સોનિયા ગાંધી સામે ચાલીને સુષમા સ્વરાજને મળ્યાં

Published: 2nd September, 2012 03:07 IST

વડા પ્રધાનના રાજીનામાની માગણી તો પડતી નહીં જ મૂકે મુખ્ય વિપક્ષ સરકાર કોલસાની ૫૮ ખાણોની ફાળવણી કૅન્સલ કરે એવી શક્યતા

shushma-soniaકોલસાકૌભાંડના મુદ્દે છેલ્લા ૮ દિવસથી સંસદ ઠપ છે ત્યારે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી મુખ્ય વિરોધપક્ષ બીજેપીને મનાવવા લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજને મળ્યાં હતાં. જોકે સોનિયા ગાંધીની વિનંતી છતાં બીજેપીએ વડા પ્રધાનના રાજીનામાની માગણી પડતી નહીં મૂકવાનો નિર્ણય લીધો હતો એટલું જ નહીં, બીજેપીએ આવનારા દિવસોમાં આ ડિમાન્ડ વધુ તેજ કરવાની પણ જાહેરાત કરી હતી. બીજી તરફ કોલસાની ૫૮ ખાણોની ફાળવણી રદ કરવામાં થઈ રહેલા વિલંબ બદલ વડા પ્રધાન કાર્યાલયે નારાજગી વ્યક્ત કરી હતી. આવતી કાલે મળનારી પ્રધાનોના જૂથની બેઠકમાં આ વિશે નિર્ણય લેવામાં આવશે એવી શક્યતા છે. આ ૫૮ ખાણોમાંથી ૨૫ તાતા અને રિલાયન્સ જેવી પ્રાઇવેટ કંપનીઓને ફાળવવામાં આવી છે.

ગઈ કાલે બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસેનને પૂછવામાં આવ્યું હતું કે શું વિપક્ષ કેટલાંક મહત્વનાં બિલોને પસાર થવા દેશે? ત્યારે તેમણે કહ્યું હતું કે સવાલ આ બિલોનો નહીં, રાષ્ટ્રનો છે. અમારી લડાઈ ચાલુ જ રહેશે. શુક્રવારે સોનિયા ગાંધી અને મનમોહન સિંહે બેઠક યોજીને વિપક્ષના આક્રમણને ખાળવા વિસ્તૃત ચર્ચા કરી હતી. ગઈ કાલે સોનિયા ગાંધી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ મળ્યાં હતાં. સોનિયા ગાંધી આ મુદ્દે યુપીએના અન્ય પક્ષો સાથે પણ સતત ચર્ચા કરી રહ્યાં છે.  

મમતાને યુપીએ છોડવા બીજેપીની અપીલ

બીજેપીએ ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજીને યુપીએમાંથી બહાર નીકળી જવાની અપીલ કરી હતી. બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે મમતા બૅનરજી ક્લીન ઇમેજ ધરાવતાં હોવાથી તેમણે યુપીએમાંથી નીકળી જવું જોઈએ. તેમણે આગાહી કરી હતી કે ૨૦૧૪માં યુપીએ પડી ભાંગશે.

સોનિયા ગાંધી મેડિકલ ચેક-અપ માટે વિદેશ રવાના

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી ગઈ કાલે મેડિકલ ચેક-અપ માટે વિદેશપ્રવાસે રવાના થયાં હતાં. કૉન્ગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ગઈ કાલે માહિતી આપતાં કહ્યું હતું કે સોનિયા ગાંધી લગભગ એક સપ્તાહમાં પાછાં ફરશે. ગયા વર્ષે ઑગસ્ટમાં તેઓ સર્જરી માટે વિદેશ ગયાં હતાં એ પછી ફેબ્રુઆરીમાં પણ તેઓ મેડિકલ ચેક-અપ માટે વિદેશ ગયાં હતાં. સોનિયા ગાંધીની બીમારી તથા તેમની સારવારના સ્થળ વિશે કૉન્ગ્રેસે કોઈ માહિતી નહોતી આપી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK