરી હતી જે મને કાયમ યાદ રહી ગઈ હતી. હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે પહેલી છુટ્ટીઓ પર ફતેપુર શેખાવટી ગયો હતો, કારણ કે મેં એ રેલવે-સ્ટેશન ‘ગુલામી’માં જોયું હતું. એ પછી હું માંડવા અને અન્ય સ્થળોએ પણ રોકાયો હતો, જ્યાં શૂટિંગ થયું હતું. ‘જબ વી મેટ’ અને ‘લવ આજ કલ’માં આ લોકેશન્સ દેખાય છે.’

‘ગુલામી’માં રીના રૉય પર ફિલ્માવવામાં આવેલા ગુલઝારરચિત ખુબસૂરત વિરહગીત, ‘મેરે પી કો પવન કિસ ગલી લે ચલી, કોઈ રોકો મેરી જિંદગી લે ચલી’માં ફતેપુર શેખાવટી રેલવે-સ્ટેશન દેખાય છે. એમાં ધર્મેન્દ્ર ટ્રેનમાં બેસીને ગામ છોડીને જાય છે ત્યારે રીના રૉય બાજુના રણમાં ટ્રેનની સાથે-સાથે ચાલતી આ ગીત ગાય છે. ઈશ્વર બિદ્રી નામના સિનેમૅટોગ્રાફરે વાઇડ ઍન્ગલ સાથે આ ગીતને એવી રીતે શૂટ કર્યું હતું, જાણે સૂકું રણ પણ પ્રેયસીના વિરહમાં ઝૂરતું હોય.

આ ગીતમાં એક પંક્તિ છે; ‘જિંદગી અજનબી રસ્તા મૂડ ગયે, એક ઉમ્મીદ થી આખિર લે ચલી.’ જે. પી. દત્તાએ એક જગ્યાએ એવું કહ્યું હતું કે ‘આ પંક્તિ મારી ઘનિષ્ઠ દોસ્ત ઍક્ટ્રેસ અમ્રિતા સિંહનું સૈફ અલી ખાન સાથે બ્રેકઅપ થયું એમાંથી આવી હતી.’

એનું બીજું યાદગાર ગીત, ‘ઝીહાલે મુસ્કીન મકુમ બ-રંજીશ’ પણ ઉજ્જડ રસ્તા પર એક ખંડિયેરમાં ધામો નાખીને પડેલા વણજારાઓ પર ફિલ્માવાયું હતું. હુમા ખાન આ એક ગીતથી સૌની નજરે ચડી ગઈ હતી. રાજસ્થાનના ઉજ્જડ પ્રદેશમાં આથમતા સૂરજની સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસના માથે ચડીને જતાં મિથુન અને અનીતા રાજ પર ફિલ્માવાયેલું આ ગીત એટલું કર્ણપ્રિય હતું કે મોટા ભાગના લોકોને એ પણ જાણવાનું જરૂરી લાગ્યું નહોતું કે ગીતના શબ્દોના અર્થ શું થાય. લતા મંગેશકરનાં બહેતરીન ગીતોની યાદી બને તો આ ગીત એમાં સ્થાન પામે.

વાસ્તવમાં ગુલઝારે ફારસી કવિ અમીર ખુસરો (૧૨૫૩-૧૩૨૫)એ ફારસી-વ્રજ ભાષા મિશ્રિત ખડી બોલી અથવા હિન્દવીમાં લખેલા ગીતમાંથી શરૂઆતની પંક્તિ લઈને ‘ગુલામી’ માટે આખું ગીત લખ્યું હતું. ખુસરોએ લખ્યું હતું કે...

‘જિહાલ-એ-મિસ્કીન મકુન તગાફુલ,

દુરાયે નૈના બતિયાં

કિ તાબા-એ-હિજરા, ન દારેમ એ જાં,

ન લેહુ કાહે લગાયે છતિયાં.’

જેનો અર્થ થાય છે ‘મારા જેવા ગરીબ (મિસ્કીન)ની હાલતની ઉપેક્ષા (તગાફુલ) આવી રીતે આંખો ચોરીને (દુરાયે નૈના) અને બહાનાં કરીને (મકુન) ના કરીશ. હવે જુદાં રહેવાની (તાબા-એ-હિજ્ર્ર) શક્તિ નથી (ન દારેમ) મારી જાન, મને છાતીએ કેમ લગાવતી નથી.’

ગુલઝારે એમાં ફેરફાર કરીને લખ્યું;

‘ઝીહાલે મુસ્કીન મકુમ બ-રંજીશ,

બ-હાલે-હિજરા બેચારા દિલ હૈ

સુનાઇ દેતી હૈ જિસકી ધડકન,

તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ.’

જેનો અર્થ થાય છે, ‘મારા જેવા ગરીબને નારાજ (રંજીશ) નજરોથી ન જો, મારું બિચારું દિલ જુદાઈ (હિજરા)નું માર્યું બેહાલ છે. જે દિલની ધડકન તું સાંભળી રહી છે એ તારું કે મારું જ દિલ છે.

‘ગુલામી’એ આ દેશની ક્રૂર જાતિવ્યવસ્થાનો મુદ્દો અત્યંત તાકાતથી ઉપાડ્યો હતો. દત્તાએ પહેલી જ વ્યાવસાયિક ફિલ્મમાં આટલો અર્થગંભીર વિષય સફળતાપૂર્વક ઉપાડ્યો એ એક નવાઈની વાત છે જ, પણ એ તેમની સામાજિક પ્રતિબદ્ધતાની સાબિતી પણ છે. રણજિતસિંહ ચૌધરીના પાત્રમાં ધર્મેન્દ્રની આ સૌથી સંવેદનશીલ ફિલ્મ છે. ધર્મેન્દ્રએ એક ભણેલા-ગણેલા અને ન્યાયપ્રિય ‘બાગી’ (ડાકુ)ની ભૂમિકા અત્યંત કુશળતારપૂર્વક નિભાવી હતી.

મૂળ આ પાત્ર શેખાવટીના જાગીરદારો સામે બહારવટે ચડેલા ઝુંઝુનુ જિલ્લાના બીબાસાર ગામના સૂરજભાણ ડાંગી પરથી લેવામાં આવ્યું હતું. ‘ગુલામી’ ફિલ્મમાં સુરેન્દ્રપાલ નામનો ઍક્ટર સૂરજભાણ ડાંગીના પાત્રમાં દેખાય પણ છે. રણજિતસિંહ ચૌધરીનું પાત્ર આ સૂરજભાણ પર આધારિત હતું. એમાં રણજિતસિંહને રશિયન નવલકથાકાર મૅક્સિમ ગોર્કીની પ્રસિદ્ધ નવલકથા ‘મધર’ વાંચતો બતાવાયો છે. રાજસ્થાનમાં એવી દંતકથા છે કે સૂરજભાણ કાયમ તેની સાથે ‘મધર’ની આવૃત્તિ રાખતો હતો. 

‘ગુલામી’ ફિલ્મ રાજપૂત ઠાકુરોના જુલમ અને અન્યાય સામે રણજિતસિંહ ચૌધરીના નેતૃત્વ હેઠળ જાટ લોકોના બળવાની કહાની હતી. વિષય નવો નહોતો. જાતપાતના આધારે ભેદભાવ અને અન્યાય એ ભારતીય સમાજની સદીઓ જૂની સમસ્યા છે અને હિન્દી ફિલ્મોમાં એનું ચિત્રણ થતું જ રહ્યું છે. ‘ગુલામી’ની સફળતા એના મજબૂત ડિરેક્શન, જાનદાર સંવાદો, ખૂબસૂરત સિનેમૅટોગ્રાફી, કર્ણપ્રિય સંગીત અને દમદાર અભિનયને કારણે હતી.

જે. પી. દત્તાએ અઘરી સ્થિતિમાં ‘ગુલામી’ બનાવી હતી. એક તો તેમની ‘સરહદ’ અગાઉથી જ ડબ્બામાં પુરાઈ ગઈ હતી અને એમાં ‘ગુલામી’ શરૂ થઈ ત્યાં જ જેમણે એમાં પૈસા રોક્યા હતા એ નિર્માતા હબીબ નડિયાદવાલાએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમની પાસે પૈસા નહોતા. હબીબે રાજસ્થાનમાં ૨૫ દિવસનું શૂટિંગ કરવા માટે ચણામમરા જેટલા ૩ લાખ રૂપિયા આપ્યા હતા. દત્તાએ ધર્મેન્દ્રને કહ્યું હતું, ‘તારી ફી ચૂકવવાના પૈસા મારી પાસે નથી.’ ધર્મેન્દ્રએ ત્યારે મફતમાં કામ કરવાની હા પાડી હતી.

ધર્મેન્દ્રનું જોઈને રીના રૉય, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, અનીતા રાજ અને મિથુન પણ શૂટિંગનું પહેલું શેડ્યુલ મફતમાં કરવા તૈયાર થયાં હતાં. એ પહેલાં શૂટિંગનાં દૃશ્યો બતાવીને દત્તાએ પછી પૈસા ઊભા કર્યા અને ફિલ્મ પૂરી કરી. દત્તા કહે છે, ‘ફિલ્મ ‘ગુલામી’ પછી ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે ઘનિષ્ઠ સંબંધ થઈ ગયો હતો અને પછીની મારી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. લોકો કહે છે કે રાજસ્થાનના ટૂરિઝમ માટે સરકારી જાહેરખબરો જે કામ ન કરી શકે એ કામ ‘ગુલામી’એ કર્યું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 05:22 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK