Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ગ્રી સોનિયા ગાંધીએ બીજેપી પર હલ્લાબોલનું આપ્યું ફરમાન

ઍન્ગ્રી સોનિયા ગાંધીએ બીજેપી પર હલ્લાબોલનું આપ્યું ફરમાન

24 August, 2012 06:23 AM IST |

ઍન્ગ્રી સોનિયા ગાંધીએ બીજેપી પર હલ્લાબોલનું આપ્યું ફરમાન

ઍન્ગ્રી સોનિયા ગાંધીએ બીજેપી પર હલ્લાબોલનું આપ્યું ફરમાન


sonia-gnadhi-angri૧.૮૫ લાખ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ વિશેના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના રિપોર્ટ મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત્ રહેતાં ગઈ કાલે સતત ત્રીજા દિવસે પણ સંસદમાં કોઈ કામ થઈ શક્યું નહોતું. ગઈ કાલે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના સંસદસભ્યોને બીજેપીની આક્ષેપબાજી સામે રક્ષણાત્મક નહીં પણ આક્રમક વલણ દાખવવાનો આદેશ આપ્યો હતો. સવારે લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યોની બેઠક બોલાવીને સોનિયાએ સંસદ ચલાવવા સામે અવરોધ પેદા કરવાની બીજેપીની ચાલાકી ઉઘાડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. યુપીએની કો-ઑર્ડિનેશન કમિટીની બેઠકમાં પણ કેટલાક સાથી પક્ષોએ સોનિયા ગાંધીને અપીલ કરી હતી કે કૉન્ગ્રેસે આક્રમક વલણ દાખવીને વિપક્ષના આક્ષેપો ધ્વસ્ત કરવા જોઈએ, નહીંતર ગઠબંધનની ઇમેજને ગંભીર નુકસાન પહોંચશે.

ત્રીજો દિવસ પણ વેડફાયો



બીજેપીએ વડા પ્રધાનપદેથી મનમોહન સિંહના રાજીનામાની માગણી પકડી રાખતાં ગઈ કાલે ત્રીજા દિવસે પણ સંસદમાં કોઈ કામગીરી થઈ શકી નહોતી. લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહમાં વિપક્ષની ઉગ્ર નારાબાજીને કારણે વારંવાર ગૃહ મોકૂફ રખવામાં આવ્યાં હતાં. ગઈ કાલે બન્ને ગૃહમાં વડા પ્રધાનના રાજીનામાની માગણીમાં બીજેપી સાથે જયલલિતાના પક્ષ એઆઇએડીએમકેના સંસદસભ્યો પણ જોડાયા હતા. રાજ્યસભામાં જેડીયુના સંસદસભ્યોએ પણ બીજેપીને સાથ આપ્યો હતો. ગઈ કાલે રાજ્યસભાની બેઠક ત્રણ વખત મોકૂફ રહી હતી, જ્યારે લોકસભાની બેઠક બે વખત સ્થગિત કરવામાં આવી હતી.


બીજેપીને મનાવવાના પ્રયાસો

ગઈ કાલે રાજ્યસભાના ચૅરમૅન હામિદ અન્સારીએ મડાગાંઠ ઉકેલવા માટે બેઠક બોલાવીને એનડીએને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એનડીએના સભ્યોએ વડા પ્રધાનના રાજીનામાની માગણી પકડી રાખી હતી. લોકસભાના નેતા અને ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ પણ ગઈ કાલે લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજને મળીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.


ઑલ પાર્ટી મીટિંગનું મમતાનું સૂચન

સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાનના કોઈ સંકેત ન દેખાતાં ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મમતા બૅનરજીએ મડાગાંઠ ઉકેલવા માટે ઑલ પાર્ટી મીટિંગની તરફેણ કરી હતી. મમતાએ કહ્યું હતું કે સરકારે વિરોધ પક્ષને વિશ્વાસમાં લેવાની જરૂર છે. ગઈ કાલે સાંજે મમતા બૅનરજીએ આ મુદ્દે વડા પ્રધાન મનમોહન સિંહને મળીને અડધો કલાક ચર્ચા કરી હતી. મમતાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે ઑલ પાર્ટી મીટિંગની જરૂર છે.

સંસદની અનોખી નારેબાજી

કૅગના રિપોર્ટના મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી સરકાર સામે દેખાવો કરી રહેલી બીજેપીએ રસપ્રદ નારો ઘડી કાઢ્યો છે. ગઈ કાલે સંસદનાં બન્ને ગૃહમાં બીજેપીના સભ્યો ‘યે જો કૉન્ગ્રેસ કે ચેહરે પર લાલી હૈ, કોયલે કી દલાલી હૈ’ જેવા નારા પોકારતા હતા. આ ઉપરાંત તેઓ ‘પ્રધાનમંત્રી ઇસ્તીફા દો’નો નારો પોકારતા હતા જેના જવાબમાં કૉન્ગ્રેસના સભ્યો ‘પ્રધાનમંત્રી ઝિન્દાબાદ’ના નારા પોકારતા હતા.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK