Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રાચીન અને ઐતિહાસિક નગરી ખંભાતની કેટલીક રસપ્રદ માહિતી

પ્રાચીન અને ઐતિહાસિક નગરી ખંભાતની કેટલીક રસપ્રદ માહિતી

19 January, 2020 04:52 PM IST | Mumbai Desk
chimanlal kaladhar

પ્રાચીન અને ઐતિહાસિક નગરી ખંભાતની કેટલીક રસપ્રદ માહિતી

પ્રાચીન અને ઐતિહાસિક નગરી ખંભાતની કેટલીક રસપ્રદ માહિતી


ગંધારના વતની શેઠ રાજિયા-વાજિયા નામની બંધુ બેલડી ખંભાતમાં આવીને વસી હતી. અહીં તેમનો વ્યાપાર ખૂબ વિસ્તર્યો હતો. સં. ૧૬૬૧માં એ સમયે પડેલા મહાદુષ્કાળમાં તેમણે હજારો મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યું હતું. જરૂરતમંદોને શરીર ઢાંકવા વસ્ત્રો આપ્યાં હતાં. એક જ વર્ષમાં તેમણે આ સેવાકાર્ય માટે એ સમયે ૨૩ લાખ રૂપિયા ખર્ચીને લાખો લોકોને નવું જીવન આપ્યું હતું. આવી લોકસેવાથી આ બંધુ બેલડીનું માન એટલું વધી ગયું હતું કે ફાંસીની સજા પામેલા લોકો પણ તેમનું નામ લેતા તે સજા ફરમાવનાર રાજા કે અમલદારને અભયદાન આપવું પડતું. પંન્યાસ શીલવિજયે રચેલા ‘તીર્થમાળા’માં એ બંધુ બેલડીની પ્રશસ્તી ગાતા કહેવાયું છે કે-

‘પારેખ રાજિયા-વાજિયા,
શ્રી વંશે બહુ ગાજિયા,
પાંચ પ્રાસાદ કરાવ્યા,
ચંગુ, સંઘ, પ્રતિષ્ઠા મન ને રંગ,
જેની ગાદી ગોઆ બંદરે,
સોવન છત્ર સોહે ઉપરે,
કોઈ ન લોપે તેહની લાજ,
નામે શીશ ફિરંગી રાજ.



આ દાનવીર બંધુઓએ પાંચ જિનાલયો બનાવ્યાં હતાં તે પૈકી ખંભાત પાસેના નેજા ગામમાં શ્રી ઋષભદેવ પ્રભુનું, નજીકના વરડોલા ગામ શ્રી કરેડા પાર્શ્વનાથનું, શ્રી નેમિનાથ ભગવાનનું અને બીજું એક એમ ચાર મંદિરો અને ખંભાત નગરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું હતું. સં. ૧૬૪૪ના મળી આવેલા એક શિલાલેખમાં આ જિનમંદિરોના નિર્માણનું સુંદર વર્ણન મળે છે. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાના તથા મધ્યકાલીન સાહિત્યમાં જેમને રસ હોય તેવા વિદ્વાનો માટે અહીંના જ્ઞાન ભંડારોમાં અઢળક સાહિત્ય સામગ્રી સચવાયેલી છે. ભોંયરા પાડામાં આવેલ શ્રી શાંતિનાથ જૈન તાડપત્રીય જ્ઞાનમંદિર ખંભાતનો જ્ઞાનનો ખજાનો છે. આ જ્ઞાન ભંડારમાં હજારો વર્ષ પ્રાચીન તાડપત્રીય આગમગ્રંથો અને અન્ય સાહિત્ય આજે પણ સુરક્ષિત છે. અહીંના જ્ઞાન ભંડારોમાં સચિત્ર તાડપત્રીય ગ્રંથો જોઈને ખપી લોકો વિસ્મય પામે છે. અદ્ભુત ચિત્રમય કલાના ભંડાર સમા આ ગ્રંથો ભારતીય જ્ઞાન-સાહિત્યનો અમર વારસો છે. અહીંના શ્રી નેમિસૂરિ જ્ઞાન ભંડારમાં ૨૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે. શ્રી નીતિસુરિ જ્ઞાન ભંડારમાં ૫૦૦ જેટલા પ્રાચીન ગ્રંથો છે. શ્રી કમલસૂરિ જ્ઞાન ભંડારમાં પણ પ્રાચીન ગ્રંથોનો અદ્ભુત ખજાનો છે.


ખંભાત અતિ પ્રાચીન નગર છે. અહીંના વિશાળ ગગનચૂંબી જિનમંદિરો એ સમયે થયેલા મુસ્લિમોના આક્રમણોથી નષ્ટ થયાનો દુ:ખદ ઇતિહાસ છે. આવા આક્રમણ સમયે અગમચેતી વાપરીને અહીંના શ્રેષ્ઠીઓએ કેટલાંયે મંદિરોની મૂળનાયક સહ અન્ય પ્રતિમાઓ જમીનમાં ભંડારી દીધી હતી. આજે પણ અહીંના જૂનાં મકાનોનાં સમારકામ કરતા આવાં મંદિરોની પ્રતિમાઓ અને તેના અવશેષો મળી આવે છે.

ખંભાતમાં થયેલ કવિ ઋષભદાસ અને અન્ય રચનાકર્તાઓએ પોતાની કૃતિઓમાં સોળમાં સૈકાના ખંભાતનું આબેહૂબ કરેલ વર્ણન આજે પણ છુપાયેલા ઇતિહાસ પર એક નવો પ્રકાશ પાડે છે. કવિ ઋષભદાસે તેમના ‘ઋષભદાસ રાસ’માં લખ્યું છે કે ‘ત્રંબાવતી-ખંભાત નગરી ઘણી સારી છે. ત્યાં ઇન્દ્ર જેવા પુરુષો અને પદ્મિની જેવી સ્ત્રીઓ વસે છે. ત્યાં ઘણાં વહાણો અને વખારો છે. ઘણા વેપારીઓ ત્યાં વસે છે. સમુદ્રની લહેરો આવે છે અને તેનું પાણી શોભી રહ્યું છે. આ નગરમાં ત્રણ દરવાજા છે. (જે આજે પણ મોજૂદ છે) નગરને ફરતો કોટ અને ઘણા દરવાજા છે. તેનો રાજા બાદશાહ જહાંગીર છે. ત્યાં ૮૫ ઊંચા જિન મંદિરો-પ્રાસાદો છે. ૪૨ પૌષધશાળા-ઉપાશ્રયો છે. આવા ખંભાતનગરમાં ઘણી વસ્તી છે.’


કવિ ઋષભદાસ કૃત ‘શ્રેણિક રાસ’માં કહેવાયું છે કે ‘ખંભાત સઘ‍‍ળા નગરોમાં પ્રસિદ્ધ છે. તેને ફરતો ત્રાંબાનો અદ્ભુત કોટ છે. ત્રણ દરવાજા અને કોટ ઉપર બૂરજો છે. સાગરની લહેરો છે, અને ત્યાં ઘણાં વહાણો આવે છે. કનક અને રત્નોને વરેલા વેપારીઓ ત્યાં વસે છે. ત્યાંના જૈન વણિકો ૮૫ જિનમંદિર અને ૪૨ ઉપાશ્રયો વચ્ચે વસે છે. ત્યાં જૈન સાધુઓને ગોચરી સુલભ છે. અહીં મુનિઓ હોંસથી રહે છે. વણિકો ખાવા-પીવાના રસિયા છે, શાસ્ત્ર શ્રવણના પણ રસિયા છે.’

‘હીરવિજયસૂરિ રાસ’માં કવિ ખંભાતનું વર્ણન કરતા લખે છે કે ગુજરાતનાં બધાં નગરોમાં ત્રંબાવતી-ખંભાત ચડિયાતું નગર છે. એ આખા દેશના શણગાર સમું છે. ગુજરાતમાં ઘણા પંડિતો વસે છે પણ ખંભાતના પંડિતો આગળ તે સર્વ હારી જાય છે. ત્યાં અઢારે આલમના લોકો વસે છે. તેમનામાં વિવેક અને વિચારોના મોટા ગુણો છે. બધા વર્ણના લોકો સાધુઓની ભક્તિ કરે છે. ત્યાં ઘણાં શ્રીમંત લોકો વસે છે. એ ગુણવાન લોકો પટોળા પહેરે છે. તેઓ સોનાના ત્રણ આંગળ પહોળા કંદોરા અને સોનાના માદ‍ળિયા પહેરે છે. તેઓ રૂપાની સાંકળીવાળી કુંચીઓ રાખે છે. ગળામાં સોનાની સાંકળી પહેરે છે. ત્યાંના વણિકો મોટા દાતાર છે. તેઓ શાલ ઓઢે છે અને પાંત્રીસ ગજની લાંબી પાઘડી પહેરે છે. તેઓ ઝીણા ઝંગા-અંગરખા પહેરે છે. કેડે નવ ગજ લાંબી અને સવાગજ પહોળી છેટી બાંધે છે. કોઈ માથે ચાર રૂપિયામાં મળતું ફાળીયું પણ બાંધે છે, કોઈ કોઈ તો સાઠ રૂપિયાની પછેડી કે પામરી પણ વાપરે છે. કોઈ સો રૂપિયાની રેશમી કભા પણ પહેરે છે. તેઓ હાથે બેરખા અને ઘણી વીંટી પહેરે છે-જાણે કે સ્વર્ગના દેવો ન હોય! પગે સુંવાળા જોડા પહેરે છે, તેઓ સુગંધી તેલ અને ફૂલોથી સ્નાન કરે છે. શરીરે લેપ લગાડે છે. માથે તિલક કરે છે અને પાન ખાય છે. અહીં સ્ત્રીઓ રંભા સમાન છે. ઘણા શણગાર સજે છે. તેઓ પતિ સામે બોલતી નથી. આવા ખંભાત નગરમાં સમુદ્રની લહેરો આનંદ આપે છે. ત્યાં વહાણો અને વખારોનો પાર નથી. લોકો વેપારમાં રચ્યા-પચ્યા રહે છે. માણેક ચોકની બજારમાં માણસો પુષ્કળ ભેગા થાય છે. તેર દોકડાની એક શેર દોડી મળે છે. ત્યાં એવા શોખીન લોકો વસે છે કે જે દાન કરવામાં અને ન્યાતવરા કરવામાં કદી પાછા પડતા નથી. લોકો જેટલા શોખીન છે તેટલા દયાળું પણ છે. પ્રાણીઓને કતલ ખાનેથી છોડાવી તેમને પાળે છે. બીજા લોકોના દુ:ખ દૂર કરે છે. માંદા પુરુષોની માવજત કરી તેમને સાજા કરે છે. જીવદયા પ્રતિપાળ શ્રાવકો ઘેટાં, ભેંસો વગેરેની સંભાળ લે છે. ત્યાં ૮૫ જિનમંદિરો છે. જ્યાં ધજાઓ ફરકે છે, તોરણો લટકે છે, ઘંટોના નાદ સંભળાય છે. ત્યાં ૪૫ પૌષધશાળા-ઉપાશ્રયો છે. જ્યાં વાચા‍ળ વિદ્વાન મુનિઓ વ્યાખ્યાન આપે છે. પડિક્કમણું, પૌષધ, પૂજા વગેરે પુણ્ય કરતા લોકો દિવસો પસાર કરે છે. વ્યાખ્યાનમાં પ્રભાવનાઓ થાય છે. પ્રાય: સ્વામીવાત્સલ્ય પણ થાય છે. ઉપાશ્રય, દેરાસર, દુકાનો એકમેકની નજીક છે. ત્યાં સ્થંડીલ તથા ગોચરી માટેના સ્થાન સુલભ છે. તેથી ત્યાં આવવાનું મુનિઓ પ્રાયે વધુ પસંદ કરે છે. કવિ ઋષભદાસના સમકાલીન સેનસૂરિજી, જયસાગરજી, સ્થાનસાગરજી વગેરેએ પણ પોતાની કૃતિમાં ખંભાતનું રસપ્રદ વર્ણન કર્યું છે.
વર્તમાન સમયમાં ખંભાતમાં હાલ ૭૨ જિનાલયો છે. તેમાં ૧૦૯૪ આરસની પ્રતિમાઓ, ૧૨૯૧ ધાતુની પ્રતિમાઓ, એક નિલમની પ્રતિમા, ૨૪ ચાંદીની પ્રતિમાઓ, ૩ રત્નની પ્રતિમાઓ, ૧૬ સ્ફટીકની પ્રતિમાઓ, ૧૪૬ ચાંદી અને અન્ય ધાતુની પ્રતિમાઓ છે. ખંભાતથી વડોદરા ૮૦ કિ. મી., માતર ૪૨ કિ.મી. અને નૂતન તીર્થ મણિલક્ષ્મી ૨૦ કિ.મી.ના અંતરે આવેલ છે. અહીં દંતારવાડા અને માણેકચોકમાં ઊતરવા-જમવાની સુંદર ધર્મશાળા-ભોજનશાળાની સુવિધા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2020 04:52 PM IST | Mumbai Desk | chimanlal kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK