અભિયાન

Published: Jun 23, 2020, 20:12 IST | Sanjay Goradia | Mumbai

હા, ‘બા રિટાયર થાય છે’ નાટકનું પહેલાં આ ટાઇટલ નક્કી થયું હતું અને બધાએ ઑલમોસ્ટ ફાઇનલ પણ કરી દીધું હતું

ગોલ્ડન મોમેન્ટ્સ: હું અને શફી ઇનામદાર ‘બા રિટાયર થાય છે’ના બે પાર્ટનર
ગોલ્ડન મોમેન્ટ્સ: હું અને શફી ઇનામદાર ‘બા રિટાયર થાય છે’ના બે પાર્ટનર

રાજેશ મહેતાને અમે ‘બા રિટાયર થાય છે’ના સંગીતની કામગીરી સોંપી હતી, પણ તેમના મ્યુઝિકમાં શફીભાઈને જામ્યું નહીં એટલે મ્યુઝિક માટે અમે છેલ્લી ઘડીએ અજિત મર્ચન્ટ પાસે ગયા. અજિતભાઈ આમ કંઈ જઈને ઊભા રહીએ એટલે કામ હાથ પર લે નહીં. બહુ સ્વમાની અને જિદ્દી સ્વભાવના. તેમની સાથે મેં ‘ચિત્કાર’માં કામ કર્યું હતું એટલે એ સંબંધના દાવે તેઓ રાજી થયા અને તેમણે મને કહ્યું, ‘સંજય, તું ફસાયો છે એટલે હું તને મદદ કરીશ.’

આખા નાટકના મ્યુઝિકનું રેકૉર્ડિંગ થઈ શકે એવો તો સમય જ નહોતો એટલે અમે તેમની પાસે રહેલા મ્યુઝિકના સ્ટૉકમાંથી જ બધું ભેગું કરવાનું શરૂ કર્યું, પણ બે સીન એવા નીકળ્યા કે અમે ફરીથી મૂંઝાયા. આ બે સીનમાંથી એક સીન એ, જેમાં મોટો દીકરો તેની વાઇફને લાફો મારે છે અને બીજો સીન એટલે ક્લાઇમૅક્સ. આ સીનમાં બા જાય છે એને લગતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈતું હતું, પણ શફીભાઈને એ મ્યુઝિક અજિતભાઈના સ્ટૉક્સમાંથી મળતું નહોતું. બહુ મથામણ કરી, કડાકૂટ કરી, બહુ પ્રયાસ કર્યા. અઢળક પીસ સાંભળ્યા, પણ જામે નહીં. શફીભાઈ પોતાને શું જોઈએ છે એમાં ક્લિયર હતા. તેમને ફિલ્મોમાં હોય છે એવું હેવી ઑર્કેસ્ટ્રા ટાઇપનું મ્યુઝિક જોઈતું હતું.

હું શફીભાઈને લઈને મંગેશકર અટકવાળા ફિલ્મ-એડિટર પાસે ગયો. તેમનું નામ મને અત્યારે યાદ નથી, પણ હું તેમને બ્રેકફાસ્ટ સિરિયલના સમયથી ઓળખતો હતો. દૂરદર્શનની બ્રેકફાસ્ટ સિરિયલની વાત આપણે અગાઉ કરી છે. રમેશ તલવાર અને વિજય તલવારે દૂરદર્શન માટે સિરિયલ બનાવી ત્યારે હું એમાં પ્રોડક્શન-મૅનેજર હતો. મંગેશકરજીને હું એ સમયથી ઓળખું. શફીભાઈને લઈને હું તેમની પાસે ગયો. શફીભાઈએ તેમને વાત કરી કે તેમને કેવું મ્યુઝિક જોઈએ છે. તેમણે શફીભાઈને થોડા મ્યુઝિક-પીસ સંભળાવ્યા, જેમાંથી શફીભાઈએ ત્રણ પીસ ફાઇનલ કર્યા. એ પીસ મેં સાંભળ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મ્યુઝિકના એ પીસ હકીકતમાં તો ખૈયામસાહેબે ‘બાઝાર’ના બૅકગ્રાઉન્ડ માટે તૈયાર કર્યા હતા, એમાંનો એક પીસ એ ‘બાઝાર’નું ટાઇટલ-મ્યુઝિક. મિત્રો, તમને યાદ હશે કે સાગર સરહદીના ‘બાઝાર’માં હું પ્રોડક્શન સંભાળતો હતો. સાવ જ અનાયાસ મને ‘બા રિટાયર થાય છે’ના ક્લાઇમૅક્સમાં ખૈયામસાહેબનું ‘બાઝાર’ ફિલ્મનું મ્યુઝિક વાપરવા મળ્યું. આને કહેવાય ઋણાનુબંધ.

મ્યુઝિક પછી વાત આવી કૉસ્ચ્યુમની. નાટકના કૉસ્ચ્યુમ માટે એ વખતે બહારથી ખાસ સ્વતંત્ર ડિઝાઇનર બોલાવવાનો કોઈ રિવાજ નહોતો, પણ આ બાબતમાં અમને નીતિન વખારિયા ઉપયોગી બન્યા. નીતિનની કૉસ્ચ્યુમ અને કલરની સેન્સ બહુ સારી. હું નીતિનને કૉસ્ચ્યુમ ડિઝાઇન કરવાનું જ્યારે પણ કહું ત્યારે તે ના પાડી દે, પણ આ નાટકમાં નીતિન નાના દીકરાનો રોલ કરતો હતો એટલે એ રીતે તે પ્રોજેક્ટ સાથે ઇન્વૉલ્વ હોવાથી તેણે અમને મદદ કરી. હસબન્ડ-વાઇફ હોય તો તેમના કલર-કૉમ્બિનેશન સરખાં રહેવાં જોઈએ. નાનો દીકરો થોડા મૉડર્ન કપડાં પહેરે અને મોટા દીકરાને કપડાંની બાબતમાં જરા ઑર્થોડોક્સ દેખાડીએ તો કૉસ્ચ્યુમ પરથી પણ ખબર પડી જાય કે આ બન્ને નાના-મોટા ભાઈઓ છે. આ અને આવી અનેક બાબતોમાં ઝીણવટથી તેણે ધ્યાન આપ્યું, જે નાટકમાં ઊપસી આવ્યું.

પ્રી-પ્રોડક્શનની મોટા ભાગની તૈયારીઓ પૂરી થવા આવી એટલે હવે કામ શરૂ થયું રિહર્સલ્સનું. નક્કી થયું કે ૧૯૯૦ની ૧ જાન્યુઆરીએ આપણે ‘બા રિટાયર થાય છે’નું મુરત બિરલા ક્રીડા કેન્દ્રની પાછળ આવેલા બોટ-હાઉસમાં કરીશું. શૈલેશ દવે મોટા ભાગે આ જગ્યાએ પોતાનાં નાટકોનાં રિહર્સલ્સ અથવા તો એનું

રાઇટિંગ કરતા.

અમારા મુરતની તારીખ નજીક આવતી જતી હતી અને એ શરૂ થાય એ પહેલાં મારે પૈસાની વ્યવસ્થા કરવાની હતી. નક્કી થયા મુજબ હવેનો બધો ખર્ચ મારે કરવાનો હતો. મિત્રો, વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં તમને કે એ વખતે નાટક એક લાખ ને પાંચ હજાર રૂપિયામાં બન્યું હતું.

નસીબજોગ ન્યુઝપેપરમાં મારા અકાઉન્ટને કારણે મારે ઍડ્વર્ટાઇઝમેન્ટના પૈસા તરત જ ચૂકવવાના નહોતા. સેટના થોડા પૈસા બાકી રાખી શકાય એમ હતા, તો કૉસ્ચ્યુમના પણ અમુક પૈસા નાટક ઓપન થાય એ પછી ચૂકવવાના હતા. આ બધા પછી મને એ સમયે ૫૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી, જેમાંથી ૨૦ હજાર મેં તરુણી શ્રોફ પાસેથી વ્યાજે લીધા હતા. તરુણી શ્રોફનો વાલકેશ્વરમાં મૅરેજ બ્યુરો ચાલે છે. થોડા સમય પહેલાં જ તેમનું અવસાન થયું. મારે તેમની સાથે મિત્રતા હતી, જેને લીધે તેમણે મને એ પૈસા આપ્યા હતા. આ સિવાયના ૩૦ હજાર મેં મારા ભાઈબંધ-દોસ્તારો પાસેથી લીધા હતા તો થોડીઘણી મારી બચત હતી. આમ મેં પહેલો શો થઈ જાય ત્યાં સુધીની વ્યવસ્થા કરી નાખી.

૧ જાન્યુઆરી નજીક આવવા માંડી એટલે હું શૈલેશભાઈને મળવા ગયો. મેં તેમને જઈને કહ્યું કે મારે બોટ-હાઉસમાં નાટકનું મુરત કરવું છે અને મારી પાસે જગ્યા નથી. જો તમે હા પાડો તો હું અહીં મુરત કરું. શૈલેશભાઈએ ખેલદિલીપૂર્વક કહ્યું કે સવાલ જ નથી, તમે કરો મુરત. હું એક દિવસ માટે બીજે ક્યાંક જતો રહીશ.

મને હજી પણ એ દિવસ એક્ઝૅક્ટ યાદ છે.

૧ જાન્યુઆરીએ અમે બિરલા ક્રીડા કેન્દ્રના બોટ-હાઉસમાં મુરત કર્યું ત્યારે શફીભાઈનાં વાઇફ ભક્તિ બર્વેનાં મધર ખાસ એ મુરતમાં હાજરી આપવા અને અમને સૌને આશીર્વાદ આપવા આવ્યાં હતાં. બીજી એક વાત કહું તમને મિત્રો. ‘બા રિટાયર થાય છે’ જેવા યુગસર્જક નાટકનું મુરત ૧ જાન્યુઆરીએ એટલે કે સામી સંક્રાન્તે થયું હતું અને ૪ માર્ચે એટલે કે સામી હોળીએ ઓપન થયું હતું. આવું ગુજરાતી રંગભૂમિ પર ભાગ્યે જ બન્યું હશે.

મુરત થઈ ગયું. હવે વાત આવી રિહર્સલ્સની. રિહર્સલ્સ માટે હું જગ્યા શોધતો હતો. મારે રૉબર્ટમની સ્કૂલમાં રિહર્સલ્સ કરવાં નહોતાં. ગુજરાતી ફાર્બસ સભાનો એક ખૂબ જ સરસ હૉલ છે, લક્કીલી અમને એ મળી ગયો. આખા મહિનાનું ભાડું ભરીને અમે ત્યાં રિહર્સલ્સ ચાલુ કરી દીધાં.

રિહર્સલ્સના પહેલા દિવસે અમે ખાસ અરવિંદ જોષીને બોલાવ્યા હતા. નાટકનું રીડિંગ કરવા માટે તેઓ આવ્યા અને નાટકનું રીડિંગ તેમણે આખી ટીમ સામે કર્યું અને મિત્રો, ક્લાઇમૅક્સ, અત્યારે આ લખતી વખતે પણ મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. અરવિંદભાઈ જેટલા અદ્ભુત અભિનેતા, એટલું જ સુંદર તેમણે નાટકનું રૂપાંતર કર્યું હતું. એટલું સરસ રીતે તેમણે નાટકનું રીડિંગ કર્યું કે એ દિવસે ફાર્બસ હૉલમાં બધા કલાકારો નાટકનો ક્લાઇમૅક્સ સાંભળીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. આ ઇમ્પૅક્ટ હતી નાટકની, આ ઇમ્પૅક્ટ હતી અરવિંદ જોષીના રૂપાંતરની. હ્યુમર ગુજરાતી નાટકમાં બહુ જરૂરી છે જે અરવિંદભાઈએ ખૂબ સરસ રીતે વણી લીધું હતું.

બીજા દિવસથી રિહર્સલ્સ શરૂ થયાં. રિહર્સલ્સ શરૂ થાય એ પહેલાં હું પહોંચી જાઉં અને રિહર્સલ્સ પૂરાં થયા પછી સૌથી છેલ્લે હું નીકળું. રિહર્સલ્સ જેમ-જેમ આગળ વધતાં રહ્યાં એમ-એમ વાત નાટકના ટાઇટલ પર આવવી શરૂ થઈ. ‘બા રિટાયર થાય છે’. હું આ ટાઇટલની પાછળ પડી ગયો હતો, પણ બધાનું કહેવું એવું હતું કે આ ટાઇટલ નથી. આ સ્ટેટમેન્ટ છે, આ વાક્ય છે. આવું ટાઇટલ ન હોય. આ ટાઇટલ વર્ક ન કરે. બીજું કોઈ ટાઇટલ, ‘બા રિટાયર થાય છે’થી વધારે ઉત્તમ કોઈને મળતું હોય તો મને વાંધો પણ નહોતો એટલે બધા પોતપોતાની રીતે ટાઇટલ ઉછાળી રહ્યા હતા, પણ કોઈને ટાઇટલ મળે નહીં. જાતજાતનાં અને ભાતભાતનાં ટાઇટલ આવી રહ્યાં હતાં, પણ બધાં રિજેક્ટ થતાં. છેવટે મનહર ગઢિયાના સજેશનથી શફીભાઈ એક ટાઇટલ નક્કી કરવા પર આવી ગયા. આ ટાઇટલ હતું, ‘અભિયાન.’

હા, ‘બા રિટાયર થાય છે’ ટાઇટલ નક્કી થયું એ પહેલાં આ નાટકનું ટાઇટલ ‘અભિયાન’ લગભગ નક્કી જ થઈ ગયું હતું. નક્કી થયેલું આ ટાઇટલ કેવી રીતે ચેન્જ થયું એની અને નાટકની અંદરની બીજી વાતો કરીશું આવતા મંગળવારે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK