Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું નકારાત્મકતાની લાગણી તમને પણ ક્યારેક-ક્યારેક ઘેરી વળે છે?

શું નકારાત્મકતાની લાગણી તમને પણ ક્યારેક-ક્યારેક ઘેરી વળે છે?

11 January, 2021 03:11 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

શું નકારાત્મકતાની લાગણી તમને પણ ક્યારેક-ક્યારેક ઘેરી વળે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી એક સમસ્યા છે. આમ તો હું સ્વભાવે ઠીકઠાક પૉઝિટિવ વ્યક્તિ છું તેમ છતાં મારી આસપાસ મારા કરતાં કોઈ વધુ પૉઝિટિવ વ્યક્તિ આવી જાય તો મને લઘુતાગ્રંથિનો અહેસાસ થવા માંડે છે. હું કેમ તેના જેટલી પૉઝિટિવ નથી, હું કેમ વસ્તુઓને તેના જેટલી હળવાશથી લઈ નથી શકતી, હું કેમ તેની જેમ દુઃખમાં હસી નથી શકતી જેવી નકારાત્મક લાગણીઓ મને ઘેરી વળે છે. આવામાં હમણાં ક્યાંક વાંચ્યું કે ક્યારેક-ક્યારેક જીવનમાં નકારાત્મક લાગણીઓ અનુભવવામાં કશું ખોટું નથી. છેલ્લાં ઘણાં વર્ષોમાં કોઈ એક વાક્ય વાંચીને મને ખરેખર સારું લાગ્યું હોય તો એ આ છે.

આમ પણ હવેના સોશ્યલ મીડિયાના જમાનામાં ચારે બાજુથી આપણા પર હકારાત્મક લાગણીઓનો મારો થઈ રહ્યો છે. હજી તો સવારે આંખ ખૂલે એ પહેલાં જ કોઈ પણ પરિસ્થિતિમાં હકારાત્મક કેવી રીતે રહેવું એની સલાહ આપતા પાંચ-દસ મેસેજ તો આવી જ ગયા હોય. છાપું ખોલીને બેસો એટલે અમારા જેવા કટારલેખકોના પણ આ નહીં તો આ મતલબના લેખો જ છપાયેલા જોવા મળે. છાપું વાળીને બાજુ પર મૂકો અને ફેસબુક ખોલો એટલે ફરી પાછા દુનિયાભરના જાણ્યા-અજાણ્યા લોકોએ આ જ સંબંધી જ્ઞાનગંગા વહાવી હોય. આટલું ઓછું હોય તેમ કોઈનાં લગ્નમાં, કોઈના શ્રીમંતમાં, કોઈના ઉઠમણામાં જાઓ એટલે એકાદ-બે એવી વ્યક્તિ તો મળી જ જાય જે તમને જીવનમાં હકારાત્મકતા જાળવી રાખવી કેટલી જરૂરી છે એનું પ્રવચન આપવા તૈયાર બેઠી જ હોય.



એ બધા લોકોની વાત સાચી માની લઈએ એટલે બને એવું કે આપણને આપણી જ જાત સામે પ્રશ્નો થવા લાગે. વિચાર આવે કે સાલ્લું આખી દુનિયાને પૉઝિટિવ રહેતાં આવડે છે અને એક આપણે જ છીએ જે સવારે દૂધવાળો ન આવે તો ટેન્શનમાં આવી જઈએ છીએ કે પછી કામવાળી રજા પર જાય તો સ્ટ્રેસ અનુભવવા લાગીએ છીએ? એમાંય મારા જેવા કેટલાક દોઢડાહ્યા લોકો હોય તેમને તો આટલી નાની વાતે ટેન્શન અને સ્ટ્રેસ કેમ થઈ રહ્યું છે એનું પણ ટેન્શન અને સ્ટ્રેસ થાય. પછી તો આ સિલસિલો એવો ચાલે કે જરા જેટલી મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ગુસ્સો, ચીડ જેવી નકારાત્મક લાગણી જન્મે કે તરત આપણે આપણી જાતને ટપારવા બેસી જઈએ. બલકે કેટલાક અતિ સંવેદનશીલ જીવો તો આમ પૉઝિટિવ રહેવાના ભારતળે જ ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવી નકારાત્મક બીમારીઓના શિકાર બની જતા હોય છે.


આવામાં કોઈ તમને આવીને એમ કહે કે ભાઈ, ક્યારેક-ક્યારેક જીવનમાં નકારાત્મક લાગણીઓ અનુભવવામાં પણ કશું ખોટું નથી તો સારું ન લાગે તો બીજું શું લાગે? વાત મૂળે એમ છે કે હકારાત્મક રહેવું ચોક્કસ સારી જ વાત છે, પરંતુ સતત હકારાત્મકતા પાછળ દોડવું એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. તમે પૉઝિટિવ રહેવાનો પ્રયત્ન કરો છો એનો અર્થ એ થયો કે તમે પૉઝિટિવ નથી એવી નેગેટિવિટીથી પીડાઈ રહ્યા છો. આ એવી વાત છે કે જેટલી પૈસાદાર બનવાની તમારી ઇચ્છા વધુ અદમ્ય એટલી તમને મનથી ગરીબીનો અનુભવ વધુ થાય (પછી ભલેને તમારી કમાણી ગમે તેટલી સારી જ કેમ ન હોય). જેટલા તમે પાતળા બનવા માટે વધુ તલપાપડ બનો એટલું તમને તમારું શરીર હોય એના કરતાં વધુ જાડું લાગે. જેટલી તીવ્રતાપૂર્વક તમે કોઈ પાર્ટનરની શોધ કરો એટલી એકલતા અને અધૂરપ તમને વધુ અનુભવાય. કંઈક આવી જ પરિસ્થિતિને વર્ણવતા દુનિયાભરમાં જેમને અસ્તિત્વવાદના પ્રણેતા તરીકે જોવામાં આવે છે તેવા લેખક આલ્બર્ટ કામુએ એક વાર કહ્યું હતું કે ‘જ્યાં સુધી તમે સુખની શોધમાં રહેશો ત્યાં સુધી તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. જ્યાં સુધી તમે જીવનનો અર્થ શોધતા રહેશો ત્યાં સુધી તમે ક્યારેય જીવી નહીં શકો.’

વાસ્તવમાં મનુષ્ય તરીકે આપણા બધાનું સંપૂર્ણ ધ્યાન ફક્ત જીવવા પર હોવું જોઈએ અને જીવનનો પૂર્ણપણે આનંદ ત્યારે જ માણ્યો કહેવાય જ્યારે તમે જીવનના બધા જ રંગો જોયા હોય, બધી જ લાગણીઓ અનુભવી હોય, બધા જ ઉતાર-ચડાવ જોયા હોય. તેથી સુખ જેટલું મહત્ત્વનું છે દુઃખ પણ એટલું જ અગત્યનું છે. હકારાત્મકતા જેટલી મહત્ત્વની છે, નકારાત્મકતા પણ એટલી જ આવશ્યક છે. હસવું જેટલું જરૂરી છે, રડવું પણ એટલું જ અગત્યનું છે. લોકોની વચ્ચે રહી સેલિબ્રેટ કરવું જેટલું સારું છે, એકલા રહી મૌન રહેવું પણ એટલું જ રૂડું છે.


કારણ કે જ્યાં જીવનના સારા અનુભવો આપણને સુખ આપવાની સાથે આપણો આત્મવિશ્વાસ વધારે છે ત્યાં જ ખરાબ અનુભવો આપણને વધુ અનુભવી, સમજદાર અને ઠરેલ બનાવે છે. દુઃખ સુખમાં આપણને છકી ન જવાનું શીખવે છે તો સુખ દુઃખમાં આપણને ભાંગી ન પડવાનું શીખવે છે. એવી જ રીતે હકારાત્મકતા આપણને પોતાની પહેલાં અન્યોને પ્રાધાન્ય આપવાનું શીખવે છે તો નકારાત્મકતા કેટલીક વાર જીવનમાં જરૂરી એવું પોતાની જાતને કેન્દ્રમાં મૂકવાનું શીખવે છે.

જે મહત્ત્વનું છે એ અનુભવવું છે. એ પણ પાછું પૂરી ગહનતા સાથે અનુભવવું છે, કારણ કે એ ગહનતામાંથી જ આખરે આપણો માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. બલકે હકીકત તો એ છે કે સુખ આપણે એટલું ઊંડાણપૂર્વક અનુભવી નથી શકતા જેટલું ગહનતાથી આપણે દુઃખ અનુભવીએ છીએ. વિશ્વાસ નથી થતો? તો યાદ કરો એ દિવસને જ્યારે તમારા હાથમાં તમારી પહેલી કમાણી મૂકવામાં આવી હતી અને હવે યાદ કરો એ દિવસને જ્યારે તમારા હાથમાંથી તમારા હકનું પ્રમોશન છીનવીને કોઈ બીજાને આપી દેવામાં આવ્યું હતું. તમે કઈ લાગણીને વધુ ગહનતાપૂર્વક અનુભવી હતી? સુખની કે દુઃખની? સ્વાભાવિક રીતે જ દુઃખની, કારણ કે એનો પ્રભાવ બહુ લાંબો સમય તમારા પર રહ્યો હતો. એ આખા સમય દરમિયાન તમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અકળામણ વગેરે જેવી અનેક લાગણીઓ એકસાથે અનુભવી હતી. તમારું મન અનેક પ્રશ્નો અને શંકાઓથી ઘેરાઈ ગયું હતું અને એ પ્રશ્નો તથા શંકાઓને પાર કરીને જ તમે જીવનના કેટલાક મહત્ત્વના નિષ્કર્ષ સુધી પહોંચ્યા હતા, કેટલાક જરૂરી પદાર્થપાઠ શીખ્યા હતા. આમ નકારાત્મક લાગણીઓના અનુભવ દરમિયાન મન અને મગજમાં જે સંઘર્ષ ચાલે છે એ સંઘર્ષ જ આખરે આપણને ભૂતકાળને પડતો મૂકી આગળ વધવામાં તથા આપણી પ્રગતિમાં સહાયક બને છે.

વળી લાગણીઓની સૌથી સારી વાત એ છે કે એ સુખની હોય કે દુઃખની, હર્ષની હોય કે શોકની, લાંબો સમય આપણી સાથે રહેતી નથી. કોઈ ગમે તેટલો પ્રયાસ કરે સુખને મુઠ્ઠીમાં બાંધીને રાખી શકાતું નથી અને દુઃખને મારી-મારીને ભગાવી શકતું નથી. બન્ને સમયાંતરે આપણી મુલાકાત લેતાં રહે છે અને પોતાનું કામ પૂરું થાય ત્યારે આપણને ત્યજી જ દેતાં હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યારેક થોડું દુઃખી થઈ જવાય, આંખમાંથી બે-ચાર આંસુ વહી જાય, ક્યારેક થોડા રાગ, દ્વેષ અને ઈર્ષ્યાનો અનુભવ થઈ જાય તો એમાં બહુ વિહ્વળ થઈ જવાની જરૂર નથી. જ્યાં સુધી એ નકારાત્મક લાગણીઓના આવેશમાં આપણે તણાઈ જતા નથી, જ્યાં સુધી એના આવેગ તળે કોઈને નુકસાન પહોંચાડતા નથી ત્યાં સુધી એમની રૂબરૂ થવાથી બહુ ગભરાવાની જરૂર પણ નથી.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 03:11 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK