સૂદ ધ સુપરમૅન: ફિલ્મમાં વિલન બનનારા સોનુએ માનવતાની બેજોડ મિસાલ આપવાનું કામ કર્યું

Published: May 29, 2020, 11:22 IST | Manoj Joshi | Mumbai

લૉકડાઉનના આ પિરિયડમાં સોનુએ એક સાવ અલગ જ પ્રકારની ભેખ ધરી છે

ટીવી જુએ છે, ન્યુઝ-ચૅનલ પર પડ્યાપાથર્યા રહે છે એ પૈકીના અમુક લોકોને આ વાતની ખબર છે, પણ મોટો વર્ગ એવો છે જેમને હજી સુધી ખબર નથી કે સોનુ સૂદ અત્યારે પોતાની એક હિન્દુસ્તાની હોવાની ફરજ કેવી રીતે અદા કરી રહ્યો છે. ફિલ્મી પડદે વિલન બનીને ભલભલાને ધ્રુજાવનારો સોનુ સૂદ અત્યારે સેંકડો લોકોની આંખમાં હર્ષનાં આંસુ લાવી રહ્યો છે. અઢળક લોકોની દુઆઓ કમાઈ રહ્યો છે અને મબલક લોકોના આશીર્વાદ ઘરમાં લાવે છે. લૉકડાઉનના આ પિરિયડમાં સોનુએ એક સાવ અલગ જ પ્રકારની ભેખ ધરી છે.

ઘરમાં બેસી રહેવાને બદલે વાતાનુકૂલિત વાતાવરણમાં પગ લાંબા કરીને આરામ કરવાને બદલે સોનુ બહાર નીકળી ગયો અને તેણે પરપ્રાંતીયોને તેમના ઘરે પહોંચવામાં હેલ્પ કરવાનું શરૂ કર્યું. સોનુ સૂદ આ કામ કરી શકે એવું કોઈએ ધાર્યું પણ નહોતું. કોઈએ તેના આ રૂપની કલ્પના પણ નહોતી કરી અને કોઈએ દૂર-દૂર સુધી એવું વિચાર્યું નહોતું કે તેનામાં આ પ્રકારનો એક એવો ઇન્સાન જીવે છે જે બીજાનાં દુખે દુખી થાય છે અને બીજાની ખુશીમાં સુખ પામે છે. અડધી ઇન્ડસ્ટ્રીને આજે સરપ્રાઇઝ આ જ વાતનું છે કે તે આ બધું કરે છે અને કોઈ તેના આ સ્વભાવથી વાકેફ નહોતા. સોનુ સૂદ ઑલમોસ્ટ છેલ્લા એક મહિનાથી આ કામ કરી રહ્યો છે. સૌથી પહેલાં તેણે મુંબઈ શહેરમાં ભૂખ્યા સૂઈ રહેનારાઓને ફૂડ-પૅકેટ પહોંચે એ માટે વ્યવસ્થા શરૂ કરી. એ પછી તેણે જરૂરિયાતમંદોને કોઈ જાતના પ્રશ્નો પૂછ્યા વિના આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું અને એ પછી તેણે પોતાનું બધું ધ્યાન પરપ્રાંતીયોને ઘરે પહોંચાડવામાં લગાડી દીધું. બસથી માંડીને એ બસમાં રવાના થનારા લોકોને જરૂરી હોય એવો સામાન પણ સાથે આપ્યો. એ બસ માટે પરમિશન લેવાનું કામ કરવું અને એ પછી સૌને રાજીખુશીથી રવાના કરવા. આટલું અને આ પ્રકારનું જહેમતવાળું કામ કોઈ પોતાની ફૅમિલીના મેમ્બર માટે પણ કરવા રાજી ન થાય, પરંતુ સોનુ એ કરી રહ્યો છે.

ઇન્ડસ્ટ્રી સોનુ પર ઓવારી ગઈ છે તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે સેન્ટ્રલ મિનિસ્ટરી પણ સોનુ સૂદના આ કાર્યથી તેના પર અછોવાના કરી રહી છે. સ્મૃતિ ઈરાની તેને ફોન કરે છે અને શિખર ધવનથી માંડીને સચિન તેન્ડુલકર તેને મેસેજ કરીને શાબાશી આપે છે. સોનુ સૂદ પ્રયાસ કરે છે કે સૌકોઈને જવાબ આપે અને સૌકોઈ સાથે એટલા જ સમભાવથી રહે, જેટલો સમભાવ તેના સ્વભાવમાં છે. સોનુ સૂદે જે કોઈને રવાના કર્યા છે એ બધા અત્યારે પોતપોતાના ઘરે પહોંચી ગયા છે. સોનુની મુંબઈમાં હોટેલ છે, આ હોટેલ પણ તેણે મેડિકલ સ્ટાફને રહેવા માટે આપી દીધી છે. ૨૦ બસ ભરીને પરપ્રાંતીયોને ‍તેમના ઘરે મોકલનારો સોનુ અંધેરી, જોગેશ્વરી, બાંદરા અને જુહુમાં ઑલમોસ્ટ દરરોજ ૪૦,૦૦૦ લોકોને ખાવાનું પહોંચાડે છે. સોનુના આ સેવાયજ્ઞમાં અઢળક લોકો જોડાયા છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કાર્ય કરવા માટે આગળ આવવું, આગળ આવવાનું અને આગેવાની લેવાનું કામ સોનુએ કર્યું એ જ દર્શાવે છે કે સોનુમાં એક હિન્દુસ્તાની વસે છે. એક હિન્દુસ્તાની જ આ કામ કરી શકે અને એક ભારતીય જ પોતાની આ ફરજ નિભાવવા કોઈ પણ જાતના ડર વિના આગળ આવી શકે.

સોનુ હૅટ્સ ઑફ.

સૅલ્યુટ દોસ્ત.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK