BJPએ અત્યારે ભલે વિશ્વાસનો મત જીત્યો, પણ જનતાના મનમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે : શિવસેના

Published: Nov 14, 2014, 05:34 IST

જનતા માટે સરકાર ચલાવવાનાં વચનો આપીને વિશ્વાસનો મત જીતનારી પાર્ટી BJPને દંભી ગણાવતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘BJPને વિશ્વાસનો મત જીતીને છ મહિના પૂરતું ગાડું ગબડાવવામાં ભલે સફળતા મળી હોય, પણ રાજ્યની જનતાના મનમાંથી વિશ્વાસનું ગાડું હવેથી પીછેહઠ કરી રહ્યું છે. સત્તા સંભાળવાના પ્રથમ દિવસે જ તમે રાજકારભારનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. આ પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.’
વિશ્વાસનો મત જીતવા માટે કરેલી ખટપટો બદલ પ્રહારો કરતાં શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકમાં સત્તાપ્રાપ્તિ માટે ભ્રષ્ટ આચારની સીમા પાર કરવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે વૉઇસ વોટથી વિશ્વાસનો મત જીત્યા પછી શિવસેનાનો રોષ ‘સામના’માં વ્યક્ત કરતાં ઉદ્ધવ ઠાકરેએ લોકશાહીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

બીજું શું શું લખ્યું ઉદ્ધવે?

હાલના રાજકારણમાં બહુમત સિદ્ધ કરવા માટે તડજોડ કરવી પડતી હોય તો પણ એનો અર્થ નિયમો, બંધારણીય પ્રથાઓનું ગળું દબાવવું એવો થતો નથી.

વિરોધ પક્ષોએ નિયમ ૨૩ હેઠળ વિશ્વાસદર્શક દરખાસ્ત માટે મતદાન યોજવાની માગણી કર્યા છતાં સરકારે વૉઇસ વોટની છટકબારી શા માટે શોધી? નિયમ ૨૫ હેઠળની મતવિભાજનની શિવસેનાની માગણી શા માટે ફગાવી દીધી? બહુમત સભાગૃહ સામે લાવવાની હિંમત શાસકો શા માટે દાખવી ન શક્યા?

જે લોકો પ્રથાઓ અને પરંપરાઓ અભરાઈ પર ચડાવીને સભાગૃહનો વિશ્વાસ જીતતા હોય તે આવતી કાલે જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતશે?

અમે જ જેને બહુમત માનવા તૈયાર નથી એને દેશની ન્યાયપ્રિય જનતા કેવી રીતે બહુમત માનશે?

તમે સત્તા સંભાળવાના પ્રથમ દિવસે જ રાજકારભારનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે.

જે પ્રજાએ સત્તા સંભાળવાની તક આપી એ જ પ્રજાના વિશ્વાસનું તમે ગળું ટૂંપી દીધું, એ પાપનું કોઈ પ્રાપશ્ચિત્ત નથી.

મુંબઈ અને થાણે સુધરાઈમાં BJP સાથેની યુતિ વિશે શિવસેના માસ્ટરસ્ટ્રોક મારશે : સંજય રાઉત

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે પૉલિટિકલ દાવ ખેલીને BJPએ શિવસેનાને વિરોધ પક્ષની પાટલીએ બેસાડી દીધા બાદ હવે મુંબઈ અને થાણે સુધરાઈમાં બન્ને પાર્ટી વચ્ચેની યુતિ વિશે પ્રશ્નો થઈ રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે આ સુધરાઈઓમાં ટૂંક સમયમાં શિવસેના માસ્ટરસ્ટ્રોક મારશે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે વિધાનસભામાં લીધેલા વિશ્વાસના મતને વિશ્વાસઘાત ગણાવીને સંજય રાઉતે કહ્યું હતું કે હવે સુધરાઈઓમાં BJP સાથેની યુતિ વિશે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં નિર્ણય લેશે અને શિવસેના માસ્ટરસ્ટ્રોક મારશે.

મુલુંડમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ શિવસેનાનું રસ્તા રોકો

વિધાનસભામાં બુધવારે ધ્વનિમતનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિશ્વાસનો પ્રસ્તાવ જીત્યો એના વિરોધમાં ગઈ કાલે મુલુંડ ચેકનાકા પાસે સવારે ૧૦ વાગ્યે શિવસેનાએ રસ્તારોકો આંદોલન કર્યું હતું. અંદાજે ૧૦૦ જેટલા શિવસૈનિકોએ BJP વિરુદ્ધ ઘોેષણાબાજી કરી મુલુંડ ચેકનાકા પાસે બસો અટકાવી હતી અને ટ્રાફિક જૅમ કર્યો હતો તેમ જ અમુક શિવસૈનિકો બસ પર પણ ચઢી ગયા હતા, એટલું જ નહીં શિવસૈનિકોએ પોલીસની ગાડી પર ચઢી જઈ ઝંડો ફરકાવવા જતાં પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા, પણ પછીથી તેમને જવા દેવામાં આવ્યા હતા.

રસ્તા પર ઊતરેલા શિવસૈનિકોએ રસ્તો રોકી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રેવન્યુ મિનિસ્ટર એકનાથ ખડસે વિરુદ્ધ જોરદાર ઘોષણાબાજી કરી હતી. આ કારણે લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ હતી.

તસવીર: નીતિન મણિયાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK