યુવતીઓમાં વધી રહ્યું છે સિંગલ રહેવાનું ચલણ

Published: 15th December, 2011 08:48 IST

થોડાક દાયકા પહેલાં છોકરીઓ નહીં પરણવાનો વિચાર પણ ન કરતી. માતા-પિતાનું એક જ લક્ષ્ય રહેતું કે સારું ઘર અને સારો વર જોઈને બસ દીકરીને પરણાવી દેવાની, આજે એવું નથી. સ્ત્રી આત્મનિર્ભર બનતાં પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

પ્રાચીન સમયમાં એક કહેવત હતી ‘કુંવારી ડોશી જોઈ છે કદી?’ કહેવાનો મતલબ એટલો કે પુરુષો મોટી ઉંમર સુધી કે આજીવન કુંવારા રહેતા, પરંતુ સ્ત્રીઓ તો પરણી જ જતી, પણ આજનો સમય આ કહેવતને ખોટી પાડે છે. આજે તો ઘણીયે સ્ત્રીઓ અપરિણીત રહે છે. સમય બદલાયો છે. સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, પગભર થઈ છે. તેની પાસે પોતાના વિચારો છે. તેને પોતાનાં મંતવ્યો છે. ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એ કહેવત આજે બદલાઈ ગઈ છે. ગાયને તો જવું હોય ત્યાં ભલે જાય, પણ દીકરી તો પોતાને ગમશે ત્યાં જ જશે. વળી લગ્ન કરવા કે કરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવી સમસ્યા થઈ ગઈ છે. પ્રાચીન સમયમાં દીકરીને ગમેત્યાં પરણાવી દેવામાં આવતી; બીજવર કે ત્રીજવર પણ હોય. આજે તો દીકરીની સાથે આમ થઈ જ શકે એમ નથી. તેની પસંદગી પ્રમાણે જ આગળ વધી શકાય છે. આવાં અનેક કારણોસર લગ્નની ઉંમર વીતી જવા છતાં છોકરીઓ અપરિણીત રહી જાય છે.

અપરિણીત રહેવાનાં કારણો

આમ તો ઉચ્ચ શિક્ષિત, આત્મનિર્ભરતા અને ઉચ્ચ પસંદગીને કારણે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ જાય અને પછી વય વીતી જતાં તેઓ પરણવાનું માંડી વાળે છે. આ ઉપરાંત ઘણી વાર મોટાં ભાઈ-બહેનોનાં લગ્ન થવામાં એટલોબધો વિલંબ થઈ જાય છે કે પછી મોટી ઉંમરે યોગ્ય મુરતિયો મળવો મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર જન્માક્ષર પણ દાટ વાળે છે. યુવક-યુવતી પરસ્પરને પસંદ કરી લે, પણ જન્માક્ષર મળે નહીં એટલે વાત અટકી જાય અને આમ ખૂબ મોડું થઈ જાય. ઘણી વાર સંયુક્ત કુટુંબને કારણે પણ લગ્ન અટકી જતાં હોય છે. એ વિશે વાત કરતાં લતા મોદી કહે છે, ‘મારે માટે જ્યારે કોઈ મુરતિયાની વાત આવે ત્યારે ક્યારેક પિતાને ગમે તો કાકાને ન ગમે, કાકાને ગમે તો કાકીને ન ગમે અને બધાને ગમે તો મને ખુદને ન ગમે.’

આજે ઘણી યુવતીઓ વર્ષે ૧૦,૦૦,૦૦૦થી ૧૨,૦૦,૦૦૦ રૂપિયાનું પૅકેજ મેળવતી હોય છે. આવી યુવતીઓ પોતાનાથી ઓછું કમાતા કે નીચી પોસ્ટ પર કામ કરતા છોકરાને પસંદ કરતી નથી.

સમાજનો અભિગમ

અપરિણીત હોવાને લીધે સમાજના લોકોના અભિગમમાં ફરક પડે છે? એવો પ્રશ્ન ૪૨ વર્ષનાં મીતા શાહને પૂછતાં તે કહે છે, ‘જરા પણ નહીં. તેમનું વર્તન જેવું પરિણીત સ્ત્રીઓ સાથે હોય છે એવું જ મારી સાથે પણ હોય છે. મને તો ઘણા લોકો માનની દૃષ્ટિએ જુએ છે.’

મીતાની વાતનો છેદ ઉડાડતાં ૩૮ વર્ષનાં નિશિતા કહે છે, ‘મારો અનુભવ જુદો છે. લોકો મારી સામે એવી રીતે જુએ છે જાણે મેં કોઈ ગુનો કરી નાખ્યો હોય. કોઈ-કોઈ તો પૂછે પણ ખરા કે હવે લગ્ન ક્યારે કરવા છે? કરવા પણ છે કે નહીં? લોકો તો દાઝ્યા પર ડામ દેતા હોય છે. ઘણી વાર તો તેઓ કહે છે, ‘તારી કરતાં નાની છોકરીઓ પરણી ગઈ. હજી તારે પરણવું નથી? તારી ભાણેજનાં લગ્ન થઈ ગયાં ને માસી રહી ગઈ?’ સમાજના લોકો આવી સ્ત્રીઓને આવી રીતે પરેશાન કરતા હોય છે, પણ હવે ધીરે-ધીરે લોકોની માનસિકતા બદલાતી જાય છે અને અપરિણીત સ્ત્રીઓને લોકો સ્વીકારતા થયા છે.’

ઇચ્છા-અરમાનોનું શું?

દરેક સ્ત્રીને પત્ની, માતા બનવાના કોડ હોય છે. જો પરણે નહીં તો આવી ઇચ્છા-અરમાનોનું શું? તો મોટા ભાગની સ્ત્રીઓ પરિસ્થિતિને સ્વીકારી લે છે તો કેટલીક અપરિણીત માનુનીઓ પોતાનાં ભાઈ-બહેનનાં બાળકો પર પોતાની મમતા વરસાવે છે તો ઘણી સ્ત્રીઓ વધુ ને વધુ કામમાં ડૂબી જાય છે એટલે આવા વિચારો પજવે નહીં તો વળી આજે સિંગલ વુમન બાળકને અડૉપ્ટ કરીને ઉછેરે છે અને માતા બનવાની પોતાની ઇચ્છા-અરમાન પૂર્ણ કરે છે.

શંકાના ઘેરામાં

આત્મનિર્ભર અપરિણીત સ્ત્રીને કોઈ કામસર પોતાના ઉપરી સાથે બહાર જવાનું થાય અથવા કોઈ પુરુષ સાથે કૉફી હાઉસમાં બેસી કૉફી પીવાનું થાય તો તે કુંવારી હોવાને કારણે તરત જ શંકાના ઘેરામાં આવી જાય છે.

આ વાતમાં ઉશ્કેરાઈને લતા કહે છે, ‘જેને ફાવે તેમ બોલે. હું એની પરવા કરતી નથી. રોજનું થયું. લોકોના બોલવા સામે જોવા બેસું તો મારું કામ કઈ રીતે કરું?’

ઘણી વાર બૉસ કે સહકર્મચારીઓની પત્ની પણ અપરિણીત સ્ત્રી પ્રત્યે વધુ શંકાશીલ હોય છે. કોઈ પણ પુરુષની પત્નીને પોતાનો પતિ અપરિણીત સ્ત્રી સાથે વધુ સંબંધ રાખે એ ન ગમે. જોકે પરિણીત સ્ત્રી સાથે રાખે તો પણ વાંધો પડે, પણ એ ઓછો હોય, કારણ કે આખરે એ સ્ત્રી પરિણીત છે, તેનો પતિ છે, તેનાં બાળકો છે એટલે કાંઈ મારા પતિને ફોસલાવી નહીં જાય. ફક્ત કામ પૂરતો જ સંબંધ રાખશે એવો સધિયારો તેને રહે છે, જ્યારે અપરિણીત સ્ત્રી પ્રત્યે તે શંકાશીલ બની જાય છે.’

એકલતા લાગે

પરણેલી યુવતીને પોતાનો પતિ હોય, બાળકો હોય, પોતાનો સંસાર હોય એટલે એકલતા ન લાગે, પણ અપરિણીત યુવતીને એકલતા લાગે. ઘણી વાર પિયરના ભર્યાભાદર્યા ઘરમાં પણ તે એકલીઅટૂલી પડી જાય છે. કોઈ એકલતા ટાળવા પોતાની જાતને પ્રભુસ્મરણમાં પરોવી દે છે તો આજકાલની યુવતી તો એટલા મિત્રો રાખે છે કે તેમની સાથે પાર્ટી, પિકનિક, પિક્ચર, ડિનરની મોજ માણે છે, કોઈ પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખે છે, કોઈ પુસ્તકોને પોતાના મિત્ર બનાવે છે, કોઈ સમાજસેવા અથવા ગમતી પ્રવૃત્તિમાં મન પરોવે છે અને કામ કરતી સ્ત્રીઓને તો સમય જ ક્યાં મળે છે?
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK