કોળંબ ગામે સ્વયંભૂ લૉકડાઉન

Published: 23rd November, 2020 12:48 IST | Rohit Parikh | Mumbai

દિવાળી બાદ વધી રહેલા કોરોનાના કેસથી સાવચેત બનેલા વસઈ દરિયાકિનારા નજીકના કોળંબ ગામે સ્વયંભૂ લૉકડાઉન. ૯૦૦૦ની વસતિના ગામમાં ૨૦ લોકોના કોવિડથી મૃત્યુ થવાથી નિર્ણય લેવાયો ​: અસંખ્ય રિસોર્ટ-હોટેલ પણ બંધ કરાઈ

સ્વયંભૂ લૉકડાઉન કરાયેલ કોળંબ ગામનો મેન રોડ અને સરપંચ હરિશ્ચંદ્ર ધરત.
સ્વયંભૂ લૉકડાઉન કરાયેલ કોળંબ ગામનો મેન રોડ અને સરપંચ હરિશ્ચંદ્ર ધરત.

નાલાસોપારા અને વસઈની વચ્ચે દરિયાકિનારે આવેલા કોળંબ ગામમાં ૧૮ નવેમ્બરના ત્રણ ગામવાસીઓના કોવિડના કારણે મૃત્યુ થવાથી આ ગામની ગ્રામપંચાયતે ગામમાં બેમુદત સમય સુધી સંપૂર્ણપણે સ્વયંભૂ લૉકડાઉન કરીને પાણી આવે એ પહેલાં પાળ બાંધી દીધી છે. ગ્રામ પંચાયતે કોળંબ ગામમાં કોરાના ફરીથી માથું ઊંચકે એ પહેલાં જ સાવચેતીના પગલાંરૂપે આખા ગામને સ્વંયભૂ લૉકડાઉન કરવાનો આ મહત્ત્વનો નિર્ણય લીધો હતો.
અત્યારે ગામમાં ૨૦૦થી વધુ નાગરિકો ક્વૉરન્ટીન અને બીજા અનેક કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આથી ગામના લોકોએ સાવચેતીનાં પગલાં રૂપે એકઠા થઈને સ્વયંભૂ લૉકડાઉન શરૂ કર્યું છે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતે ગામને તાળાં મારી દીધાં છે એવી જાણકારી આપતાં ગામના પ્રવેશદ્વાર પર બૅનરો લગાવી દીધાં છે. ૨૧ અને ૨૨ નવેમ્બર અેટલે કે શુક્રવાર અને શનિવારે કોળંબ બીચ પર દર વર્ષની જેમ હજારો લોકો આવશે તો ગામમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે લૉકડાઉનનું પગલું પહેલાંથી જ લેવામાં આવ્યું છે.
આ બાબતની માહિતી આપતાં કોળંબ ગામના સરપંચ હરિશ્ચંદ્ર ધરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવારો પૂરાં થતાં ફરીથી કોવિડના કેસ વધવાની સંભાવનાની ચેતવણી આપવામાં આવી છે. કોરોનાની શરૂઆતમાં જ અમારા ગામમાં ૨૦ લોકો કોવિડથી મૃત્યુ પામ્યા હતા. એ સમયે પણ અમે નિયમો કડક બનાવ્યા હતા. કોળંબ ગામમાં ૧૯૦૦ ઘરમાં અંદાજે ૯૦૦૦ લોકો રહે છે. આ સિવાય કોળંબ બીચ પર્યટકોમાં ખૂબ જ પ્રખ્યાત હોવાથી અહીંના રિસોર્ટમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાંથી દરરોજ ત્રણથી ચાર હજાર પર્યટકો ફરવા આવે છે. રવિવારે તો એનાથી પણ વધુ લોકો અહીં વન-ડે પિકનિક મનાવવા આવે છે. દિવાળીના તહેવારો પહેલાં ગામમાં કોવિડના કેસની સંખ્યા ઘટતા થોડી છૂટછાટ આપી હતી. જોકે છઠ પૂજા પછી કોરોના ફરીથી માથું ઊંચકે એ પહેલાં જ અમે ગામને સ્વયંભૂ લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બે-ત્રણ દિવસમાં આગળના નિર્ણય લઈશું.’
જોકે મળેલી માહિતી પ્રમાણે ગઈ કાલે રવિવારે ઘણા પર્યટકો કોળંબ બીચ પર આવ્યા હતા. આ જોતાં ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવેલું લૉકડાઉન કેટલું સફળ થશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
દિવાળી પછી કોરોનાનો ખતરો વધવાની સંભાવના હોવાથી રાજ્યભરમાં પ્રશાસન તરફથી અને આરોગ્ય વિભાગ તરફથી લોકોને આવનારા બે મહિના સુધી કાળજી લેવાની વિનંતી કરવામાં આવી રહી છે. એમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં દેશની રાજધાની દિલ્હી અને ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યા બાદ મુંબઈ અને મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક લાગે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK