શોરબકોર વચ્ચે કોઈ શાંત વનમાં ગુંજતા પંખીના ટહુકા કાને પડે તો!

તરુ કજારિયા | Apr 02, 2019, 11:16 IST

બૂમબરાડાના બૉમ્બમારા વચ્ચે અચાનક કોઈ શાંત હરિયાળા વનવગડામાં ગુંજતાં પંખીઓના ટહુકા કાને પડે તો!

શોરબકોર વચ્ચે કોઈ શાંત વનમાં ગુંજતા પંખીના ટહુકા કાને પડે તો!
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

કુદરતનું સંગીત તન-મનને ઊર્જાથી છલકાવી દે તેવું છે. ઇન્ટરનેટ નામના અફાટ સમુદ્રમાં અનેક સુંદર મોતીઓ પડ્યાં છે જે મનને કુદરતથી જોડી આપવાનું કામ કરે. એવા જ એક મોતીની આજે વાત કરવી છે

ગયા અઠવાડિયે મુંબઈમાં ગરમીનો પારો આવનારા દિવસોની એંધાણી આપતો હોય એમ ચાલીસ પાર કરી ગયો અને હવામાન વિભાગની આગાહી તો કંઈક એવી છે કે ‘પિક્ચર અભી બાકી હૈ દોસ્ત’! ઉનાળામાં ત્રાટકતો આ તપારો તો વાર્ષિક રૂટીન છે, પરંતુ આવતે મહિને શરૂ થતી લોકસભાની ચૂંટણીના ચૂંટણીપ્રચારનો તાપ અને દાહ તો દિવસે ને દિવસે અસહ્ય બનતો જઈ રહ્યો છે. ન્યુઝ ચેનલ્સ હોય, ડિજિટલ મિડિયા કે પ્રિન્ટ મિડિયા ચોફેર આક્ષેપો-પ્રત્યાક્ષેપોના બૂમબરાડા અને પ્રહારોની ઝડી વરસી રહી છે. એ જોઈ કે સાંભળીને માણસના મનમાં અસહ્ય ઉકળાટ અને અફાટ અશાંતિ ઊપજવા સિવાય બીજું કંઈ જ ઊગી ન શકે. કોણ કેટલું સાચું અને કોણ કેટલું હાંકે છે તેની ગમ જ ન પડે. મતદાતાને મૂંઝવવાની જાણે હોડ ચાલી રહી હોય અને એ મૂંઝાયેલા મતદાતાએ મૂંઝવણની મૂઢ અવસ્થામાં પોતાના પક્ષના ઉમેદવારના નામ સામે મતું મારી દે એ જ જાણે રાજકીય પક્ષોની નેમ હોય એમ લાગે છે. ખરેખર, આ રાજકીય તાપનો દાહ એટલો તો બિહામણો છે કે એપ્રિલ-મે કેમ કરીને વીતશે એ વિચારે ડર લાગે છે!

આવા કર્કશ કોલાહલ અને બૂમબરાડાના બૉમ્બમારા વચ્ચે અચાનક તમને કોઈ શાંત હરિયાળા વનવગડામાં ગુંજતાં પંખીઓના ટહુકા સાંભળવા મળે તો! એય માત્ર સાંભળવા જ નહીં, સો સો એ રંગબેરંગી ટહુકાકારને અને તેના નખરાળા લહેકાને પણ નીરખવાની તક મળી જાય તો? વળી એ માટે તમારે કોઈ જંગલસફારીનું કે ટ્રેન-ફ્લાઇટનું બુકિંગ કરાવવાની પણ જરૂર ન હોય તો? હા, આજે ઇન્ટરનેટ પર એક મિત્રનો સંપર્ક શોધતાં શોધતાં અચાનક આંખે ચડી ગયેલા અને કાને પડી ગયેલા એવા જ એક ખજાનાની વાત કરવી છે.

લૅન્ગ એલિયટ નામનો એક અમેરિકન સાઉન્ડ રેકૉર્ડિસ્ટ કુદરતના ગળાડૂબ પ્રેમમાં છે, ખાસ કરીને કુદરતના વિવિધ અવાજોના પ્રેમમાં છે. દુનિયાનો પચીસ લાખ માઈલનો પ્રવાસ કરીને તેણે કુદરતના અઢળક અવાજો સાંભળ્યા છે અને તેને થ્રી-ડી બાયનૉરલ રેકૉર્ડિંગ ટેક્નિકથી રેકૉર્ડ કર્યા છે. આ રેકૉર્ડરની વિશિષ્ટતા એ છે કે માણસ જેમ બે કાને સાંભળે છે તેમ જ એ બે બાજુથી અવાજ ઝીલે છે. આને કારણે આમાં રેકોર્ડ કરેલા અવાજો આપણે મૂળ અવાજ સાંભળતાં હોઈએ એવા જ લાગે છે.

ગીચ જંગલોમાં ચહકતાં પંખીઓના સંગીત, વૃક્ષોનાં પર્ણો અને શાખાઓના મર્મર, પંખીઓની પાંખોનો ફરફરાટ, ઊંચા-ઊંચા પહાડોમાં પડઘાતા ઝીણા-ઝીણા અવાજો, ખળખળ વહેતી નદીઓનો નિનાદ, દરિયામાં ઘૂઘવતાં મોજાં, ભરતી અને ઓટના જુદા-જુદા અવાજો, ગરજતી વીજળી, વહેતા પવન કે વાવંટોળ અને વરસતા વરસાદનાં ફોરાંનાં અવાજો લૅન્ગે પોતાના આ અત્યંત ઍડવાન્સ્ડ રેકૉર્ડર પર ઝીલ્યાં છે. લૅન્ગ પોતાના આ ઑડિયો-વિઝ્યુઅલ્સને ‘સાઉન્ડસ્કૅપ’ તરીકે ઓળખાવે છે. ત્રણ દાયકાથી લૅન્ગ આ ‘સાઉન્ડસ્કૅપ્સ’ સરજી રહ્યો છે. આ માટે તે દુનિયાનાં સેંકડો જંગલો, દરિયા ને નદીકિનારાઓ, અને પહાડો અને મેદાનો ખૂંદી વળ્યો છે. પંખીઓ, જળચરો અને કેટલાંક પ્રાણીઓના અવાજોને તો એ એટલા નજીકથી અને ઊંડાણથી ઓળખી ગયો છે કે તેને ખબર પડે છે કે કયા અવાજનો અર્થ શું થાય છે! બીજો તેને અનુભવ થયો કે આ બધા કુદરતી અવાજોમાં એક પ્રકારનો હિલિંગ પાવર છે. આ અવાજોને એકચિત્તે સાંભળતાં તેણે ઘણી વાર ગજબની શાતા અનુભવી. કેટલાક અવાજો સાંભળતાં થાકેલા તન-મનમાં જાણે ઊર્જા‍નો સંચાર અનુભવ્યો તો કેટલાકથી ઘોંઘાટિયો કોલાહલ પણ. લૅન્ગે આ બધા ધ્વનિઓની જુદી-જુદી વિડિયો ક્લિપ્સ બનાવી છે. સાથે જ એ અવાજ કોનો છે, ક્યાં અને ક્યારે ઝીલ્યો છે તે સ્થળ કે પંખીઓનું સુંદર અને સર્જનાત્મક્ વર્ણન પણ ટૂંકાણમાં લખ્યું છે. એ વિડિયો જોતાં એક અદ્ભુત પ્રકૃતિપ્રેમી, કળાત્મક ફોટોગ્રાફર, બાહોશ સાઉન્ડ રેકૉર્ડિસ્ટનો પરિચય મળે છે તો સાથેનું લખાણ વાંચતાં એક સર્જનાત્મક કલમનો સ્પર્શ અનુભવાય છે. આવી અનેક વિડિયોક્લિપ તેની સાઇટ musicofnature.com ઉપર માણી શકાય છે. ખરું કહું તો એવી કેટલીક ક્લિપ્સનો આનંદ માણ્યા બાદ થયું, આટલો સુંદર ખજાનો વહેંચ્યા વગર કેમ રહેવાય?

એ સાઉન્ડસ્કૅપ્સ માણતાં માણતાં વિચાર આવ્યો કે મોબાઇલ કે ટીવી પર વાહિયાત કાટૂર્ન કે કાર્યક્રમો જોયા કરતાં બાળકોને કુદરતના આ આશ્ચર્યજનક ભંડારનો અનુભવ કરાવ્યો હોય તો! દુનિયામાં પ્રકૃતિએ કેટકેટલાં વિવિધતાસભર સર્જનો નિહાળવાની, તેમના વિશે જાણકારી મેળવવાની તેમના અવ-નવા અવાજો સાંભળવાની બાળકોને કેટલી મજા આવે? આ જ રીતે પર્વતારોહણ કે દરિયો ખેડવા જતા લોકોના અનુભવો આલેખતી ફિલ્મો કે વિડિયોઝ પણ બાળકોને દેખાડી શકાય. આવાં સાહસો કે સર્જનાત્મક કાર્યો પ્રત્યે બાળકોમાં આકર્ષણ અને રુચિ કેળવી શકાય તો આપોઆપ તેમને ટીવી પર સતત પીરસાતા રહેતા ઢંગધડા વગરના કાર્યક્રમોમાંથી રસ ઊડી જાય. બીજું, આ જોવાથી તેમને પોતાને પણ બહાર જઈને કુદરતી વાતાવરણમાં ફરવાનું મન થશે.

આ પણ વાંચો : સોશિયલ સાયન્સઃકદર માટે મરવું પડે એ જીવનની કેવી વિચિત્રતા છે

આનાથીયે આગળ વધીને એક વિચાર એવો પણ આવે છે: ઇન્ટરનેટ નામના અફાટ સમુદ્રમાં આવાં અનેક સુંદર મોતીઓ પડ્યાં હશે. તેમાંથી ચૂંટી - ચૂંટીને બાળકોના વિસ્મય અને નવું જાણવાની વૃત્તિઓને નિખારે તેવો એક ખાસ ગુલદસ્તો બનાવ્યો હોય તો! તેમાં પ્રકૃતિ હોય, એવા નોખા-અનોખા માનવીઓ હોય, જેમણે કપરા પડકારો પાર કરીને જિંદગીને સજાવી હોય, કોઈએ જુદી રચનાત્મક રીતે જિંદગી કંડારી હોય; એવાં સ્થળો પણ હોય, જેની સાથે અનોખી સ્મૃતિઓ સંકળાયેલી હોય. આ પ્રકારની સામગ્રી એકત્રિત કરીને પછી તેમાંથી થોડીક-થોડિક નિયમિત સ્કૂલમાં જ તેમને દર્શાવી શકાય. ત્યાર બાદ એ અનુભવ વિશે બાળકો ચર્ચા કરી શકે, સવાલો કરી શકે, ઉખાણાં બનાવી શકે અને શીખવાનો એક નવો જ આયામ બનાવી શકે. આવું કંઈક કરી શકાય તો નેટ પર અફળાતા કાદવિયા કળણ જેવા હાનિકારક કન્ટેન્ટથી બાળકોને આઘાં રાખવામાં મદદરૂપ થઈ શકે. બાળમનોવિજ્ઞાન કહે છે કે બાળકને ‘એ ના કર’ વાક્ય નથી સમજાતું, કેમ કે ના કે નહીં એટલે શું એ તેમને ખબર ની. દાખલા તરીકે બાળક ગોળ ગોળ ફરતું હોય તેને કહીએ કે ગોળ નહીં ફર તો તેને સમજાતું નથી કે નહીં ફરવાનું એટલે શું! તેને બદલે આપણે તેને વિકલ્પ આપીએ કે ‘તું પેલા સોફાને અડકી આવ’ તો એ ગોળ ફરવાનું બંધ કરીને સોફા તરફ જશે. આ વાત પણ ઇન્ટરનેટમાંથી સારું શોધીને નરસાને નાથવાનો વિકલ્પ આપવાની છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK