બાળકના શ્રેષ્ઠ પિતારૂપે સ્ટીવ જૉબ્સનું નવું રૂપ જાણો

Published: 15th October, 2011 20:09 IST

જગતભરના અખબારજગતે કમ્પ્યુટરના આધુનિક કાર્યક્રમો અને મરતાં પહેલાં ઍપલ કંપનીનાં આઇ-પૅડ નામનાં કમ્યુનિકેશનનાં દૃશ્ય અને શ્રાવ્ય રમકડાં આપનારા સ્ટીવ જૉબ્સને ભરપૂર અંજલિ આપી છે. સ્ટીવ જૉબ્સ વર્કોહોલિક્સ તો હતા જ. હા, એકવીસમી સદીમાં માણસે બીજા કોઈ વ્યસન કરતાં તેના કર્મનું અને સતત કંઈ નવું કરવાના વ્યસનમાં પડવું જ જોઈએ, પણ સાથે-સાથે તેણે પોતાના કુટુંબને પણ સંભાળવું જોઈએ.

 

 

(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

You may give your children your love but not your thoughts. For they have their own thoughts. - ખલીલ જિબ્રાન

સ્ટીવ જૉબ્સના જીવન માટે ટનબંધ લખાયું છે. સ્ટીવ જૉબ્સે જગત તેમને યાદ કરે એ માટે શરીરની ખેવના ન કરી, પણ તેમનો સૌથી વખાણવાલાયક ગુણ હોય તો ‘હી વૉઝ અ કૅરિંગ ફાધર.’ તેઓ તેમનાં બાળકોનું ખૂબ ધ્યાન રાખતા. તેમનાં ત્રણ બાળકોના શિક્ષણમાં ખાસ રસ લેતા. તેમનાં કુદરતી મા-બાપમાં પિતા મુસ્લિમ હતા, તેમણે તો તેમને છોડી દીધા એથી તેમને પિતાનો પ્રેમ ન મળ્યો. એ પ્રેમ સ્ટીવ જૉબ્સે તેમનાં બાળકોને ભરપૂર આપ્યો હતો.

અમેરિકન સ્કૂલોમાં બાળકોનાં મા-બાપની રવિવારે મીટિંગ હોય છે. જમવા માટે કે પાર્ટી માટે કે મનોરંજન માટે સ્ટીવ જૉબ્સ એક મિનિટ ન વેડફતા, પણ પેરન્ટ્સ મીટિંગમાં અચૂક જતા. ઉપરાંત પોતે તો અનિયમિત સમયે ખાતા પણ તેમનાં બાળકો જન્ક ફૂડ ન ખાય, કોલાનાં પીણાં ન પીએ, રેસ્ટોરાંનું ન જમે એનો ખાસ ખ્યાલ રાખતા. પોતે પૂર્ણ શાકાહારી હતા એથી બાળકોને શાકાહારી બનાવ્યાં. સવારે ફ્રૂટ-જૂસ જ આપતા.

૧૯૯૦માં સ્ટીવ જૉબ્સ સાવ અલ્લડ, રખડુ, તરંગી અને ઘરની ખેવના ન કરનારા હતા, પણ લૉરેન નામની પ્રેમિકાને પરણ્યા પછી પુત્ર અને બે પુત્રીને તેઓ અનહદ પ્રેમ કરતા. ૨૦૦૫ના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહેલું કે ‘ડૉક્ટરોએ કહ્યું કે મારા કૅન્સર થકી છ મહિનામાં મરી જઈશ પણ મારી પત્નીના પ્રેમ, બાળકોની મારી ચિંતાએ મને ૨૧ વર્ષ જીવવાનો મસાલો આપ્યો છે.’

ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આઇ લવ માય લાઇફ... આ હૅવ ગૉટ ગ્રેટેસ્ટ ફૅમિલી ઇન ધ વર્લ્ડ.’ આ પ્રકારે આપણા કેટલા ગુજરાતી બાપ પોતાના કુટુંબને પોતાની પ્રગતિ માટે યશ આપે છે? પરણતાં પહેલાં સ્ટીવ જૉબ્સે ઘણા રોમૅન્સ કરેલા, પણ પછી તેઓ એક ફેઇથફુલ હસબન્ડ હતા. ‘હું કદી સોશ્યલાઇઝ કરતો નથી, કૉન્ફરન્સમાં જતો નથી. કૉન્ફરન્સ કરતાં મારા બાળકો સાથે રમવામાં, તરવામાં અને ગપ્પાં મારવામાં મને ઘણું જાણવાનું મળે છે.’

મોટે ભાગે તેઓ અમેરિકનો પહેરે છે એવાં ટાઇટ શૂઝ પહેરતા નહોતા. ઉઘાડા પગે ચાલતા. જો રેસ્ટોરાંમાં જાય તો ગાયના દૂધનું દહીં જ ખાતા. તેમનો ડ્રેસ સાદો હતો. બાળકોને સાદાઈ શીખવતા. તેમને ટીવી જોવા દેતા નહીં. પોતે અબજોપતિ છે એનો કોઈ ભાર રાખતા નહીં. ઠેર-ઠેર કાણાં પડેલાં બે જીન્સ રાખતા. તેમનું ઘર પણ સાદું અને ફર્નિચરના ઠાઠ વગરનું હતું. પરણ્યા ત્યાં સુધી તેઓ માત્ર એક સાદડી પર ભોંય પર સૂઈ રહેતા. ઘરમાં ફર્નિચર તરીકે માત્ર સુપર સ્ટિરિયો સિસ્ટમ હતી, એક જૂનો પિયાનો હતો. તેઓ જર્મન કારના શોખીન હતા. શું કામ? જર્મન ચીજો પર્ફે‍ક્ટ હોય છે. તેઓ પોતે પર્ફે‍ક્શનિસ્ટ હતા અને બાળકોને કહેતા જે કામ હાથ ધરો એ પર્ફે‍ક્ટ થવું જોઈએ. અવારનવાર તેઓ ઉપવાસ કરતા, કહેતા કે ખોરાક ખાવાથી જે શક્તિ મગજને વાપરવી હોય છે એ પાચનમાં વપરાઈ જાય છે. તેમણે ગાર્ડન રાખેલું. એમાં પોતાની દેશી મકાઈ પકવતા. બગીચામાં ઉગાડેલાં પાંદડાંની હર્બલ-ટી પીતા. તેમનાં લૉરેન પૉવેલ સાથેનાં લગ્ન વખતે બે જ મહેમાનો હતા; એક બૌદ્ધ સાધુ હતા અને વેડિંગ બેલ્સમાં તેમણે બુદ્ધના દેવળમાં વગાડવામાં આવે છે એવી ઝાલર વગાડેલી! એક પર્ફે‍ક્ટ માનવ અને પર્ફે‍ક્ટ પિતા તરીકે હું તેમને યાદ કરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK