સાઉથ બૉમ્બે એટલે મુંબઈનો આત્મા

Published: 6th September, 2012 07:00 IST

બીજેપીનાં અગ્રણી નેતા જયવંતીબહેન મહેતાના મતે દક્ષિણ મુંબઈ વિનાના મુંબઈની કલ્પના કરવાનું તેમના માટે શક્ય નથી

jayavanti-mehtaહું ક્યારેય દક્ષિણ મુંબઈની બહાર રહેવા નથી ગઈ અને ક્યારેય જવાની પણ નથી. મૅરેજ કરીને ભુલેશ્વર રહેવા આવી. ભુલેશ્વરમાં અમે ૧૯૭૮ સુધી રહ્યાં. ત્યાં અમારું ઘર ચોથા માળે હતું. ૧૯૭૮માં મારા હસબન્ડને હાર્ટઅટૅક આવ્યો એટલે અમે શિવાજી પાર્ક રહેવા આવ્યાં. શિવાજી પાર્કના ઘરમાં અમે ૧૯૮૮ સુધી રહ્યાં અને એ પછી અત્યારના આ વરલીના સર પોચખાનવાલા રોડના ઘરે રહેવા આવ્યાં.

સાઉથ મુંબઈ વિશે મારે એક વાક્યમાં જો ઓળખ આપવાની હોય તો આપું કે સાઉથ મુંબઈ એટલે આખા મુંબઈનો આત્મા. જેમ શરીરમાં હૃદય બહુ જરૂરી અંગ છે, એના વિના જીવી જ ન શકાય એવી જ રીતે દક્ષિણ મુંબઈ વિનાના મુંબઈની કલ્પના જ શક્ય નથી. મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે, પણ હકીકત એ છે કે દક્ષિણ મુંબઈ દેશની આર્થિક રાજધાની સમાન છે. બહુ ઓછાને ખબર છે કે મુંબઈ આખાનો જે ટૅક્સ છે એમાંથી ૮૫ ટકા ટૅક્સ ખાલી સાઉથ મુંબઈ ભરે છે. મુંબઈ આખાની ઝૂંપડપટ્ટી કરતાં સૌથી ઓછી એટલે કે માત્ર ૨૨ ટકા ઝૂંપડપટ્ટી સાઉથ મુંબઈમાં છે. દરરોજ સવારના લગભગ સત્તર લાખ લોકો સાઉથ મુંબઈ પોતાના બિઝનેસ કે જૉબ કે પછી બીજા કોઈ કામસર આવે અને રાતના આઠ વાગ્યા સુધીમાં પોતપોતાના સબર્બમાં પાછા ફરે છે. દેશઆખાનાં અલગ-અલગ માર્કેટ અને બિઝનેસ વિશે નીતિવિષયક નિયમો બનાવતાં ચાલીસથી વધુ અસોસિએશન સાઉથ મુંબઈમાં છે અને આ જ સાઉથ મુંબઈમાં મુંબઈની બધી મોટી અને જરૂરી માર્કેટ આવેલી છે. સાચું મુંબઈ આ જ છે અને એમાં કોઈ શંકા નથી. વેપાર અને બિઝનેસ સિવાયની વાત કરીને કહેવાનું હોય તો કહી શકાય કે મુંબઈ જે સ્થાપત્યને કારણે સૌથી વધુ ફેમસ છે એ ગેટવે ઓફ ઇન્ડિયા આ સાઉથ મુંબઈમાં છે. રાજભવન, મંત્રાલય, હાઈ કોર્ટ, રેસકોર્સ, ઝવેરી બજાર, શૅરબજારનું વડું મથક એવું જીજીભોય ટાવર, જહાંગીર આર્ટ ગૅલેરી પણ આ જ સાઉથ મુંબઈમાં છે. અરે, મુંબઈ નગરીનું નામ જે દેવી પરથી પડ્યું એ મુંબાદેવી પણ સાઉથ મુંબઈમાં છે અને દુનિયાભરમાં જાણીતું થયેલું મહાલક્ષ્મીનું મંદિર પણ સાઉથ મુંબઈમાં છે. આ જ કારણોસર આજે પણ આતંકવાદીઓના હુમલામાં સૌથી વધુ જોખમ બોરીવલી, કાંદિવલી જેવાં પરાંઓ કરતાં પણ સાઉથ મુંબઈને રહે છે. જોકે એની કોઈ ચર્ચા છે નહીં એટલે એ દિશામાં વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે સાઉથ મુંબઈનાં હકારાત્મક પાસાંઓની ચર્ચા કરવી છે મારે એટલે હું એ જ વાત પર ધ્યાન આપવા માગું છું.

જૂજ લોકોના ધ્યાન પર આવ્યું હશે કે સબર્બ કરતાં પણ વધુ કલ્ચરલ ઍક્ટિવિટી દક્ષિણ મુંબઈમાં થાય છે. એની પાછળનું કારણ એ છે કે સબબ્ર્સ હજી પણ કોઈ કમ્યુનિટીને આધારિત થઈ ગયાં છે, પણ સાઉથ મુંબઈ આજની તારીખે પોતાની કૉસ્મોપૉલિટન ઇમેજ જાળવી શક્યું છે અને આ કૉસ્મોપૉલિટન ઇમેજના કારણે જ અહીં અલગ-અલગ કલ્ચરની ઍક્ટિવિટી ચાલતી રહે છે. સાઉથ મુંબઈ મને અનહદ વહાલું છે એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. હું આ વિસ્તાર છોડીને ક્યાંય ગઈ નથી એ જ આ વાતનો પુરાવો છે. અનેક વખત મને લોકોએ સબર્બમાં આવી જવાનું કહ્યું છે. બોરીવલી, કાંદિવલી જેવા ગુજરાતી એરિયામાં સ્થાયી થવા માટે પણ કહેવામાં આવ્યું છે; પણ હું મારી જાતને સાઉથ મુંબઈ સિવાય ક્યાંય કલ્પી શકતી નથી. મને લાગે છે કે સાઉથ મુંબઈના કારણે જ હું મારી જાતને પૂર્ણપણે જાણી શકી છું અને પારખી શકી છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK