મુંબઈ: BMC બ્રિટિશ કાળની પીવાના પાણીની 21 પરબ ફરી સક્રિય બનાવશે

અરિતા સરકાર | Jun 03, 2019, 11:54 IST

બ્રિટિશ રાજના દિવસોની મુંબઈ શહેરની જાણીતી ૨૧ પરબોને ફરી સક્રિય બનાવવાના પ્રયાસો મુંબઈ મહાનગરપાલિકાએ કન્ઝર્વેશન આર્કિટેક્ટ રાહુલ ચેમ્બુરકરના સહયોગમાં શરૂ કર્યા છે.

મુંબઈ: BMC બ્રિટિશ કાળની પીવાના પાણીની 21 પરબ ફરી સક્રિય બનાવશે
પરબ

બ્રિટિશ રાજના દિવસોની મુંબઈ શહેરની જાણીતી ૨૧ પરબોને ફરી સક્રિય બનાવવાના પ્રયાસો મુંબઈ મહાનગરપાલિકાએ કન્ઝર્વેશન આર્કિટેક્ટ રાહુલ ચેમ્બુરકરના સહયોગમાં શરૂ કર્યા છે. મહાનગરપાલિકાના હેરિટેજ ડિપાર્ટમેન્ટના ‘પ્યાઉ સર્કિટ’ નામના પ્રોજેક્ટના ભાગરૂપે એક વખતની આકર્ષક પરબોનાં સુંદર સ્થાપત્યોનાં સમારકામ અને સુધારા સાથે ત્યાં ફિલ્ટર્ડ વૉટર સપ્લાય સિસ્ટમ પણ કાર્યાન્વિત થશે. સરેરાશ દરેક પરબના નવસર્જનનો ખર્ચ પચીસથી ત્રીસ લાખ રૂપિયાનો અંદાજવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની નવી યોજનામાં સર્વપ્રથમ ભાયખલાસ્થિત પ્રાણી સંગ્રહાલય સ્થિત ચાર પરબોને સક્રિય કરવામાં આવશે. એ ચાર પરબોમાંથી વિશિષ્ટ રચના ધરાવતી બે પરબો ‘અરદેશીર દાદીશેટ પ્યાઉ’નું નામ ધરાવે છે. એમાંથી એક પરબ ‘ખિમજી મૂળજી રાંદેરિયા પ્યાઉ’ અને એક પરબ ‘શેઠ શામળદાસ નરસીદાસ પ્યાઉ’ નામ ધરાવે છે. પાલિકાએ ગુજરાતી દાનવીરોની સખાવતથી બંધાયેલી એ ચાર પરબો સહિત ૨૧ પરબોને ફરી મૂળ રોનક સાથે શરૂ કરાવવા માટે સ્થાપત્યોનાં સુધારા-સમારકામની જવાબદારી કન્ઝર્વેશન આર્કિટેક્ટ રાહુલ ચેમ્બુરકરને સોંપી છે.

આ પણ વાંચો : મુંબઈ: ટૅક્સીનું મિનિમમ ભાડું 30 રૂપિયા?

અન્ય ૧૭ પરબો કાલબાદેવી, માઝગાવ, દાદર, લોઅર પરેલ અને બાંદરામાં છે. એ પરબોમાં સૌથી જૂનું બાંધકામ ૧૮૬૫નું છે. અન્ય પરબો ૧૯૦૦ના સૈકાના આરંભમાં બંધાયેલી છે. પરબોનાં બાંધકામમાં પોરબંદર સ્ટોન અને મલાડ સ્ટોનનો કલાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK