સોહરાબુદ્દીન ચુકાદો અપેક્ષિત છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાન

Published: 24th December, 2018 21:04 IST | Ramesh Oza

આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે

સોહરાબુદ્દીન શેખ
સોહરાબુદ્દીન શેખ

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા છે જેમાં ગ્થ્ભ્ના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ છે. ચુકાદો અપેક્ષિત હતો એટલે કોઈનેય એમાં આંચકો લાગ્યો નથી કે આર્ય થયું નથી. હવે અમિત શાહે અને બીજા આરોપીઓએ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે દિલ્હીની વડી અદાલતમાં સજ્જન કુમારના કેસનો ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જેવા કોઈ ન્યાયમૂર્તિઓ સાથે પનારો ન પડે અને બાકીની જિંદગી હેમખેમ પૂરી થઈ જાય.

આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે. વ્યવસ્થામાં એવા કેટલાક લોકો આવી જાય છે જે હાર્યા વિના, વેચાયા વિના કે ડર્યા વિના નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઝઝૂમે છે. તેમનો અંતરાત્મા તેમને જંપવા દેતો નથી. સામા પક્ષે રાજકીય પરિસ્થિતિ બદલાય છે ત્યારે ડરીને મૂંગા થઈ ગયેલા લોકો બોલવા લાગે છે. એટલા માટે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એ માટે પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે.

અદાલતોમાં કોઈ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે આરોપીઓ સો ટકા નિર્દોષ હતા. આપણે કાયદાના રાજ્યમાં શ્રદ્ધા રાખીને જીવવાનું છે અને ન્યાયતંત્ર એની કરોડરજ્જુ છે એટલે અદાલત જે ફેંસલો આપે એ આપણે એક વફાદાર નાગરિક તરીકે કબૂલ કરવું રહ્યું. માત્ર પેલી શંકાની સોય મનમાં સળવળે છે. શંકા કરવા માટે કેટલાં ઉદાહરણો આપવાં? ૧૯૮૪માં દિલ્હીના સિખોનો નરસંહાર, ૧૯૮૯માં થયેલો ભાગલપુરનો હત્યાકાંડ, ભોપાલ ગૅસગળતર, ૧૯૯૩માં મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડો, કંધમાલ, ગુજરાત, મુઝફ્ફરનગર, માલેગાંવ, મક્કા મસ્જિદ, સમઝૌતા એક્સપ્રેસ કેટકેટલા ઘૃણાસ્પદ અને શરમજનક બનાવો બન્યા છે જેમાં નિર્દોષ લોકોને નથી ન્યાય મળ્યો અને ગુનેગારોને સજા થઈ નથી. સરકાર કોઈની પણ હોય, ન્યાય થતો નથી. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકર નામના રૅશનલિસ્ટની હત્યા ૨૦૧૩માં થઈ હતી જ્યારે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર હતી. એ પછી કૉન્ગ્રેસે એક વરસ શાસન કર્યું હતું, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. આવી જ રીતે ગોવિંદ પાનસરે, કુલ્બુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ થઈ ત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારો હતી.

માટે કહેવું પડે છે કે આવા રાજકીય લાભાલાભથી પ્રેરાઈને થતા ગુનાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે તેઓ નિર્દોષ હતા. નસીબ સારાં હોય તો હેમખેમ જિંદગી પૂરી કરીને ઉપર જતા રહે અને સજ્જન કુમારની જેમ નસીબ ફૂટેલાં હોય તો દિલ્હીની વડી અદાલતના જજો જેવા જજો ભટકાઈ જાય અને જતી જિંદગીએ જેલમાં પણ જવું પડે. એટલા માટે નિર્દોષ છૂટેલા મહામાનવોએ કમસે કમ આજીવન પ્રાર્થના કરતી રહેવી.

એમ લાગે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો ચુકાદો આપનારા જજ એસ. જે. શર્મા સંવેદનશીલ માણસ છે. તેમણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓના પરિવારજનોની ન્યાય ન કરી શકવા બદલ માફી માગી છે. તેમણે કહ્યું છે કે સીબીઆઈ આરોપીઓ સામે કેસ જ સ્થાપિત કરી શકી નથી. અધ્ધર પુરાવાઓ વિનાના આરોપોમાં સજા કેવી રીતે કરવી અને કોને કરવી? સરકારી વકીલે ૨૧૦ સાક્ષીઓની જુબાની લીધી હતી જેમાંથી ૯૨ સાક્ષીઓ પાછળથી ફરી ગયા હતા. જે સાક્ષીઓ ફરી ગયા એ ગુનો સાબિત કરવા માટે ચાવીરૂપ સાક્ષીઓ હતા. એ સાક્ષીઓ શેને કારણે ફરી ગયા એ સમજવા માટે આઇન્સ્ટાઇનના દિમાગની જરૂર નથી. જજે સરકારી વકીલનાં વખાણ કયાર઼્ છે અને કહ્યું છે કે જ્યારે સાક્ષીઓ ફરી જાય અને સીબીઆઈ મજબૂત તપાસ કરીને કેસ સ્થાપિત કરીને ન આપે ત્યાં બિચારા વકીલ શું કરે?

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં અદાલતો છેલ્લે આવે છે. એ પહેલાં જ તપાસકર્તાઓ કેસનું કાસળ કાઢી નાખે છે. સરખી તપાસ કરે નહીં, સમયસર તપાસ કરે નહીં, પુરાવાઓનો નાશ થવા દે, સાક્ષીઓ ફરાર થઈ જાય, કોઈનાં રહસ્યમય મૃત્યુ થાય, સાક્ષીઓ ફરી જાય, કાચાં આરોપનામાં હોય અને એ પછી પણ જો કોઈ જજ સક્રિયતા અને સ્વતંત્રતા બતાવે તો જજોની બદલીઓ થાય અને જરૂર પડે તો જજોનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય, જેમ સોહરાબુદ્દીન કેસનો ખટલો સાંભળનારા જજ લોયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આટઆટલાં ગાબડાં પછી ખટલો અદાલતમાં ચાલે ત્યારે જજ શું ચુકાદો આપે? જજ જો મહkવાકાંક્ષી હોય તો અનુકૂળ ચુકાદો આપીને પ્રમોશન મેળવી લે અને જો સંવેદનશીલ હોય તો માફી માગી લે. સજ્જન કુમાર જેવા ચમત્કાર તો ત્યારે બને જ્યારે રાજકીય તખતો પલટાયો હોય અને બીજી બાજુ જજ અને તપાસકર્તા અધિકારીઓની કુંડળી મૅચ થઈ જાય. હજી એક વાત. તપાસકર્તા અધિકારીઓ પુરાવાઓને રફેદફે કરે છે, એનો નાશ નથી કરતા. તેઓ એની લાંબા ગાળાની કિંમત જાણે છે.

આમ પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો આવ્યો છે એનાથી કોઈનેય આંચકો નથી લાગ્યો કે નથી આશ્ચર્ય થયું. બધું જ અપેક્ષા મુજબ બન્યું છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK