ધિછ ઇજ વાઇબ્રન્ટ ફાંકાનગર મિસ્ટર ફુસુકી... અને હિમાલય પર્વતની ટોચ પર થીજેલો બરફ ઓગળી ગયેલો

Published: Nov 03, 2019, 13:34 IST | મનમર્જી- મયૂર જાની | મુંબઈ

સ્વાભાવિક છે કે આ જ સમાચારો પર સતત વિશ્લેષણ પણ થયે જ રાખે છે અને પરિણામે જીવનમાં હાસ્ય, વ્યંગ, થોડી હળવાશ ઘટતી ગઈ છે એથી જ એવો નિર્ણય લીધો છે કે રાજકીય, સામાજિક, આર્થિક જેવા ભારેખમ વિષયો પર જ લખવાની સાથોસાથે વચ્ચે થોડી હળવી વાતો પણ કરતા રહેવી જોઈએ

પ્રિય વાચકરાજા, આજે સ્થિતિ એવી છે કે આર્થિક મંદીની ખબરો અખબારના ફ્રન્ટ પેજ પર લગભગ એકાંતરે અડ્ડો જમાવીને બેસી જાય છે. સ્વાભાવિક છે કે આ જ સમાચારો પર સતત વિશ્લેષણ પણ થયે જ રાખે છે અને પરિણામે જીવનમાં હાસ્ય, વ્યંગ, થોડી હળવાશ ઘટતી ગઈ છે એથી જ એવો નિર્ણય લીધો છે કે રાજકીય, સામાજિક, આર્થિક જેવા ભારેખમ વિષયો પર જ લખવાની સાથોસાથે વચ્ચે થોડી હળવી વાતો પણ કરતા રહેવી જોઈએ. હાસ્ય-વ્યંગ એ ગુજરાતી ભાષામાં પ્રમાણમાં ઘણો ઓછો ખેડાતો પ્રકાર છે ત્યારે એવું વિચાર્યું છે કે સમયાંતરે આપની સમક્ષ આધુનિક પંચતંત્રની વાર્તારૂપે આ પ્રકારને પ્રસ્તુત કરતા રહેવું જોઈએ. તો ચાલો, માણો આ વ્યંગકથાને અને આપના પ્રતિભાવને ઈ-મેઇલ દ્વારા વ્યક્ત કરશો તો વધુ આનંદ થશે.
 તો વાત કંઈક આમ છે કે ઈસવીસન ૨૭૨૫ની સાલમાં પુરાતત્ત્વવિદોને ખોદકામ કરતી વખતે એક ટાઇમ કૅપ્સ્યૂલ મળશે, જેમાંથી એક ઐતિહાસિક ગંભીર વાર્તાલાપનો દસ્તાવેજ નીકળશે. એમાં હિમાલય પર્વત પર થીજેલો બરફ કેવી રીતે ઓગળી ગયેલો એની આધિકારિક જાણકારી હશે. આખી દસ્તાવેજી નોંધ કંઈક આવી હશે...
જપાન નામના દેશની ફુસુકી મોટર કંપનીના ચૅરમૅન મિસ્ટર ફુસુકી સદીઓ પહેલાં ફાંકાનગરની મુલાકાતે આવેલા. એ સમયના ફાંકાનગરના રાજા મહાન રાજા હતા અને ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વના સૌથી મહાન અને પ્રતાપી રાજા થવાના હતા. મિસ્ટર ફુસુકી ફાંકાનગર રાજ્યમાં પોતાની કાર બનાવવાની ફૅક્ટરી સ્થાપે એ માટે રાજશ્રીએ આમંત્રણ આપેલું એ આમંત્રણને માન આપીને ફુસુકીસાહેબ આવ્યા હતા. 
રાજાસાહેબના નિવાસસ્થાને જ્યારે ફુસુકીની મુલાકાત રાજાસાહેબ સાથે થઈ ત્યારે તેમને મળીને રાજ્યના વિકાસની અને વાઇબ્રન્સીની વાર્તાઓ સાંભળીને ફુસુકીસાહેબ અત્યંત ગદ્ગદ થઈ ગયેલા. રાજ્યના પાટનગરના સુંવાળા રસ્તાઓ પરથી મોટરમાં સવારી કરતાં-કરતાં ફુસુકીસાહેબ રાજાસાહેબના તત્કાલીન અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સ્વીટ સિટી’ બાજુ વળી ગયેલા અને અચાનક જાણે ૧૧.૧૧ના રિક્ટર સ્કેલનો ધરતીકંપ આવ્યો હોય એમ ફુસુકીસાહેબ પોતાની ફુસુકી કારમાં ધણધણી ઊઠેલા. ખરેખર ધૂણી ઊઠેલા. એટલે ધણધણતાં અને ધૂણતાં-ધૂણતાં ફુસુકીસાહેબે ફાંકાનગરના રાજાને ફોન લગાવેલો અને કહેલું, ‘ઓ વિશ્વના મહાનતમ મહારાજા, ભયાનક ભૂકંપ આવેલો લાગે છે. સલામત થઈ જાજો. આખી ધરતી ધૂણી રહી લાગે છે.’ ત્યારે રાજાએ અટ્ટહાસ્ય વેરેલું અને અંગ્રેજીમાં પૂછેલું, ‘ભેર આર યુ... મિસ્ટર ફુસુકી?’ ફુસુકીસાહેબે જવાબ આપેલો, ‘અમે સ્વીટ સિટી પાસેના બલાદ ગામ પાસે છીએ.’ ત્યારે એ મહાન રાજાએ ફરી છુટ્ટા મોઢે અટ્ટહાસ્ય વેરતાં મભમમાં કહેલું, ‘આ ધરતીકંપ નથી.’ પછી અંગ્રેજીમાં બોલેલા, ‘ધિછ ઇજ વાઇબ્રન્ટ ફાંકાનગર મિસ્ટર ફુસુકી.’ એ પછી મિસ્ટર ફુસુકી મોટરમાંથી નીચે ઊતરેલા અને જોયેલું કે રાજા સાવ સાચું બોલેલા. એ કોઈ ધરતીકંપ નો’તો. ધરતી જરા પણ ધૂણેલી નો’તી. ખાલી તેમની મોટર જ ધૂણેલી. કારણ કે રસ્તા પર એક-એક ફુટ ઊંડા ખાડા પડેલા હતા અને ફુસુકીસાહેબની ફુસુકી કંપનીની મોટરનું તો બૅન્ડ બજી ગયેલું.
એ પછી ફુસુકીસાહેબને જાણ થયેલી કે મહાન રાજા વચનના પાક્કા હતા. તેમને ફાંકાનગરને વાઇબ્રન્ટ બનાવી દેવાનું વચન આપેલું. હાઇવે છોડીને કોઈ પણ રસ્તે મુસાફરી કરો કે તરત જ તમને સતત સ્મરણ રહે કે તમે ‘વાઇબ્રન્ટ રાજ્યમાંમાં છો એટલે જ ફુસુકીસાહેબના મનમાં રાજા માટેનું માન-સન્માન વધી ગયેલું અને એ વધીને છેક હિમાલયની ટોચે જઈ અડેલું. એ સન્માનમાં આ મહાન રાજા પ્રત્યેની હૂંફની ગરમી જ એટલીબધી હતી કે એ ગરમીને કારણે જ હિમાલય પર્વતની ટોચ પર થીજેલો બરફ પીગળી ગયેલો. ગ્લોબલ વૉર્મિંગ તો બચારું સાવ ખોટેખોટું જ બદનામ થઈ ગયેલું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK