લૉકડાઉનમાં જ રહેવું છે કે કોવિડના નિયમનું પાલન કરવું છે? : ઉદ્ધવ ઠાકરે

Published: Oct 12, 2020, 16:20 IST | Agency | Mumbai

સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતા રાજ્યના લોકો સાથેના સંબોધનમાં બધાનો સાથ મળશે તો જ કોરોના સામેની લડાઈ જીતીશું એમ કહ્યું

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રની જનતાને સંબોધતા ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો લોકો સાચા દિલથી સાથ સહકાર આપશે તો આપણે કોરોના સામેની લડાઈ જીતી જઈશું. હવે રાજ્યની જનતા જ નક્કી કરે કે તેમને કોરોના સંદર્ભેના નિયમો પાળવા છે કે પછી લૉકડાઉનમાં રહેવું છે.

લોકોને વેબકાસ્ટ પર સંબોધતા તેમણે કહ્યું હતું કે આપણા ઘણા પ્રયાસ છતાં આ વિદેશી મહેમાન આપણને છોડી નથી રહ્યો. હવે એ શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. ૭૦થી ૮૦ ટકા જેટલા કોરોનાના દરદીઓ એસિમ્પ્ટમેટિક છે. કોરોનાની લડાઈમાં જ્યાં સુધી વેક્સિન નથી શોધાતી ત્યાં સુધી માસ્ક એ સ્વ-રક્ષણનું મુખ્ય સાધન છે, માસ્ક એ ‘બ્લૅક બેલ્ટ’ છે. જે લોકો કોરોનાના નિયમો નથી પાળતા એમની સામે હું કોઈ જલદ પગલા નથી લેવા માગતો. કોરોના સામેની આ લડાઈમાં લોકો દિલથી સામેલ થાય અને નિયમો પાળી સહકાર આપે એ જરૂરી છે. તમારે જ નક્કી કરવાનું છે કે તમે માસ્ક પહેરવા માગો છો, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા માગો છો કે પછી લૉકડાઉનમાં રહેવા માગો છો.

અમે જે અનલૉક હેઠળ ચાલુ કર્યું છે એ બંધ નથી કરવા માગતા. લોકલ ટ્રેનની સંખ્યા વધારી રહ્યા છીએ જેથી ધીમે ધીમે અન્ય લોકોને પણ તેમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી શકાય, પણ કોઈ પણ ભોગે હું ભીડ કરવા નથી માગતો. શનિવાર સુધીમાં ૧૫,૧૭,૪૩૪ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુનો આંક ૪૦,૦૪૦ ઉપર પહોંચ્યો છે.

જિમ્નેશ્યમ ચાલુ કરવા બાબતે તેમણે કહ્યું હતું કે હું જિમ્નેશ્યમના માલિકો સાથે સંપર્કમાં છું અને એ સંદર્ભે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કઈ રીતે તૈયાર કરી શકાય એની વાત ચાલી રહી છે. જિમ્નેશ્યમમાં હૃદયના ધબકારા વધી જતા હોય છે અને જો કોઈને કોરોના હોય તો તેના ઉચ્છશ્વાસ દ્વારા એ અન્યોમાં બહુ ઝડપથી ફેલાઈ શકે. એથી એ જોવું જરૂરી છે કે એને કઈ રીતે રોકી શકાય.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિશે કહ્યું હતું કે અમારી સરકાર એ બિલનો અભ્યાસ કરી રહી છે અને જો એ બિલ ખેડૂતોની વિરુદ્ધમાં હશે તો અમે તેનું રાજ્યમાં અમલીકરણ નહીં કરીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK