
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં સૌપ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવાની પહેલ સમાજવાદી પાર્ટીએ કરી છે. ગઈ કાલે અમદાવાદમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમને જાહેર કરેલી ૫૩ ઉમેદવારોની યાદીમાં સૌથી વધુ ૧૯ મુસ્લિમ ઉમેદવારોને અને ૬ મહિલાઓને ટિકિટ ફાળવી છે.
સુમને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ પ્રથમ યાદી જાહેર કરી છે, બીજી યાદી હવે પછી જાહેર કરીશું અને પાર્ટી તમામ ૧૮૨ બેઠકો ઉપર ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અમારા માટે મૉડલ સ્ટેટ છે અને તેને અનુસરીને ગુજરાતમાં પણ કામ કરીશું. જે રીતે ઉત્તર પ્રદેશમાં અમારી પાર્ટીએ બેરોજગારને ભથ્થાં,ખેડૂતોને દેવાં માફ કર્યા, ખેડૂતોને વીજળી મફત આપી એ રીતે ગુજરાતમાં સમાજલક્ષી વિકાસના મુદ્દા ધ્યાનમાં રાખીને પાર્ટી ચૂંટણી લડશે.
મુલાયમ સિંહ યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ, મોહમ્મદ આઝમ ખાન અને ખાસ, જયા બચ્ચન સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર માટે ગુજરાત આવશે.
સમાજવાદી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાં હાલના તબક્કે સૌથી વધુ વડોદરા જિલ્લામાં આઠ ઉમેદવારો, સુરત જિલ્લામાં ૬ ઉમેદવારો, અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં ચાર-ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ઠાકોર, પટેલ અને ક્ષત્રિય સહિત તમામ સમાજને સ્થાન આપવામાં આવ્યું છે.