Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > થોડા સ્ટ્રેસ ભી ઝરૂરી હૈ

થોડા સ્ટ્રેસ ભી ઝરૂરી હૈ

06 January, 2020 05:45 PM IST | Mumbai Desk
Bhakti D Desai

થોડા સ્ટ્રેસ ભી ઝરૂરી હૈ

થોડા સ્ટ્રેસ ભી ઝરૂરી હૈ


જો નાની ઉંમરે થોડોક તણાવ સહી લીધો હોય તો મોટા થયા પછી સ્ટ્રેસ સહન કરવાની અને હકારાત્મક રીતે રિસ્પૉન્ડ કરવાની ક્ષમતા ખીલે છે જે બાળકના ઓવરઑલ વિકાસ માટે ફાયદાકારક છે. નિષ્ણાતોનું કહેવું છે કે બાળક કેટલા અને કેવા પડકારો સહન કરી શકે એમ છે એનું પ્રમાણભાન જાળવીને પેદા થયેલો સ્ટ્રેસ હોય તો નાની ઉંમરે અનુભવેલો સ્ટ્રેસ હકારાત્મક પરિણામો આપનારો બને છે

હાલમાં સમય એવો આવી ગયો છે કે સ્કૂલમાં ભણતું નાનું ટાબરિયું હોય, ટીનેજર્સ હોય કે પછી કૉલેજમાં યંગસ્ટર્સ, દરેકના મોઢે સાંભળવા મળતી એક અચૂક વાત એ છે કે ‘હું ખૂબ સ્ટ્રેસમાં છું.’ જ્યારે બાળકો, કિશોરો અને યંગસ્ટર્સ આવું બોલે ત્યારે ક્યારેક નવાઈ લાગે છે કે સ્કૂલમાં ભણવા જતાં બાળકોને કેમ સ્ટ્રેસ જેવા ભારે શબ્દોનો ઉપયોગ કરવો પડે છે? અને આવી પરિસ્થિતિ પોતાના નાનાં બાળકોના જીવનમાં ન આવે એ માટે પેરન્ટ્સ અને વડીલો તેમનાથી બનતી કોશિશ કરતા હોય છે. પોતાના બાળકને સ્ટ્રેસ-ફ્રી જીવન મળે એ પેરન્ટ્સની ઈચ્છા હોય છે. મને જે તકલીફ પડી એ મારા સંતાનને ન પડે એ પ્રત્યેક પેરન્ટ્સની ભાવના રહી છે. એને કારણે જ જ્યારે પણ બાળક કંઈક તણાવમાં હોય ત્યારે તરત જ આપણે એની આળપંપાળ કરવા લાગીએ છીએ. તેને જરાય તકલીફ ન પડે એ માટે આપણે બહુ સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. જોકે થોડાક સમય પહેલાં જ અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિશિગનના સાયન્ટિસ્ટોએ એક અભ્યાસમાં નોંધ્યું છે કે નાની ઉંમરે થોડોક સ્ટ્રેસ અનુભવાય તો એનાથી પાછલી વયે સ્ટ્રેસ ખમવાની તાકાત વધે છે અને સરવાળે વ્યક્તિની આવરદા પણ વધે છે. અલબત્ત, આ પ્રયોગ કૃમિઓ પર થયો છે, પરંતુ જે થિયરી અને સ્ટ્રેસ-રિસ્પૉન્સ રાઉન્ડવર્મમાં જોઈ શકાય છે એ શું માનવોમાં પણ સાંકળી શકાય ખરું? એ વિશે અમે કેટલાક મનોચિકિત્સકો સાથે વાતચીત કરી જેનાથી નકારાત્મક અને હકારાત્મક સ્ટ્રેસ બાબતે ખૂબ સરસ વાત બહાર આવી.
સામાન્ય રીતે સ્ટ્રેસ એટલે કે તણાવ આ શબ્દ નકારાત્મક ભાવ સૂચવે છે, પણ આ તો સ્ટ્રેસ શબ્દને લઈને આપણા મનમાં બંધાઈ ગયેલી ગ્રંથિ છે. જરૂરી નથી કે સ્ટ્રેસ હંમેશા નકારાત્મક જ હોય કે પછી દરેક રીતના સ્ટ્રેસની જીવન પર જે અસર પડે છે તે પણ નકારાત્મક જ હોય. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં અથવા વિપરીત સંજોગોનો સામનો કરતા હોઈએ ત્યારે આપણા મનમાં અનુભવાતા દબાણને સ્ટ્રેસ નામ આપી દઈએ છીએ અને આ જ કારણથી આપણા મનમાં સ્ટ્રેસ માટેનો એક ડર બેસી જાય છે.
સ્ટ્રેસના પ્રકાર
બાળકોમાં નાની ઉંમરે અનુભવાતો સ્ટ્રેસ તેમના જીવન પર સકારાત્મક પ્રભાવ આપે છે આ વાતનું સમર્થન કરતા ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ હેતા શાહ કહે છે, ‘સ્ટ્રેસ વિષેની એક જ ધારણા છે કે એ નકારાત્મક હોય છે, પણ એક મનોવૈજ્ઞાનિક તરીકે હું એક વાતની ચોખવટ કરવા માગું છું કે માનસશાસ્ત્રની ભાષામાં eustress (યુસ્ટ્રેસ) અને distress (ડિસ્ટ્રેસ) એમ બે પ્રકારના સ્ટ્રેસ હોય છે. યુસ્ટ્રેસ એટલે કે જ્યારે પણ કોઈ મુશ્કેલ સંજોગો અથવા પરિસ્થિતિમાંથી કોઈ વ્યક્તિ સફળતાપૂર્વક બહાર આવે છે ત્યારે તે પૉઝિટિવ સ્ટ્રેસ સાબિત થાય છે, જેનાથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ડર્યા વગર કઈ રીતે એનો સામનો કરી શકાય એ માટેનો પોતાના પરનો આત્મવિશ્વાસ વધી જાય છે. એનાથી સ્વાભિમાનમાં પણ વધારો થાય છે. ડિસ્ટ્રેસ એટલે જેનાથી ડિપ્રેશન, વ્યાધિ, ચિંતા, માનસિક હતાશા વધે છે એવી સ્થિતિ નિર્માણ થાય છે. કોઈ પણ પરીક્ષામાં પાસ ન થવું અથવા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવામાં અસફળ રહેવું આને કારણે હતાશભર્યા જે ભાવ મનમાં નિર્માણ થાય છે, તે નેગેટિવ સ્ટ્રેસને કારણે થતા પરિણામો છે.’
સ્ટ્રેસનો સકારાત્મક ઉપયોગ
બાળકોમાં હકારાત્મક સ્ટ્રેસ અને એના કેસની ચર્ચા કરતાં સાઇકોલૉજિસ્ટ હેતા આગળ કહે છે, ‘અમારી પાસે આવા પૉઝિટિવ સ્ટ્રેસના કિસ્સાઓ ભાગ્યે જ આવતા હોય છે એનું કારણ એ છે કે બાળકમાં કોઈ વાતને લઈને સ્ટ્રેસની લાગણી અનુભવતી હોય ત્યારે તે પરિસ્થિતિમાંથી નીકળી ગયા પછી તેને અનુભવાયેલો તણાવ ખુશીમાં અથવા આત્મવિશ્વાસમાં પરિણમે છે. હા, ઘણી વાર એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં બાળક ખૂબ જ સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનમાં હોય અને તેના એ સ્ટ્રેસનો ઊંડો અભ્યાસ કરતા ખબર પડે કે તેની શરૂઆત પૉઝિટિવ સ્ટ્રેસમાંથી થઇ છે. મારી પાસે હાલમાં જ એક આઠ વર્ષની છોકરી કાઉન્સેલિંગ માટે આવી હતી અને શાળા અને ઘરના લોકોની ફરિયાદ એ હતી કે તે એક જગ્યાએ બેસતી નહોતી. બધાને ખલેલ પહોંચાડતી, આજુબાજુના છોકરાઓને મારતી, બધાની વસ્તુઓ લઇ લેતી. આ છોકરીનું વર્તન નકારાત્મક થવાનું એક કારણ એ હતું કે શિક્ષકો તેના પેરન્ટ્સને સતત ફરિયાદ કરતા અને એને કારણે તેના માતા-પિતા આખો દિવસ તેના ખરાબ વર્તન માટે તેને સંભળાવ્યા કરતા. આગળ જતાં મે જાણ્યું કે તેનો સૌથી સારો ગુણ એ હતો કે ક્લાસમાં જો કોઈને પણ મદદ જોઈએ તો સૌથી પહેલા આ જ છોકરી બધાને મદદ કરતી અને એ કોઈ પણ મુશ્કેલી સામે તે સફળતાપૂર્વક લડી શકતી. તેના આ એક સદ્ગુણને લઈને મેં તેના ખરાબ વર્તનને સારા વર્તનમાં પરિવર્તિત કર્યું અને જે છોકરી સાથે કોઈ ફ્રેન્ડશિપ કરવા તૈયાર નહોતું આજે તેને ખુશીથી તેની સાથેના બાળકો આવકારે છે અને શિક્ષકો પણ તેનાથી ખુશ છે. આમ કોઈ પણ ઉંમરના કિશોરો અને યુવાનોમાં જો પડકારવાળી પરિસ્થિતિ સકારાત્મકતામાં પરિણમે તો તે સ્ટ્રેસની પૉઝિટિવ અસર થાય છે અન્યથા તેની નકારાત્મક અસર થઈને માણસ ડિપ્રેશન અનુભવે છે.’
પડકારો પણ પ્રમાણમાં આપો
સ્ટ્રેસનો ફાયદો કઈ રીતે લઈ શકાય એ વિશે સમજાવતાં ચાઇલ્ડ-સાઇકિયાટ્રી નિષ્ણાત ડૉ. મલય દવે કહે છે, ‘મારા હિસાબે સ્ટ્રેસ એટલે એવી એક સ્થિતિ જ્યાં બાળક અથવા વ્યક્તિને એવું લાગે કે અમુક પરિસ્થિતિ અથવા સંજોગોનો સામનો કરવો તેના માટે અઘરો છે. હવે બાળકોના પૉઝિટિવ સ્ટ્રેસની વાત કરીએ. બાળક માટે કોઈક નવી પડકારવાળી પરિસ્થિતિ સર્જાય અને નવી કોઈ પણ વાત શીખવા માટે બાળકોનાં જીવનમાં પડકાર આવે ત્યારે નિર્માણ થતો સ્ટ્રેસ હકીકતમાં જરૂરી હોય છે. એનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. જોકે હું એક વાત ખાસ કહીશ કે બાળકની ક્ષમતાની બહાર તેને કોઈ પડકાર આપવામાં આવે તો સ્ટ્રેસ ખૂબ વધી જાય છે અને તે એને હૅન્ડલ ન કરી શકે તો એની અસર નકારાત્મક થઇ પણ થઇ શકે છે.’
બાળકની યોગ્યતા સમજો
સ્ટ્રેસનો ડોઝ પણ સપ્રમાણ જ હોવો જોઈએ અને એ માટે પેરન્ટ્સે સચેત રહેવું જરૂરી છે એમ સમજાવતાં ડૉ. મલય દવે કહે છે, ‘જેમ કે બાળકને સ્પોર્ટ્‍સ, આર્ટ્‍સ જેવી અન્ય પ્રવૃત્તિઓમાં વધારે રસ હોય તો તેને એમાં સ્ટ્રેસ નહીં આવે, પણ આ જ પ્રવૃત્તિમાં જો કોઈ એવા બાળકને મૂકવામાં આવે જેને તેમાં રસ નથી તો તેના માટે આ શીખવું એ તણાવદાયી હશે. આ પરથી એક વાત દરેકે સમજવી જોઈએ કે બાળકને જ્યારે કોઈ વિષયમાં રસ હોય તો તેમાં તેને સ્ટ્રેસનો અનુભવ નહીંવત થાય છે, પણ જ્યારે તેને એમ લાગે કે કોઈ પરિસ્થિતિ અથવા પડકાર તેની સહનશક્તિની બહાર છે ત્યારે તેનું મગજ આ દરેક વસ્તુને અલગ રીતે પ્રોસેસ કરે છે અને તેના જીવન પર તેની નકારાત્મક અસર થાય છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ તો જ્યારે બાળક પહેલા ધોરણમાંથી બીજામાં જાય છે ત્યારે જ તે બીજા ધોરણનાં અભ્યાસક્રમને સમજવા માનસિક રીતે સક્ષમ થાય છે. બીજા ધોરણના બાળકને જો દસમા ધોરણમાં બેસાડવામાં આવે તો તેને માટે તે ક્ષમતાની બહારની વાત થઈ જશે. એથી દરેક બાળકના માતા-પિતાએ તેમના બાળકની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને એટલા જ પડકારો આપવા જોઈએ જેનાથી થોડા-ઘણા અંશે બાળકમાં નિર્માણ થતો સ્ટ્રેસ તેને કંઈક નવું શીખવાડી શકે.’
સ્કૂલની રાબેતા મુજબની જિંદગીમાં અને પરીક્ષાના સમયમાં બાળકો થોડો તણાવ અનુભવે છે, પણ તેઓ લગભગ તો આ નિયમિત રીતે આવતા ટેન્શનથી ટેવાયેલા હોય છે અને તેને સહન કરવાની ક્ષમતા પણ તેઓમાં હોય છે. દર વર્ષની આ પરીક્ષાઓમાંથી તેઓ જ્યારે પસાર થાય છે ત્યારે સફળતાપૂર્વક પાસ થનાર વિદ્યાર્થીઓ વધારે આત્મવિશ્વાસવાળા દેખાય છે. આ જ છે સ્ટ્રેસની સકારાત્મક અસરનું ઉદાહરણ.
આ નિષ્ણાતોની વાતો પરથી એક વાતનું તારણ નીકળે કે બાળકને જો નાના-નાના પડકારોની આદત પાડશો તો તેનાથી ઉદ્ભવતા સ્ટ્રેસને તેઓ માણી શકશે, સરળતાથી તેઓ આવા પડકારોને સ્વીકારી એમાંથી બહાર આવવાના રસ્તાઓ સફળતાપૂર્વક શોધી શકશે. સરવાળે તેમનું વ્યક્તિત્વ અને માનસિક ક્ષમતા પણ નિખરશે. બાકી જો તેની ક્ષમતા સમજ્યા વગર તેની પાસેથી મોટી અપેક્ષાઓ રાખશો અને જો તમારું બાળક એમાંથી ખરું નહીં ઊતરે તો તેના જીવન પર આવા સ્ટ્રેસની નકારાત્મક અસર થવાની શક્યતા પણ રહેલી છે. એથી બાળકની માનસિકતાને સમજી તેને એક-એક દાદરો ચઢાવી
ધીરે-ધીરે જીવનમાં આવનારા પડકારો માટે સક્ષમ બનવાની પ્રેરણા આપો. માતા-પિતા તરીકે બાળકની દરેક સિદ્ધિઓના વખાણ કરો, જેથી તેનો આત્મવિશ્વાસ વધતો રહે.



જ્યારે બાળક પહેલા ધોરણમાંથી બીજામાં જાય છે ત્યારે જ તે બીજા ધોરણનાં અભ્યાસક્રમને સમજવા માનસિક રીતે સક્ષમ થાય છે. બીજા ધોરણના બાળકને જો દસમા ધોરણમાં બેસાડવામાં આવે તો તેને માટે તે ક્ષમતાની બહારની વાત થઇ જશે. માતા-પિતાએ બાળકની માનસિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને એટલા જ પડકારો આપવા જોઈએ જેનાથી બાળકમાં નિર્માણ થતો સ્ટ્રેસ તેને કંઈક નવું શીખવાડી શકે - ડૉ. મલય દવે, ચાઇલ્ડ-સાઇકિયાટ્રિસ્ટ


જ્યારે પણ કોઈ મુશ્કેલ સંજોગો અથવા પરિસ્થિતિમાંથી કોઈ વ્યક્તિ સફળતાપૂર્વક બહાર આવે છે ત્યારે તે પૉઝિટિવ સ્ટ્રેસ સાબિત થાય છે, જેનાથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ડર્યા વગર કઈ રીતે એનો સામનો કરી શકાય એનો આત્મવિશ્વાસ વધે છે. એનાથી સ્વાભિમાનમાં પણ વધારો થાય છે - હેતા શાહ, સાઇકોલૉજિસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:45 PM IST | Mumbai Desk | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK