Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેઇટ ફૉર કન્ટ્રી

વેઇટ ફૉર કન્ટ્રી

31 January, 2021 03:55 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

વેઇટ ફૉર કન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હમણાં એક આર્ટિકલ વાંચ્યો. ૨૬ જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિન વિશે એમાં કહેવાયું હતું અને બહુ સરસ વાત કરવામાં આવી હતી એ આર્ટિકલમાં. આપણે પ્રજાસત્તાક દિવસની રજાની મજા લેવાનું કામ કરીએ છીએ, પણ એ એક દિવસ માટે આપણે રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કરવાનું યાદ નથી રાખતા. આપણે મોબાઇલના ડીપીમાં કે સોશ્યલ મીડિયાના ડીપીમાં મસ્તમજાનો તિરંગો સેટ કરી દઈએ છીએ, પણ આપણા મનમાં ક્યાંય રાષ્ટ્રભાવ જન્માવવાનું કામ નથી કરતા. મને લાગે છે કે આ વાત હર કોઈએ સમજવી જોઈશે. જો સમજી શકાશે તો એ રાષ્ટ્ર પર નહીં, પણ આપણી જાત પર ઉપકાર થશે.

મારે અહીં એક એવા ભાઈની વાત કરવી છે જેનું નામ હું નથી જાણતો. મેં એ ભાઈને અમદાવાદમાં જોયા હતા. તેમની દેખતાં કોઈ કચરો કરે તો તરત જ એ ઇરિટેટ થઈ જાય અને તે પોતાનું બધું કામ પડતું મૂકીને પહેલું કામ એ કચરો ઉપાડવાનું કરે. પછી ભલે એ કોઈ પણ જગ્યાએ હોય અને કંઈ પણ કામ કરતા હોય. જો એ ટ્રાફિક સિગ્નલ પર હોય અને ત્યાં કોઈ કચરો કરીને પસાર થઈ જશે તો એ ગુસ્સાવાળા લુક સાથે કચરો જાતે ઉપાડી લેશે અને ધારો કે પેલો માણસ ચાલતાં-ચાલતાં કચરો કરીને જતો હોય તો તેને ટોકીને કચરો ઉપાડવાનું કહેશે. એ ભાઈ કોઈ ગ્રેટ કામ નથી કરતા. એ ભાઈ ફુગ્ગા વેચવાનું કામ કરે છે. ફુગ્ગા વેચતાં-વેચતાં પણ તે દેશની આટલી અદ્ભુત સેવા કરે છે. મેં તેમને લગભગ અડધા કલાક સુધી ઑબ્ઝર્વ કર્યા અને એ કર્યા પછી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તમે માણસ જ સારા હશો તો નહીં ચાલે, તમારે સારા નાગરિક પણ બનવું પડશે. મેં તો ગુજરાતના ચીફ મિનિસ્ટર અને આપણા પ્રાઇમ મિનિસ્ટર એમ બન્નેને ટ્વીટ કરીને કહ્યું પણ છે કે આપણે આ પ્રકારના લોકોનું સાચે જ સન્માન કરવું જોઈએ અને જો મારું ચાલે તો તો હું ખરેખર એ ભાઈને પદ્‍મશ્રી અવૉર્ડ આપું જ આપું.



જે પ્રકારે એ ભાઈ પોતાની જવાબદારી નિભાવે છે એ જ રીતે આપણે પણ આપણી જવાબદારી નિભાવવી જોઈએ એવું મને લાગે છે. ખાસ કરીને આ વાત ઓલ્ડ એજ અને મિડલ એજના લોકોને લાગુ પડે છે. હા, અમારી જનરેશનને આવી ગંદકીથી બહુ ત્રાસ છૂટે છે. મેં ઑબ્ઝર્વ કર્યું છે કે મિડલ અને ઓલ્ડ જનરેશનને કચરો કરવાની આદત થોડી વધારે છે, પણ એ આદત કાઢવા માટે સૌકોઈએ એટલું વિચારવાની અને પોતાને પૂછવાની જરૂર છે કે તેણે એવું તે શું કર્યું છે જેને લીધે આપણા દેશનું ગૌરવ વધે.


‘દિલ દિયા હૈ જાં ભી દેંગે, અય વતન તેરે લિયે...’ કે પછી ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...’ જેવાં ગીતો ગાઈને રાષ્ટ્રભક્તિ દેખાડવાને બદલે બહેતર છે કે સાચી રીતે અને યોગ્ય પ્રકારે રાષ્ટ્રભક્તિ દેખાડીએ અને આપણા દેશના હિતમાં કામ કરીએ. હું આ જેકંઈ કહું છું એ વાંચીને એવું માનવાની જરૂર નથી કે આપણે સેનામાં ભરતી થઈએ અને દેશ માટે લડવા જઈએ અને ધારો કે એવો વિચાર તમને આવ્યો હોય અને તમે એ કરી શકતા હો તો બેસ્ટ છે જ, પણ ધારો કે એ ન થઈ શકે તો વાંધો નહીં, એ સિવાય પણ અનેક એવાં કામ છે જે તમે તમારા રાષ્ટ્ર માટે કરી શકો છો.

ગયા વર્ષે લૉકડાઉનનાં થોડાં અઠવાડિયાં પહેલાં એક નાનકડી શૉર્ટ ફિલ્મ વાઇરલ થઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એ શૉર્ટ ફિલ્મમાં સમયનું મહત્ત્વ દેખાડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ૧૦ મિનિટ, ફક્ત ૧૦ મિનિટનો સમય પણ તમે તમારા રાષ્ટ્ર માટે કેવી રીતે ખર્ચી શકો છો. કેટલાક યંગસ્ટર્સ બસની રાહ જોઈને ઊભા હતા. બસને આવવાને ૧૦ મિનિટની વાર હતી એટલે એ યંગસ્ટર્સમાંથી એકે પોતાના પૉકેટમાંથી પ્લાસ્ટિકની બૅગ કાઢીને આજુબાજુમાં પડેલો નકામો કચરો ભરવાનું શરૂ કરી દીધું. બધો કચરો ભરીને તેણે એ પ્લાસ્ટિકની બૅગ એક ખૂણામાં મૂકી દીધી. આવી જ બીજી ઍડ અગાઉ રિલીઝ થઈ હતી. પાણીપૂરી ખાવા માટે કેટલીક છોકરીઓ ગઈ, પાણીપૂરીવાળાને ત્યાં લાઇન હતી એટલે પેલા ભાઈએ ૧૦ મિનિટ માટે ઊભા રહેવાનું કહ્યું. બધી છોકરીઓમાંથી એક છોકરીએ તરત પોતાના પર્સમાંથી રદ્દી થઈ ગયેલી પ્લાસ્ટિકની કોથળી કાઢીને આજુબાજુમાંથી કચરો ભરવાનું શરૂ કરી દીધું. પોતાનો ટર્ન આવ્યો એટલી વારમાં તો તેણે એ એરિયા સાફ કરી નાખ્યો અને પછી કચરો ભરેલી એ પ્લાસ્ટિકની કોથળી ત્યાં ડસ્ટબિનમાં નાખી દીધી.


૧૦ મિનિટ.

દિવસમાં આપણે પણ કેટલી બધી આવી ૧૦ મિનિટ ખર્ચી નાખીએ છીએ. એમ જ ટાઇમપાસ કરતા ઊભા રહીએ. મોબાઇલ પર વૉટ્સઍપના મેસેજ જોવામાં ખર્ચી નાખીએ, વગર કારણે કોઈને ફોન કરીને આપણે એ ખર્ચી નાખીએ કે પછી આજુબાજુમાં જોવામાં અને લોકોને ઑબ્ઝર્વ કરવામાં ખર્ચી નાખીએ, પણ એ ૧૦ મિનિટ જો આપણે બચાવીએ અને આ રીતે સ્વચ્છતા અભિયાનને આપીએ તો દેશ માટે બહુ મોટી રાહતનું કામ થશે. સિવિક સેન્સની આપણે વાતો કરીએ છીએ, પણ તમે ક્યારેય કોઈને માસ-લેવલ પર, સમૂહમાં આ સેન્સ આપી ન શકો અને એવો પ્રયાસ પણ ન કરવો જોઈએ. રસ્તા પર થૂંકવું નથી એ તો માણસને અંદરથી સૂઝવું જોઈએ. તમે જઈને તેને ટોકશો તો કંઈ તેની આદત સુધરી નથી જવાની, એમાં તો ઊલટાના તમે રફ લાગશો અને ક્યાંક ઝઘડો પણ થઈ જશે. સાયકોલૉજી કહે છે કે પૉઝિટિવિટી અટ્રૅક્સ પૉઝિટિવનેસ.

હકારાત્મકતા હંમેશાં સકારાત્મકતા લાવે.

તમને મળેલી પાંચ કે દસ મિનિટનો આવો ઉપયોગ કરો. ઍવરેજ દરેક બીજો મુંબઈકર ટ્રેનમાં ટ્રાવેલ કરે છે અને ઍવરેજ દરેક પાંચમો મુંબઈકર સ્ટેશન પર ૧૦ મિનિટ ઊભો રહે છે. જો આ સાચું હોય તો એક નકામી બૅગ સાથે રાખો અને જ્યારે પણ આ રીતે ટ્રેનની કે બસની વેઇટ કરવી પડે ત્યારે વગર કારણે રસ્તા પર ઊભા રહીને લોકોનાં થોબડાં જોવાને બદલે આજુબાજુમાં પડેલો કચરો ઉપાડીને સ્વચ્છતાને પ્રમોટ કરો. એકાદ વખત કોઈનું ધ્યાન નહીં જાય, પણ પછી તમારી આદતને લોકો ધ્યાનથી જોતા થશે. બને પણ ખરું કે તમને કંપની આપવા, તમને સાથ આપવા તમારી સાથે એ લોકો પણ જોડાવા માંડે અને પાંચ મિનિટમાં એ જગ્યા એકદમ ક્લીન થઈ જાય. સારી આદતનો રંગ હંમેશાં લાગતો હોય છે. તમને આવું કરતા જોઈને બીજા પણ આ કામમાં લાગી જાય અને એ પણ જ્યાં આવી રીતે ફ્રી હોય ત્યાં સ્વચ્છતાને પ્રમોટ કરવા માંડે તો એનો બેનિફિટ રાષ્ટ્રને જ થવાનો છે. રાષ્ટ્રને ગાળો ભાંડવાથી કે કચરો કરનારાઓ પર તુચ્છકાર કરનારાઓને ગાળો આપવાનો કોઈ અર્થ નથી. એવું કરવાથી તો તમે જ નેગેટિવ રહેશો અને તમારે જ એ બધું સહન કરવું પડશે, પણ એને બદલે જાતે જ કામ શરૂ કરી દેવાથી જે લાભ થશે એ લાભ ખરેખર બધાને ફાયદો પણ કરાવી જશે.

હું પણ હવે આ જ કરવાનો છું અને મારા શેડ્યુલમાં આ કામ ઉમેરી દેવાનો છું. હું ક્યાંય પણ વેઇટ કરતો ઊભો રહીશ તો એમ જ ટાઇમપાસ કરવાને બદલે વેઇટિંગના આ ટાઇમ દરમ્યાન હું મારી આજુબાજુ સ્વચ્છતા લઈ આવીશ. જોઈએ, ગંદકી ફેલાવવાવાળા આપણે ત્યાં વધારે છે કે પછી સ્વચ્છતાને પ્રમોટ કરનારાઓ વધે છે. આમ પણ વેઇટ તો કરવાની જ છે તો પછી આ પ્રકારે દેશને ‘વેઇટ ફૉર કન્ટ્રી’ નામની રાહ જોવાની આ નવી રીત આપી દઈએ અને એને લીધે સ્વચ્છતાને આપવામાં આવેલા પ્રમોશનમાં ઉમેરો થઈ જાય. જો તમે ધારો તો તમે પણ આ કરી શકો છો અને મારી સાથે ‘વેઇટ ફૉર કન્ટ્રી’ને એક અભિયાન બનાવી શકો છો. બેનિફિટ સીધી રીતે દેખાવાનો નથી અને એવું પણ લાગશે કે આ શું ફાલતુગીરી છે પણ રિયલિટી એ પણ છે કે એનો જે બેનિફિટ થશે એ લાંબા સમયે દેખાશે અને આપણી છાપ સુઘડ માણસોમાં થવા માંડશે. આજે ફૉરેનની કંપનીને ઇન્ડિયા આવીને શું શૂટ કરવું હોય છે, ખબર છેને?

આપણી ગરીબી અને આપણી ગંદકી. ગરીબી દૂર કરવાનું કામ આપણાથી નહીં થઈ શકે, પણ ગંદકી દૂર કરવાનું કામ તો આપણે કરી શકીએને?

ચાલો કરીએ, સાથે મળીને...

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2021 03:55 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK