ગુમનામ હૈ કોઈ, તરુણ બોઝ હૈ વોહી

Published: 31st October, 2020 18:48 IST | Raj Goswami | Mumbai

૧૯૬૫માં આવેલી મનોજકુમાર-નંદાની ફિલ્મ ગુમનામ અગાથા ક્રિસ્ટીની વાર્તા ઍન્ડ ધેન ધેર વેર નન પરથી પ્રેરિત હતી. એ પછી ૧૯૭૩માં સંજય ખાન-ઝિનત અમાનને લઈને બી. આર. ચોપડાએ ક્રિસ્ટીની નવલકથા ઍન અનએક્સપેક્ટેટેડ ગેસ્ટ પરથી ધૂંદ બનાવી હતી

શેક્સપિયરનાં ત્રણ પ્રખ્યાત નાટકો મેકબેથ, ઓથેલો અને હેમલેટ પરથી અનુક્રમે ત્રણ ફિલ્મો ‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘હૈદર’ બનાવનારા નિર્દેશક વિશાલ ભારદ્વાજ હવે ક્રાઇમ-સસ્પેન્સ નવલકથાઓ લખનાર બ્રિટિશ લેખિકા અગાથા ક્રિસ્ટીની વાર્તાઓ પર હિન્દી ફિલ્મો બનાવવાના છે. લેખિકાના નામે બનેલી કંપની ‘અગાથા ક્રિસ્ટી લિમિટેડ’ સાથે વિશાલે આ કરાર કર્યા છે. ક્રિસ્ટીનો પૌત્ર જેમ્સ પ્રિચાડ આ કંપની ચલાવે છે. ક્રિસ્ટીની વાર્તાઓમાં બેલ્જિયન જાસૂસ હર્ક્યુલે પોઇરોટ અને તેની સાથીદાર મમિસ માર્પેલ મુખ્ય પાત્રો છે અને દર કહાનીમાં બન્ને એક અજીબો-ગરીબ હત્યાનું રહસ્ય ઉકેલે છે.

વિશાલ આવી જ રીતે હિન્દી ફિલ્મોમાં બે જાસૂસોનાં પાત્ર ઊભાં કરશે, જે એક પછી એક ફિલ્મોમાં હત્યાના ભેદ-ભરમ ખોલશે. પહેલી ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. અગાથા ક્રિસ્ટીમાં ભાવુક કરી દે એવાં રહસ્યોમાં ફસાયેલાં ચરિત્રોની ભાવનાત્મક અરાજકતા, શિથિલ સંબંધો અને ઊથલપાથલ કરે એવી ઘટનાઓ ઘડવાનું જબરદસ્ત કૌશલ હતું.

ક્રિસ્ટી ૩૦ વર્ષની હતી ત્યારે ૧૯૨૦માં તેની બહેન સાથેની ચડસાચડસીમાં તેણે ‘ધ મિસ્ટિરિયસ અફેર ઍટ સ્ટાઇલ’ નામની એક ધારાવાહિક નવલકથા બ્રિટિશ સામચારપત્રમાં પ્રગટ કરી હતી. આજે ૧૦૦ વર્ષ પછી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર ક્રિસ્ટીની અપરાધ કથાઓની ૨૦૦ કરોડ નકલો વેચાઈ છે. ક્રિસ્ટીએ ૭૫ નવલકથા લખી છે.  તેણે ૧૫ નાટકો લખ્યાં હતાં અને તેમનું એક ‘ધ માઉસટ્રૅપ’ લંડનમાં ૧૯૫૨થી નૉન-સ્ટૉપ ભજવાય છે. માર્ચ મહિનામાં કોરોનાને કારણે એમાં બ્રેક આવ્યો.

હિન્દી સિનેમામાં અગાઉ ૧૯૬૫માં આવેલી મનોજકુમાર-નંદાની ફિલ્મ ‘ગુમનામ’ ક્રિસ્ટીની વાર્તા ‘ઍન્ડ ધેન ધેર વેર નન’ પરથી પ્રેરિત હતી. એ પછી ૧૯૭૩માં સંજય ખાન-ઝિનત અમાનને લઈને બી. આર. ચોપડાએ ક્રિસ્ટીની નવલકથા ‘ઍન અનએક્સપેક્ટેટેડ ગેસ્ટ’ પરથી ‘ધૂંદ’ બનાવી હતી. ૧૯૯૭માં કેતન મહેતાએ ‘એન્ડલેસ નાઇટ’ વાર્તા પરથી જૅકી શ્રોફ-દીપા સાહીને લઈને ‘આર યા પાર’ બનાવી હતી. 

ક્રિસ્ટીની મૂળ વાર્તા ‘ઍન્ડ ધેન ધેર વેર નન’માં ૧૦ અજનબીઓને અલગ-અલગ બહાનાં બતાવીને એક ટાપુ પર ભેગા કરવામાં આવે છે. બધા ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે તેમને બોલાવનાર યજમાનને કોઈ ઓળખતું જ નથી. એ પછી માણસોનાં ખૂન થવા માંડે છે. ૧૯૩૯ની ૬ નવેમ્બરે પ્રગટ થયેલી આ નવલકથાએ ધૂમ મચાવી હતી.

આ વાર્તાને થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને સિનેમામાં રૂપાંતરિત કરવામાં આવી હતી. અગાથા ક્રિસ્ટીએ ખુદ એના પરથી ૧૯૪૩માં એક નાટક બનાવ્યું હતું. ૧૯૪૫માં જ એના પરથી એ જ નામની ફિલ્મ બની હતી. ૨૦ વર્ષ પછી ૧૯૬૫માં જ્યૉર્જ  પૉલોકે એના પરથી ‘ટેન લિટલ ઇન્ડિયન્સ’ નામની ફિલ્મ બનાવી હતી.

‘ગુમનામ’ અને ‘ધૂંદ’ બન્ને બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી, પરંતુ ‘ગુમનામ’ આજે પણ લોકોને તેની સ્ટારકાસ્ટ અને સુંદર ગીતોનને કારણે યાદ છે. મનોજકુમાર, નંદા અને હેલન તો ત્યારે મોટાં નામો હતાં જ, પણ કૉમેડિયન મેહમૂદ તો વળી એથીય તોતિંગ કલાકાર હતો. એ વખતે મેહમૂદની ભૂમિકા વગર ફિલ્મો બનતી જ નહોતી. ૩૦૦ ફિલ્મોમાં કામ કરી ચૂકેલો મેહમૂદ

‘રાષ્ટ્રીય કૉમેડિયન’ કહેવાતો હતો. દર્શકો તેના નામમાત્રથી ફિલ્મો જોવા આવતા હતા. જગ્યા ન હોય તો પણ વાર્તામાં મેહમૂદનું પાત્ર ઘુસાડવામાં આવતું હતું.

હકીકતમાં ‘ગુમનામ’ની સ્ક્રિપ્ટમાં મેહમૂદનું પાત્ર નહોતું. ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીએ ફાઇનૅન્સરોના આગ્રહથી મેહમૂદ માટે ખાસ જગ્યા કરી હતી, એટલું જ નહીં, તેને મનોજકુમાર અને નંદા કરતાં પણ વધુ પૈસા આપવામાં આવ્યા હતા. એમાં મનોજકુમારને લાગી આવ્યું હતું અને તેઓ મેહમૂદને ફિલ્મમાંથી કઢાવવાની વેતરણમાં હતા. ‘ગુમનામ’ના નિર્દેશક રાજા નવાથેએ મેહમૂદ પર એક વિશેષ ગીત ‘હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં’ ફિલ્માવ્યું હતું અને મનોજકુમારે એને ‘કઢંગું’ ગીત કહીને ફિલ્મમાંથી એ ગીત કાપી નાખવા માટે બહુ મહેનત કરી હતી, પણ નવાથેને ગીત પર વિશ્વાસ હતો અને ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ગીત સૌથી લોકપ્રિય થયું હતું.

યોગાનુયોગ આ ગીત જાણે મેહમૂદની જ કહાની કહેતું હતું; મેહમૂદ રૂપાળો નહોતો અને તેનો રંગ કાળો હતો, પરંતુ ફિલ્મઉદ્યોગમાં તે સૌથી પ્રેમાળ અને સંવેદનશીલ કલાકાર ગણાતો હતો. ત્યારે ફિલ્મઉદ્યોગમાં સંઘર્ષ કરવા આવતા નવોદિત કલાકારો માટે મેહમૂદનું ઘર એક આશ્રયસ્થાન હતું. અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં રહેવાનું ઠેકાણું નહોતું ત્યારે મેહમૂદે તેને બે વર્ષ સુધી તેના ઘરમાં રાખ્યો હતો અને ‘બૉમ્બે ટુ ગોવા’ ફિલ્મમાં અમિતાભને તક આપી હતી. આ ફિલ્મના એક ફાઇટ-સીનમાં અમિતાભની બૉડી-લૅન્ગ્વેજ જોઈને સલીમ-જાવેદે પ્રકાશ મહેરાને ‘ઝંજીર’ માટે અમિતાભનું નામ સૂચવ્યું હતું.

‘ગુમનામ’નાં બીજાં બે ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં; એક, લતા મંગેશકરના અવાજમાં સદાબહાર ટાઇટલ-સૉન્ગ ‘ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ.’ ૧૯૬૩માં ‘ચરાડ’ નામની અંગ્રેજી રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ આવી હતી, એનું ટાઇટલ સંગીત ઉઠાવીને આ ગીત બનાવવામાં આવ્યું હતું. હિન્દી ફિલ્મોમાં ‘ભૂતિયાં ગીતો’નો એક પ્રકાર છે, જેમાં એક સ્ત્રીનો અજાણ્યો અવાજ દૂરથી એક ગીત ગાતો હોય અને સસ્પેન્સ ઊભું કરતો હોય. લતાજીએ ‘મહેલ’ ફિલ્મમાં ‘આયેગા, આયેગા, આયેગા આનેવાલા...’ ગીતમાં આવી જ કમાલ કરી હતી. આજેય ‘ગુમનામ હૈ કોઈ...’ સાંભળો તો થાય કે એ જમાનામાં સિંગલ સ્ક્રીન થિયેટરના અંધારામાં એ ગીત સાંભળીને પ્રેક્ષકોને કેવી ધ્રુજારી છૂટતી હશે.

બીજું ગીત મોહમ્મદ રફીના અવાજમાં ‘જાન પહેચાન હો’ હતું, જેમાં બધાં જ પાત્રો આંખે કાળી પટ્ટી બાંધીને પાર્ટીમાં ગીત ગાય છે. ફિલ્મમાં હત્યાની બે ઘટના પછી આ ગીત આવે છે અને એકદમ રૉક ઍન્ડ રૉક સ્ટાઇલમાં હતું. એમાં શરીરમાં વીજળી ભરીને નાચતી લક્ષ્મીછાયા હતી અને ગાવામાં નિર્દેશક કોરિયોગ્રાફર હર્મન બેન્જામિન હતો. આ ગીત ઉત્તર અમેરિકાના સંગીત કાર્યક્રમોમાં બહુ લોકપ્રિય થયું હતું. ૨૦૦૧માં ‘ઘોસ્ટ વર્લ્ડ’ નામની એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, તેના ટાઇટલ્સમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.   

‘ગુમનામ’ની કહાની આમ બહુ સાદી અને આમ બહુ સંભાવનાઓથી ભરપૂર હતી. ૮ માણસોને લઈને જતતા એક હેલિકૉપ્ટરે અજાણી જગ્યાએ ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડે છે અને એ બધા એક મોટી હોટેલનૂમા હવેલીમાં આશરો લે છે અને ત્યાં એક પછી એક ખૂન થવા માંડે છે.

એન. એન. સિપ્પીએ આ કહાની પરથી ફિલ્મ બનાવવાનું કામ રાજ ખોસલાને સોંપ્યું હતું. ખોસલા ૧૯૬૪માં હિટ સસ્પેન્સ ફિલ્મ ‘વો કૌન થી’ આપી ચૂક્યા હતા, પણ તેમને ‘ગુમનામ’ની કહાનીમાં દમ ન લાગ્યો એટલે સિપ્પીએ ક્રિસ્ટીની વાર્તા ‘ઍન્ડ ધેન ધેર વેર નન’ પરથી ફિલ્મનું નિર્દેશન રાજા નવાથેને સોંપ્યું હતું.

રાજા નવાથેએ ૧૯૬૫માં રાજ કપૂરના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ૧૯૫૩માં રાજ-નર્ગિસની ‘આહ’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. એ પછી ૧૯૬૫માં તેમણે શંકર-જયકિશનનાં સદાબહાર ગીતોવાળી ‘બસંત- બહાર’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. રાજા નાવાથેની સંગીત પર હથોટી હોવાને કારણે જ સિપ્પીએ તેમને ‘ગુમનામ’ માટે પસંદ કર્યા હતા.

ફિલ્મમાં તરુણ બોઝ નામના અભિનેતાએ હત્યારા મધુસૂદન શર્મા ઉર્ફે મદનલાલની ભૂમિકા કરી હતી. ‘ગુમનામ’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે માત્ર બોઝને અને હીરો હોવાને કારણે મનોજકુમારને જ અસલી હત્યારાની ખબર હતી. બાકીના કલાકારોને પ્લૉટથી બેખબર રાખવામાં આવ્યા હતા, જેથી તેમનો સસ્પેન્સફુલ અભિનય વાસ્તવિક લાગે. ત્યાં સુધી કે ફિલ્મમાં હિરોઇન નંદા અને મેહમૂદને છેક છેલ્લે હત્યારાની ઓળખાણ થાય છે અને એ પણ શૂટિંગના દિવસે જ ખબર પડી હતી.

ફિલ્મ રિલીઝ થયા પછી તરુણ બોઝની ભૂમિકાની એટલી નોંધ લેવાઈ હતી કે લોકોએ ફિલ્મના હિટ ગીત પરથી જોડકણું બનાવી નાખ્યું હતું; ‘ગુમનામ હૈ કોઈ, તરુણ બોઝ હૈ વોહી.’ તરુણ બોઝની દીકરી શિલ્પી બોઝ એક ઠેકાણે લખે છે કે તે નાની હતી ત્યારે તે તેના પિતા સાથે એક વાર કૉમેડિયન આસિત સેનના ઘરેથી રાતે પાછી ફરતી હતીત્યારે રસ્તામાં પિતાની કારથી એક ટાંગાવાળાનો ઍક્સિડન્ટ થઈ ગયો. પિતાએ નજીકમાં પોલીસને જાણ કરી. પોલીસ આવી એટલે રસ્તામાં ટોળું ભેગું થઈ ગયું અને અકસ્માતમાં  ‘કોનો વાંક છે?’ની ગરમાગરમ ચર્ચા થવા લાગી. પોલીસ તપાસ કરતી હતી એવામાં ટોળામાંથી કોઈકે તરુણ બોઝને જોઈને બૂમ પાડી, ‘અરે યે તો તરુણ બોઝ હૈ, ઇસકા તો કામ હી યે હૈ, આખિર ઇસને હી તો ‘ગુમનામ’ મેં સાત ખૂન કિયા હૈ.’ શિલ્પી લખે છે,‘ત્યારે મારા પિતાને હસવું કે રડવું એની ખબર ન પડી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK