સાડાઆઠ એકરના પ્લૉટમાં બનશે સ્ટેટ ઑફ ધી આર્ટ ગાર્ડન

Published: 25th November, 2014 04:40 IST

એક વર્ષમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટમાં યોગ-લૉન, બૉન્સાઇ ગાર્ડન અને બાળકો મુક્ત મને રમી શકે એવી પ્લે-ર્કોટ પણ તૈયાર કરવામાં આવશે સાઉથ મુંબઈમાં સાડાઆઠ એકરના એક વિશાળ પ્લૉટમાં સુધરાઈ એક વર્ષમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેટ ઑફ ધી આર્ટ ગાર્ડન તૈયાર કરવાની છે. શહેરમાં એક પછી એક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વધતા પ્રદૂષણને કારણે લોકો શુદ્ધ હવા અને ખુલ્લાં મેદાનો માટે તરસી રહ્યા છે ત્યારે સાઉથ મુંબઈમાં આ ગાર્ડન લોકો માટે રાહતરૂપ નીવડશે. વિકાસની દોટમાં મુંબઈ હવે લગભગ કૉન્ક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે તેથી સુધરાઈના ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટે સૌને પસંદ પડે અને ખાસ તો બાળકો મુક્ત મને રમી શકે એવું ગાર્ડન તૈયાર કરવાની યોજના કરી છે. આ ગાર્ડનમાં પ્રવેશવાની કોઈ ફી નહીં હોય એવી માહિતી મળી છે.

આ યોજના પ્રમાણે ૮.૫ એકરની આ જમીનને વિવિધ પાર્ટ્સમાં વહેંચીને એમાં ૧૧૫૨૦.૫૩ સ્ક્વેર મીટરમાં બૉન્સાઇ ગાર્ડન ઉપરાંત યોગ માટે લૉન, ઓપન જિમ્નેશ્યમ અને પાથવે પણ તૈયાર કરવામાં આવશે. સુધરાઈએ આ ગાર્ડનના કમ્પ્લિટ પ્લાન સાથે કન્સલ્ટન્ટ્સને આગળ આવવા કહ્યું છે અને ટેન્ડરો બહાર પાડ્યાં છે. ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ આ ગાર્ડનની ડિઝાઇનમાં પણ ચંચુપાત નહીં કરે તેથી હાલમાં શહેરમાં જે ટિપિકલ ગાર્ડન્સ જોવા મળે છે એના કરતાં આ ડિફરન્ટ ગાર્ડન બની રહેશે.

આ ગાર્ડનમાં ઍમ્ફી થિયેટર હશે, વિવિધ થીમની લૉન્સ અને ખાસ તો બાળકો મુક્ત મને ફ્રી ઑફ કૉસ્ટ રમી શકે એટલે ૧૦૧૭.૮૭ સ્ક્વેર મીટરની પ્લે-ર્કોટ તૈયાર કરવામાં આવશે જેમાં બાસ્કેટબૉલ જેવી આઉટડોર ગેમ્સ પણ રમી શકાશે. આ પ્લૉટને ગાર્ડનમાં ફેરવી નાખવા માટે જે યોજના વિચારાઈ છે એમાં સિક્યૉરિટી ચેમ્બર પણ હશે અને સ્વચ્છતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે તેથી ટૉઇલેટ્સ પણ હશે.

સુધરાઈનું આ ગાર્ડન ચાર કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષમાં તૈયાર થઈ જશે. સુધરાઈના ઍડિશનલ કમિશનર એસ.વી.આર. શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘સુધરાઈનો આ ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ બની રહેશે, કેમ કે પ્રૉપર કન્સલ્ટન્ટ્સની મદદથી એની ડિઝાઇન તૈયાર કરવાનું કૉન્ટ્રૅક્ટરોને કહેવામાં આવ્યું છે. સાઉથ મુંબઈના લોકો માટે વિશાળ પ્લૉટમાં આ ગાર્ડન બનશે તેથી એની ડિઝાઇન અને વર્ક પ્રોફેશનલી થાય એ જરૂરી છે. મુંબઈમાં દરેક વસ્તુ માટે પૈસા શા માટે લેવા જોઈએ? આ ગાર્ડનમાં કોઈ જ ફી નહીં હોય અને બાળકો એના માટે ફાળવાયેલી જગ્યામાં મુક્ત રીતે રમી શકશે. આ પ્રોજેક્ટમાં બૉન્સાઇ ગાર્ડનનું પણ પ્લાનિંગ છે.’ સુધરાઈના એક અધિકારીએ માહિતી આપી હતી કે ‘આ ગાર્ડન તૈયાર કરવામાં ચાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને સુધરાઈના ફન્ડમાંથી જ એ ખર્ચ થશે, કોઈ પૉલિટિશ્યનના ફન્ડનો એમાં ઉપયોગ નહીં કરાય. એક વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે.’   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK