જી. સી. મુર્મુએ કાશ્મીરના પ્રથમ એલજી તરીકે શપથ લીધા

Published: Nov 01, 2019, 09:00 IST | શ્રીનગર

બન્ને રાજ્યોની સંપત્તિના ભાગલા એક વર્ષમાં થશે, જમ્મુ-કાશ્મીરમાં દિલ્હી-પુડુચેરીની જેમ જ વિધાનસભા બનશે, પરંતુ લદાખ વિધાનસભા વગરનું રાજ્ય બનશે: કેન્દ્રના ૧૦૬ કાયદા જમ્મુ-કાશ્મીર અને લદાખમાં લાગુ : હવે દેશમાં ૨૮ રાજ્યો અને ૯ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાં

ગઈ કાલથી કેન્દ્રશાસિત બનેલા જમ્મુ-કાશ્મીરના પ્રથમ એલજી તરીકે ગિરીશ ચંદ્ર મુર્મુએ શપથ ગ્રહણ કર્યા હતા. તસવીર : પી.ટી.આઇ.
ગઈ કાલથી કેન્દ્રશાસિત બનેલા જમ્મુ-કાશ્મીરના પ્રથમ એલજી તરીકે ગિરીશ ચંદ્ર મુર્મુએ શપથ ગ્રહણ કર્યા હતા. તસવીર : પી.ટી.આઇ.

અખંડ ભારતની કલ્પના સેવનારા દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીએ ૩૧ ઑક્ટોબરે દેશને જમ્મુ અને કાશ્મીર એમ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ મળ્યા જેથી બન્ને વિસ્તારના ઘણા કાયદા સમાપ્ત થઈ જશે અને નવા કાયદા લાગુ થશે. મહત્ત્વનું એ છે કે પાંચમી ઑગસ્ટે જમ્મુ-કાશ્મીર રાજ્યને લદાખ અને જમ્મુ-કાશ્મીર બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે. સંસદનાં બન્ને ગૃહમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૧૯ને મંજૂરી મળી ચૂકી છે અને રાષ્ટ્રપતિએ પણ એના પર હસ્તાક્ષર કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીર અને લદાખ પ્રશાસનિક રૂપે કેન્દ્ર સરકારને આધીન આવી ગયું અને રાજ્યમાં ઘણા નવા કાયદા લાગુ થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. જોઈએ જમ્મુ-કાશ્મીરમાં કયા ૧૦ મોટા ફેરફાર થશે.

જમ્મુ-કાશ્મીર યુટીમાં વર્તમાન જમ્મુ અને કાશ્મીર ક્ષેત્ર સામેલ થશે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર પાસે રહેશે, જેમાં હવે રાજ્યમાં આર્ટિકલ-૩૬૦ હેઠળ નાણાકીય કટોકટીની જાહેરાત કરવાની શક્તિ પણ સામેલ છે. વર્તમાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જમ્મુ-કાશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ હશે.

પુડુચેરી સંઘ રાજ્ય ક્ષેત્ર પર લાગુ આર્ટિકલ ૨૩૯-એની જોગવાઈ નવા જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ માટે પણ લાગુ થશે. નવી વિધાનસભામાં વર્તમાન ૬ વર્ષના સ્થાને પાંચ વર્ષનો કાર્યકાળ હશે.

ભારતમાં એક રાજ્ય ઓછું અને બે કેન્દ્રશાસિત પ્રદેશ વધી જશે. ગિરીશ ચંદ્ર (જી.સી.) મુર્મુએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલપદે શપથ ગ્રહણ કર્યા, તો એક અન્ય ભૂતપૂર્વ સિવિલ સેવક રાધાકૃષ્ણ માથુરે લદાખના ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા.

નવી વિધાનસભામાં ૧૦૭ ધારાસભ્યો હશે. ૧૦૭ ધારાસભ્યોમાંથી ૨૪ સીટ પીઓકે ક્ષેત્ર માટે ખાલી રહેશે. હાલની વિધાનસભામાં ૧૧૧ સભ્યો હતા, જેમાંથી ૮૭ ચૂંટાયેલા સભ્યો હતા, બે નિમણૂક કરેલા હતા, જ્યારે પીઓકે માટે ૨૪ સીટ ખાલી રાખવામાં આવી હતી. નવા કાયદા પ્રમાણે એલજી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બે મહિલા પ્રતિનિધિઓની નિમણૂક કરી શકે છે. જોકે એવું લાગે છે કે મહિલા પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી.

રાજ્યસભા વર્તમાન જમ્મુ-કાશ્મીરથી ૪ સભ્યોની યજમાની કરવાનું ચાલુ રાખી શકે છે. તો પાંચ લોકસભાની સીટો જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ અને એક લદાખ સંઘ રાજ્ય ક્ષેત્ર માટે વહેંચવામાં આવ્યાં છે.

વિધાનસભા દ્વારા પસાર થયેલા બધાં બિલ તેમની સહમતી માટે એલજીને મોકલવામાં આવશે. એલજી પોતાની મંજૂરી આપી શકે છે, એને રોકી શકે છે કે એ બિલ રાષ્ટ્રપતિને વિચાર માટે મોકલી શકે છે. જો કોઈ વિસંગતતા હોય તો સંસદ દ્વારા નવી વિધાનસભામાં પસાર કોઈ પણ કાયદા પર લાગુ થશે.

બંધારણની પ્રથમ અનુસૂચિમાં ૧૫ સ્થાને જમ્મુ-કાશ્મીર રાજ્યને રાજ્યની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર યુટીની એક નવી એન્ટ્રીને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં બંધારણની પ્રથમ અનુસૂચિમાં ૮મા સ્થાને જોડવામાં આવ્યું છે.

તમામ આયોગનો ભંગ કરી દેવામાં આવશે. રાજ્ય માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ, સૂચના આયોગ, જવાબદાર આયોગ, પરંતુ લોકસેવા આયોગ થોડા સમય માટે રહેશે.

આઇએએસ-આઇપીએસની નવી કૅડર બનશે

જમ્મુ-કાશ્મીર અને લદાખમાં કામ કરતા દરેક પ્રશાસનિક અધિકારી અને રાજ્ય કૅડરના આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ હાલમાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી તેઓ ૩૧ ઑક્ટોબર પછી પણ તેમની કૅડરમાં કામ કરશે. જ્યાં સુધી બન્ને કેન્દ્રશાસિત રાજ્યના ઉપરાજ્યપાલ કોઈ નવો આદેશ જાહેર નહીં કરે ત્યાં સુધી આ બન્ને અધિકારીઓ તેમની હાલની સેવાઓ ત્યાં સુધી ચાલુ રાખશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ગઠન થયા પછી સરકાર તેમના પ્રશાસનનું ગઠન કરશે. ભાગલા પછી રાજ્ય સરકારના કર્મચારીઓના પણ ભાગલા પડશે. ત્યાં હવે નવી આઇએએસ અને આઇપીએસની નવી યુટી કૅડર બનશે અને એનાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં નવાં રાજ્યોમાં વધારે નિયંત્રણ થશે.

રાધાકૃષ્ણ માથુર લદાખના પ્રથમ ઉપરાજ્યપાલ, ઉમંગ નરુલા સલાહકાર બન્યા

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સવારે કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા લદાખના ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુરે સોગંદ લીધા હતા. જમ્મુ-કાશ્મીરની હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે તેમને હોદ્દાના સોગંદ લેવડાવ્યા હતા. ઉમંગ નરુલાને તેમના સલાહકાર બનાવવામાં આવ્યા છે.

ગુરુવારથી લદાખ નવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. ચંડીગઢની જેમ અહીં વિધાનસભા નહીં હોય. લેફ્ટેનન્ટ ગવર્નર દ્વારા કેન્દ્રના ગૃહ ખાતા દ્વારા આ વિસ્તારનો વહીવટ ચાલશે. કાશ્મીરમાં એક વિધાનસભા હશે. હવે પછી જમ્મુ-કાશ્મીર અને લદાખ ત્રણેય વિસ્તારો કેન્દ્ર સરકારના વહીવટ હેઠળ આવી ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK