હર સંત કહે, સાધુ કહે...સચ ઔર સાહસ હૈ જિસ કે મન મેં જીત ઉસી કી રહે

Published: Sep 29, 2019, 12:35 IST | મનમર્ઝી- મયુર જાની | મુંબઈ

‘મિડ-ડે’ ગુજરાતીના તમામ વાચકમિત્રોને આજથી શરૂ થતી કૉલમ દ્વારા શબ્દદેહ સ્વરૂપે મળવાનો સિલસિલો હવે શરૂ થાય છે અને એવા સમયે સ્વાભાવિક રીતે મનમાં ખૂબ ઉત્સાહ છે.

‘મિડ-ડે’ ગુજરાતીના તમામ વાચકમિત્રોને આજથી શરૂ થતી કૉલમ દ્વારા શબ્દદેહ સ્વરૂપે મળવાનો સિલસિલો હવે શરૂ થાય છે અને એવા સમયે સ્વાભાવિક રીતે મનમાં ખૂબ ઉત્સાહ છે, આનંદ અને રોમાંચ છે અને એની સાથોસાથ થોડીઘણી નર્વસનેસ પણ છે. નર્વસનેસ હોવાનું કારણ કહું તમને...
બે દાયકાથી વધુ સમય દરમ્યાન એક પત્રકાર તરીકે મારે ફીલ્ડમાં જઈ ગ્રાઉન્ડ-રિપોર્ટિંગ સાથે રોજના પુષ્કળ શબ્દો લાવવાના હતા અને આ જ આદત રહી હતી. ક્રાઇમ રિપોર્ટ હોય કે રાજકારણના સંદર્ભ સાથેનું પત્રકારત્વ હોય, સામાજિક આંદોલનને કવર કરવાની વાત હોય કે પછી વાત હોય સમાજને સીધી સ્પર્શતી રાજકીય કિન્નાખોરીની ચર્ચા હોય, પણ એ બધામાં મુખ્યત્વે ખબર પાછળની ખબર કે કહો પડદા પાછળ રંગાતી યોજનાઓને વાચકો સુધી લાવવી એ કામ હતું. કામની આ જવાબદારી અત્યંત ઈમાનદારી સાથે કરતો આવ્યો છું એ સહજ જાણ ખાતર. જેમ આગળ કહ્યું એમ, રોજ લખવાની આ જે આદત હતી એ હકીકતમાં ગ્રાઉન્ડ પર જઈને ત્યાં બનતી ઘટનાઓ અને એ ઘટનાઓ પાછળ રહેલા રાજકારણ-સમાજકારણમાંથી મળતી માહિતીને આધારિત હતી. અહીં જ આજની નર્વસનેસની વાત આવે છે. આ કૉલમમાં હવે ન્યુઝને બદલે મારે વધુપડતા મારા અંગત વ્યુઝ આપવાના આવશે, બની ગયેલી ઘટનાઓનું વિશ્લેષણ આપવાનું બનશે અને સાચું કહું તો એ બધાની મને આદત નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જો આપ સૌને મારી કૉલમમાં બની ગયેલી ઘટનાઓમાં મારા પોતાના વિચારો ઉપરાંત વાસ્તવિક તથ્યો અને હકીકત સાથે મળે તો એને સહર્ષ સ્વીકારશો એવી આશા છે.
ન્યુઝ અને વ્યુઝ સંદર્ભે બનેલી એક ઘટના અત્યારે આંખ સામે તરવરી રહી છે.
‘મિડ-ડે’ના તંત્રીપદના શરૂઆતના દિવસોમાં એક જાણીતા રાજકીય વિશ્લેષક મળવા માટે ‘મિડ-ડે’ની ઑફિસમાં આવ્યા હતા. એ સમયે તેમણે મને તુચ્છકારપૂર્વક પૂછેલું, ‘મૂળ તો તમે રિપોર્ટર જ હતાને?
ખૂબ નમ્રતાપૂર્વક એ સમયે મેં જવાબ આપતાં કહેલું, ‘સાહેબ, આજે પણ હું રિપોર્ટર જ છું અને એનો મને ગર્વ છે. એક બંધ કમરામાં ટેબલ પર બેસીને અંગત વિચારો વાચકો પર ઠોકી બેસાડવાને બદલે નક્કર અને નગ્ન વાસ્તવિકતાને હું વધારે પસંદ કરું છું. લોકો વચ્ચે જઈને જમીની હકીકતનું રિપોર્ટિંગ કરતો આવ્યો છું. અખબાર માટે રિપોર્ટિંગ કરવું અને એક અખબારનું તંત્રી તરીકે સંચાલન કરવું એ બન્ને બાબતોમાં જમીન-આસમાનનું અંતર હશે, પણ મારું એવું ચોક્કસપણે માનવું છે કે જે માણસે કે જે વ્યક્તિએ ફીલ્ડ રિપોર્ટિંગ કર્યું હોય તેને અખબારનું સંચાલન કરવામાં ઘણી સરળતા રહે છે.
એ સમયે આ વાત અધૂરી હતી, આજે એ વાત પૂરી કરું છું.
જે માણસે, જે વ્યક્તિએ ફીલ્ડ રિપોર્ટિંગ કર્યું હોય તેને અખબારનું સંચાલન કરવામાં ઘણી સરળતા રહે છે અને એવી જ રીતે અને એટલી જ સરળતા ગ્રાઉન્ડ લેવલ પરનું રિપોર્ટિંગ કરી ચૂકેલા પત્રકારને કૉલમ લખવામાં લાગે એ પણ હકીકત છે.
આ કૉલમમાં વિચારોના વૃંદાવનમાં ફરવા મળે એના કરતાં વાસ્તવિકતાનાં અડાબીડ જંગલોમાં ફરવાનું વધારે બનશે એ અત્યારથી જ સ્પષ્ટતા સાથે કહું છું અને તમે એ સહર્ષ સ્વીકારશો એવું માનવાનું મને મન થાય છે. આપ સૌને ખ્યાલ છે કે આ કૉલમનું નામ ‘મનમર્ઝી’ છે. આમ જુઓ તો આ નામ સાથે સાંપ્રત સમયની ઘટનાઓનાં વિશ્લેષણો સાથે કોઈ સીધો સંદર્ભ જોડી શકાતો નથી, પણ આ નામ પસંદ કરવા પાછળ મારો મૂળભૂત સ્વભાવ કારણભૂત છે.
અત્યાર સુધીની જીવનયાત્રામાં જે યોગ્ય અને સાચું લાગ્યું એ જ કરતો આવ્યો છું અને એમ કરવા બદલ જે પણ સારાં કે ખરાબ પરિણામો ભોગવવાનાં આવેલાં એ સહર્ષ માથે ચડાવેલાં છે. ટૂંકમાં કહીએ તો, મનની મરજીથી ચાલતો માણસ છું અને એ જ કારણે મને હંમેશાં એવું જ વ્યક્તિત્વ ગમતું રહ્યું છે. ટોળામાં ચાલવાની ઘેટાશાહી કે ટોળાશાહી માનસિકતા ક્યારેય મનમાં આવી નથી, પણ એને બદલે હંમેશાં ચીલો ચાતરવાનો મારો સ્વભાવ રહ્યો છે. મનમરજીથી જીવનારો બનીને સ્વચ્છંદતા ભોગવવાને બદલે નવું અને નક્કર કરવાનું અને એ પણ સત્યની લક્ષ્મણરેખાને ધ્યાનમાં રાખીને. આ સૌથી અગત્યનું કારણ છે આ કૉલમના નામકરણમાં. આ નામ સાથે કૉલમના સ્વભાવ વિશે પણ મારે સ્પષ્ટતા કરવાની છે. આ સ્પષ્ટીકરણ વખતે જાવેદ અખ્તરના એક ગીતની પંક્તિઓ યાદ આવે છે...
હર સંત કહે, સાધુ કહે
સચ ઔર સાહસ હૈ જિસ કે મન મેં,
જીત ઉસી કી રહે...
હવે દર રવિવારે મારી સાથે આપ પણ જોડાશો, રાજકારણ અને સમાજકારણમાં બનતી અને આપણને સૌને સ્પર્શતી ઘટનાઓનો ચીલો ચાતરનારા વિશ્લેષણને લઈને આવતી કૉલમ ‘મનમર્ઝી’ સાથે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK